Sunday, 22 December, 2024

રાજા રંતિદેવની ભાવના

358 Views
Share :
રાજા રંતિદેવની ભાવના

રાજા રંતિદેવની ભાવના

358 Views

નવમા સ્કંધના એકવીસમા અધ્યાયમાં રાજા રંતિદેવના પરદુઃખભંજન પરહિતપ્રેરક જીવનનો એક નાનો સરખો પ્રસંગ આપવામાં આવ્યો છે. એ પુણ્યપ્રસંગ પ્રમાણમાં ઘણો નાનો હોવાં છતાં મહત્વની દૃષ્ટિએ ઘણો મોટો છે. આજે પણ એ એટલો જ આહલાદક, આદર્શ અને પ્રેરક છે.

એ પ્રસંગ દીન, દુઃખી, અશાંત અને અભાવગ્રસ્ત મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ ને સંવેદના જગાવીને એમને માટે કાંઇક કરી છૂટવાનો સંદેશ પૂરો પાડે છે. એવી રીતે વ્યક્તિગત હોવાં છતાં સામાજિક મહત્વ ધરાવે છે. એ પુણ્યપ્રસંગની ભાગવતમાં વર્ણવેલી વિગત આ રહી : સંસ્કૃતિના સુપુત્ર રંતિદેવ પવિત્ર જીવન જીવવાવાળા સાત્વિક સ્વભાવના સત્પુરુષ હતા. પ્રજા પ્રત્યે એમને અપાર પ્રેમ હોવાથી એ પ્રજાના હિતના કાર્યોનું અખંડ અનુષ્ઠાન કરતા રહેતા. રાજ્યના ખજાનાને રાજ્યનો સમજીને એનો વ્યક્તિગત સુખોપભોગને માટે ઉપયોગ કરવાને બદલે દૈવવશ જે મળે તેના પર પોતાનો ને પોતાના પરિવારનો નિર્વાહ કરતા. એમની અપરિગ્રહવૃત્તિ અને એ વૃત્તિની સાધના અસાધારણ હતી. નિર્મમતા, નિરાભિમાનીતા, નિઃસ્વાર્થતા ને નિર્મળતાનો તો એ અવતાર જ હતા. એમના અંતરમાં આસક્તિનો અંકુર ઉત્પન્ન જ થતો નહોતો, પછી એનો અંત આણવાનો પ્રશ્ન જ ક્યાંથી પેદા થાય ? એમના નિયમોને લીધે કેટલાકવાર એમને પ્રતિકૂળતા અથવા પીડાનો સામનો કરવો પડતો તો પણ એવો સામનો સ્મિતપૂર્વક કરવાની અસાધારણ આત્મશક્તિથી એ સંપન્ન હતા. એમની લોકોત્તર યોગ્યતાને જોઇને લોકો આશ્ચર્યમાં પડતા, અને એમના પ્રત્યે અનેરો આદરભાવ ધરાવતા.

એકવાર રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા થવાથી એમને અડતાલીસ દિવસનું અનશન કરવું પડ્યું. ઓગણચાલીસમા દિવસે એમને ખીર, ઘી, શીરા તથા પાણીની પ્રાપ્તિ થઇ. એથી પ્રસન્ન થઇને પોતાના ક્ષુધાર્ત પરિવાર સાથે એમણે ભોજનની તૈયારી કરી ત્યાં જ એક બ્રાહ્મણ-અતિથિએ આવીને ભોજનની યાચના કરી. સૌની અંદર પરમકૃપાળુ પરમાત્માનું દર્શન કરવા ટેવાયેલા રંતિદેવે એ અતિથિને પરમાત્મસ્વરૂપ સમજીને ખૂબ જ પ્રેમથી ભોજન કરાવ્યું. બાકીના ભોજનને અંદર અંદર વહેંચીને એમણે ભોજનની તૈયારી કરી ત્યાં તો બીજો શુદ્ર-અતિથિ આવી પહોંચ્યો. રંતિદેવે એને પણ ભોજન કરાવીને પ્રસન્ન કર્યો. એ પછી કુતરાઓને લઇને ત્રીજો અતિથિ આવ્યો. એમની અંદર પણ પરમાત્માનું દર્શન કરીને બાકીનું બધું જ ભોજન એમણે એની માગણીથી એને આપી દીધું. એ પછી કેવળ પાણી શેષ રહ્યું. એ પણ એક જણને પીવા જેટલું શેષ રહેલું. એને પીને એ પરિવાર સાથે તૃષાને છીપાવે તે પહેલાં તો ત્યાં એક ચાંડાલ આવી પહોંચ્યો ને પાણી માંગવા માંડ્યો. રંતિદેવે એની અંદર ભગવાનના સ્વરૂપની ઝાંખી કરીને એને પાણી આપી દીધું. એવી રીતે બીજાને અન્ન ને જળ આપવાનું કાર્ય કાંઇ સહેલું નહોતું, ખાસ કરીને એ પરિસ્થિતિમાં જ્યારે એમને ખાવા પીવા જેટલું માંડ મળેલું અને એ પણ અનેક દિવસોના અનશન પછી. માણસોની પાસે જરૂર કરતાં વધારે ભરચક ભોજન હોય છે તો પણ એમાંથી એક અલ્પ જેટલો અંશ પણ બીજાને નથી આપી શક્તા. ભોગવતા નથી ને ભોગવવા દેતા પણ નથી. તો પછી એવી અછતની પરિસ્થિતિમાં તો એ બીજાને મદદરૂપ થવાનો વિચાર જ કેવી રીતે કરી શકે ? રંતિદેવની દૃષ્ટિ દૈવી હતી. આજની પ્રચલિત ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે એ સમાજવાદની સાચી ભાવનાથી ભરપુર હતા. એમને સાચા અર્થમાં ન્યાય કરવા માટે ભારતની પ્રાચીન, વધારે ઊંચી ભાષામાં કહી શકાય કે એ આત્મભાવથી અલંકૃત હતા. સમાજવાદની ભાવના કરતાં આત્મભાવનું સ્થાન આગળ પડતું છે.

