Wednesday, 13 November, 2024

જ્ઞાન વૈરાગ્યને નવજીવન

263 Views
Share :
જ્ઞાન વૈરાગ્યને નવજીવન

જ્ઞાન વૈરાગ્યને નવજીવન

263 Views

 

એ પછી નારદજી જ્ઞાનવૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એમની પાસે જઇને એમણે પોકારો પાડ્યા. વેદધ્વનિ, વેદાંતઘોષ અને ગીતાપારાયણના પ્રયોગો કર્યા. એથી માંડમાંડ જાગ્યા તો ખરા પરંતુ આંખ ના ઉઘાડી શક્યા ને બગાસા ખાતા ફરી પાછા સૂઇ ગયા.

એ દેખીને દેવર્ષિને ચિંતા થઇ ત્યારે એમણે આતુર અંતરે ઇશ્વરસ્મરણ કરવા માંડ્યું. એ વખતે સંભળાયલી આકાશવાણીએ એમને આશ્વાસન આપ્યું કે તમારો પરિશ્રમ સાર્થક થશે ને તમે સફળમનોરથ બનશો. તે માટેની સાધનાનો સદુપદેશ તમને સ્વનામધન્ય સંતપુરુષો પાસેથી પ્રાપ્ત થશે. એ સાધનાનું અદ્દભુત અનુષ્ઠાન સંપૂર્ણ થશે કે તરત જ જ્ઞાન તથા વૈરાગ્યને નવજીવનની પ્રાપ્તિ થશે અને સંસારમાં સર્વત્ર ભક્તિનો પ્રસાર સુલભ બનશે.

દેવર્ષિ એ અસ્પષ્ટ આકાશવાણીના મર્મને સુચારુરૂપે ના સમજ્યા. તો પણ એમાંથી આશ્વાસન મેળવીને જુદા જુદા પ્રદેશવિશેષોમાં વિચરવા લાગ્યા. ત્યાં મળતાં મુનિશ્વરોને એ અમોઘ સાધનાસંબંધી પૂછવા માંડ્યા પરંતુ કોઇ એના રહસ્યનું સ્પષ્ટીકરણ ના કરી શક્યું. સૌએ પોતપોતાની અશક્તિ જાહેર કરી.

છેવટે ભિન્નભિન્ન પ્રદેશોમાં પરિભ્રમણ કરતા એ બદરીનાથના પ્રશાંત પુણ્યપ્રદેશમાં આવી પહોંચ્યા. ત્યાં એમને સનકાદિ દિવ્ય ઋષિવરોનો દર્શનલાભ મળ્યો. એમના દર્શનથી એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમનું આયુષ્ય અનંત હોવા છતાં એ બહારથી જોતાં પાંચ વરસના બાળક જેવા દેખાતા. એ હરિઃશરણમ્ મંત્રનો નિરંતર જપ કરતા. નારદજીના પૂછવાથી એમણે આકાશવાણીએ સૂચવેલા સાધનવિશેષ પર પ્રકાશ ફેંકતા કહેવા માંડ્યું કે સંસારમાં જ્ઞાનયજ્ઞનું મહત્વ ઘણું મોટું છે. તે યજ્ઞથી શાંતિ ને મુક્તિ સહેલાઇથી મળી શકે છે. શ્રીમદ્ ભાગવતના પવિત્ર પારાયણ જેવો જ્ઞાનયજ્ઞ બીજો કોઇ જ નથી. એ સુંદર ભક્તિરસ ભરપૂર શાસ્ત્રના શબ્દો સાંભળવાથી ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યને અભિનવ શક્તિ સાંપડશે અને પ્રશાંતિ તથા પરમાનંદની પ્રાપ્તિ થશે. સિંહની ગર્જના સાંભળીને ભાગી જનારા બકરાંઘેટાં અને અન્ય વન્ય પશુપ્રાણીઓની પેઠે શ્રીમદ્ ભાગવતના મંગલમય જીવનપ્રદાયક જયઘોષથી કલિયુગના સમસ્ત દોષોમાંથી મુક્તિ મળશે.

એના અનુસંધાનમાં દેવર્ષિના સૂક્ષ્માતિસૂક્ષ્મ સરખા સંદેહનું પણ શમન કરવા જે શબ્દો કહેવામાં આવે છે તે ભાગવતના મહિમાના પરિચાયક હોવાથી ખૂબ જ સારગર્ભિત ને પ્રેરક છે. સનકાદિ ઋષિના કથનનો સાર એ છે કે ભાગવતની કથા વેદ તથા ઉપનિષદના સારરૂપ છે. એટલા માટે અત્યંત રસમયી અને ઉત્તમ લાગે છે. વૃક્ષનો રસ વૃક્ષના મૂળથી માંડીને એની શાખા સુધી સઘળે પ્રસાર પામે છે. પરંતુ એ રસનું ગ્રહણ શાખાઓમાં અને મૂળમાં, પત્રોમાં કે પુષ્પોમાં નથી થઇ શકતું. એનો આસ્વાદ પણ એમની દ્વારા નથી મળી શકતો. એનું ગ્રહણ અને આસ્વાદન તો ફળની મદદથી જ કરી શકાય છે. દૂધમાં ઘી રહે છે તો ખરું પરંતુ દૂધને સ્પર્શવાથી સ્વતંત્ર રીતે ગ્રહણ નથી કરી શકાતું. એ જ ઘીને દૂધથી અલગ કરવામાં આવે છે ત્યારે એ દેવતાઓને માટે પણ આસ્વાદ્ય બને છે. સાકર શેરડીની અંદર એના અણુઅણુમાં ઓતપ્રોત હોવા છતાં એનાથી છૂટી કરાય છે ત્યારે સ્વતંત્ર રીતે સ્વાદ આપે છે. તલમાં તેલ તો છે પણ તલને પકડવા માત્રથી જ હાથમાં નથી આવી શકતું. એને વિધિપૂર્વક અલગ કરવામાં આવે છે ત્યારે એનો ઉપભોગ સ્વતંત્ર રીતે જ કરી શકાય છે. ભાગવતની પરમરસમયી મહાકથાના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. એ વેદાદિ સંપૂર્ણ શાસ્ત્રોના સારરુપ છે. પરબ્રહ્મ પરમાત્માનો જે પ્રેમરસ જુદાં જુદાં શાસ્ત્રોમાં સુપ્તાવસ્થામાં પડેલો છે તે જ પ્રેમરસનો પરમપાવન પ્રવાહ ભાગવતમાં પ્રકટ રીતે વહ્યા કરે છે. એ પ્રવાહ બધી રીતે કલ્યાણકારક છે. એને સામાન્ય સમજવાની ભૂલ નથી કરવાની. એ જ ભાગવત મહાપુરાણનો આધાર લેવાથી ભક્તિદેવીની મનોકામના પૂરી થશે અને એના જ્ઞાનવૈરાગ્યરૂપી પુત્રો નવજીવનની પ્રાપ્તિ કરશે.

પ્રજ્ઞાપૂત પવિત્ર મહાપુરુષોના દર્શન-સમાગમનો દેવદુર્લભ લાભ કોઇક બડભાગીને જ મળી શકે છે. અને મળે છે ત્યારે સર્વપ્રકારે કૃતાર્થ કરે છે. અનેક જન્મોના સંચિત સત્કર્મોના સમુચ્ચયના સુપરિણામરુપે સાંપડનારો સત્સંગ અજ્ઞાનજન્ય મોહ અને મદરૂપ અંધકારનો નાશ કરીને સદ્દબુદ્ધિના સૂર્યોદયને પ્રકાશિત કરે છે.

દેવર્ષિ નારદની જિજ્ઞાસાના જવાબમાં સનકાદિ ઋષિવરોએ કહ્યું કે હરિદ્વારની સમીપે આનંદ નામનો ગંગાનો ઘાટ છે. ત્યાં અસંખ્ય તપસ્વીગણો ને ઋષિઓ નિવાસ કરે છે અને દેવો તથા સિદ્ધો પણ એનું સેવન કરે છે. ત્યાં અસંખ્ય વૃક્ષો ને વલ્લરીઓ છે. એ ઘાટ નયનાભિરામ અને એકાંત પ્રદેશમાં આવેલો છે. ત્યાં સવર્ણ કમળોની સુવાસ સતત રીતે પ્રસર્યા કરે છે. સિંહ, હાથી ને હરણ જેવા પરસ્પર વિરોધી સ્વભાવના જીવો વેરભાવનો પરિત્યાગ કરીને ત્યાં પ્રેમપૂર્વક વિહાર કરે છે. ત્યાં જઇને ભાગવતના જ્ઞાનયજ્ઞનો આરંભ કરવાથી અભૂતપૂર્વ રસ પેદા થશે ને ફલ મળશે. ભાગવતના જ્ઞાનયજ્ઞનું જ્યાં આયોજન થાય છે ત્યાં ભક્તિ સ્વયં જ્ઞાનવૈરાગ્ય સાથે પહોંચી જાય છે એટલે એ ત્યાં આપોઆપ આવી પહોંચશે અને જ્ઞાનવૈરાગ્યની સાથે નવજીવનની પ્રાપ્તિ કરશે.

એ પછી દેવર્ષિ નારદ સાથે સ્વનામધન્ય સનકાદિ ઋષિવરો પણ ગંગાના પાવન પ્રદેશમાં હરિદ્વાર તીર્થમાં આવી પહોંચ્યા. ભગવત્કથાના રસિક ભક્તો, યોગીઓ ને ઋષિમુનિઓ પણ ભગવત્કથામૃતનું પાન કરવા માટે એ સુંદર ઐતિહાસિક સ્થળમાં એકઠા થયા. કથાશ્રવણનો દેવદુર્લભ લાભ આપવા માટે સનકાદિ ઋષિવરો દેવર્ષિ નારદે આપેલા સર્વોત્તમ આસન પર વિરાજમાન થયા. શ્રોતાઓએ એમને પૂજ્યભાવે પ્રણામ કર્યા. સર્વત્ર જયજયકાર, અભિનંદન અને શંખોનો ધ્વનિ થવા માંડ્યો. અબીલ-ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *