સદગુરુનો અનુગ્રહ
By-Gujju24-04-2023
સદગુરુનો અનુગ્રહ
By Gujju24-04-2023
Grace of spiritual master is capable of creating wonders. An ideal Guru is one who becomes happy at the progress of his disciple. An ideal Guru wishes that his disciple progress on the spiritual path and reach greater height than himself, achieve more name and fame than himself.
Ved Vyas was one such extraordinary spiritual master. That was the reason why he commanded his disciple, Vaishampayan to narrate the story of Mahabharata to the assembly of Kings. He himself could have told the whole story to the assembly but he wanted to give glory to his disciple. This is one of the reason why the birthday of Sage Vyas is known and celebrated as ‘Guru Purnima’.
આદર્શ ગુરુ પોતાના શરણાગત શિષ્યની કાયાપલટ કરે છે.
શિષ્યનું જીવન ઉજ્જવળ, ઉત્તમ, આદર્શ બને અને રહે તેનું ધ્યાન રાખે છે.
શિષ્યની ગુણવત્તા, વિશેષતા તથા યોગ્યતાને નિહાળીને પ્રસન્ન બને છે. એને પ્રોત્સાહન પ્રદાન કરે છે.
શિષ્ય પોતાના જેવો અસાધારણ અધિકાર મેળવે અને પોતાનો સદાને સારુ આશ્રિત ના રહે એવું અંતઃકરણપૂર્વક ઇચ્છે છે, અને એ ઇચ્છાના અમલ માટે બનતું બધું જ કરી છૂટે છે.
પોતાનો શિષ્ય પ્રતિષ્ઠા પામે, પ્રજ્ઞાશીલ બને, અને ઉચ્ચ સાધનાત્મક જીવન જીવીને સિદ્ધિ તથા શાશ્વત શાંતિના શ્રેયસ્કર સર્વોત્તમ સુમેરુ શિખરને પાર કરીને પોતાના કરતાં પણ આગળ વધે એવું ઇચ્છે છે.
સન્માનના પ્રતિષ્ઠામૂલક પ્રસંગો દરમિયાન પોતે પાછળ રહીને શિષ્યને આગળ કરે છે સન્માન ધરે છે.
શિષ્યના વિજયમાં પોતાનો વિજય ગણે છે.
એથી ઊલટું, કનિષ્ઠ ગુરુ શિષ્યની પ્રગતિથી પીડા પામે છે. શિષ્યને સાધાનાત્મક સિદ્ધિના માર્ગે આગળ જતો જોઇને જલે છે.
શિષ્યને પોતાનો પ્રતિસ્પર્ધી સમજે છે. કાયમનો સેવક, નોકર, આશ્રિત કે ગુલામ માને છે.
અવારનવાર ડરાવે છે, ધમકાવે છે, અપમાનિત કરે છે, ઉત્સાહરહિત બનાવે છે.
શિષ્યને સન્માનતો નથી, સન્માનવા દેતો નથી. શિષ્યને પ્રતિષ્ઠિત થવા દેતો નથી. એના ભોગે પોતે પ્રતિષ્ઠિત બને છે. બનવા માટે ઇચ્છે છે.
શિષ્યની સફળતાને, સિદ્ધિને, શાંતિને સાર્થકતા કે સર્વોત્તમતાને સાંભળી શકતો નથી. સમજવાની અને સન્માનવાની વાત તો અલગ રહી. એની તો એને કલ્પના પણ નથી આવતી.
પોતાનાથી મોટો ગુરુ સંસારમાં બીજો કોઇ જ નથી એવું માને-મનાવે છે. પોતાના સિવાયના બીજા બધાને માટે આત્મવિકાસના મંગલમય મંદિરદ્વારને યાવચ્ચંદ્રદિવાકરૌ બંધ કરી રાખે છે.
કૃપણ હોય છે, સ્વાર્થી હોય છે. ગુરુતાગ્રંથિથી પીડિત બંધાયેલો.
આદર્શ ગુરુ શિષ્યને અને અન્ય સૌને માટે આત્મવિકાસના મંગલમય મંદિરદ્વારને ઉઘાડાં રાખે છે, ઉઘાડી આપે છે.
પિતાથી વધારે પ્રેમપૂર્વક પોષણ કરે છે. માતાથી વિશેષ મમતાપૂર્વક માવજત. આચાર્ય કરતાં અધિક-અનેકગણા અધિક અનુરાગથી પ્રરાઇને અન્યને આલોકિત કરે છે.
મહાભારતના રચયિતા સ્વનામધન્ય મહર્ષિ વ્યાસ એવા જ એક આપ્તકામ આદર્શ લોકોત્તર સદગુરુ હતા. ગુરુના પણ ગુરુ. સાક્ષાત્ પરબ્રહ્મ. રામચરિતમાનસનાં સુંદર સુમધુર સારવાહી શબ્ધોમાં કહીએ તો “કૃપાસિંધુ નરરૂપ હરિ.” લોકગુરુ.
માટે તો એમણે લોકકલ્યાણને માટે મહાભારતના પ્રાણવાન પ્રાણપ્રદાયક પ્રદીપને પ્રગટાવ્યો. મહાભારત પરથી એની પ્રતીતિ થાય છે.
આદર્શ ગુરુ હોવાથી એમણે એ મહાભારતની કલ્યાણકારિણી કથાને એમના શિષ્ય દ્વારા કહેવડાવીને એમને પ્રતિષ્ઠા અપાવી. એમનું બહુમાન થવા દીધું એમના અંતરંગ અધિકારને ઓળખીને એમને પ્રોત્સાહન પ્રદાન કર્યું. આદિપર્વના 60મા અધ્યાયનું અવલોકન કરવાથી એ વાતને સહેલાઇથી સમજી શકાશે. એમાં કહેવામાં આવ્યું છે કે –
જનમેજય રાજાએ સર્પસત્રની દીક્ષા લીધી છે એવું જાણીને વિદ્વાન સ્વાનુભવસંપન્ન ઋષિ કૃષ્ણદ્વૈપાયન ત્યાં પધાર્યા, તે પાંડવોના પિતામહ હતા.
એ પરમયશસ્વી મહાપુરુષે વેદાંગો તથા ઇતિહાસ સાથે વેદોનું અધ્યયન કરેલું.
તપમાં, વ્રતમાં, વેદાધ્યયનમાં,ઉપવાસોમાં અને યજ્ઞમાં કોઇ એમનાથી આગળ નહોતું.
એ ઉત્તમ વેદવેદાએ વેદને ચાર વિભાગોમાં વહેંચેલા.
એ કવિ, બ્રહ્મર્ષિ, સદાચારી, સત્યવ્રતી હતા.
રાજર્ષિ જનમેજય તે મહાન ઋષિને શિષ્યો સાથે પધારેલા જોઇને પોતાની મંડળી સાથે ઊભા થઇને સત્વર સ્નેહપૂર્વક સામે ગયા. ઇન્દ્રરાજ જેમ ગુરુ બૃહસ્પતિને આસન આપે એમ સભાસદોની સંમતિથી એમણે એમને સુવર્ણદાન આપ્યું. આસન ઉપર બિરાજેલા અને દેવર્ષિઓના સમૂહથી પૂજા પામેલા મહર્ષિ વ્યાસની રાજા જનમેજયે શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજા કરી.
એ પછી પ્રસન્ન થયેલા જનમેજયે એમની પાસે બેસીને એમના કુશળ સમાચાર પૂછ્યા. સર્વ સભાસદોએ મહર્ષિ વ્યાસનું પૂજન કર્યું અને એમણે સભાસદોની વળતી પૂજા કરી. તે પછી રાજા જનમેજયે મહર્ષિ વ્યાસને પ્રણામ કરીને પૂછ્યું કે તમે કૌરવો તથા પાંડવોને પ્રત્યક્ષરૂપે જોયા છે. તો અમને તેમનાં ચરિત્રો સંભળાવો. તેમને સાંભળવાની અમારી ઉત્કટ ઇચ્છા છે. મારા સઘળા પિતામણે ક્રોધાદિથી રહિત કર્મવાળા હતા તોપણ તેમની વચ્ચે વિરોધ કેમ થયો ? અશુભ ચિત્તવાળા બનેલા તે પૂર્વજોની વચ્ચે સર્વસંહારક ભયંકર સંગ્રામ કેમ થયો ?
રાજા જનમેજયના શબ્દોને સાંભળીને મહર્ષિ વ્યાસે પોતાની પાસે બેઠેલા શિષ્ય વૈશંપાયનને જણાવ્યું કે કૌરવો અને પાંડવો વચ્ચે જે વિરોધ થયો હતો તેના સંબંધમાં તેં મારી પાસેથી જે કાંઇ સાંભળ્યું છે તે સઘળું રાજા જનમેજયને તથા બધાને કહી સંભળાવ. એટલે પોતાના ગુરુના આદેશને અનુસરીને વિપ્રવર વૈશંપાયને રાજાને, સભાસદોને, તથા સઘળા રાજાઓને કૌરવો પાંડવોના વિરોધ, સંગ્રામ અને સર્વનાશનો સઘળો પ્રાચીન ઇતિહાસ સંભળાવવાની શરૂઆત કરી.
મહર્ષિ વ્યાસ સરખા સમર્થ સદગુરુના આદેશથી અસાધારણ ઉત્સાહ પ્રગટયો. એમની મહાભારત કથા અતિશય પ્રેરક અને આનંદદાયક બની રહી. સાચા સદગુરુનો અનુગ્રહ શું ના કરી શકે ?