Sunday, 22 December, 2024

રાસલીલા – 2

337 Views
Share :
રાસલીલા – 2

રાસલીલા – 2

337 Views

દસમા સ્કંધના ઓગણત્રીસમાં અધ્યાયના આરંભમાં સૌથી પ્રથમ શ્લોકમાં જ સંત શિરોમણિ શુકદેવે પરીક્ષિતને કહ્યું છે :

भगवानपि ता रात्रीः शरदोत्फुल्लमल्लिकाः ।
वीक्ष्य रंतुं मनश्चक्रे योगमायामुपाश्रितः ॥

‘ભગવાને વિવિધ પ્રકારના શરદઋતુના ફુલોની ફોરમવાળી એ રાતને જોઇને પોતાની અદ્દભુત યોગમાયાનો આશ્રય લઇને રાસક્રીડા કરવાનો વિચાર કર્યો.’

એ શ્લોક સામાન્ય રીતે ધારવામાં ને માનવામાં આવે એના કરતાં ઘણી મોટી વાત કહી જાય છે. એમાં મહર્ષિ વ્યાસની સુંદર શબ્દકળાનું દર્શન થાય છે. ખાસ કરીને ‘ભગવાન’ અને ‘યોગમાયામુપાશ્રિતઃ’ એ બંને સારગર્ભિત શબ્દપ્રયોગમાં જેમને રાસલીલા માટે સહેજ પણ શંકા થવાનો સંભવ હોય તેમને એ શબ્દો સાંકેતિક ભાષામાં અત્યંત અદ્દભુત અને સરસ રીતે સફળતાપૂર્વક સૂચવે છે કે એ રાસલીલાનું આયોજન કરનાર કૃષ્ણ કોઇ સામાન્ય વ્યકિત ન હતી પરંતુ ભગવાન પોતે હતાં. એમનામાં અપવિત્રતા કે કામવાસનાની કલ્પના કરી શકાય જ કેવી રીતે ? એવી કલ્પના એકદમ અસ્થાને છે. શ્લોક પૂરો કરતી વખતે પણ ‘યોગમાયામુપાશ્રિતઃ’ શબ્દોનો સુયોગ્ય પ્રયોગ કરીને એ જણાવે  છે કે ભગવાન કૃષ્ણની એ રાસલીલા સામાન્ય માનવીય શક્તિ દ્વારા નહોતી થવાની પરંતુ તેમની અલૌકિક યોગશક્તિની સહાયતાથી કરાવાની હતી એટલે એને સર્વમાન્ય દુન્યવી રાસલીલા તરીકે માનવા મનાવાનું ઉચિત નહિ લેખાય. જે લોકો એને સામાન્ય વિકારયુક્ત દુન્યવી દૃષ્ટિથી જુએ કે મૂલવે છે તે ભયંકર ભૂલ કરે છે ને પોતાની જ ભાવના કે વાસનાનું પ્રતિબિંબ પાડે છે. ભગવાન કૃષ્ણની સ્થૂળ ઉંમર એ વખતે કેવળ સાત વરસની હતી. એ ઉંમરે સામાન્ય રીતે કોઇ વાસના હોય પણ ના શકે. એમણે યોગ શક્તિનો આધાર લઇને પોતાના સામર્થ્યનો પરિચય કરાવતાં ગોપીઓના સંતોષને માટે રાસલીલાનો નિર્ણય કરેલો. ગોપીઓ પોતે પણ કેટલી બધી પ્રજ્ઞાપૂત અને પવિત્ર હતી તેની પ્રતીતિ તેમના ભગવાન કૃષ્ણ સાથેના વાર્તાલાપ પરથી સહેજે થઇ આવે છે. તેમનો મેળાપ થયો એટલે જાણે કે સુવર્ણમાં સુંગંધ ભળી કે સમુદ્રને સરિતા મળી. તેમનો રાસ કેટલો બધો નિર્મળ, રસમય અને અલૌકિક હોઇ શકે ? રાસલીલાનો વિચાર એવી અનોખી રીતે કરવાથી જ એને ન્યાય કરી શકાશે. એમાં કોઇ પ્રકારની ક્ષુલ્લક લૌકિક લાલસા કે વાસનાનું આરોપણ નથી કરવાનું.

એ જમાનામાં વ્રજમંડળમાં ગોપ-ગોપીઓમાં રાસ રમવાની પ્રથા પ્રવર્તમાન હશે અને એથી જ કૃષ્ણે રાસલીલાની તૈયારી કરી હશે એવું અનુમાન કરવાનું અસ્થાને નહિ ગણાય. ગુજરાતમાં લાંબા વખતથી રાસ કે ગરબા રમાય છે ને પંજાબમાં ભાંગરા નૃત્ય કરાય છે તેવી રીતે વ્રજમંડળની પ્રજા રાસપ્રિય હશે ખરી.

ગોપીઓના સાચા સ્નેહ, જ્ઞાન તથા શ્રદ્ધાભાવને લક્ષમાં લઇને ભગવાને એમને આનંદ અને આત્મસંતોષ આપવાનો વિચાર કર્યો. સુંદર, શાંત, શીતળ યમુનાતટ પર પદાર્પણ કરીને એમણે એમની સાથે નિર્દોષ વિનોદ કરવા માંડ્યો. પરંતુ એની અસર એમના પર જરાક જુદી થઇ. એમને ગર્વપૂર્વક લાગવા માંડ્યું કે સંસારની સઘળી સ્ત્રીઓમાં આપણા જેવું સર્વોત્તમ સૌભાગ્યથી સંપન્ન બીજું કોઇ જ નથી. ભગવાનથી એ હકીકત છૂપી ના રહી એટલે એમના એવા સૂક્ષ્મ અહંકારને ઓગાળી નાખવા માટે એ એમની વચ્ચેથી એકાએક અદૃશ્ય થઇ ગયા.

એ પ્રસંગ સૂચવે છે કે સાધકે પોતાના જીવનમાં સાધનાનો, સિદ્ધિનો, ઇશ્વરની કૃપાનો કે કોઇ પ્રકારનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અહંકાર પણ ના રાખવો જોઇએ. અલ્પ જેટલો અહંકાર પણ સાધના, સિદ્ધિ, ઇશ્વરના અનુગ્રહ અને ઇશ્વરની બાહ્યાભ્યંતર એકતાની અનુભૂતિમાં અંતરાયરૂપ બને છે માટે સાધકે એમાંથી મુક્તિ મેળવવી જોઇએ.

ભગવાન ગોપીઓના મંગલ માટે જ અદૃશ્ય થયા. એથી એમની વ્યાકુળતા વધી ગઇ. એમનું અંતર અતિશય આર્ત બની ગયું. એ ભગવાન કૃષ્ણને એમની લોકોત્તર લીલાઓનું સ્મરણમનન કરતી વનમાં શોધવા લાગી.

એવો પ્રેમ અને એવી લગન કોઇક પરમાત્માના પરમકૃપાપાત્ર વિરલ સાધકોમાં જ જોવા મળે છે. ગોપીઓની પ્રીતિ અને લગન એવી ઉત્કટ બની ગઇ. ભગવાન કૃષ્ણના દૈવી દર્શનને માટે એમનું હૃદય રડવા લાગ્યું. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલી માછલીની પેઠે એ મૃતપ્રાય બનીને છટપટાવા લાગી. વનમાં એમણે સર્વત્ર ભગવાનની, પોતાના પ્રેમાસ્પદની શોધ કરી. વૃક્ષો, લતાઓ, પુષ્પો તથા પંખીઓને પણ પૂછી જોયું. એ અવસ્થામાં એમનો અહંકાર તો રહે જ ક્યાંથી ? એમનું મન કૃષ્ણમય બની ગયું. રોમરોમ એમના જ રાગથી રંગાઇ રહ્યું. કૃષ્ણ સિવાય બીજા કશાનું એમને સ્મરણ જ ના રહ્યું. એ અવસ્થામાં એ બધી ગોપિકાઓ યમુનાતટવર્તી રમણ રેતીમાં પાછી ફરી ને ભગવાન કૃષ્ણની સંયુક્ત પ્રાર્થના કરવા માંડી.

ભાગવતના દસમા સ્કંધના એકત્રીસમાં અધ્યાયમાં આવતું ગોપીગીત ભગવાનની ભાવપૂર્ણ પ્રેમરસભરપુર પ્રાર્થના જ છે. એ અત્યંત હૃદયંગમ, સંવેદનશીલ અને સારવાહી છે. એ હૃદયને સીધું જ સ્પર્શ કરીને એના સઘળા તારોને ઝંકૃત કરે છે. ભાષા, ભાવ, અર્થ અને રસની દૃષ્ટિએ એ સર્વોત્તમ સાહિત્યમાં સહેલાઇથી અને આગળ પડતું સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ છે. લલિત છંદમાં લિપિબદ્ધ બનેલા એ સુંદર ગૌરવપૂર્ણ ગોપીગીતનો સંક્ષિપ્ત પરિચય આ રહ્યો :

जयति तेङधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि ।दयति दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वते ॥ (શ્લોક ૧)

‘તમારા પુણ્યપ્રદાયક પવિત્રતમ પ્રાકટ્યને લીધે ઓ પ્રિયતમ, વ્રજનો મહિમા વૈકુંઠ જેવા લોકોથી પણ વધી ગયો છે. એટલા માટે તો લક્ષ્મી પોતે પણ વૈકુંઠનો ત્યાગ કરીને અહીં સદાને સારું રહેવા આવી છે. અમે તમારું જ ચિંતનમનન કરીએ છીએ અને પ્રાણને તમારા પ્રેમથી તમારે લીધે તમારી આશામાં જ ટકાવીએ છીએ. તમને જ શોધીએ ને મળવા માગીએ છીએ. હે પ્રેમાસ્પદ ! પ્રેમાવતાર ! તમે અમને દર્શન આપો. અમારી ઉપર કૃપા કરો.’

न खलु गोपिकानंदनो भवानिखिलदेहिनामन्तरात्मदक ।
विखनसार्थितो विश्वगुप्तेये सख उदेयिवान् सात्वंतां कुले ॥ (શ્લોક ૪)

‘તમે કેવળ નંદયશોદાના પુત્ર નથી કિન્તુ સમસ્ત શરીરધારીઓના અંતરાત્મા, દૃષ્ટા અથવા અંતર્યામી છો. હે સખે, તમે બ્રહ્માની પ્રેમપૂર્વકની પ્રાર્થનાને લક્ષમાં લઇને વિશ્વની રક્ષા માટે યદુકુળમાં પ્રાદુર્ભાવ પામ્યા છો એટલું જ. જે તમને સામાન્ય મનુષ્ય માને છે તે ભૂલ કરે છે. અમારી પ્રેમપૂર્ણ પ્રાર્થનાને પણ એવી જ રીતે લક્ષમાં લઇને પ્રાદુર્ભાવ પામો.’

એ શ્લોક ખૂબ જ અગત્યનો છે. ગોપીઓ કૃષ્ણને માટે શું માનતી અને એમને કેવી દૈવી દૃષ્ટિથી જોતી તેની પરિપૂર્ણ પ્રતીતિ કરાવનારો એ શ્લોક ગોપીઓના ભાવનો એક મહાન દસ્તાવેજી પુરાવો છે. એ શ્લોક બતાવે છે કે ગોપીઓની દૃષ્ટિ લૌકિક નહોતી, અલૌકિક હતી. એ કૃષ્ણને પરબ્રહ્મ પરમાત્માના પૃથ્વીના પરિત્રાણ માટે પ્રકટેલા મહાન અવતાર માનતી. એવું માન્યા પછી એ એમના અનુગ્રહના આસ્વાદ વિના કેવી રીતે રહી શકે ? એ ભાવના અનુસંધાનમાં એ કહે છે :

तव कथामृतं तृप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् ।
श्रवणमंगलं श्रीमदाततं भुवि गृणन्ति त् भूरिदा जनाः ॥ (શ્લોક ૯)

‘તમારી જીવનકથા કલ્યાણકારક અમૃતસ્વરૂપ છે. સંતપ્ત માનવોને માટે સંજીવનરૂપ છે. જ્ઞાનીઓએ, ભક્તોએ ને કવિઓએ એનું જયગાન કર્યું છે. એ માનવને સર્વ પ્રકારના પાપ તથા સંતાપમાંથી મુક્ત કરે છે, શ્રવણથી કલ્યાણ કરે છે ને શાંતિ આપે છે. પરમ સુંદર, સુમધુર અને વિશાળ છે. જે એનું જયગાન કરે છે તે મહાન ઉપકાર કરે છે. એમના જેવા દાનેશ્વરી દુનિયામાં બીજા કોઇ જ નથી.’

‘તમારો આ પ્રાદુર્ભાવ વ્રજમંડળમાં વસનારા જીવોના દુઃખદર્દને કાયમને માટે દૂર કરવા ને વિશ્વના મંગલને માટે થયેલો છે એની અમને માહિતી છે. અમારું અંતર તમને મળવાની આકાંક્ષાથી ભરપુર છે. એના વિરહવેદનાના વ્યાધિને દૂર કરનારી ઔષધિ તમારા વિના બીજા કોઇની પાસે નથી. એ અમોઘ ઔષધિને લઇને અમારી પાસે આવી પહોંચો. કૃપા કરીને અમારો પરિત્યાગ ના કરો.’ (શ્લોક ૧૮)

ગોપીઓની પ્રાર્થના ભગવાનને ના પહોંચે એવું કેમ બને ? પ્રેમાવતાર ભગવાન, જો એ ખરેખર પ્રેમાવતાર હોય તો, એમની પ્રેમપૂર્વકની પ્રાર્થનાને સાંભળીને પ્રકટ કેમ ના થાય ? ગોપીઓની સાચા દિલની પ્રાર્થના ફળી. ભગવાન કૃષ્ણની વિરહવેદનાથી વ્યથિત થઇને એમણે હૈયું હાથમાં ના રહેતા આક્રંદ કરવા માંડ્યું. એમના અલૌકિક આત્મિક અનુરાગની અગ્નિપરીક્ષા એવી રીતે પૂરી થઇ ગઇ એટલે ભગવાન કૃષ્ણ એમની આગળ પ્રકટ થઇ ગયા. એમના દર્શનથી ગોપીઓ આનંદ પામી. એમને જાણે કે નવજીવનની પ્રાપ્તિ થઇ. એ ભાવવિભોર બનીને સિદ્ધિપ્રાપ્ત સાધકની જેમ પ્રસન્નતાના પારાવારમાં ડુબી ગઇ. એમની સ્નેહસાધનાની સર્વોત્તમ સાફલ્ય ઘડી સમીપ આવી પહોંચી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *