Sunday, 22 December, 2024

રાજસૂય યજ્ઞમાં

359 Views
Share :
રાજસૂય યજ્ઞમાં

રાજસૂય યજ્ઞમાં

359 Views

જરાસંઘના કેદી રાજાઓના દૂતને એમની મુક્તિ માટે શક્ય તેટલું સઘળું કરી છૂટવાની ખાતરી આપી વિદાય કરીને ભગવાન કૃષ્ણ પોતાના વિશાળ પરિવાર તથા સેના સાથે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભાગ લેવા માટે જુદા જુદા દેશોમાંથી પસાર થતા છેવટે ઇન્દ્રપ્રસ્થમાં આવી પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરે અને અન્ય સૌએ હરખઘેલા બનીને એમનું અસાધારણ સ્વાગત કર્યું.

યુધિષ્ઠિરાદિ પાંડવોના, કુંતી, દ્રૌપદી, સુભદ્રા જેવી સ્ત્રીઓના અને અન્ય પ્રેમી પ્રજાજનોના પ્રેમાગ્રહને માન આપીને ભગવાન કૃષ્ણે એ આનંદદાયક ઉત્તમ અવસર પર ઇન્દ્રપ્રસ્થમાં થોડાક મહિનાઓ સુધી વાસ કર્યો અને એ દરમિયાન કેટલીય લીલાઓ કરી. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ દ્વારા એમની અને અન્ય દેવતાઓની પૂજા કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો ત્યારે એમણે એને કોઇ પણ પ્રકારના સંકોચ સિવાય સત્વર સ્વીકારી લીધો અને બનતી બધી જ મદદ કરવાની ખાતરી આપી. એથી પાંડવોની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમની હિંમત વધી ગઇ.

રાજસૂય યજ્ઞના અનુષ્ઠાન પહેલાં દિગ્વિજય કરવાનું આવશ્યક મનાતું હોવાથી યુધિષ્ઠિરે પોતાના ભાઇઓનો એને માટે આદેશ આપ્યો. એને અનુસરીને સહદેવ દક્ષિણ દિશામાં, નકુલ પશ્ચિમમાં, અર્જુન ઉત્તરમાં અને ભીમ પૂર્વ દિશામાં દિગ્વિજય કરવા માટે ચાલી નીકળ્યા. એમની સાથે વિશાળ, શક્તિશાળી સેના પણ વિદાય થઇ. એમણે ચારે તરફથી જુદા જુદા રાજાઓને જીતીને અઢળક ધન પ્રાપ્ત કરીને યુધિષ્ઠિરને અર્પણ કર્યુ. એ દિગ્વિજયમાં કેવળ જરાસંઘ બાકી રહ્યો. એના પર વિજય ના સાંપડી શકે ત્યાં સુધી દિગ્વિજયની પરિપૂર્ણતા ના થઇ શકે અને રાજસૂય યજ્ઞ પણ ના આરંભી શકાય.

યુધિષ્ઠિરની એ ચિંતાને સમજી જઇને એને દૂર કરવા માટે ભગવાન કૃષ્ણે ઉધ્ધવને પહેલાં કહી બતાવેલો ઉપાય બતાવ્યો. એ ઉપાય યુધિષ્ઠિરને પસંદ પડ્યો. એને અનુસરીને ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગિરિવ્રજ ગયા. ગિરિવ્રજમાં જરાસંઘની રાજધાની હતી. એમણે અતિથિ સત્કારમાં અગ્રગણ્ય ગણાતા જરાસંઘની પ્રશસ્તિ કરી, અતિથિસત્કારનો મહિમા સમજાવી, ઇચ્છાનુસાર પદાર્થ આપવા જણાવ્યું.

જરાસંઘને થયું તો ખરું કે આ ત્રણેને ક્યાંક જોયા છે અને ત્રણે બ્રાહ્મણના વેશમાં ક્ષત્રિય લાગે છે. છતાં પણ માગીમાગીને એ બીજું શું માગવાના છે એવું વિચારીને એ એમની યોજનાને કલ્પ્યા વિના એમને એમની ઇચ્છાનુસાર દાન આપવા તૈયાર થયો. એણે એમને જે ઇચ્છા હોય તે માગવા કહ્યું ને જણાવ્યું કે તમે માગશો તો તમને બીજું બધું તો ઠીક પણ મારું મસ્તક પણ આપી શકીશ. ત્યારે ભગવાન કૃષ્ણે પોતાની, ભીમની અને અર્જુનની ઓળખાણ આપીને દ્વંદ્વયુદ્ધની માગણી કરી.

એમની ડરપોક માગણીને સ્વીકારીને જરાસંઘે જણાવ્યું કે કૃષ્ણ, તું તો ખૂબ જ ડરપોક છે. યુદ્ધ વખતે મારા ભયથી મથુરાનગરીને છોડીને તું નાસી ગયેલો અને સમુદ્રતટે વાસ કરે છે. તારી સાથે લડવાનું બરાબર નથી. અર્જુન પણ યુદ્ધકળામાં કુશળ કે બળવાન નથી. એની સાથે પણ નહિ લડું. ભીમ મારા જેવો બળવાન ને બરાબરિયો હોવાથી એની સાથે જ લડી શકીશ.

જરાસંઘે ભીમને ગદા આપીને પોતે બીજી ગદા લઇને દ્વંદ્વયુદ્ધ માટે તૈયારી કરી. બંને એકમેકની સાથે ભારે બહાદુરીપૂર્વક લડવા લાગ્યા. એવી રીતે લડતાં લડતાં સત્તાવીસ દિવસ થઇ ગયા તો પણ કોઇનો પરાજય ના થયો ત્યારે અઠ્ઠાવીસમાં દિવસે ભીમે ભગવાન કૃષ્ણને જણાવ્યું કે યુદ્ધમાં જરાસંઘને જીતવાનું કાર્ય કઠિન છે. ભગવાન કૃષ્ણને જરાસંઘના જન્મમરણના રહસ્યની ને જરા નામની રાક્ષસીએ એના શરીરના બે ખંડને જોડીને એને જીવનદાન આપ્યાની માહિતી હોવાથી, ભીમમાં શક્તિસંચાર કરીને એક વૃક્ષની ડાળીને વચ્ચેથી ચીરીને એને એમ કરવાનો સંકેત કર્યો. એ સંકેતને સમજી જઇને એનું અનુસરણ કરતાં એણે જરાસંઘના એક પગને પગની નીચે દબાવીને બીજા પગને પકડીને એના શરીરને સત્વર ચીરી નાખ્યું. જરાસંઘનો નાશ થવાથી સૌ વિસ્મય પામ્યા. કૃષ્ણે અને અર્જુને ભીમને એના એ અદ્દભુત શકવર્તી વિજયને માટે અંતઃકરણપૂર્વક અભિનંદન આપ્યાં. ભગવાન કૃષ્ણની પરમકૃપાથી જ એ વિજય સાંપડી શકેલો તેની ભીમને ખબર હોવાથી તેને કશો અહંકાર ના થયો. એ વિજય વાસ્તવિક રીતે કૃષ્ણનો જ વિજય હતો,

જરાસંઘના નાશ પછી ભગવાન કૃષ્ણે એની ગાદી પર એના સુપુત્ર સહદેવને બેસાડ્યો અને જરાસંઘે કેદ કરેલા રાજાઓને કારાવાસમાંથી મુક્તિ આપી.

કારાવાસમાંથી મુક્તિ મેળવી ચુકેલા વીસ હજાર રાજાઓને નવજીવનની પ્રાપ્તિ થઇ. એ ખૂબ જ દુઃખી હતા અને ચેતનહીન બની ગયેલા. એમને દિવસોથી પૂરેપૂરું ભોજન નહોતું મળ્યું અને અપમાનિત દશામાં જીવવું પડેલું. એમની મુખાકૃતિ સૂકાઇ ગયેલી. ભગવાન કૃષ્ણનો પરિચય પામી ને એમના દર્શનથી એ કૃતાર્થ બન્યા. એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમનું સઘળું દુઃખ શાંત થયું.

કારાવાસનું જીવન એ રાજાઓને માટે છૂપા, મહામૂલા, અમોઘ આશીર્વાદરૂપ થઇ પડેલું. એ જીવન દરમિયાન એમની બુદ્ધિ વધારે ને વધારે નિર્મળ બનેલી અને એમને પરમાત્મપરાયણ થવાની તક મળેલી. પ્રતિકૂળતા, પીડા ને કષ્ટ કોઇવાર માનવના મિથ્યાભિમાન, મમત્વ ને મનોમાલિન્યનો અંત આણીને એને કંચન જેવો વિશુદ્ધ તથા કાંતિમય કરી દે છે, એ સાચું છે.

ભગવાન કૃષ્ણે પ્રસન્ન થઇને એમને આશીર્વાદ આપ્યા. એ પછી જરાસંઘના પુત્ર સહદેવ દ્વારા એમનું સન્માન કરાવ્યું, એમને સ્નાન, પાન ને ભોજનથી સંતુષ્ટ કરીને વસ્ત્રો અને આભૂષણો પ્રદાન કર્યા, અને સરસ મણિભૂષિત સ્વર્ણરથમાં બેસાડીને એમનાં પહેલાંના પ્રદેશોમાં રવાના કર્યા. ભગવાન કૃષ્ણ પણ પછી અર્જુન તથા ભીમ સાથે ઇન્દ્રપ્રસ્થમાં આવી પહોંચ્યા. એમણે સેવેલું સ્વપ્ન સાચું પડ્યું. સમુદ્ર પર્યંતના સઘળા રાજાઓને યુધિષ્ઠિરની આણ નીચે લાવીને એમણે અખિલ રાષ્ટ્રને અખંડ અથવા એક કર્યું. ‘આસમુદ્રપર્યંત એકરાષ્ટ્ર’ ની, સમુદ્ર સુધી સર્વત્ર એક જ સર્વોપરી સર્વનિયંતા શાસકની વૈદિક ભાવનાને ચરિતાર્થ કરીને ભારતને સુદૃઢ, સમૃદ્ધ ને સુખી કરવાનો રસ્તો ખુલ્લો કર્યો.

ભગવાન કૃષ્ણના આદેશથી યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞની તૈયારી કરી. એ યજ્ઞમાં પ્રાચીનકાળના વરુણદેવના યજ્ઞની પેઠે સઘળાં યજ્ઞપાત્રો સોનાનાં હતાં. એમાં બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર જેવા દેવતાઓ પણ પધારેલા.

યાજકોએ યુધિષ્ઠિર પાસે વિધિપૂર્વક રાજસૂય યજ્ઞ કરાવ્યો તે પછી સભાસદો વિચારવા લાગ્યા કે સૌથી પ્રથમ પૂજા અથવા અગ્રપૂજા કોની કરવી. એ સમયના સર્વગુણસંપન્ન સર્વોત્તમ મહાપુરુષની પૂજા જ સૌથી પહેલાં કરવાની હોય. જરાસંઘનો કૃષ્ણે નાશ કરાવેલો તો પણ એનો સુપુત્ર સહદેવ એમનો વિરોધી નહોતો થયો એ એમનો મહાન વિજય હતો. એ વિજયના અનુસંધાનમાં એણે ભગવાન કૃષ્ણની અગ્રપૂજાનો પ્રસ્તાવ મૂક્યો. સૌએ એનું પરમ ઉલ્લાસપૂર્વક સમર્થન કર્યું. એ જોઇને યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણની પૂજા કરી. એમના ચરણ પ્રક્ષાલન પછી એમને રેશમી વસ્ત્રો અને આભૂષણો આપ્યાં. સભાજનોએ એમનો જયજયકાર કર્યો પરંતુ એમને એનું લેશ પણ અભિમાન ન હતું. એ તો નમ્રતાની ને સરળતાની મૂર્તિ જેવા જ દેખાતા. મહાપુરુષોને પોતાના સન્માનની ઇચ્છા નથી હોતી. એમનું સન્માન કરીને પ્રજા પોતાની ગુણદર્શીતાને દર્શાવતી હોય છે. ભગવાન કૃષ્ણે કરેલી સેવા કાંઇ સન્માન, પુરસ્કાર કે અગ્રપૂજાને માટે ન હતી. એને એવી સ્થૂળ રીતે મૂલવી પણ ના શકાય. આ તો એમની પ્રત્યેના પવિત્ર પ્રબળ પ્રજાપ્રેમનો પડઘો હતો. એ પડઘો સૌને માટે અતિશય આદરણીય અને આનંદદાયક થઇ પડ્યો. આકાશમાંથી એ વખતે પુષ્પવર્ષા થવા લાગી.

પરંતુ શિશુપાલથી એ બધું સહન ના થયું. રુક્મિણીની ઘટનાને એ હજુ નહોતો ભૂલી શક્યો અને બીજા કેટલાક ઘા પણ એના અંતરમાં હજુ તાજા હતા. એ અત્યંત ઉત્તેજીત બનીને સારાસારનું ભાન ભૂલીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો. ભગવાન તો એ સઘળું સાંભળવા છતાં શાંત રહ્યા પરંતુ સભાસદો એમની નિંદાને ના સાંભળી શક્યા. નિંદા કરવી એ તો અપરાધ કે પાપ છે જ પરંતુ એને સાંભળવી અને એનું સમર્થન કરવું એ પણ પાપ અથવા અપરાધ છે. નિંદાથી અને નિંદકથી દૂર રહેવું જ સારું છે.

સભામંડપમાં બેઠેલા રાજાઓ શિશુપાલનો નાશ કરવા શસ્ત્રો સાથે તૈયાર થયા. શિશુપાલ પણ એમને ઢાલ તલવાર લઇને લલકારવા લાગ્યો. એમને લડતા-ઝગડતાં જોઇને કૃષ્ણે ઊભા થઇને પોતાના પક્ષના રાજાઓને શાંત કર્યા અને પોતાને મારવા આવતા શિશુપાલના શીશને ચક્રની મદદથી કાપી નાખ્યું.

સભામંડપમાં કોલાહલ મચી ગયો. શિશુપાલનો નાશ થયો એટલે એના પક્ષના બીજા રાજાઓ પણ ભયભીત બનીને પોતાના પ્રાણને બચાવવા માટે ચાલી નીકળ્યા.

ધર્મરાજ યુધિષ્ઠિરે એ પછી સદસ્યોને તથા યજ્ઞના આચાર્યોને દક્ષિણા આપી અને સૌનો સુયોગ્ય સત્કાર કરીને વિધિપૂર્વક યજ્ઞાન્તસ્નાન કર્યું. ભગવાન કૃષ્ણની એ જમાનાના સર્વશ્રેષ્ઠ મહાપુરુષ તરીકે અગ્રપૂજા કરવામાં આવી તો પણ એમને કોઇ પ્રકારનું અભિમાન ન હતું. એ તો નમ્રતાપૂર્વક એ યજ્ઞમાં આવનારા પુરુષોનું સ્વાગત કરતા અને યજ્ઞમંડપને સ્વચ્છ રાખવાનું ધ્યાન રાખતા.

યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં દુર્યોધન કોષાધ્યક્ષ તરીકે કામ કરતો. પાંડવોની સમૃદ્ધિ, તથા સંપત્તિને જોઇને એને ઇર્ષ્યા થવા લાગી. બીજાની સંપત્તિ, સમૃદ્ધિ તથા સમુન્નતિને જોઇને જે પ્રસન્ન થાય છે તે ઉત્તમ પુરુષ છે ને જે જલે છે તે અધમ પુરુષ છે.

એકવાર દુર્યોધન મયદાનવે બનાવેલી યુધિષ્ઠિરની સભામાં દુઃશાસનાદિ બંધુઓ સાથે આવી પહોંચ્યો. એના મસ્તક પર મુકુટ, હાથમાં તલવાર અને ગળામાં માળા હતી. એ સભામાં મયદાનવે એવી કુશળ કારીગરી કરેલી કે ભલભલા માનવો પણ એથી મોહિત થઇને ભાન ભૂલી જાય. દુર્યોધન પણ એથી મોહિત થઇ ગયો. એક સ્થળેથી પસાર થતાં એણે સ્થળને જળ સમજીને પોતાના વસ્ત્રોને સંકેલી લીધાં અને બીજે સ્થળે જળ હોવા છતાં સ્થળની ભ્રાંતિ થવાથી એ એમાં પડી ગયો. એને એવી રીતે પડતો જોઇને ભીમે, બીજા રાજાઓએ અને રાણીઓએ હસવા માંડ્યું. એથી દુર્યોધન શરમાયો ને ક્રોધે ભરાયો. એ મોંને નીચું કરીને હસ્તિનાપુર તરફ ચાલી નીકળ્યો. એ ઘટનાથી યુધિષ્ઠિરનું મન ખિન્ન બની ગયું. દુર્યોધનનો દ્વેષભાવ એ ઘટના પછી વધવા માંડ્યો.

એ પછી કેટલાય દિવસે બલરામે સાંભળ્યું કે કૌરવો તથા પાંડવોની વચ્ચેનું વૈમનસ્ય વધી જવાથી એમની વચ્ચે ભયંકર યુદ્ધ થવાનો સમય સંનિકટ આવી પહોંચ્યો છે. એમને કોઇના પક્ષમાં રહીને લડવાનું પસંદ ના હોવાથી એ તીર્થયાત્રા માટે દ્વારકાથી નીકળી પડ્યા ને જુદાં જુદાં પવિત્ર સ્થાનોમાં વિચરવા લાગ્યા.

જે દિવસે ભીમ અને દુર્યોધન કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં ગદાયુદ્ધ કરી રહેલા તે દિવસે બલરામે ત્યાં પહોંચીને એમને રોકવાનો પ્રામાણિક પ્રયાસ કરી જોયો પરંતુ એ પ્રયાસ વ્યર્થ ગયો એટલે એ પાછા યાત્રાએ નીકળી પડ્યા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *