Sunday, 22 December, 2024

રાવણાદિનું તપ

334 Views
Share :
રાવણાદિનું તપ

રાવણાદિનું તપ

334 Views

{slide=Ravana’s penance}

Ravana, Kumbhakarna and Vibhishan lived on Gandhamadan mountain with their father. During those days, they saw Kuber, who had enormous wealth. They felt jealous and decided to please Lord Brahma to amass similar powers. After long and arduous penance, they were able to please the Lord. Brahma asked them for any boon besides immortality. Ravana asked for invulnerability from any living creature besides humans; Kumbhakarna asked for sleep and pleasures, while Vibhishan asked for righteousness and knowledge of Brahmastra without special efforts. Brahma granted them their boons.

With boon of invulnerability with him, Ravana fought with Kuber and defeated him. He took over Kingdom of Lanka from Kuber and made Lanka his capital. Ravana also took away Pushpak plane from Kuber. Kuber cursed him that even though you would possess Pushpak plane, you would not be able to use it but the person who would defeat you would use it. Ravana ruled over Lanka and soon began troubling everyone.  

માનવોની મતિ જુદીજુદી હોય છે તેમ ગતિ પણ વિવિધ હોય છે. વિશાળ વિશ્વના અસંખ્ય માનવોમાં એક જ જાતના માનવો નથી મળતા. સૌની પ્રકૃતિ પૃથક્ પૃથક્ દેખાય છે, રુચિ અલગ અલગ જોવા મળે છે. વિચારશક્તિ વિવિધ તેમ પ્રવૃત્તિ પણ જુદી જુદી હોય છે. એને લીધે સૌના વ્યક્તિગત તથા સામૂહિક વિકાસ પણ વિવિધ દેખાય છે.

મહાભારતમાં એક જ પિતાના ત્રણ પુત્રોની વિવિધ વૃત્તિ, વિચારધારા, મતિ તથા પ્રવૃત્તિની કથા કહેવાયલી છે. એનું વિહંગાવલોકન કરી લઇએ.

ગંધમાદન પર્વતનો પવિત્ર હિમગિરિપ્રદેશ.

એ પર્વતના પાવન પ્રદેશમાં રાવણ, કુંભકર્ણ તથા વિભીષણ પોતાના પિતાની સાથે વાસ કરતા.

એ દિવસો દરમિયાન એક વાર એમણે પરમ સમૃદ્ધિશાળી કુબેરને પોતાના પિતા સાથે વિરાજેલો જોયો.

એ જોઇને એમને અતિશય ક્રોધ ચઢયો.

એમણે કઠોર તપશ્ચર્યા કરીને બ્રહ્માને પ્રસન્ન કરવાનો નિર્ણય કર્યો.

રાવણે એક પગે ઊભા રહીને પવનપ્રાશન દ્વારા પંચાગ્નિનું સેવન કરીને વરસો સુધી ભયંકર તપ કર્યું.

કુંભકર્ણ ધરતી પર શયન કરતો, નિયમિત આહાર રાખતો, અને વ્રત તથા નિયમમાં સંલગ્ન રહેતો.

વિભીષણ પૃથ્વી પર પડેલાં પાંદડાં ખાતો, ઉપવાસમાં પ્રીતિ રાખતો, અને સદાય જપપરાયણ રહેતો.

ત્રણેના તપના પ્રકારો જુદા હતા.

એવી રીતે તપનો આશ્રય લેતાં એક હજાર વરસ પૂરાં થયાં ત્યારે દશાનન રાવણે પોતાના મસ્તકને કાપીને અગ્નિમાં હોમ્યું.

એથી બ્રહ્મા પ્રસન્ન થયા.

બ્રહ્માએ એ ત્રણેને અમરત્વ સિવાયના કોઇ પણ ઇચ્છાનુસાર વરદાનને માગવા માટે જમાવ્યું અને રાવણને કહ્યું કે તેં અગ્નિમાં હોમેલાં બધાં જ મસ્તકો તને ફરી વાર મળશે, તારા શરીરને કુરૂપતાનો સ્પર્શ નહિ થાય, તું ઇચ્છાનુસાર રૂપને ધારણ કરી શકશે, અને સંગ્રામમાં શત્રુઓનો વિજેતા બનશે.

રાવણે બ્રહ્મા પાસે વરદાન માગતાં જમાવ્યું કે દેવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, અસુર, સર્પ, કિન્નર તથા ભૂતોથી મારો પરાજય ના થાય.

બ્રહ્માએ એની માગણીને સ્વીકારતાં કહ્યું કે તને મનુષ્ય સિવાય બીજા કોઇથી પણ ભય નહિ થાય. તારું કલ્યાણ થાવ.

બ્રહ્માના વચનને સાંભળીને રાવણને મૃત્યુંજય બન્યા જેટલો સંતોષ થયો. એ મનુષ્યોને અતિશય તુચ્છ સમજતો હોવાથી એમનો ભય એને સહેજ પણ નહોતો લાગતો.

કુંભકર્ણે તમોગુણથી ઘેરાયલી બુદ્ધિવાળો હોવાથી મહાનિદ્રાની માગણી કરી.

વિભીષણે માગ્યું કે મારા જીવનમાં ગમે તેવી અને તેટલી અસાધારણ આપત્તિ આવે તોપણ મારી મતિ મલિન ના થાય અને અધર્મમાં ના જાય. વળી મને કોઇની પાસેથી શીખ્યા સિવાય જ બ્રહ્માસ્ત્રનું જ્ઞાન થાય.

બ્રહ્માએ એની માગણીને માન્ય રાખીને જણાવ્યું કે તું રાક્ષસ યોનિમાં જન્મવા છતાં પણ અધર્મમાં બુદ્ધિ કરતો નથી એટલા માટે હું તને અમરત્વ આપું છું.

રાવણે અમરત્વને માગ્યું તોપણ તેને તે ના મળ્યું અને વિભીષણને ના માગવા છતાં પણ મળ્યું એ શું દર્શાવે છે ? એ જ કે અધિકાર સિવાય ઉત્તમ વસ્તુ નથી મળતી, અને કોઇ કારણે મળે છે તો કલ્યાણકારક નથી ઠરતી.

રાવણે વરદાન મેળવીને કુબેરને રણમાં હરાવીને લંકામાંથી બહાર કાઢયો.

કુબેર કિંપુરુષો, યક્ષો, ગંધર્વો તથા રાક્ષસો સાથે લંકાને છોડીને ગંધમાદન પર્વત પર જઇને રહેવા લાગ્યો.

રાવણે એના પર આક્રમણ કરીને એના પુષ્પક વિમાનને લઇ લીધું ત્યારે કુબેરે એને શાપ આપીને કહ્યું કે તું આ વિમાનમાં ફરી શકશે નહીં. એ વિમાન તને યુદ્ધમાં હણનારને જ લઇ જશે. હું તારો આદરણીય હોવા છતાં તું મારું અપમાન કરી રહ્યો છે તેથી થોડા વખતમાં જ નાશ પામશે.

કુબેરે વિભીષણ પર પ્રસન્ન બનીને એને યક્ષો તથા રાક્ષસોની સેનાઓનું સેનાપતિપદ આપ્યું.

રાવણનો રાજ્યાભિષેક થયો એટલે એણે દેવોના યક્ષોના રત્નભંડારોને હરી લીધા.

એ સૌને ત્રાસ આપતો તથા રડાવતો એથી રાવણ કહેવાયો.

તપશ્ચર્યામાં પ્રવૃત્ત થયેલા બંધુઓની ભાવના જુદી જુદી હોવાથી તેમને તપશ્ચર્યાનાં ફલ પણ જુદાં જુદાં મળ્યાં. એ ફળપ્રાપ્તિ પછીની પ્રવૃત્તિ પણ જુદી જુદી થવા લાગી. તપ મનની શુદ્ધિને સાધવામાં, મનને વશ કરવામાં, સંયમી અથવા ઉદાત્ત બનાવવામાં, અને પરમાત્માપરાયણ થવામાં મદદરૂપ ના થાય; સદબુદ્ધિથી સંપન્ન બનાવે નહીં; તો તે તપ આત્મિક અભ્યુત્થાનની દૃષ્ટિએ ઉપયોગી અથવા આશીર્વાદરૂપ ના બની શકે. તપ છેવટે તો માનવને સાચા અર્થમાં માનવ બનાવનારું અને પરમાત્માભિમુખ બનવા માટે મદદરૂપ થનારું બનવું જોઇએ. સાધક સદા માટે એનું ધ્યાન રાખે એ આવશ્યક અને આવકારદાયક લેખાશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *