Wednesday, 15 January, 2025

સનકાદિના મુખે ભાગવતનો મહિમા

370 Views
Share :
સનકાદિના મુખે ભાગવતનો મહિમા

સનકાદિના મુખે ભાગવતનો મહિમા

370 Views

 

સનકાદિ આરંભમાં ભગવતનો મહિમા સંભળાવતાં કહેવા લાગ્યા કે यस्य श्रवणमात्रेण मुक्तिः करतले स्थिता । એના શ્રવણમાત્રથી મુક્તિ મળી જાય છે.

सदा सेव्या सदा सेव्या श्रीमद् भागवती कथा ।

यस्याः श्रवणमात्रेण हरिश्चितं समाश्नयेत्

શ્રીમદ્ ભાગવતની કથાનું સદા સેવન કરવું જોઇએ. એના શ્રવણમાત્રથી ભગવાનની ભક્તિ જાગે છે ને ભગવાન હૃદયમાં વિરાજે છે. આ ભાગવતગ્રંથમાં અઢાર હજાર શ્લોક, બાર સ્કંધ અને શુકદેવજી તથા પરીક્ષિતનો સંવાદ છે. જ્યાં સુધી ભક્તિરસથી ભરપુર સુંદર શાસ્ત્રની કથાના આસ્વાદનો અનુપમ અવસર જીવનમાં નથી આવતો ત્યાં સુધી જીવ અવિદ્યા તથા ભ્રાંતિનો શિકાર બનીને આવાગમનશીલ ઘોર સંસારચક્રમાં ફર્યા કરે છે. ભાગવતનો રસાસ્વાદ મળતાવેંત જ એ પરિભ્રમણનો પરિપૂર્ણપણે અંત આવે છે. જેને ભાગવતશ્રવણનો લાભ મળ્યો છે તે બીજા શાસ્ત્રોને ના વાંચે તો પણ શું ? તેથી તેને કશું જ નથી ખોવા જેવું. એક ભાગવત જ મુક્તિ આપવા માટે પર્યાપ્ત છે. જે ઘરમાં દિનપ્રતિદિન ભાગવતની કથા કરવામાં આવે છે તે ઘર તીર્થતુલ્ય પવિત્ર બની જાય છે ને એમાં નિવાસ કરનારા નિષ્પાપ થાય છે.

શ્રીમદ્ ભાગવતની કથા દુર્લભ છે. કોટિ જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જ એની પ્રાપ્તિ થાય છે. એના સપ્તાહ શ્રવણનું સુફળ ઘણું મોટું છે. એ દરમિયાન પરમાત્માના પવિત્ર પ્રેમરસના ક્ષીરસાગરને ગાગરમાં ભરી દેવામાં આવે છે. એ સર્વપ્રકારે શ્રેયસ્કર છે. કલિકાળમાં આયુષ્ય અલ્પ છે, આધિ-વ્યાધિ અને ઉપાધિનો અંત નથી, મન પણ ચંચળ, મલિન અને અસંયમી તેમજ બીજી પણ પ્રતિકૂળતાઓ ઘણી હોવાથી સપ્તાહશ્રવણનો મહિમા વિશેષ માનવામાં આવ્યો છે તે યોગ્ય જ છે. સપ્તાહશ્રવણ સમજપૂર્વકનું તેમજ ઇશ્વરાભિમુખ બનાવનારું ને ઇશ્વરના અચિંત્ય અનુગ્રહથી અલંકૃત કરનારું હોય તો યજ્ઞથી, વ્રતથી, તપથી, તીર્થાટન કે તીર્થસેવનથી, યોગાભ્યાસથી, ધ્યાન અથવા જ્ઞાનથી પણ શ્રેષ્ઠ છે. એની ઉપકારકતા કે મંગલમયતાનું સવિસ્તર વર્ણન કોણ કરી શકે ? એની તુલના બીજા કશાની સાથે નથી થઇ શકે તેમ.

ભાગવતના માહાત્મ્યની મંગલમયી કથાનું વર્ણન સચોટ, સુંદર અને આહલાદક રીતે થઇ રહેલું એ જ વખતે એક આશ્ચર્યકારક ઘટના બની. એ સુંદર, શાંત, ભક્તિરસ ભરપુર સભાસ્થળમાં શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ જેવાં ભગવન્નનામોનું ઉચ્ચારણ કરતી ભક્તિ તરુણાવસ્થા પ્રાપ્ત પોતાના જ્ઞાનવૈરાગ્યરૂપી સુપુત્રો સાથે ઉત્સાહયુક્ત હૃદયે આવી પહોંચી. એણે ભાગવતના અલૌકિક અર્થોના આભૂષણો પહેરેલાં. એને જોઇને સૌને નવાઇ લાગી ત્યારે સનકાદિએ જણાવ્યું કે એનું પ્રાકટ્ય હમણાં જ ભાગવતના ભાવાર્થમાંથી થયું છે.

ભક્તિદેવીએ એ મહાન ઋષિવરોનો આભાર માન્યો એટલે ઋષિવરોએ એને નિશ્ચિંત ને નિર્ભય બનવાનું કહીને ભગવદભક્તોના હૃદયમાં વિરાજવાનો આદેશ આપ્યો. એણે એ આદેશનું અનુસરણ કર્યું.

સંસારમાં સૌથી ધની ને ધન્ય તે જ છે જેના હૃદયમાં ભગવાનની ભક્તિનો વાસ છે. ભક્તિના શાશ્વત સૂત્રે બંધાઇને ભગવાન પોતાના પરમધામનો પરિત્યાગ કરીને એવા પ્રેમી ભક્ત પુરુષના હૃદયમાં વસવા માટે તૈયાર બને છે. મૃત્યુલોકમાં ભાગવત ભગવાનના સાક્ષાત સ્વરૂપ સરખું છે. એનો આશ્રય લઇને એને સાંભળવાથી અને સંભળાવવાથી ભગવાન શ્રીકૃષ્ણની સમતાની પ્રાપ્તિ થાય છે. એનો આશ્રય લેનારને અન્ય ધર્મો કે ધર્મગ્રંથોનો આશ્રય લેવાની આવશ્યકતા નથી પડતી.

ભાગવતનો અનુરાગપૂર્વક આશ્રય લેનાર આત્માના અસાધારણ ચિરવિસ્મૃત ગૌરવને અનુભવીને સમસ્ત પ્રકારના દૈન્ય અને ક્લૈબ્યથી મુક્તિ મેળવીને ભગવદભક્તિની સંપ્રાપ્તિથી ભગવાનના અલૌકિક અનુગ્રહની ને ભગવાનની સુખદ સંનિધિની અનુભૂતિ કરીને કૃતાર્થ બને છે. ભાગવતનું સાચું માહાત્મ્ય એ જ હોવાથી એનો પ્રતિઘોષ જીવનમાં જેમ જેમ અધિકાધિક પ્રમાણમાં પડે છે તેમ તેમ એનું અધ્યયન, સંભાષણ ને શ્રવણ સફળ બને છે. એટલે ભાગવતનો લાભ કેવળ લોકરંજન અથવા અર્થોપાર્જન, વિદ્વત્તાના પ્રદર્શન કે વાદવિવાદ માટે નથી લેવાનો : એનું પોપટપારાયણ કરીને કે એને સામુહિક કથાનું સાધન સમજીને પણ સંતોષ નથી માનવાનો. એનો સાચો સંબંધ જીવનપરિવર્તન સાથે, પરમાત્માની પ્રેમભક્તિને જગાવવા ને વધારવા માટે, ને પરમાત્માપરાયણતા કેળવીને પરમાત્માના સાક્ષાત્કારથી સાર્થક થવા માટે હોઇ, એનો ઉપયોગ એવા બધાં લક્ષ્યાંકોની સિદ્ધિને માટે જ કરવાનો છે.

માહાત્મ્યના આ અધ્યાયોમાં એ વસ્તુનું ખાસ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે પરમાત્માના પરમાનુગ્રહની પ્રાપ્તિ માટે ભક્તિની આવશ્યકતા તો છે જ પરંતુ એની સાથેસાથે જ્ઞાન તથા વૈરાગ્ય પણ સુપ્તાવસ્થામાં, વ્યાધિગ્રસ્ત કે જીર્ણ હશે તો નહિ ચાલે. ભક્તિની સાથે એમનો સુખદ સહયોગ જોઇશે. સનકાદિ સરખા પ્રજ્ઞાપૂત પરમાત્માનિષ્ઠ સદગુરુની સવિશેષ કૃપાથી મન પરમાત્માભિમુખ બનીને ઋતંભરા પ્રજ્ઞાના હરિદ્વારમાં પ્રવેશીને નિર્ભેળ આત્માનંદના ઘાટ પર સ્થિતિ કરીને ઇશ્વરની એકનિષ્ઠ આરાધનામાં ઓતપ્રોત બનશે ત્યારે એના બધા જ મેલ દૂર થશે. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યના સંસ્કારો પછી સોળ કળાએ ખીલી ઊઠશે.

એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. ભાગવતના માહાત્મ્યના આ બધા અધ્યાયોની રચના થઇ હશે ત્યારે ગુજરાતની ભક્તિવિષયક સ્થિતિ કદાચ સંતોષકારક નહિ હોય. એટલે તો માહાત્મ્યકારે ગુર્જરે જીર્ણતા ગતા હું ગુજરાતમાં જીર્ણાવસ્થાને પ્રાપ્ત થઇ એવું ભક્તિ દ્વારા જ કહેવડાવ્યું છે. એના પરથી કોઇએ એવું સમજવાનું નથી કે ગુજરાતની ભૂમિ ભક્તિવિહિન છે. માહાત્મ્યનું એ વિશિષ્ટ વર્ણન ક્યા સવિશેષ સમયને અનુલક્ષીને કરવામાં આવ્યું છે એનો સમુચિત ને સુસ્પષ્ટ નિર્ણય સંશોધનવૃત્તિવાળા વિચક્ષણ વિદ્વાનોએ કરવાનો છે. આપણને એ મુદ્દાની સાથે એટલો બધો સંબંધ નથી. પરંતુ આપણે પરિસ્થિતિની એટલી વાસ્તવિકતા પ્રત્યે અંગુલિનિર્દેશ અવશ્ય કરીશું કે ગુજરાતની ગૌરવશાલિની ભૂમિ એના ઇતિહાસના લગભગ બધા જ તબક્કાઓમાં શીલ, સંસ્કારિતા, શૂરવીરતા, સેવાભાવના અને ભક્તિની મૂડી રહી છે. મધ્યયુગ જેવા સમયમાં ને તે પછી પણ એમાં મોટા મોટા સંતો, તપસ્વીઓ, જ્ઞાનીઓ, દાનીઓ અને ભક્તો થયા છે. આધુનિક સમયમાં પણ મહર્ષિ દયાનંદ, ભિક્ષુ અખંડાનંદ ને મહાત્મા ગાંધી જેવા સત્પુરુષોની ચરણરજથી એ પુલકિત બની છે. એનો આરાધનાપરાયણ અલૌકિક અંતરાત્મા આજે પણ ભાતભાતના ભક્તો, સંતો અને નિષ્કામ કર્મયોગીઓના રૂપમાં મૂર્તિમંત થતો રહે છે. અને એની સામાન્ય અધિકાંશ પ્રજા ? એ પણ ભારતના કોઇ પણ બીજા પ્રદેશવિશેષની સરખામણીમાં આચારવિચારની, સેવાની, અતિથિસત્કારની શુદ્ધિની ને ભક્તિભાવની દૃષ્ટિએ ઉતરતી તો નથી જ દેખાતી, બલકે કેટલીય બાબતોમાં ચઢિયાતી લાગે છે. સંતો, મહંતો, કથાકારો ને સદુપદેશકોનું ત્યાં સારી પેઠે પોષણ થાય છે. લોકોની ભક્તિભાવના ત્યાં પરિપક્વતા અથવા પ્રૌઢાવસ્થા પર પહોંચી છે. પ્રત્યેક સમાજમાં કેટલાક વિરોધીઓ તો રહેવાના જ. એવા વિપરીત વૃત્તિવાળા વિરોધીઓ ભક્તિનું ખંડન કરે એ સ્વાભાવિક છે. બાકી તો ગુજરાતની ભક્તિરસ ભરપુર શ્રદ્ધાસમન્વિત ભૂમિમાં આજે પણ જેટલાં સંકીર્તનો, સત્સંગો અને ભાગવત સપ્તાહો થાય છે એટલા બીજે ક્યાય નહિ થતાં હોય. એ દેવભૂમિમાં આજે ભક્તિભાવનો લોપ થયો છે એવું ભૂલેચૂકે પણ ના કહી શકાય.

સનકાદિ ઋષિઓના ભાગવત માહાત્મ્યના વર્ણનના એ અવર્ણનીય આનંદદાયક અવસર પર ભક્તવત્સલ ભગવાન પોતાના પરમ પવિત્ર પરમધામને પરિત્યાગીને ત્યાં પધાર્યા. અને કેમ ના પધારે ? જ્યાં ભગવાનની એકનિષ્ઠ ભક્તિનો ને વિશુદ્ધતમ જ્ઞાનવૈરાગ્યનો ઉદય થાય ત્યાં ભગવાનને પધાર્યા વિના ચાલે જ નહિ. એ જીવનમાં ભગવાનની સંનિધિ સહજ થઇ જાય. મનમાં રહેલા વાસનાના કે દુર્ભાવનાના રહ્યાસહ્યા સૂક્ષ્માતિસૂક્ષ્મ અંકુરોનો પણ અંત આવવાથી ભગવાનના અનંત અનુગ્રહની અનુભૂતિ આપોઆપ થવા માંડે છે.

કથાશ્રવણ સારું સંમિલિત થયેલા સઘળા શ્રોતાઓએ ભગવાનની એ સુખદ સુધામયી સંનિધિનો સ્વાનુભવ કર્યો. હજુ તો મૂળ કથાના આરંભની વાર છે ત્યાં જ એની પૂર્વભૂમિકારૂપે શ્રોતાઓ એવા અલૌકિક અનુભવનો આસ્વાદ પામ્યા એમાં ભગવાનનો અસાધારણ અનુગ્રહ તો રહેલો જ છે પરંતુ શ્રોતા ને વક્તા બંનેની સદ્દભાવનાની સફળતા દેખાય છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *