પરમાત્માના સ્વરૂપનું ચિંતન અને ધ્યાન
By-Gujju29-04-2023
પરમાત્માના સ્વરૂપનું ચિંતન અને ધ્યાન
By Gujju29-04-2023
પરમાત્માના પરમ ઐશ્વર્યથી અલંકૃત સ્વરૂપનું ચિંતન અને ધ્યાન પોતપોતાની પ્રકૃતિ, રુચિ અથવા પસંદગીને અનુસરીને કરી શકાય છે. એને માટે કોઇ એક જ પ્રકારનો સર્વસામાન્ય નિયમ નથી લાગુ પડતો. કોઇ પરમાત્માનું સાકાર ધ્યાન કરે છે તો કોઇ નિરાકાર. જેની જેવી અભિલાષા અને અભિરુચિ. કોઇ હૃદયપ્રદેશમાં ધ્યાન કરે છે તો કોઇ વળી ભૂમધ્યમાં. કોઇ અંગુષ્ઠમાત્ર પુરુષનું હૃદયપ્રદેશમાં ધ્યાન કરે છે તો કોઇ બીજા સ્વરૂપનું. કોઇ ઇશ્વરના અવતારમાં પણ મનને કેન્દ્રિત કરીને આરાધનાનો અનેરો આનંદ અનુભવે છે. કોઇ કોઇ સાધકો ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં પ્રાણને પરોવે છે. ભગવાનની ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મને પેખે છે, ને ભાવના કરે છે કે જાણે એમનું મુખમંડળ સ્મિતથી શોભી રહ્યું છે. એમના અલૌકિક સ્વરૂપમાં અનોખી દીપ્તિ તથા શાંતિ છે.
પરમાત્માનું ધ્યાન કરતી વખતે કેટલાક સાધકો પરમાત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપે ચિંતન કરે છે ને પોતાને એમના અંશ તરીકે સચ્ચિદાનંદરૂપે અનુભવે છે. પરમાત્મા સચ્ચિદાનંદ છે તો પોતે પણ સચ્ચિદાનંદરૂપ છે એમ સમજીને એવી ભાવનુભૂતિમાં ઓતપ્રોત બની જાય છે કે લીન થાય છે. એને પરિણામે પણ સ્થિરતા તથા પરમાત્મપરતાની પ્રાપ્તિ સહજ બને છે.
પરમાત્માના ચિતન, મનન ને ધ્યાનમગ્ન બનનાર તથા ભક્તિભાવથી સંપન્ન થનાર શોક, મોહ, ભય અને અશાંતિમાંથી મુક્તિ મેળવે છે. એનું જીવન સર્વે પ્રકારની કટુતામાંથી મુક્તિ મેળવીને મધુર બને છે. અંતકાળની વાત જવા દઇએ તો પણ પોતાના જીવનમાં જે આત્મવિકાસની સાધનાનો આધાર લે છે તે સાધક જેમજેમ આગળ વધે છે તેમતેમ એનું જીવન મધુમય થતું જાય છે. એનું મન મધુમય, એના ભાવો કે વિચારો મધુમય, એની વૃત્તિ. દૃષ્ટિ તથા વાણી મધુમય અને એનો વ્યવહાર પણ મધુમય. એની અંદર કોઇયે પ્રકારની કટુતા કે મલિનતા નથી રહેતી. પરમાત્મા પોતે મધુમય હોવાથી એમની પાસે પહોંચવાની પ્રવૃત્તિ કરનાર મધુમય બન્યા વિના રહી જ ના શકે. જો એ મધુમય ના બનતો હોય તો એની સાધના અધૂરી અથવા ત્રુટિપૂર્ણ છે એવું સમજી લેવું.