Sunday, 22 December, 2024

રુક્મિણી સાથે લગ્ન – 2

340 Views
Share :
રુક્મિણી સાથે લગ્ન – 2

રુક્મિણી સાથે લગ્ન – 2

340 Views

ભીષ્મક રાજાએ પોતાના મોટા પુત્ર રુકમીના સ્નેહને લીધે રુક્મિણીનું લગ્ન શિશુપાલ સાથે કરવાની તૈયારી કરી. રુક્મિણીને સમય પર શણગારવામાં આવી, ગ્રહશાંતિને માટે હવન કરાવવામાં આવ્યો, ને દાનની પ્રવૃત્તિ પણ સારી પેઠે પૂરી થઇ. કુંડિનપુરની પ્રજા પણ પ્રસન્નતાને પ્રકટ કરતી મહોત્સવ મનાવવા લાગી. શિશુપાલ, જરાસંઘ, દંતવક્ત્ર, વિદૂરથ તથા પોંડ્રક જેવા રાજાઓ ને શિશુપાલના સાથીદારો પણ સેનાઓ સાથે લગ્નની સઘળી તૈયારી કરીને આવી પહોંચેલા. બળરામને એની અને કૃષ્ણના પ્રયાણની માહિતી મળવાથી એ પણ કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી પ્રેરાઇને ભાવિ શક્યાશક્યતાનો વિચાર કરીને સેના સાથે કુંડિનપુરની દિશામાં ચાલી નીકળ્યા.

*

ભક્ત ભગવાનને મળવાનો મનોરથ સેવે તો પણ ભગવાન કાંઇ સહેલાઇથી મળી જાય છે ? રુક્મિણીના સંબંધમાં પણ એવું જ બન્યું. લગ્નની વચ્ચે એક જ દિવસ શેષ રહ્યો તો પણ ભગવાન કૃષ્ણ તો ના પધાર્યા પરંતુ બ્રાહ્મણદેવતા પણ ના આવ્યા એથી એ દુઃખમાં ડૂબીને ભાતભાતના તર્કવિતર્કો કરવા લાગી. એટલામાં તો એણે મોકલેલા બ્રાહ્મણદેવતા આવી પહોંચ્યા. એમણે ભગવાન કૃષ્ણનો સંદેશો કહ્યો અને એમના શુભાગમનના સમાચાર પહોંચાડ્યા. એથી એની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

સાધકની મનોકામના પૂરી ના થાય તો પણ એણે નિરાશ ના થવું અને સાધનાની, પોતાની અંદરની, સદ્દગુરુની ને સિદ્ધિ અથવા ઇશ્વરની શ્રદ્ધાભક્તિનો ત્યાગ ના કરવો. સાધનાની સિદ્ધિનો સ્વર્ણસમય ક્યારે આવી પહોંચે તે વિશે કશું જ ના કહી શકાય. એની પ્રતીક્ષા ધીરજ, હિંમત અને ઉત્સાહપૂર્વક સદાય કરવી પડે છે.

*

ભગવાન કૃષ્ણ તથા બળરામ રુક્મિણીના લગ્નપ્રસંગ પર પધાર્યા છે એ જાણીને મહારાજા ભીષ્મકે એમનું સાદર સમુચિત સ્વાગત કર્યું. નગરજનો પણ એમના શુભાગમનના સમાચાર સાંભળીને પ્રસન્ન થયા. સુનિશ્ચિત સમય પર રુક્મિણી સૈનિકોની સુરક્ષા વચ્ચે સખીઓથી ઘેરાઇને માતાના મંદિરમાં દર્શન કરવા માટે નીકળી. એનું સૌન્દર્ય અનુપમ હતું. જાણે લક્ષ્મીદેવી પોતે જ પૃથ્વી પર પ્રકટી હોય એવું લાગતું હતું. મંદિરમાં પ્રવેશીને એણે દેવીના દિવ્ય દર્શનનો લાભ લઇને પૂજા તથા પ્રાર્થના કરી અને સખીઓ સાથે આજુબાજુ બધે દૃષ્ટિપાત કરીને ભગવાન કૃષ્ણના શુભાગમનની પ્રતીક્ષા કરતી બહાર નીકળી. એણે ધીમી ગતિથી આગળ વધીને રથ પર ચઢવાની તૈયારી કરી તે જ વખતે ભગવાન કૃષ્ણે એકાએક આગળ આવીને એને ઉપાડીને પોતાના રથમાં બેસાડી દીધી અને સૌની વચ્ચેથી વિપળનાય વિલંબ વિના રથને દોડાવી મૂક્યો.

એ એકાએક પેદા થયેલી પરિસ્થિતિથી સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા. બળરામ તથા બીજા યદુવંશી ભગવાન કૃષ્ણની સાથે ચાલી નીકળ્યા. જરાસંઘ જેવા રાજાઓ પોતાનો તિરસ્કાર થયેલો જાણીને પોતાની સાથે સાથે કૃષ્ણને પકડવા કે યુદ્ધ કરવા ચાલ્યા. એમની ને કૃષ્ણની સેના વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. એના પરિણામે જરાસંઘ અને બીજા રાજાઓને પોતાના પ્રાણ બચાવવા માટે યુદ્ધમાંથી નાસી જવું પડ્યું.

શિશુપાલ તો રુક્મિણીના જવાથી નાસીપાસ અથવા નિરાશ થઇ ગયો. એની મહત્વકાંક્ષા પર પાણી ફરી વળ્યું. જરાસંઘે એને બને તેટલી સાંત્વના તથા હિંમત આપી. એ પછી ચેદિરાજ શિશુપાલ તથા બીજા રાજાઓ એમની શેષ સેના સાથે એમનાં નગરો તરફ પાછા વળ્યાં. પરંતુ રુક્મિણીના ભાઇ રુકમીએ પોતાની સશક્ત સેના સાથે કૃષ્ણનો પીછો કર્યો. એણે સેના સાથે નીકળતાં પહેલાં જ સૌની આગળ પ્રતિજ્ઞા કરી કે યુદ્ધમાં કૃષ્ણનો નાશ કરીને રુક્મિણીને પાછી ના લાવું તો કુંડિનપુરમાં પ્રવેશ નહિ કરું. યુદ્ધમાં કૃષ્ણને મારવા માટે આખરે રથ પરથી નીચે ઉતરીને એ એમની દિશામાં દોડવા લાગ્યો ત્યારે ભગવાને એની ઢાલ તથા તલવારને તોડી નાખીને એના નાશ માટે તલવાર લીધી. એ વખતે રુક્મિણીએ વચ્ચે પડીને એનો નાશ ના કરવાની પ્રાર્થના કરી. એની પ્રાર્થનાને લક્ષમાં લઇને ભગવાને એને એના ઉપવસ્ત્રથી બાંધી દીધો ને દાઢી, મુંછ તથા મસ્તકનું વચ્ચે વચ્ચેથી મુંડન કરીને કુરૂપ બનાવ્યો. બળરામને એ વાત ના ગમી. કૃષ્ણે રુકમીને બંધનમુક્ત કર્યો એટલે એ પોતાની પ્રતિજ્ઞાને અનુસરીને કુંડિનપુરમાં જવાને બદલે ભોજકટ નામની નવી નગરી વસાવીને રહેવા લાગ્યો. એની સેનાનો તો પહેલેથી જ નાશ થઇ ચૂકેલો.

*

જીવ જ્યારે શિવને સમર્પણ કરે છે ને શિવ એને આંશિક રીતે અપનાવીને એના પર કૃપા કરે છે ત્યારે કેટલીકવાર પુરાણી વાસનાઓ ને વિક્ષેપો વચ્ચે આવે છે. ભગવાનની કૃપાથી એ અંતરાયોનું કશું જ નથી ચાલતું. આખરે અંતિમ અંતરાય જીવના જયેષ્ઠ બંધુ જેવા અહંકારનો રહે છે. નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશીને પરમાત્માની અભિન્ન અંતરંગ એકતાને અનુભવવા માગનાર યોગીના ને ભગવાનની પૂર્ણ કૃપાની કામના કરનારા ભક્તના જીવનમાં એ સૂક્ષ્મતમ અહંભાવથી ઉપર અથવા દેહાધ્યાસને જીતવાનું કે શાંત કરવાનું કાર્ય શેષ રહે છે. એ અહંભાવથી ઉપર ઊઠવાનો અવસર આવે છે ત્યારે કેટલીકવાર એ અનુભવ એકદમ નવો હોવાથી જીવ ગભરાઇ જાય છે. છેવટે એ અહંકાર ઓગળી અથવા નામશેષ બની જાય છે ને પોતાના મૂળ-પહેલાંના સ્થાનમાં નથી જઇ શકતો. રુકમી એ અહંકારનું પ્રતીક છે.

એ અહંકારનો અને બીજા બધા જ અંતરાયોનો અંત આવે પછી બાકી શું રહે ? જીવ તથા શિવનું સુભગ સુખદ સંમિલન પછી સહજ બને છે. સાધકની શરણાગતિપૂર્ણ સાધના સફળ થાય છે. ભક્તની ચિરકાલીન ભાવના ફળે છે. જીવન ઉત્સવમય બને છે. એને એના પ્રિયતમ પરમાત્મા મળે છે. ભાગવત કહે છે કે રુક્મિણીનું કૃષ્ણ સાથેનું લગ્ન એવી રીતે સરળ બન્યું. દ્વારકાપુરીમાં પહોંચીને ભગવાન કૃષ્ણે એની સાથે એની સંમતિથી વિધિપૂર્વક લગ્ન કર્યું. ચિરકાળથી છૂટી પડેલી ચેતનાઓ જીવનની લીલા માટે પાછી ભેગી થઇ.

*

આપણે ત્યાં એવા શબ્દપ્રયોગો પ્રચલિત છે તે કૃષ્ણે રુક્મિણીનું હરણ કર્યું. મોટા મોટા પંડિતો કે કથાકારો પણ એવું કહી સંભળાવે છે. પરંતુ મને પોતાને એવું કથન આદર્શ, ન્યાયસંગત અને ઉત્તમ નથી લાગતું. એવા શબ્દપ્રયોગો કૃષ્ણ તથા રુક્મિણી બંનેને અન્યાય કરનારા છે. કૃષ્ણે રુક્મિણીની ઇચ્છા વગર કોઇક ધાડપાડુની પેઠે એને પ્રાપ્ત કરી એવો સામાન્ય નિકૃષ્ટ ધ્વનિ એમાંથી પેદા થાય છે, અને એમના મહિમાને ઓછો કરે છે. રુક્મિણીને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોવાથી પોતાના જીવનની રક્ષા કરીને પોતાને પત્ની તરીકે અપનાવવા માટે એણે એમને આમંત્રણ મોકલેલું. એથી પ્રેરાઇને એના પવિત્ર પ્રેમને માન આપીને એમણે એની રક્ષા કરી. એ કૃત્યને હરણ કહેવું બરાબર નથી. કૃષ્ણે રુક્મિણીનું હરણ નહોતું કર્યું, એની રક્ષા કરેલી અથવા વધારે સારા સુયોગ્ય શબ્દોમાં કહીએ તો એનો ઉદ્ધાર કરેલો એવું કહેવું વધારે ઉચિત મનાશે. કૃષ્ણને માટેનો એવો ઉલ્લેખ આદરપાત્ર અને વાસ્તવદર્શી રહેવાશે. એની દ્વારા અવનવી ઉદાત્ત દૃષ્ટિની પ્રાપ્તિ થશે.

*

રુક્મિણીને કૃષ્ણ દ્વારા પ્રદ્યુમ્ન નામના કામદેવના અંશ જેવા સર્વાંગસુંદર સુપુત્રની પ્રાપ્તિ થઇ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *