Sunday, 22 December, 2024

ઋષ્યશૃંગનો પ્રસંગ

343 Views
Share :
ઋષ્યશૃંગનો પ્રસંગ

ઋષ્યશૃંગનો પ્રસંગ

343 Views

{slide=Rishyashringa’s story}

King Lomapada ruled over the kingdom of Anga. During his tenure, famine gripped his state. King asked for pundit’s advise. They told that if Sage Rishyashringa, son of Maharshi Kashyap, bless his state with his presence, the problem would be solved. Lomapada, after consultation with his ministers, decided to lure the sage with beauty. An old lady took charge and left to Sage’s place with few beautiful girls.
When Sage Kashyap was not present, a girl was sent to lure Sage Rishyashringa. Rishyashringa was fascinated by the beauty of the girl. To entice him further, the girl escaped the place by giving a false reason. That made Rishyashringa impatient. His mind began revolving around the girl. When his father, Sage Kashyap returned, he saw a marked change in Rishyashringa. When Sage Kashyap knew the reason of Rishyashringa’s impatience, he advised him not to get carried away by beauty. However, his destiny was meant to be different.
When Sage Kashyap left his place next time, the girl again met Sage Rishyashringa. This time, Rishyashringa readily accompanied her to her kingdom on her proposal. The problem of famine was thus solved. Thereafter, Rishyashringa married King Lomapada’s daughter, Shanta. When Sage Kashyap came to know about it, he also blessed the couple. 

મહાભારતના મહામહિમામય મહાગ્રંથને હીરા, માણેક, મોતી કે સુવર્ણની મહામૂલ્ય ખાણ સાથે સરખાવી શકાય. એનો લાભ લેનારની વૈચારિક, બૌદ્ધિક કે ભાવાત્મક દરિદ્રતા દૂર થાય છે. એની દ્વારા જીવનોપયોગી અવનવી પ્રાણવાન પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. એમાં આલેખાયેલાં આખ્યાનો, ઉપદેશાયલી ઉપકથાઓ, અને કહેવાયલી પ્રદાનકથા જુદાજુદા પ્રેરક સનાતન સંદેશથી સમલંકૃત છે. એ આબાલ-વૃદ્ધ સૌ કોઇને પોતપોતાની શક્તિ તથા યોગ્યતા પ્રમાણે અનેક પ્રકારે લાભ પહોંચાડે છે.

મહાભારતના વનપર્વની અંતર્ગત તીર્થયાત્રા પર્વના 110 થી 113મા અધ્યાય સંબંધી પણ એવું જ સમજવાનું છે.

મહર્ષિ કાશ્યપ અથવા વિભાંડકનો પરમ તપસ્વી તથા જિતેન્દ્રિય ઋષ્યશૃંગ હતો.

એ નિરંતર જીવન જીવતો ને વનમાં વસતો.

એના માથામાં એક શિંગડું હોવાથી એનું નામ ઋષ્યશૃંગ પડયું.

એનું મન સદા સંયમની સાધનામાં અથવા બ્રહ્મચર્યમાં સંલગ્ન રહેતું.

એ વખતે આંગદેશના રાજા લોમપાદના રાજ્યમાં એના કોઇ અસાધારણ અક્ષમ્ય અપરાધને લીધે વૃષ્ટિ ના થવાથી પ્રજા પીડાવા લાગી.

એની પીડાને પેખીને રાજા લોમપાદે પંડિતોને એકઠા કરીને વૃષ્ટિનો અકસીર ઉપાય પૂછ્યો તો એમનામાંથી એક પારદર્શી પરમ પવિત્ર વિદ્વાન પંડિતે પ્રત્યુત્તર પ્રદાન કર્યો કે સરળ સ્વભાવવાળા, સ્ત્રીઓથી અપરિચિત, અરણ્યવાસી ઋષ્યશૃંગનાં પવિત્ર પગલાં જો રાજ્યમાં પડે તો વરસાદ વરસી શકે એમાં કોઇ પ્રકારનો સંશય નથી.

રાજા લોમપાદે એ મહામાન્ય પંડિતના અનુભવાત્મક અભિપ્રાયને લક્ષમાં લઇને રાજકીય વિચારધારામાં વિશારદ એવા મંત્રીઓને બોલાવીને એમની સાથે આવશ્યક વિચારવિનિમય કર્યો.

એણે વિચાર્યું કે ઋષ્યશૃંગ ગમે તેવો આત્મરત અને એકાંતવાસી હશે તોપણ પરમાત્માની પરમશક્તિ અથવા મહામાયાની પ્રતિમૂર્તિ સરખી સ્ત્રીનું આકર્ષણ અનંત અને અમોઘ હોય છે. એ અદમ્ય આકર્ષણની અસર નીચે આવીને મોટામોટા મુનિ, જ્ઞાનીઓ તથા વિદ્વાનો પણ મોહાય છે ને ભાન ભૂલી પરવશ બને છે. સ્ત્રીની અચિંત્ય અલૌકિક સંમોહશક્તિ મોટામોટા મેઘાવીને અને મહારથીઓના મનમાં પણ સંમોહ પેદા કરે છે. મતિભ્રમ જગવે છે. ઋષ્યશૃંગ એમાં અપવાદરૂપ નહિ હોય. નહિ હોય શકે.

એણે નગરની મુખ્ય મુખ્ય વેશ્યાઓને બોલાવીને ઋષિપુત્ર ઋષ્યશૃંગને વિવિધ ઉપાયો દ્વારા લોભાવીને બતાવીને વિશ્વાસમાં લઇને રાજ્યની વસતિમાં લાવવાનો આદેશ આપ્યો.

એ આદેશ એમને માટે અનોખો હતો.

એને સાંભળીને એ ડરી અને નાહિંમત બની ગઇ.

એ કામ અશક્ય છે એવું કહેવા લાગી.

પરંતુ એક વૃદ્ધાએ એને માટેની તૈયારી બતાવીને જણાવ્યું કે તે તપોમૂર્તિ ઋષ્યશૃંગને લાવવા માટે હું મારી રીતે પ્રયત્ન કરી જોઇશ અને મને શ્રદ્ધા છે કે એમાં સફળ થઇશ. તમારે મને ઇચ્છા અથવા આવશ્યકતા પ્રમાણેની સાધનસામગ્રી આપવી પડશે.

રાજા લોમપાદે એની માગણીને માન્ય રાખીને એને આવશ્યક સાધનસામગ્રી પૂરી પાડી તથા પુષ્કળ ધન અને મહામૂલ્યવાન રત્નો અર્પણ કર્યા.

એ ધનસામગ્રીથી સંતુષ્ઠ થઇને એ વૃદ્ધા સુંદરી કેટલીક સ્વરૂપવાન સર્વશ્રેષ્ઠ સુંદરીઓને લઇને ધારેલા કાર્યની સિદ્ધિ માટે વનમાં ગઇ.

એ સુંદરીએ વનમાં એક નૌકાશ્રમ તૈયાર કરાવ્યો.

એ વિવિધ પુષ્પો, ફળો, લતાઓવાળાં કુત્રિમ વૃક્ષોથી આકર્ષક અને આહલાદક દેખાતો.

એ નૌકાશ્રમને કાશ્યપ મુનિના આશ્રમથી થોડેક દૂર રાખીને, કાશ્યપમુનિને બહાર ગયેલા જાણીને, એમના આશ્રમમાં પોતાની બુદ્ધિશાળી પંદર પુત્રીને મોકલી.

વેશ્યાપુત્રીએ એ એકાંત અરણ્યાશ્રમમાં પ્રવેસીને ઋષ્યશૃંગ સાથે પોતાની રીતે વાર્તાલાપ કરીને પોતાના અનુરાગપૂર્ણ આકર્ષક અભિનય દ્વારા એના મનને મોહિત કર્યું.

એના અનેકવિધ આહલાદક અભિનયથી ઋષ્યશૃંગના મનમાં વિકારો પેદા થયા ત્યારે અગ્નિહોત્રનો વખત થયો છે એવું બહાનું કાઢીને એ સુંદરી ત્યાંથી વિદાય થઇ.

પરંતુ એટલા વખતમાં તો એનું સ્વપ્ન સિદ્ધ થઇ ગયું.

ઋષ્યશૃંગ પર એના એ સ્વલ્પ સંસર્ગનો પ્રભાવ એટલો બધો પ્રતિકૂળ પડ્યો કે એના પ્રયાણ પછી એણે મદનથી ઘેલા બની, ભાન ભૂલી, એનું જ ચિંતન મનન અને ધ્યાન કરવા માંડ્યું.

એનું અંતર એ રૂપસુંદરીને મળવા માટે આકુળવ્યાકુળ બની ગયું.

કહે છે કે સજ્જનોનો ક્ષણવારનો સત્સંગ સંસારસાગરને તરવા માટેની નૌકા બરાબર થઇ પડે છે અને અમોઘ આશીર્વાદરૂપ ઠરે છે. એ કથનને બીજી રીતે થોડુંક ઉલટાવીને કહેવું હોય તો કહી શકાય કે દુર્જનોનો અથવા વિષયવતી વૃત્તિવાળા માનવોનો અલ્પ અથવા અધિક સંગ, સંગ કરનારની અવસ્થા અપરિપક્વ હોય અને એ સતત સાવધાન, સદબુદ્ધિસંપન્ન અને જાગ્રત ના હોય તો સંસારસાગરમાં ડૂબવા માટેનું, વિપથગામી બનવાનું, કે અધઃપતનને આમંત્રવાનું સાધન થઇ પડે છે. અભિશાપરૂપ ઠરે છે. આત્મિક અભ્યુત્થાનના માર્ગે આગળ વધનારા સાધકે સદાસદ બુદ્ધિનો આશ્રય લઇને ક્ષણેક્ષણે આત્મનિરીક્ષણ કરતા રહીને, સંગની પસંદગીનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે છે.

ઋષ્યશૃંગનો પ્રસંગ એ કથનની પ્રતીતિ તથા સ્મૃતિ કરાવે છે.

મહામુનિ વિભાંડક અથવા કાશ્યપે ઋષ્યશૃંગની ચિત્તવૃત્તિને જાણી લીધી. એની ચંચળતા, વિકારવશતા તથા વિક્ષિપ્તતા એમનાથી છૂપી ના રહી.

{slide=Click here to read the remaining story : વધુ આગળ વાંચો}

એમણે એને જણાવ્યું કે તેં અગ્નિહોત્રમાં હોમ કર્યો હોય એવું નથી લાગતું. રોજની જેમ ગાયની સેવા પણ નથી કરી. તું પહેલાંના જેવો નથી જણાતો. ચિંતામાં ડૂબેલો દેખાય છે, ભાન ભૂલ્યો છે, દીન થયો છે. આજે અહીં કોઇ આવ્યું હતું ?

ઋષ્યશૃંગે એ પ્રશ્નના ઉત્તરરૂપે જે કાંઇ કહ્યું તે તેની સરળતા, સહજતા અને નિષ્કપટતા દર્શાવે છે. એના ઉદગારો આ રહ્યા : “અહીં એક જટાધારી બ્રહ્મચારી આવેલો. તે મનસ્વી ન તો નાનો હતો કે ન તો અતિ મોટો. તેનો વર્ણ સુવર્ણ જેવો હતો. તેની આંખો કમલ જેવી વિકસેલી હતી. સાક્ષાત્ દેવોના જેવી તેની શોભા હતી. તે રૂપનો ભંડાર અને સૂર્યના જેવો ઝળહળતો હતો. તેનાં લોચન શ્યામ અને મનોહર હતાં. શરીરે તે અત્યંત ગૌર હતો. તેની જટા કાળી, મનોરમ, સુગંધભરી, સોનાને દોરે ગૂંથેલી અને અતિ લાંબી હતી. આકાશમાં જેમ વીજળી ચમકે તેમ એના ગળામાં એક ક્યારા જેવું આભૂષણ ચળકતું હતું. એના ગળાની નીચે બે ગોળ દડા હતા, તે રોમરહિત અને મનને હરનારા હતા. તેનો નાભિનો ભાગ મધ્યમાંથી ઊંડો હતો. તેની કમર અત્યંત પાતળી હતી તથા તેના ચીરમાંથી આ મારા જેવી સુવર્ણમયી મેખલા ઝગમગતી. તેના બંને પગે અદભુત દેખાવવાળું કાંઇક રૂમઝૂમતું શોભતું હતું. આ રુદ્રાક્ષમાળા છે તેમ તેના હાથોમાં રણકાર કરતાં કંકણો હતાં. તે જ્યારે ચાલતો ત્યારે તે કંકણો સરવરમાંના મત્ત હંસોની જેમ કૂજન કરતાં. તેના ચીર અદભુત શોભાભર્યાં હતા. મારા વલ્કલો તે ચીરો જેવાં રૂપવતાં નથી. તેનું મુખ આશ્ચર્યકારક સુંદરતાભર્યું હતું. તેની વાણી ચિત્તને પ્રસન્ન કરતી. કોકિલના જેવી તેની વાણીને સાંભળીને મારો અંતરાત્મા આતુર થઇ ગયો હતો. વૈશાખ માસમાં પવનથી ડોલી ઊઠેલું મધ્યવન જેનું શોભી ઊઠે તેવી રીતે ઉત્તમ પુષ્પોની સુગંધીવાળો તે પવનના સ્પર્શથી ડોલતો અત્યંત શોભી રહ્યો હતો. તેની જટા સુંદર રીતે બાંધેલી હતી, છતાં લલાટમાંથી તે સરખી રીતે બે ભાગમાં વહેંચાઇને વળગી રહી હતી. તેના કાન સુંદર રૂપભર્યાં ચિત્રવિચિત્ર ચક્રવાકોથી જાણે કે ઢંકાઇ ગયા હતા. દેવપુત્ર જેવા તે બ્રહ્મચારીને જોઇને મને પરમપ્રીતિ અને રતિ થઇ છે. તે મારા અંગને ભેટતો હતો અને મારી જટાને પકડીને મારા મુખને નમાવતો હતો. મારા મુખ ઉપર મુખને મૂકીને તેણે જે અવાજ કર્યો તેથી મને અત્યંત આનંદ થયો. મેં એને પગ ધોવાનું પાણી અને ફળો આપ્યાં. પણ તેણે તે સ્વીકાર્યાં નહિ. તેણે મને બીજાં ફળો આપ્યાં. મારા ફળોમાં તેના ફળોના જેવો રસ ન હતો. તેમની છાલ પણ તેનાં ફળોના જેવી ન હતી. એ ઉદાર રૂપવાળાએ મને અતિ સ્વાદભર્યું પાણી આપ્યું. તેને પીને મને અતિશય હર્ષ થયો. જાણે પૃથ્વી ફરવા માંડી હોય એવું લાગ્યું. હીરને દોરે ગૂંથેલી આ રહી તેની મઘમઘતી ચિત્રવિચિત્ર ફૂલમાળાઓ. તપથી ઝગઝગી રહેલો તે બ્રહ્મચારી એ માળાઓને અહીં વેરીને પોતાને આશ્રમે ચાલ્યો ગયો છે. તેના જવાથી મારું મન બહાવરું બની ગયું છે અને મારા શરીરે જાણે અગન ઊઠી છે. હું ઇચ્છું છું કે તે અહર્નિશ અહીં જ રહે. હું તેની પાસે જવા ઇચ્છું છું. તે આર્યધર્મી જેવું તપ કરે છે તેવું તપ હું તેની સામે રહીને કરવા ઇચ્છું છું. હું તેને નહિ જોઉં તો મારું દિલ દુઃખી થશે.”

એના પિતા મહામુનિ વિભાંડકે જણાવ્યું કે વનમાં રાક્ષસો એવા અદભુત દર્શનવાળા રૂપને ધારણ કરીને ફરતા હોય છે. એ વનવાસી મુનિઓને લોભાવી, મોહિત કરીને ઉત્તમ લોકથી અથવા અવસ્થાથી ભ્રષ્ટ કરે છે. તપસ્વીઓએ એમની સામે જોવું અને એમનાથી પ્રભાવિત ના થવું જોઇએ.

વિભાંડકે ત્રણ દિવસ સુધી શોધ કરી તોપણ તે રૂપવતી સ્ત્રીની માહિતી ના મળી ત્યારે એ આશ્રમમાં પાછા ફરીને ફળ લેવા માટે ગયા. એ અવસર નો લાભ લઇને પેલી સુંદરી ઋષ્યશૃંગ પાસે પહોંચી.

એને જોઇને ઋષ્યશૃંગને નવજીવન મળ્યું.

એણે એ સુંદરી સાથે પોતાના પિતાની અનુપસ્થિતિમાં એના આશ્રમે પહોંચવાની ઇચ્છા દર્શાવી એટલે સુંદરીએ એને યુક્તિ-પ્રયુક્તિપૂર્વક નાવમાં બેસાડીને નાવને છોડી મૂકી.

સંગના પરિણામે કોઇવાર સંગદોષ પેદા થાય છે અને એને લીધે મતિભ્રમ ઊપજે છે. એની અસર નીચે આવવાથી જે પંથે ના ભરવાનાં હોય તે પંથે પગલાં ભરાય છે.

ઋષ્યશૃંગની કથા એ હકીકત પ્રત્યે અંગૂલિનિર્દેશ કરે છે.

એ સુંદરી ઋષ્યશૃંગને રાજા લોમપાદ પાસે લાવી.

રાજા લોમપાદે એને પોતાના અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો એજ વખતે આકાશમાં વરસાદનાં વાદળ ઊમટયાં અને ચારે તરફ વરસાદ વરસવા લાગ્યો.

એ ધાર્યા પ્રમાણેનો અસાધારણ ચમત્કાર જોઇને રાજા લોમપાદને અતિશય આનંદ થયો.

એના મનોરથની સિદ્ધિ થવાથી એણે ઋષ્યશૃંગને પોતાની પુત્રી શાંતા અર્પણ કરી.

મહામુનિ વિભાંડક આશ્રમમાં ઋષ્યશૃંગને ના નિહાળવાથી ક્રોધે ભરાઇને રાજા લોમપાદને દંડ દેવાની ઇચ્છાથી પ્રેરાઇને એની પાસે જવા નીકળ્યા.

રાજા લોમપાદે એમને સુચારુરૂપે સત્કારીને એમની પૂજા કરી.

એ પૂજાથી, ઋષ્યશૃંગના ઐશ્વર્યના અવલોકનથી, અને ઋષ્યશૃંગની ધર્મપત્ની સૌન્દર્યમૂર્તિ શાંતાના વિનયપૂર્ણ વ્યવહારથી, એમનો ક્રોધ તથા વિરોધ શાંત થઇ ગયો.

એમણે રાજા લોમપાદ પર શુભાશીર્વાદનો વરસાદ વરસાવ્યો, અને એક પુત્રની પ્રાપ્તિ થતાં રાજાનાં પ્રિય કાર્યોને પરિપૂર્ણ કરીને વનમાં પાછા આવવાનો ઋષ્યશૃંગને આદેશ આપ્યો.

ઋષ્યશૃંગે એ આદેશનું પાલન કર્યું.

એણે અરણ્યના આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાં શાંતાએ છાયાપેઠે સાથે રહીને એની સેવા કરી.

પરમાત્માના પવિત્ર પંથે પ્રયાણ કરનારનું, પરમાત્માનું સાચા દિલથી શરણ લેનારનું, કદી અકલ્યાણ થાય છે ખરું ? ના નથી થતું. પરમાત્માની પરમશક્તિ, પરમકૃપા, સદા તેની સંભાળ રાખે છે ને રક્ષા કરે છે. પરિસ્થિતિ પ્રારંભમાં પ્રતિકૂળ દેખાય તો પણ એને માટે આખરે અનુકૂળ બની જાય છે. ગીતામાં કહ્યું છે કે મારા ભક્તનો કદી નાશ નથી થતો. न मे भक्तः प्रणश्यति ׀

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *