પ્રહલાદની કસોટી
By-Gujju29-04-2023
પ્રહલાદની કસોટી
By Gujju29-04-2023
પ્રહલાદના શબ્દો સાંભળીને હિરણ્યકશિપુ એકદમ ઉત્તેજીત થઇ ગયો. એણે ક્રોધમાં ને ક્રોધમાં પ્રહલાદને પૃથ્વી પર પછાડીને દૈત્યોને આદેશ આપ્યો કે આનો અત્યારે ને અત્યારે જ નાશ કરી નાખો. એને જીવતો નથી રાખવા જેવો. જે વિષ્ણુએ મારા ભાઇ હિરણ્યાક્ષને મારી નાખ્યો તેજ છળકપટયુક્ત વિષ્ણુની એ પ્રશસ્તિ ને પૂજા કરે છે. મને તો લાગે છે કે ભાઇનો નાશ કરનારો વિષ્ણુ જ આના રૂપમાં આવી પહોંચ્યો છે. આનો જરા પણ વિશ્વાસ નથી કરવા જેવો. શરીરનો એકાદ અવયવ જો સમસ્ત શરીરને હાનિ પહોંચાડતો હોય તો એનો નાશ કરી નાખવો જોઇએ. એ જ શ્રેયસ્કર છે. એનો નાશ કરી નાંખવામાં આવે તો શેષ શરીર સારી રીતે રહી શકે છે.
હિરણ્યકશિપુના આદેશને સાંભળીને દૈત્યો હાથમાં સુતીક્ષ્ણ ત્રિશૂળો સાથે ‘મારો, કાપો’ કરતા પોકારો પાડવા લાગ્યા. એ પ્રહલાદ પર પ્રહારો કરવા માંડ્યા તો પણ પ્રહલાદ પરમશાંતિની મૂર્તિ બનીને બેસી રહ્યો. એનું મન પરમાત્મામાં જ લાગેલું રહ્યું. પરમાત્માએ એની પરિપૂર્ણપણે રક્ષા કરી હોય તેમ એને કોઇ પણ પ્રકારની ઇજા ના થઇ. પરમાત્મા પોતાના પ્રેમી શરણાગત ભક્તની સર્વ પ્રકારે રક્ષા કરે છે અને એનો વાળ પણ વાંકો નથી થવા દેતા. પેલા સ્વાનુભવસંપન્ન ભક્ત કવિએ સાચું જ કહ્યું છે કે જેને રામ રાખે તેને કોણ મારી શકે ? પ્રત્યેક માનવ એ વિધાનનો અથવા રહસ્યવાક્યનો અનુભવ પોતાના જીવનમાં કરી શકે છે. જે આ પાર્થિવ પૃથ્વીના પુણ્ય પ્રવાસમાં પરમાત્માનું સાચા દિલથી શરણ લે છે ને સ્મરણ કરે છે તથા જે અસાધારણ અનુરાગપૂર્વક અનન્ય ભાવે પરમાત્માને ભજે છે એને પરમાત્માની વિશિષ્ટ કૃપાવૃષ્ટિનો લાભ મળે છે. એને કોઇ આપત્તિ, ચિંતા કે ભીતિ નથી રહેતી. પરમાત્મા પોતે જ એના પ્રેરક કે પથપ્રદર્શક બનીને એને દોરે છે, સુખપૂર્વક આગળ વધારે છે, અને આખરે સંપૂર્ણ સલામતીપૂર્વક ગંતવ્યસ્થાને કે પોતાની પાસે પહોંચાડી દે છે.
પ્રહલાદનો પ્રાણ તો પરમાત્માના પવિત્રતમ પ્રેમથી જ ટકી રહેલો એટલે એના જીવનની એ રસપૂર્વક રક્ષા કરે એમાં કશુ આશ્ચર્યકારક કે વધારે પડતું નહતું. એમના પોતાના ભક્તરક્ષાના સુવિખ્યાત વ્રતને એ અનુરૂપ હતું.
પ્રહલાદ પર ત્રિશૂળોના પ્રખર પ્રહારોનો પ્રભાવ ના પડ્યો એ જોઇને હિરણ્યકશિપુને અસાધારણ આશ્ચર્ય થયું. એવું આશ્ચર્ય એને સારુ સ્વાભાવિક હતું કારણ કે એને પરમાત્મામાં, પરમાત્માની અસીમ શક્તિમાં અને એમની અમોઘ કૃપાવૃષ્ટિમાં વિશ્વાસ નહતો. એ અદ્દભુત રક્ષાપ્રસંગ એના હૃદયના, એની દૃષ્ટિ તથા વૃત્તિના પરિવર્તન માટે પૂરતો હતો. એનો વિચાર કરીને એ પોતાની બુદ્ધિને બદલાવી, સુધારી, પરમાત્માના મંગલમય મહિમાને સમજીને, પરમાત્માની શ્રદ્ધાભક્તિને જગાવી ને વધારી શક્યો હોત. પરંતુ એના જીવનનું એ સદ્દભાગ્ય હજુ દૂર હતું – કોસો દૂર હતું; એટલે તો એ પ્રહલાદને માટે જાતજાતની શંકાકુશંકાઓ કરીને એના પર અત્યાચારો કરવા તૈયાર થયો.
અને એ અત્યાચાર પણ કેવા ? આજના ભક્તો કે સાધકો કોઇ સાધારણ દુઃખ આવતાં, કષ્ટ પડતાં, હાનિ પહોંચતાં કે પ્રતિકૂળતા પેદા થતાં ગભરાઇ જાય છે, રડી પડે છે, પોકારે છે, ફરિયાદ કરે છે, ને ઇશ્વરને તેમ જ ઇશ્વરભક્તિને છોડી દેવા તૈયાર થાય છે. એ એમની ઉપર દુઃખના ડુંગર પડ્યા હોય એવું માની બેસે છે ને મનાવે છે. એમની ઉપર ભક્તશિરોમણિ પ્રહલાદ જેવાં કષ્ટો પડે તો ? એમને સીતા, મીરાં ને નરસી જેવા આદર્શ આત્માઓના જેવી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે તો ? તો એ ભક્તિસાધના કરીને આગળ વધીને ઇશ્વરને વળગી રહી શકે ખરા ? સુખ ને દુઃખની, સંપત્તિની ને વિપત્તિની, અભ્યુત્થાનની અને અધઃપતનની બધીયે અવસ્થાઓમાં ઇશ્વરને શ્રદ્ધાભક્તિપૂર્વક વળગી રહેવું જોઇએ. સાચી શરણાગતિનું તથા ભક્તિનું લક્ષણ એ જ છે. એમાં કોઇ લૌકિક કે પારલૌકિક ફરિયાદ નથી હોતી, હતાશા નથી હોતી, ચિંતા અથવા અશ્રદ્ધા નથી હોતી. પ્રહલાદનું જીવન એવી રીતે આજના ને સર્વકાળના સાધકો તથા ભક્તોને માટે પ્રેરણારૂપ છે. એ જીવનમાં આપણે ધારીએ છીએ એના કરતાં ઘણો મોટો ને મહત્વનો પદાર્થપાઠ સમાયલો છે.
હિરણ્યકશિપુએ પ્રહલાદ પર જે અત્યાચારો કર્યા ને વિપત્તિની વર્ષા વરસાવી એનું વર્ણન કરતાં ભાગવતકાર કહે છે કે એણે પ્રહલાદને મોટા મોટા, મહાભયંકર, મદવાળા હાથીઓના પગ નીચે કચડાવવાની કોશિશ કરી, વિષધર સાપોના ડંખ મરાવ્યા, પુરોહિતોની મદદથી કૃત્યા રાક્ષસી પેદા કરાવી, પર્વતો પરથી એને નીચે ગબડાવ્યો, શંખરાસુરની મદદ લઇને ભાતભાતના માયાપ્રયોગો કરાવ્યા, અંધારા ઓરડાઓમાં એને કેદ કર્યો, ઝેર આપ્યું ને ભૂખે રાખ્યો. બરફવાળા સ્થાનમાં, આગમાં અને સમુદ્રમાં નંખાવ્યો, આંધીમાં છોડી દીધો, ને પથ્થરોની નીચે પીલાવ્યો.
એ વર્ણન જ કેટલું બધું વિચિત્ર ને વ્યથાજનક છે ! એનો સારસંદેશ એજ છે કે પ્રહલાદને હેરાન કરવાનો, પીડા પહોંચાડવાનો ને મારી નાખવાનો એક પણ નાનો કે મોટો પ્રયત્ન હિરણ્યકશિપુએ બાકી નહોતો રાખ્યો. અને તો પણ પ્રહલાદને, એ આદર્શ ભગવદ્દભક્તને ભગવાનની કૃપાથી કોઇ પણ પ્રકારની સહેજપણ હાનિ ના થઇ. ભગવાને એની રક્ષા કરી. એણે ભગવાનનો ને ભગવાનની ભક્તિનો પરિત્યાગ ના કર્યો.
કયું બળ વધારે બળવાન, વધારે ચિરસ્થાયી ને સનાતન છે, દૈવી સંપત્તિનું કે આસુરી સંપત્તિનું ? અજ્ઞાની લોકો ભલે કહે કે આસુરી સંપત્તિનું પરંતુ સ્વાનુભવસંપન્ન જ્ઞાની પુરુષો કહે છે કે દૈવી સંપત્તિનું બળ વધારે શક્તિશાળી અને સર્વોપરી છે. આખરે એ જ વિજયી થાય છે. વિજય ન્યાયનો, નીતિનો, માનવતાનો, સત્યનો, સમર્પણનો ને સહનશક્તિનો થાય છે; અન્યાયનો, અનીતિનો, દાનવતાનો, અસત્યનો, સ્વાર્થવૃત્તિનો અથવા અત્યાચારનો નથી થતો. થોડાક વખતને માટે કદાચ આસુરી સંપત્તિ શક્તિશાળી બનીને સફળતાને વરતી લાગે તે ભલે પરંતુ આખરે એનો મૃત્યુઘંટ વાગે છે એ ચોક્કસ છે. પરંતુ મનુષ્ય હજુ પણ એ સત્યને ક્યાં સમજ્યો છે ? એને અનુસરવા ક્યાં આગળ આવ્યો છે ? હિરણ્યકશિપુની પહેલાંના અને એના વખતના જમાનાથી માંડીને છેક આજ પર્યંત એણે આસુરી સંપત્તિનો આધાર લઇને દૈવી સંપત્તિને દબાવવાનો, નમાવવાનો, પરાસ્ત કરવાનો ને વિનષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અંતે એને પોતાને જ દબાવું, નમવું, પરાસ્ત થવું ને નષ્ટ બનવું પડ્યું છે. માનવના અલૌકિક અંતરાત્માને કદી પણ કાયમને માટે દબાવી, ડરાવી, ડગાવી કે મારી નથી શકાયો. અત્યાચારો નિરર્થક થયા છે, પીડાઓ પાંગળી પુરવાર થઇ છે, ને સત્ય સત્ય જ રહીને સોળે કળાએ શોભી ઊઠ્યું છે. सत्यमेव जयते नानृतम् । ‘સત્ય જ વિજયી થાય છે, અસત્ય નહિ’નો ધ્વનિ ચારે તરફ, દિશા અને પ્રદિશામાં, ગાજી રહ્યો છે.
હિરણ્યકશિપુના અનેકવિધ અત્યાચારોનો અંત પણ એવો જ કરુણ આવ્યો. એ અત્યાચારોની અસર પ્રહલાદ પર જરા પણ ના થઇ. ભાગવત કહે છે કે એથી એની ચિંતાનો ને પીડાનો પાર ના રહ્યો.
છતાં પણ એનું હૃદયપરિવર્તન ના થયું અને એના પ્રહલાદ પ્રત્યેના દુર્વ્યવહારમાં કશો ફેર ના પડ્યો. પ્રહલાદની પવિત્રતાની, પરમાત્માપરાયણતાની અને ઉદાત્તતાની કદર કરવાની વૃત્તિ એને ના થઇ. એના આદેશથી વિદ્યાગુરુઓ પોતાની પાઠશાળામાં લઇ જઇને એને પ્રસન્ન કરવા માટે પ્રહલાદને ધર્મ, અર્થ અને કામના ત્રિવિધ પુરુષાર્થના પાઠ શીખવવા લાગ્યા. પરંતુ પ્રહલાદ તો પરમાત્માની પવિત્રતમ પ્રેમભક્તિનો પરમકલ્યાણકારક પાઠ ભણી ચૂકેલો. એનું મન એમાં ના લાગ્યું. માનસરોવરનાં મોતીનો ચારો ચરનારા રાજહંસનું મન બીજા સામાન્ય ખાદ્યપદાર્થમાં શી રીતે લાગે ?