રાજા રંતિદેવના જીવનમાં જાણે કે એને પ્રતિઘોષ પાડેલો.

કોઇને એવો સવાલ થવાનો સંભવ છે કે રંતિદેવે અતિથિઓને આત્મભાવથી પ્રેરાઇને પોતાનો ભોજનભાગ પણ આપી દીધો એ તો સમજાય એવું છે પરંતુ એથી આગળ વધીને બીજા બધાનો ભોજન ભાગ પણ એમને વારાફરતી આપી દીધો. એ શું ઉચિત હતું ? એમાં ક્રૂરતા અથવા અવ્યવહારિકતા નથી લાગતી ? આપણે કહીશું કે ના. અતિથિ સેવાનું મહત્વ રંતિદેવની જેમ એનાં સ્વજનો પણ સમજેલા. એ પણ અતિથિ માટે સસ્મિત સમર્પણ કરવામાં માનતા હતાં. એટલે તો એમણે કોઇ જાતનો વિરોધ ના કર્યો ને રંતિદેવને સર્વ પ્રકારે સહયોગ આપ્યો.

*

રંતિદેવની પાસે આવેલા અતિથિ ભગવાનની માયાનાં જુદા જુદાં રૂપો જેવા હતા. એમની સેવાભાવનાની પરીક્ષા પૂરી થઇ એટલે એમની આગળ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રકટ થયા. રંતિદેવે એમને પ્રણામ કર્યા. એમણે એમનાં સ્વજનો સાથે મનને પૂર્ણપણે માયારહિત કરીને પરમાત્મામાં જોડી દીધું.

રંતિદેવની કથા પરાર્થે પોતાને ઘસી નાખવાની, સર્વસમર્પણ કરવાની કથા-કલ્યાણ કથા છે. એટલુ  બધું સર્વસમર્પણ સામાન્ય માનવથી ના થાય તો પણ એમાંથી પ્રેરણા મેળવીને માણસે બીજાને માટે જીવતાં, મરતાં ને બીજાની સેવા કરતાં શીખવાનું છે. પોતાને માટે તો પશુ પણ જીવે છે. એ પણ પોતાને માટે જ જીવે તો એનામાં ને પશુમાં ફેર શો ? બીજાને બનતી બધી રીતે મદદ કરવાનું એનું કર્તવ્ય છે. એ કર્તવ્યના પાલનમાં જ એની મનુષ્યતા ને મહત્તા છે.

 નાનામોટા, દીનદુઃખી, ગરીબ અને અમીર, શિક્ષિત અને અશિક્ષિત સૌમાં પરમાત્માંના પવિત્રતમ પ્રકાશને પેખવાનો પ્રયાસ કરીને બને તેટલાને બનતા પ્રમાણમાં ઉપયોગી થવાની આવશ્યકતા છે. કોઇના દુઃખને દૂર ના કરી શકીએ તો વધારીએ કે જગાવીએ તો નહિ જ. કોઇનાં અશ્રુને લુછી ના શકીએ તો વહાવવાના કારણ તો ના જ બનીએ. કોઇની પીડાને શમાવી ના શકીએ તો પેદા તો ના જ કરીએ. કોઇને આપી ના શકીએ, આગળ ના વધારીએ તો કોઇનું પડાવી ના લઇએ કે કોઇને પાછા તો ના જ પાડીએ. કોઇના જીવનબાગને બનાવી ના શકીએ, મધુમય કે મઘમઘતો ના કરી શકીએ તો બગાડવામાં, કટુ ક્લેશકારક કે દુર્ગંધયુક્ત બનાવવામાં નિમિત્ત તો ના જ બનીએ. ના, કદી પણ નહિ. કોઇને જીવન ના આપી શકીએ તો કોઇના મૃત્યુના કારણ તો ના જ બનીએ. બને તો બીજાનો અભ્યુદય કરીએ પરંતુ ના બને તો કોઇનું અધઃપતન ના આદરીએ. એવી રીતે જીવીએ તો જગત આજે છે એનાથી વધારે સુખી, શાંત અને જીવવા જેવું થાય, આદર્શ બની જાય.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *