Sunday, 22 December, 2024

શકુંતલાનો સ્વીકાર

440 Views
Share :
શકુંતલાનો સ્વીકાર

શકુંતલાનો સ્વીકાર

440 Views

Shakuntala started dreaming about Dushyant’s invitation to his kingdom followed by a grand reception. Destiny was however little different. She waited in vain. In the meantime, she gave birth to Sarvadaman. Sage Kanva decided to send Shakuntala and her son to King Dushyant’s place.

When they reached there, Dushyant refused to acknowledge their relationship. Shakuntala was stunned. When all her explation went unheard, she decided to leave the court of Dushyant. As she was leaving, voice from heaven (Akashvani) was heard. The voice gave Shakuntala justice and a rightful place. Dushyant revealed that for everyone to accept her, he had to lie. With the divine voice, now nobody would ever doubt her.

આદર્શ પત્ની સદા પોતાના પતિનું કલ્યાણ કરવા માગે છે, કલ્યાણ કરે છે. પરમ કલ્યાણ.

પતિના સુખમાં પોતાનું સુખ સમજે છે. પતિના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ.

એને માટે સહન કરવું પડે તો સ્મિતપૂર્વક સહન કરે છે પણ ખરી.

પતિ ભ્રાંતિવશ બનતો હોય, કોઇ કારણે કુમાર્ગે જતો હોય, તો તેનું હૃદય રડે છે. કાળજું ક્રંદન કરી ઊઠે છે.

પતિને સન્માર્ગગામી બનાવવા, ભ્રાંતિરહિત કરવા, બનતું બધું જ કરી છૂટે છે.

શકુંતલા એમાં અપવાદરૂપ ન હતી. પોતાના પ્રિય પતિ દેવ દુષ્યંતનું હિત એના હૈયે વસતું હોવાથી, એણે મહર્ષિ કણ્વ પાસે બે વરદાનોને માગી લીધા. પ્રથમ વરદાન પૌરવોની ધર્મિષ્ઠતાનું અને બીજું વરદાન તેમના અખંડ સનાતન સામ્રાજ્યયોગનું.

મહર્ષિ કણ્વ પાસે કેવળ સામ્રાજ્યના સુખોપભોગના વરદાનને માગવાને બદલે એણે ધર્મિષ્ઠતાના વરદાનને પણ માગ્યું એ શું સૂચવે છે ? એ જ કે ધર્મપરાયણતા વિનાનું જીવન પરિપૂર્ણ નથી અને સંપૂર્ણ સુખ નથી આપી શક્તું ગમે તેવું સામ્રાજ્ય સુખ પણ ધર્મપરાયણતાથી રહિત હોય તો આદર્શ નથી હોતું. જીવન ધર્મમય હોય તો જ ઉજ્જવળ બને છે તથા શ્રેયષ્કર ઠરે છે.

શકુંતલાએ પોતાના પ્રિય પતિ દુષ્યંતનું સર્વ પ્રકારે શુભ ઇચ્છવા છતાં પણ એના જીવનમાં વચગાળાના વખત માટે અશુભ આવી પહોંચ્યું. તે કેવી રીતે તે જોઇએ.

દુષ્યંતથી છૂટી પડેલી શકુંતલાએ મહર્ષિ કણ્વના આશ્રમમાં સુયોગ્ય સમયે પ્રદીપ્ત પાવકની પેઠે કાંતિવાળા, રૂપ તથા ઉદારતા જેવા સદગુણોથી સંપન્ન, પરમપ્રતાપી પુત્રને જન્મ આપ્યો.

પુણ્યવાનોમાં શ્રેષ્ઠ કણ્વમુનિએ એના ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સંસ્કારો કર્યા.

ઊજળા અણિયાળા દાંતોવાળો, સિંહના સરખા કઠોર શરીરવાળો, ચક્રના ચિહ્નવાળા હાથવાળો, મોટા મસ્તકવાળો, મહાબળવાન, સુંદર દેવબાળક જેવો એ કુમાર દિનપ્રતિદિન મોટો થવા માંડ્યો.

એ બાળક છ વરસનો થયો ત્યારે અસામાન્ય શક્તિવાળો દેખાયો. એનાં કર્મો અતિશય અદભુત અને આશ્ચર્યકારક હતાં. એ મહર્ષિ કણ્વના આશ્રમના સિંહ, વાઘ, વરાહ, ભેંસ તથા હાથીઓને પકડતો; તેમને આશ્રમની પાસેનાં વૃક્ષો સાથે બાંધી દેતો; તેમની સાથે ક્રીડા કરતો અને તેમના પર બેસીને બહાર નીકળતો.

કણ્વાશ્રમના નિવાસીઓએ એ સૌનું દમન કરતો હોવાથી એનું નામ સર્વદમન પાડ્યું.

પુત્રનાં લક્ષણ પારણામાં એ ન્યાયે સર્વદમનમાં શૈશવથી જ અસાધારણ બળબુદ્ધિનું દર્શન થવા લાગ્યું.

સમયને સુયોગ્ય સમજીને મહર્ષિ કણ્વે શકુંતલાને સર્વદમન સાથે રાજા દુષ્યંત પાસે પોતાના વિશ્વાસપાત્ર શિષ્યો સહિત મોકલી આપી. પરંતુ મહર્ષિની ને શકુંતલાની ગણતરી મિથ્યા કરી. દુષ્યંતે શકુંતલાનો અસ્વીકાર કરતાં જે કાંઇ કહ્યું એનો સાર એવો હતો કે એનો અને શકુંતલાનો વિવાહ થયો જ નથી ને સર્વદમન એનો પુત્ર નથી. પોતે કદી શકુંતલાને મળ્યો જ નથી એટલે બનાવટી કથાને ઉપજાવી કાઢીને શકુંતલા ગળે પડે છે !

શકુંતલાના માથા પર આભ તૂટી પડ્યું. એનું અંતર અશાંત બની ગયું.

એણે દુષ્યંતના વિપરીત વ્યવહારથી વિસ્મય પામીને એની સમક્ષ વાસ્તવિક પરિસ્થિતિની રજૂઆત કરતાં કોપપૂર્વક કહ્યું કે મહારાજ ! જાણતાં છતાં તમે નિઃશંક સાધારણ માણસની જેમ ‘હું નથી જાણતો’ એવું ક્યાંથી બોલો છો ? આ સાચું છે કે જૂઠું તે તમારું હૃદય જાણે છે. આત્માની સાક્ષીએ તમે કલ્યાણકારી વચન બોલો. આત્માની અવગણના ના કરો. જે પોતે એકરૂપે હોઇને પોતાને બીજે જ રૂપે બતાવે છે, તે જાતને છુપાવનાર કયું પાપ ન કરે ? તમે માનો છો – હું એકલો છું પણ તમે સર્વ પાપકર્મોને જાણવાવાળા તે અંતર્યામી પુરાણમુનિને જાણતા નથી. તમે તેમની સમક્ષ પાપ કરી રહ્યા છો.

શકુંતલા સ્વમાની હોવાથી, દુષ્યંતે એની વાતને માની જ નહીં ત્યારે ત્યાંથી વિદાય થવા માટે તૈયાર થઇ. એણે જણાવ્યું કે સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી, સત્યથી કશું ઉત્તમ નથી, અને અસત્ય જેવું કોઇ પાપ નથી. સત્ય જ પરબ્રહ્મ તથા પરમનિયમ છે. તમે તમારી પ્રતિજ્ઞાનો પરિત્યાગ ના કરો. આપણો સમાગમ સત્ય થાવ. તમને જો વિશ્વાસ આવતો ના હોય અને આ અસત્યનો જ પ્રસંગ લાગતો હોય તો હું અહીંથી વિદાય થઉં છું. મારો આ પુત્ર તમારા વિના પણ પર્વતરાજથી સુશોભિત વિશાળ પૃથ્વીનું પાલન કરશે.

એ જ વખતે ઋત્વિજો, પુરોહિતો, આચાર્યો અને મંત્રીઓથી ઘેરાયેલા દુષ્યંતને આકાશવાણી સંભળાઇ. આકાશવાણી એટલે માનવની અંદરના ને બહારના અવકાશમાંથી સંભળાનારી વાણી. એ આકાશવાણીએ દુષ્યંતને સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે દુષ્યંત, તું પુત્રનું પાલન કર. શકુંતલાનો અનાદર ના કર. શકુંતલાએ સધળું સાચું જ કહ્યું છે. આ તારો પોતાનો પુત્ર છે. એનું નામ ભરત પડશે.

આકાશવાણીના શ્રવણથી હર્ષાન્વિત બનેલા દુષ્યંતે શકુંતલા સાથે સર્વદમનનો સ્વીકાર કર્યો. એણે પોતાના પુરોહિતોને અને પ્રધાનોને કહ્યું કે શકુંતલાના શબ્દો પરથી હું એનો પુત્ર સાથે સ્વીકાર કરત તો લોકનજરે એવો વ્યવહાર શંકાસ્પદ બનત. મારે એટલા માટે જ સર્વ કાંઇ જાણતો હોવા છતાં પણ આવો વ્યવહાર કરવો પડ્યો.

દુષ્યંતે પોતાની શકુંતલાને સુયોગ્ય રીતે સન્માનીને સાંત્વન આપ્યું કે આપણો સંબંધ લોકોથી અજાણ હોવાથી તેની શુદ્ધિ માટે મારે આવું વિચારવું પડ્યું.

ભરતનો યુવરાજપદે અભિષેક કરવામાં આવ્યો. મોટો થતાં તે સાર્વભૌમ સમ્રાટ થયો.

શકુંતલાના જીવનમાં આવી પડેલી વચગાળાની વિપત્તિ એવી રીતે સદાને માટે દૂર થઇ અને છેવટે સુખશાંતિ તથા સમૃદ્ધિમાં પરિણમી. જે સત્ય હતું તે સત્ય જ રહ્યું ને પ્રકાશી ઊઠ્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *