સાવિત્રીની કથા – 1
By-Gujju19-05-2023
સાવિત્રીની કથા – 1
By Gujju19-05-2023
{slide=Savitri’s story – I}
In chapter 293 to 298 of Van Parva, the story of Savitri is elaborated. Savitri was daughter of Ashwapati, king of Madra. An interesting story marked Savitri’s birth. King Ashwapati had no offsprings so he performed penance to please Lord with the recitation of Savitri mantra. After a long time, Goddess Savitri herself appeared and granted boon to King Ashwapati. As a result, a baby girl was born and she was appropriately named Savitri.
When Savitri became young, King became worried as he did not received any proposals for her marriage. Savitri was so extraordinary that bachelors did not considered themselves worthy of her. King lost hope and asked Savitri to find a groom of her choice. Savitri, with her father’s consent left for groom finding voyage.
મહાભારતના વનપર્વના 293મા અધ્યાયથી આરંભીને 298મા અધ્યાયપર્યંત સાવિત્રી તથા સત્યવાનની કથા કહેવામાં આવી છે. એનો વિચાર ક્રમશઃ કરી લઇએ.
સાવિત્રીનો જન્મ કયા સંજોગોમાં થયો, તેના પ્રાદુર્ભાવ પાછળ કોનો અને કયા પ્રકારનો પુરુષાર્થ કામ કરી રહેલો, તે સવિશેષ ઉલ્લેખનીય છે. એ ઉલ્લેખ દ્વારા સાવિત્રીના લોકોત્તર જન્મ તથા કર્મનો સહેલાઇથી ખ્યાલ આવશે.
વનવાસના વિકટ વખત દરમિયાન યુધિષ્ઠિરે મહામુનિ માર્કંડેયને કહ્યું કે મને દ્રુપદનંદિનીને માટે જેટલો શોક થાય છે તેટલો મારી જાતને માટે નથી થતો. દુરાત્મા ધૃતરાષ્ટ્ર પુત્રોએ અમને દ્યુત દ્વારા કષ્ટ આપ્યું ત્યારે દ્રૌપદીએ અમને તારી લીધા. જયદ્રથે એનું બળાત્કારે હરણ કરેલું એના સરખી પતિવ્રતા પરમભાગ્યવતી સ્ત્રી પૂર્વે તમે કોઇ બીજી દેખી કે સાંભળી છે ?
મહામુનિ માર્કંડેયે યુધિષ્ઠિરની જિજ્ઞાસાના જવાબમાં સાવિત્રીની કલ્યાણકારક કથા કહી સંભળાવી. એના આરંભમાં સાવિત્રીની વાતને વર્ણવી.
મદ્રદેશમાં અશ્વપતિ નામે પરમ ધાર્મિક રાજા.
એ ધર્માત્મા, મહાત્મા, બ્રાહ્મણભક્ત, સત્યપ્રતિજ્ઞ, જિતેન્દ્રિય, ચતુર, યજ્ઞયાગાદિની અભિરુચિવાળો, નગરની તથા જનપદની જનતાને પ્રિય, સૌના હિતમાં રત, ક્ષમાવાન, સત્યવચની તથા જિતેન્દ્રિય હતો.
મોટી ઉંમર થવા છતાં પણ કોઇ સંતતિ ના હોવાથી તેને સંતાપ થયા કરતો.
એણે સંતાનની સંપ્રાપ્તિ માટે તીવ્ર નિયમવ્રતને ધારણ કરી, બ્રહ્મચર્યને પાળી, ઇન્દ્રિયોને સંયમમાં રાખી, સમય પર પરિમિત આહાર લેવાનો આરંભ કર્યો.
પરમ પવિત્ર સાવિત્રીમંત્રથી એક લાખ હવન કર્યા પછી તે આઠ ભાગવાળા દિવસમાં છઠ્ઠે છઠ્ઠે ભાગે પ્રમાણસર ભોજન કરવા લાગ્યો.
સંયમની એવી કષ્ટકારક કઠોર છતાં પણ સહજ સાધનાનું આનંદદાયક અનુષ્ઠાન કરતા વર્ષો વીતી ગયાં.
અઢારમું વરસ પૂરું થયું ત્યારે સાવિત્રીદેવીએ અગ્નિહોત્રમાંથી પ્રગટીને રાજા અશ્વપતિને દર્શનલાભ આપીને જણાવ્યું કે તારા વિશુદ્ધ બ્રહ્મચર્યવ્રતથી, ઇન્દ્રિયદમનથી, નિયમવ્રતથી તથા ભક્તિભાવથી પ્રસન્ન બનીને હું તારી સમક્ષ પ્રગટ થઇ છું. તું ઇચ્છાનુસાર વરદાન માગી લે.
રાજાએ સ્પષ્ટીકરણ કર્યું કે મેં સંતતિની ઇચ્છાથી પ્રેરાઇને જ ઉપાસના કરી છે. ત્યારે સાવિત્રીદેવીએ જણાવ્યું કે હું પિતામહ બ્રહ્માના આદેશાનુસાર આ વરદાન આપી રહી છું.
સાવિત્રીદેવીના તિરોધાન થયા પછી રાજાએ રાજધાનીમાં જઇને પ્રજાનું ધર્મપૂર્વક પાલન કરવા માંડયું.
સુયોગ્ય સમયે સાવિત્રીદેવીના અલૌકિક અનુગ્રહના પરિણામે એને ત્યાં જે કન્યારત્નનો જન્મ થયો તેનું નામ સમુચિત રીતે જ સાવિત્રી રાખવામાં આવ્યું.
સ્વયં સાવિત્રીદેવી જ જાણે કે એ કમનીય કન્યાના સ્વરૂપમાં પોતાના મહિમાને પ્રસરાવવા માટે પૃથ્વીપટ પર પ્રાદુર્ભાવ પામ્યાં.
તે કન્યા દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી.
વખતના વીતવાની સાથે યુવાવસ્થામાં પ્રવેશી.
એના અસાધારણ આકર્ષણ અને સૌન્દર્યને નિહાળીને માનવો એને દેવકન્યા જ કહેવા લાગ્યા.
કમળદળના જેવાં નેત્રવાળી તે પરમ દેદીપ્યમાન કન્યાના લોકોત્તર લાવણ્યથી પ્રભાવિત થઇને હતપ્રભ અને સંકોચવશ બનીને કોઇએ એની સાથેના લગ્નને માટે માગણી જ ના કરી. કોઇ એને વરવા માટે આગળ આવ્યું નહિ.
એક દિવસ પુનિત પર્વ સમયે એ ઉપવાસ રાખી દેવ પાસે ગઇ. ત્યાં અગ્નિમાં વિધિપૂર્વક હોમ કરી, વિપ્રો પાસે સુચારુરૂપે સ્વસ્તિવાચન કરાવીને એ પોતાના પિતા પાસે પહોંચી.
પિતાના ચરણોમાં પ્રણામ કરી, પ્રસાદીનાં પુષ્પોને અર્પી, એ એક તરફ ઊભી રહી, એટલે પિતા અશ્વપતિએ એને જણાવ્યું કે તું મોટી થઇ છે છતાં પણ તારી કોઇ માગણી કરતું નથી એથી મને દુઃખ થાય છે. હવે વધારે સમય સુધી દુઃખી બનીને પ્રતીક્ષામાં બેસી રહેવાને બદલે, હું તને સ્વતંત્રતા આપું છું. એને અનુસરીને તારા સમાન કોઇક સદગુણસંપન્ન શીલવાન યુવાનને પતિ તરીકે પસંદ કરી લે. તું જેને પસંદ કરે તેની મને ખબર આપજે એટલે હું વિચાર કરી તેની સાથે તારું લગ્ન કરીશ.
રાજાએ વયોવૃદ્ધ મંત્રીઓને યાત્રાની તૈયારી કરવાનો આદેશ આપ્યો.
સાવિત્રી પિતાનાં ચરણોમાં પ્રણામ કરીને સુવર્ણના રથમાં વિરાજીને રાજર્ષિઓનાં રમણીય તપોવનમાં પ્રવેશી. જુદાં જુદાં તીર્થસ્થાનોમાં શ્રેષ્ઠ દ્વિજોને દ્રવ્યમાન દેતાં તે જુદાં જુદા જુદા પ્રદેશવિશેષમાં વિચરવા લાગી.