સત્ય તથા ધર્મવિષયક વિચારો
By-Gujju05-05-2023
સત્ય તથા ધર્મવિષયક વિચારો
By Gujju05-05-2023
{slide=Discussion on what’s right and what’s wrong}
In the 69th chapter of Karna Parva, Lord Krishna explain his views about truth (satya) and dharma. No doubt, one should follow truth but there are instances where if one has to lie, its not considered a sin. At the time of engagement, marriage, or making love and when someone’s life and wealth is at stake and or in danger, lying for pretense or protection is not a sin.
Krishna told a story which emphasize his point. There was a hunter named Balak. He used to hunt and feed his family. He was morally upright and always followed truth. Once he went into the forest for hunt. He saw an animal, who was drinking water. He hunted it with his arrow. TO his surprise, there were flowers from heaven ! The reason ? That animal had a boon and it was specifically born and destined to annihilate the world. Since Balak, the hunter, unknowingly killed that animal, he found a place in heaven.
Krishna narrated another story of Sage Kaushik, who used to follow truth at all the time. One day, some pilgrims entered his ashram to hide and protect themselves from thieves. Later, thieves reached his place and asked Sage Kaushik if he had any knowledge about any pilgrims. Following his vow of truth, Kaushik revealed their hiding place. Thieves caught, attacked and killed the pilgrims and ran away with their wealth. Kaushik followed truth but it resulted in lives of innocent pilgrims. His truth did not help dharma. Upon his death, Sage Kaushik went to hell.
In Krishna’s opinion if truth is not protecting dharma, its worthless, and deceit or falsehood is used to protect dharma, it is not a sin.
મહાભારતના કર્ણપર્વના ૬૯મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ દ્વારા સત્યાસત્ય કે ધર્માધર્મના નિર્ણયવિષયક વ્યક્ત કરાયેલા વિચારો રસમય હોવાથી ખાસ વિચારવા જેવા છે.
શ્રીકૃષ્ણે અર્જુનને ઉદબોધીને જણાવ્યું કે –
“સત્યવક્તા પુરુષ પરમ સત્પુરુષ તરીકે જ ગણાય છે. કારણ કે સત્ય કરતાં બીજું કાંઇ પણ ઉત્તમ નથી. પરન્તુ સત્યનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે. કોઇ સ્થળે અસત્યને પણ સત્ય તરીકે માનવું પડે છે, અને સત્યને અસત્ય તરીકે ગણવું પડે છે. આથી જ વિવાહ સમયે, રતિ પ્રસંગે, કોઇનો પ્રાણ જતો હોય ત્યારે, સર્વ ધન લુંટાઇ જતું હોય ત્યારે, તેમજ બ્રાહ્મણને માટે અસત્ય ભાષણ કરવું પડે; એ પાંચ અસત્યને પાપરૂપ ગણવામાં આવતાં નથી. વળી જ્યારે આપણું સર્વસ્વ લૂંટાઇ જતું હોય ત્યારે અસત્ય બોલવું જોઇએ, કારણ કે તેવે પ્રસંગે અસત્યનું પરિણામ સત્યરૂપે આવે છે અને સત્યનું પરિણામ અસત્યરૂપે આવે છે. આ પ્રમાણે સત્યાસત્યનો નિર્ણય નહીં સમજનારો અજ્ઞાની પુરુષ સર્વસ્થળે કેવળ સત્યને જ વળગી રહે છે. પરન્તુ કોઇ વાર તેનું પરિણામ અસત્ય-અધર્મ ભરેલું જ પ્રાપ્ત થાય છે. માટે પરિણામ તરફ દૃષ્ટિ કરીને સત્ય હોય છતાં તે અસત્ય તરીકે સ્વીકારવું જોઇએ અને અસત્ય હોય છતાં સત્ય તરીકે માનવું જોઇએ. આ રીતે જ સત્ય તથા અસત્યનો નિશ્ચય કરીને પુરુષ ધર્મવેત્તા થઇ શકે છે.”
એ પછી શ્રીકૃષ્ણે એક કથા કહી સંભળાવી.
પૂર્વે બલાક નામનો એક પારધિ હતો. તેને હિંસા કરવાની આંતરિક ઇચ્છા ન હતી તોપણ તે પુત્ર તથા સ્ત્રી આદિ કુટુંબની આજીવિકા માટે નિત્ય મૃગોને મારતો હતો અને તે દ્વારા પોતાનાં વૃદ્ધ માતાપિતાનું તથા બીજાં આશ્રિતોનું ભરણપોષણ કરતો હતો. તે પોતાના ધર્મમાં આસક્ત રહેતો, નિત્ય સત્યવચન બોલતો, અને કોઇની અદેખાઇ કરતો નહોતો.
એક દિવસે તે મૃગનો શિકાર કરવા માટે વનમાં ગયો પણ કોઇ સ્થળે તેના હાથમાં મૃગ આવ્યું નહીં. એવામાં એણે કોઇ અંધ શિકારી પશુને પાણી પીતું જોયું, એ પશુને તેણે કદી પણ જોયું ન હતું તો પણ તેણે બાણ મારીને તે પશુને મારી નાંખ્યું. આમ તે પશુ મરણ પામ્યું એટલે તરત જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ, અને જોતજોતામાં તો અપ્સરાઓનાં ગીત-વાજિંત્રોથી ગાજી રહેલું એક સુંદર વિમાન તે પારધિને લઇ જવા માટે સ્વર્ગમાંથી ઊતરી આવ્યું.
તે પારધિએ જે પશુને મારી નાખ્યું તે સર્વ ભૂતોનો વિનાશ કરવા માટે જ જન્મ્યું હતું. તપશ્ચર્યા કરીને એણે વરદાન મેળવ્યું હતું અને બ્રહ્માએ પોતે એને અંધ કરેલું. પારધિએ સર્વ પ્રાણીઓના વિનાશ કરવાનો નિશ્ચયવાળા તે પશુને મારી નાખ્યું તેથી તે પારધિ સ્વર્ગલોકમાં ગયો. આમ ધર્મનું સ્વરૂપ અતિશય ગહન છે.
શ્રીકૃષ્ણે એક અન્ય કથા પણ કહી સંભળાવી.
તપસ્વીઓમાં ઉત્તમ અને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત કૌશિક નામનો બ્રાહ્મણ એક ગામની નજીક, નદીઓના સંગમસ્થળે, આશ્રમ બાંધીને રહેતો હતો.
તે બ્રાહ્મણે સત્યનું વ્રત લીધું હતું. તેથી તે સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ પામેલો.
એક દિવસ કેટલાક મુસાફરો ચોરના ભયથી એના આશ્રમમાં આવીને વૃક્ષોની ઘટામાં છુપાઇ ગયા. તેમને પગલે પગલે પેલા ચોર લોકો પણ ક્રોધે ભરાઇને આશ્રમમાં આવી પહોંચ્યા અને એમની તપાસ કરવા લાગ્યા.
તે ત્યાં રહેનારા સત્યવાદી કૌશિક પાસે પહોંચીને પૂછવા લાગ્યા કે અહીં ઘણા માણસો આવ્યા હતા તે ક્યાં ગયા ? આપ સત્યવાદી છો તેથી અમે તમને પૂછીએ છીએ. માટે આપ જાણતા હો તો કહો.
કૌશિકે તેમને સાચી માહિતી આપી દીધી; એટલે પેલા ક્રૂર લૂંટારાઓએ તે મુસાફરોને પકડીને મારી નાખ્યા.
કૌશિક બ્રાહ્મણે સત્ય વચનને વળગી રહીને દુષ્ટ વાણી કહીને મહાન અધર્મ કર્યો હતો, તેથી તે કષ્ટદાયક ઘોર નરકમાં ગયો, કારણ કે તે સૂક્ષ્મ ધર્મોના રહસ્યને સમજતો ન હતો.
જે પુરુષે શાસ્ત્રનો અલ્પ અભ્યાસ કર્યો હોય છે, અને તેથી જ જે ધર્મોના વિભાગને બરાબર સમજતો હોતો નથી, તેવો મૂઢ પુરુષ પોતાના ધાર્મિક સંશયના સંબંધમાં પોતાનાથી વૃદ્ધવયના પુરુષોને પૂછતો નથી, અને પરિણામે તે મહાન નરકમાં જ પડે છે.
કેટલાક લોકો વેદમાંથી જ ધર્મનો નિશ્ચય કરવો એમ કહેતા હોય છે. તારા વિચારો તે લોકોને અનુસરતા હોય તો પણ હું તારા એ વિચારોને દૂષિત ઠરાવતો નથી; પરન્તુ મારે તને કહેવું જોઇએ કે વેદમાં સર્વ જાતના સૂક્ષ્મ ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી.
ધર્મનું મૂળ તત્વ પ્રાણીઓનો ઉત્કર્ષ થાય તે માટે જ હોય છે.
જે કર્મ અહિંસાથી યુક્ત હોય તેનું નામ ધર્મ. ધર્મનું પ્રવચન એ હેતુથી જ કરવામાં આવ્યું છે કે હિંસા કરનારા પુરુષોને હાથે બીજાં પ્રાણીઓની હિંસા ના થાય. માટે જ વિદ્વાનો ધર્મ શબ્દની વ્યાખ્યા કરતાં કહે છે કે જે કોઇ કર્મ સર્વનું ધારણ કરે, પ્રજાઓનું રક્ષણ કરે, તેનું નામ ધર્મ.
પરન્તુ કેવળ વ્યાખ્યા પર જ આધાર રાખીને ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી શકાતું નથી.
વેદાનુકૂળ હોય અને બીજાને સુખકારક હોય તેવું જે કર્મ તેનું નામ ધર્મ.
શાસ્ત્ર કહે છે કે પ્રાણનાશનો પ્રસંગ આવી પડયો હોય, વિવાહ તૂટી જવાની તૈયારી પર હોય, સર્વ જ્ઞાતિઓનો વિનાશ ઉપસ્થિત થયો હોય, અને ઉપહાસનો પ્રસંગ ચાલતો હોય, તે વેળા અસત્ય વચન પણ અસત્ય ગણાતું નથી. ધર્મના તત્વાર્થને જાણનારા વિદ્વાનો પણ તેવે પ્રસંગે બોલવામાં આવેલા અસત્યને અધર્મ તરીકે ગણતા નથી. કોઇ મનુષ્ય ચોરલોકોના હાથમાં સપડાઇ ગયો હોય તો જૂઠા જૂઠા સોગંદો ખાઇને પણ તેણે તેમના હાથમાંથી છૂટી જવું. તેવે પ્રસંગે વિચાર કર્યા વિના અસત્ય ભાષણ કરવું તે જ શ્રેયસ્કર હોય છે, અને તે અસત્ય ભાષણ સત્ય તરીકે જ ગણાય છે.
ધર્મને અર્થે અસત્ય ભાષણ કરીને પુરુષ અસત્યવક્તા થતો નથી.
મહાભારતમાં વ્યક્ત થયેલા ભગવાન કૃષ્ણના કે એમને નિમિત્ત બનાવીને રજૂ કરાયેલા મહાભારતકારના પોતાના એ વિચારો ખરેખર વિચારણીય છે. જે સત્ય વ્રત તરીકે પાળે છે તે તો તેને સર્વ સ્થળે સર્વ સંજોગોમાં વળગી જ રહેશે. એની અને એની દ્વારા અન્યની રક્ષા સત્ય જ કરશે. એનું સત્યપાલનવ્રત દેશકાળનિરપેક્ષ અને બિનશરતી હશે. પરન્તુ જે એવા અખંડ સત્યપાલનવ્રતી નથી તે સત્યના કથન કે પાલનમાં સંજોગોને અનુલક્ષીને સ્વૈચ્છિક બાંધછોડ કરશે. માનવની બંને પ્રકારની ભૂમિકા, વિકાસની અવસ્થા અથવા વિચારસરણીનો નિર્દેશ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. પોતપોતાની અવસ્થાનુસાર માનવે સત્યપાલનમાં પ્રવૃત્ત રહેવું જોઇએ, એવા તારતમ્યને તારવી શકાય.