Samadhi Pada : Verse 21 – 25
By-Gujju03-04-2023
Samadhi Pada : Verse 21 – 25
By Gujju03-04-2023
२१. तीव्रसंवेगानाम् आसन्नः ।
21. tivra samvega asannah
જેમની સાધના તીવ્ર હોય છે, તેમને યોગની સિદ્ધિ જલદી મળી જાય છે.
*
२२. मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः ।
22. mridu madhya adhimatra tatah api visheshah
સાધના માત્ર સાધારણ, મધ્યમ કે અધિક હોવાને લીધે તીવ્ર સંવેગવાળા સાધકોની યોગસિદ્ધિમાં પણ કાળનો ભેદ થઇ જાય છે પોતપોતાની યોગ્યતા પ્રમાણે જુદાજુદા માણસો તેને વહેલું કે મોડું પૂરું કરે છે. માટે સાધકે પુરુષાર્થમાં શિથિલતા ના આવવા દેવી જોઇએ. સાધના સતત રીતે ચાલુ રાખવી જોઇએ.
*
२३. ईश्वरप्रणिधानाद् वा ।
23. ishvara pranidhana va
ઇશ્વરની ભક્તિ કે શરણાગતિ ઇશ્વરપ્રણિધાન કહેવાય છે. તેથી પણ નિર્બીજ સમાધિ અથવા પોતાની સિદ્ધિ થઇ શકે છે.
ઇશ્વર સર્વ શક્તિમાન છે. તે ભક્ત પર પ્રસન્ન થઇને તેની બધી જ ભાવના પૂરી કરે છે.
*
२४. क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ।
24. klesha karma vipaka ashayaih aparamristah purusha-vishesha ishvara
જે ક્લેશ, કર્મ, વિપાક ને આશયના સંબંધથી રહિત તથા બધા પુરુષોથી ઉત્તમ છે તે ઇશ્વર છે.
ક્લેશ પાંચ છે – અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ.
કર્મ ચાર જાતનાં – પુણ્ય, પાપ, પુણ્ય ને પાપના મિશ્રણવાળાં ને પુણ્ય ને પાપથી રહિત.
વિપાક એટલે કર્મોનું ફલ. આશય એટલે કર્મોના સંસ્કાર.
સર્વ જીવોનો આ ચારથી અનાદિ સંબંધ કહેવાય છે. મુક્ત જીવો પાછળથી આ સંબંધથી મુક્ત થાય છે, પણ પહેલા તો તેમને પણ આ સંબંધ હોય છે. પરન્તુ ઇશ્વર તે સંબંઘથી સર્વથા મુક્ત હતા, છે ને રહેશે. તેથી તે મુક્ત કોટિના પુરુષોથી પણ ઉત્તમ છે. માટે જ પુરુષ વિશેષ છે.
*
२५. तत्र निरतिशयं सर्वज्ञ्त्वबीजम् ।
25. tatra niratishayam sarvajna bijam
તે ઇશ્વરમાં સર્વજ્ઞતાનું કારણ જ્ઞાન નિરતિશય એટલે પૂર્ણપણે રહેલું છે.
જેનાથી વધે એવી કોઇ વસ્તુ ના હોય તે નિરતિશય કહેવાય છે. ઇશ્વર જ્ઞાનની પૂર્ણતા છે. તેમના જ્ઞાનથી વધે તેવું જ્ઞાન બીજા કોઇનું નથી. તે જ રીતે ધર્મ, વૈરાગ્ય, યશ, ઐશ્વર્ય ને શક્તિની દૃષ્ટિએ પણ તે અજોડ છે.