Sunday, 22 December, 2024

રુક્મિણી સાથે લગ્ન – 1

348 Views
Share :
રુક્મિણી સાથે લગ્ન – 1

રુક્મિણી સાથે લગ્ન – 1

348 Views

બળરામનું લગ્ન આનર્ત દેશના રાજા રૈવતની કન્યા રેવતી સાથે થયેલું એ હકીકતનો ઉલ્લેખ ભાગવતના નવમા સ્કંધમાં કરાયો છે. આ દસમા સ્કંધમાં કૃષ્ણના લગ્નનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણે જીવનને સમગ્ર રીતે અને અનાસક્તિપૂર્વક જીવવાનો આગ્રહ રાખ્યો છે. ધર્મ, તત્વજ્ઞાન, સાધના, મુક્તિ અથવા પૂર્ણતાના નામે કેટલાક પુરુષોએ લગ્નજીવન તથા લૌકિક જીવનને તિરસ્કારની નજરે જોવાનું શીખવીને એના પ્રત્યે ભારે અણગમો દર્શાવ્યો છે. એને જીવનના આત્મિક વિકાસના માર્ગમાં અંતરાયરૂપ પણ કહી બતાવ્યું છે. પરંતુ ભગવાન કૃષ્ણના સંબંધમાં એવું નહોતું. એમની દૃષ્ટિ અત્યંત ઉદાર, વિશાળ, સૂક્ષ્મદર્શી તથા સાચી હતી. એ લગ્નજીવનને કે લૌકિક જીવનને જીવનવિકાસમાં અંતરાયરૂપ માનીને એના સંબંધવિચ્છેદનો સંદેશ નહોતા શીખવતા. એમનો મુખ્ય સંદેશ મનને શુદ્ધ કરવાનો, અલિપ્ત રીતે જીવવાનો ને સ્વધર્મનું પાલન કે કર્તવ્યનું અનુષ્ઠાન કરી છૂટવાનો હતો. એ સંદેશ એમણે જીવનમાં જીવી ને સંમિશ્રિત કરી બતાવ્યો. એમની એ વિશેષતા હતી. એ વિશેષતાનુસાર એમણે પોતે લગ્નજીવનમાં પ્રવેશીને સૂચવ્યું કે લગ્નજીવન ખરાબ નથી. માણસ એને ખરાબ બનાવી દે છે, બાકી એને સમજપૂર્વક જાગ્રત બનીને જીવવામાં આવે તો એ જીવનવિકાસનું સુંદર સહાયક સાધન બનીને જીવનને સુખશાંતિથી સંપન્ન, મુક્ત ને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ભારતીય સંસ્કૃતિએ લગ્નજીવનના કે ગૃહસ્થ ધર્મના મહિમાનું જયગાન એ દૃષ્ટિએ જ કરેલું છે ને ભગવાન કૃષ્ણે એમાં પોતાનો વ્યક્તિગત શકવર્તી સૂર પુરાવ્યો છે. એમના લગ્નજીવનને એવી વિશાળ અથવા સારગર્ભિત ભવ્ય ભૂમિકા પરથી જોવાનું છે; કોઇ ક્ષુલ્લક વિષયલાલસાયુક્ત માનવની દૃષ્ટિથી નથી જોવાનું.

રુક્મિણીના સંસ્કાર પણ એટલા બધા સર્વોત્તમ, એનો પ્રેમ એવો પરાકાષ્ઠા પર પહોંચેલો અને એની લગની એટલી બધી ઉત્કટ હતી કે એ એમની પત્ની બની શકી, એ સૌભાગ્ય કાંઇ જેવું તેવું ન હતું. એની કથા ઘણી રોચક અને આકર્ષક છે.

રુક્મિણી વિદર્ભ દેશના અધીશ્વર મહારાજા ભીષ્મકની પુત્રી હતી. એણે રાજપ્રાસાદમાં આવનારા અતિથિઓ અથવા સત્પુરુષો દ્વારા ભગવાન કૃષ્ણના સૌન્દર્ય, સદ્દગુણ, સામર્થ્ય તથા અનંત ઐશ્વર્યની વાત સાંભળીને એમના પ્રત્યે કુદરતી રીતે જ અનંત આકર્ષણનો અનુભવ કરીને પતિરૂપે મનોમન પસંદ કર્યા. ભગવાન કૃષ્ણને પણ રુક્મિણીની લોકોત્તર યોગ્યતાની માહિતી હોવાથી એમની દૃષ્ટિ એના પર ઠરેલી અને એમણે એને અપનાવવાનો વિચાર કરી રાખેલો.

એ હકીકતને ઇતિહાસની સાથે સાથે આધ્યાત્મિક સંદર્ભમાં પણ સમજીએ તો સમજાય છે કે રુક્મિણી પરા પ્રકૃતિ અથવા જીવનું પ્રતીક છે અને ભગવાન કૃષ્ણ સૃષ્ટિકર્તા, ધરતા કે ભર્તા અને હર્તા શિવ છે. જીવ કાયમ માટે કદી શિવથી અલગ રહી શકે છે ? ના. એ રુક્મિણીની પેઠે અચિંત્ય રીતે નૈસર્ગિકરૂપે જ શિવના અલૌકિક અખૂટ આકર્ષણને અનુભવે છે. એ આકર્ષણ કદી કોઇયે કારણે નથી ઓસરતું. પંચમહાભૂતના પાર્થિવ રાજપ્રાસાદમાં રહેતો જીવ સંતો, સત્પુરુષો કે શાસ્ત્રો દ્વારા ભગવાનના મહિમાની કલ્યાણકારક કથાઓને સાંભળીને એમના પ્રત્યે આકર્ષાય છે અને એમને મનોમન વરીને એમની પ્રાપ્તિનો સંકલ્પ કરે છે. એ સંકલ્પ સહજ અને સુદૃઢ હોય છે. ભગવાન તો એને અપનાવવા માટે હંમેશાં તૈયાર જ હોય છે. એમની એને માટેની પ્રીતિ તથા કરુણા કદી પણ નથી ખૂટતી. ફક્ત એ વિષયાભિમુખ મટીને એમના તરફ અભિમુખ થાય એટલી જ વાર છે.

પરંતુ એ સાધનામાં વિઘ્નો તો આવવાનાં જ. એ વિષયાભિમુખ મટીને પરમાત્માભિમુખ થવાનો પ્રયાસ કરે એટલે એનો સાધનાપંથ સંપૂર્ણ સરળ ને નિષ્કંટક થઇ જાય એવું કશું જ નથી. એની અવનવી અગ્નિપરીક્ષાઓ પણ થતી રહેવાની. રુક્મિણીના સંબંધમાં પણ એવું જ બન્યું. એની પ્રીતિ, ભાવના, સંકલ્પશક્તિ અને શ્રદ્ધાભક્તિને કસોટીની એરણ પર ચઢાવતા પ્રસંગો એના જીવનમાં બનતા રહ્યા. એ પ્રતિકૂળ પ્રસંગો એને જાણે કે કહી રહેલા કે અંતિમ અમૃતપાન પહેલાં જીવનમાં કેટલીકવાર વિષ પણ આવે છે, શીતળ છાયા સાંપડતાં પહેલાં તીવ્ર તાપ પણ મળે છે, અને એનાથી ગભરાઇ કે ડરી જનારને ઇપ્સિત પદાર્થની પ્રાપ્તિ નથી થઇ શક્તી. રુક્મિણીના ભાઇ રુકમીએ જ એનો વિરોધ કર્યો. એને કૃષ્ણને માટે જરા પણ પ્રેમ ન હતો. એણે કૃષ્ણને નાપસંદ કરીને રુક્મિણીનું લગ્ન શિશુપાલ સાથે થાય એવી રુક્મિણીના વિરોધ છતાં પણ યોજના કરી. રુક્મિણી એથી દેખીતી રીતે જ દુઃખી બની ગઇ. એ કૃષ્ણ વિના બીજા કોઇનેય વરવા નહોતી માગતી.

*

ભારતવર્ષમાં સ્ત્રીઓ અધિકારવિહોણી, લાચાર કે પછાત હતી ? ના. દેશના પ્રાચીન ઇતિહાસનું અધ્યયન કરનાર એવા ભ્રાંત વિચારો નહિ સેવે. રુક્મિણી નીડર તથા વિવેકી હતી. એણે કૃષ્ણની પાસે એક વિશ્વાસપાત્ર બ્રાહ્મણને સંદેશવાહક તરીકે મોકલ્યો. એ બ્રાહ્મણ એનો સ્નેહપૂર્ણ સંદેશો લઇને દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે પહોંચી ગયો. જીવ શિવના પવિત્ર પ્રેમથી પ્રેરાઇને સાધનાના મંગલમય માર્ગે આગળ વધે અને એ માર્ગે મુસીબતો કે અંતરાયો આવે ત્યારે સદ્દગુરુ વિના બીજા કોનું શરણ લે ? એ સદ્દગુરુ એમની અહેતુકી અનુકંપાથી પ્રેરાઇને ઇશ્વરને પ્રાર્થના કરે છે કે જેથી એ જીવનો સ્વીકાર કરે.

બ્રાહ્મણે ભગવાન કૃષ્ણના પૂછવાથી એમને સઘળી હકીકત કહી સંભળાવી. એમને રુક્મિણીનો સ્નેહપૂર્ણ સંદેશ પણ સંભળાવ્યો. એ સરસ સંવેદનશીલ સંદેશમાં કહેવામાં આવેલું કે હે ત્રિભુવનસુંદર, હે અવિનાશી ! તમારા સદ્દગુણોના શ્રવણમનનથી મારું મન મંત્રમુગ્ધ બનીને તમારી સાથે જોડાઇ ગયું છે તે કેમે કરીને છૂટું નથી પડે તેમ. કુળ, શીલ, સ્વભાવ, સૌંન્દર્ય, વિદ્યા, અવસ્થા, ઐશ્વર્ય, ગમે તે દૃષ્ટિએ જોતાં તમે અદ્વિતીય છો. તમને  જોઇને સૌનું મન શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. મેં તમને મારા પતિના રૂપમાં પસંદ કર્યા છે. તમને સર્વસમર્પણ કર્યું છે. તમે અંતર્યામી હોવાથી મારા હૃદયને જાણો છો. અહીં પધારીને મારો પત્ની તરીકે સ્વીકાર કરો. શિશુપાલ કે બીજા કોઇયે પુરુષને સ્પર્શવાની મારી લેશ પણ ઇચ્છા નથી. તમે સંનિષ્ઠ સમાજસેવક છો ને સૌને સુખશાંતિ આપવા અવતાર લઇને આવ્યા છો તો મારી રક્ષા કરવા ને મને સુખશાંતિ આપવા આવી પહોંચો. મારા લગ્નના આગલા દિવસે આવીને જરૂર પડે તો શિશુપાલ તથા જરાસંઘનો સામનો કરીને મારું પાણિગ્રહણ કરો. અમારા કુળની પરંપરાગત પ્રથા પ્રમાણે લગ્નના આગલા દિવસે હું સૌની સાથે નગરની બહાર આવેલા ભવાની માતાના મંદિરમાં દર્શન કરવા જઇશ. તે દિવસે ત્યાં તમારી પ્રેમપૂર્ણ પ્રતીક્ષા કરીશ. જો તમે મારી રક્ષા કરવા નહિ આવો તો વ્રત દ્વારા શરીરને સૂકવીને પ્રાણનો ત્યાગ કરીશ.

*

રુક્મિણીનો એ સંવેદનપૂર્ણ સંદેશ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ થવા માગનારા સાધકનો સંકલ્પ કેવો સુદૃઢ, પ્રેમ કેવો પ્રબળ અને સમર્પણભાવ કેટલે બધો ઉત્કટ જોઇએ તે સૂચવે છે. એવી અસાધારણ યોગ્યતા હોય તો પરમાત્માની અનુકંપા થયા વિના રહે જ નહિ. એના પ્રત્યુત્તરરૂપે પરમાત્માની પ્રસન્નતા કે કૃપાની પ્રાપ્તિ જ થાય.

ભગવાનને જે ચાહે છે તેને ભગવાન પણ ચાહે છે. એમની પાસે જે પહોંચવા માગે છે તેની પાસે એ પણ પહોંચી જાય છે. એમને જે પ્રેમપૂર્વક યાદ કરે છે એને એ પણ નથી ભૂલી શક્તા. એને અપનાવવા એ સદાય તૈયાર રહે છે. એ વિશાળ આધ્યાત્મિક સંદર્ભ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતા હોય તેમ ભગવાન કૃષ્ણે પ્રેમપૂર્ણ પરિભાષામાં જણાવ્યું કે :

तथाहमपि तश्चित्तो निद्रां च न लभे निशि । (અધ્યાય પ3, શ્લોક ર પૂર્વાર્ધ.)

‘બ્રાહ્મણ દેવતા ! રુક્મિણી જેવી રીતે મારામાં મન પરોવીને બેઠી છે તેવી રીતે મારું મન પણ એનામાં લાગેલું છે. મને કોઇ કોઇ વાર એના વિચારથી રાતે ઊંઘ પણ નથી આવતી.’

કેટલા બધા લાગણી ભરેલા, સ્નેહપૂર્ણ, સહાનુભૂતિ છલેલા શબ્દો છે ? એ શબ્દોમાં પત્રોના પત્રો, સંદેશાઓના સંદેશા સમાઇ જાય છે. જાણે કે ગાગરમાં સાગર. જીવ શિવની ઝંખના કરતાં જાગે ને શિવ એના એવા અચળ અનુરાગની અવજ્ઞા કરીને લાગણીરહિત બનીને ઊંઘે એવું કદી બની શકે ખરું ? કદાપિ ના બની શકે.

ભગવાન કૃષ્ણે એ સંવેદનશીલ સંદેશના ઉત્તરમાં, એના અનુસંધાનમાં આગળ કહ્યું કે રુકમી મારો વિરોધ કરે છે તે હું જાણું છું, પરંતુ સંગ્રામમાં એને અને એના સાથીઓને પરાજીત કરીને હું એ પરમસુંદરી રાજકુમારી રુક્મિણીની રક્ષા કરીશ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *