Saturday, 21 December, 2024

શંખ અને લિખિત

394 Views
Share :
શંખ અને લિખિત

શંખ અને લિખિત

394 Views

Shankh and Likhit – two brothers, stayed separately on the banks of river Bahuda. In their dwelling places, they used to perform great penance. One day, Likhit visited Shankh’s ashram but didn’t see his brother. He ate some fruits from his brother’s orchard and waited for his arrival.

Shankh returned and saw his brother having fruits. He also found out that Likhit took fruits from his orchard without taking any permission. In his opinion, what his brother did innocently was an act of theft. So he instructed Likhit to see the king at once. He wanted Likhit to tell the king that he ate fruits from his brother’s orchard without permission, and that his crime was as bad as stealing, and therefore to face punishment as that of a thief.

However, when Likhit met King and narrated his story, King felt otherwise. King thought that to have fruits from one’s brother’s orchard was not a crime worth punishment. However, Likhit remained adamant on his view and insisted on punishment. Left with no choice, king ordered same punishment that he would give to a thief for stealing. He gave order to cut off both of Likhit’s hands.

Likhit returned to his brother’s ashram. He apologized for his mistake and asked Shankh to forgive him. Shankh was glad that his brother was not cursing him for the fact that both his hands were cut off. He instructed Likhit to go to the river bank to offer homage to his ancestors. Accordingly, Likhit reached the river bank and began offering. To his amazement, he saw that his hands reappeared. Shankh revealed that he had powers to do such miracles but he wanted to wait till Likhit learn this valuable lesson !

મહાભારતના શાંતિપર્વમાં આવેલા રાજધર્માનુસાર પર્વના ર3મા અધ્યાયમાં શંખ અને લિખિતની ઉપકથા કહેવામાં આવી છે. એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરી લઇએ.

શંખ અને લિખિત બે ભાઇ હતા.

તેઓ બહુદા નામની નદી પાસે પુષ્પો અને ફળોથી ભરેલા વૃક્ષોવાળા બે આશ્રમોમાં તીક્ષ્ણ વ્રતને ધારણ કરીને રહેતા હતા.

એક દિવસ લિખિત ફરતો ફરતો શંખના આશ્રમમાં પહોંચ્યો; પણ દૈવેચ્છાએ તે વખતે શંખ આશ્રમમાંથી બહાર ગયેલો.

લિખિત પોતાના ભાઇ શંખના આશ્રમમાં આવીને સારાં પાકેલાં ફળોને જોઇને તે ફળોને નિરાંતે બેસીને ખાવા લાગ્યો.

તે સમયે શંખ આશ્રમમાં આવી પહોંચ્યો અને તેણે લિખિતને ફલાહાર કરતો જોઇને સઘળી વાતને જાણીને જણાવ્યું કે તેં તારી મેળે ફળને તોડીને ચોરીનું જ કર્મ કર્યું છે, માટે રાજા પાસે જઇને કહે કે મેં કોઇને પૂછ્યા વિના ફળો તોડીને ચોરીનું કર્મ કર્યું છે. મને ચોર જાણીને તમે સ્વધર્મનું પાલન કરો અને ચોરને જે શિક્ષા કરવામાં આવતી હોય તે મને પણ કરો.

શંખના વચનોને માન્ય કરીને લિખિત રાજા સુદ્યુમ્નની પાસે જવા નીકળ્યો.

રાજા સુદ્યુમ્ન પ્રધાનોને સાથે લઇને પગે ચાલતો લિખિતની સામે આવ્યો અને મહાધર્મવેત્તા લિખિતને એના આગમનનું પ્રયોજન પૂછ્યું.

લિખિતે જણાવ્યું કે મેં મારા મોટાભાઇની આજ્ઞા લીધા વિના તેના આશ્રમમાંથી ફળ તોડીને ખાધાં છે. મેં ચોરીનું કર્મ કર્યું છે. હું ચોર છું. માટે ચોરને જે શિક્ષા થવી જોઇએ તે જ શિક્ષા મને સત્વર કરો.

સુદ્યુમ્ન રાજાએ લિખિતને ઘણો ઘણો સમજાવ્યો છતાં તેણે ચોરીની શિક્ષા વિના બીજું કાંઇ પણ માંગ્યું નહીં. તેથી લાચાર રાજાએ લિખિતના બંને હાથ કપાવી નાખ્યા. એ રીતે રાજાએ જ્યારે શિક્ષા કરી ત્યારે લિખિત ત્યાંથી પોતાના મોટાભાઇના આશ્રમમાં આવ્યો અને દુઃખી થઇને બોલ્યો કે મારી દુર્બુદ્ધિને લીધે આ પ્રમાણે શિક્ષા થઇ છે માટે હવે મારા અપરાધને આપ ક્ષમા કરો.

શંખે કહ્યું કે તને શિક્ષા થઇ છે છતાં તું મારા ઉપર દોષારોપણ કરતો નથી તેથી મને તારા પર લેશ પણ ક્રોધ થતો નથી. તેં ધર્મનું ઉલ્લંઘન કરેલું તેથી તને આવી શિક્ષા થઇ. પરંતુ હવે તું સત્વર બાહુદા નદી પર જઇને વિધિપૂર્વક દેવોનું, ઋષિઓનું, પિતૃઓનું તર્પણ કર. તારા મનને કદી પણ અધર્મ તરફ જવા દઇશ નહીં.

શંખના શબ્દો સાંભળીને લિખિત બહુદા નદી પર ગયો. ત્યાં જઇને એણે પવિત્ર નદીમાં સ્નાન કરીને તર્પણક્રિયા માટે આરંભ કર્યો કે તરત જ તેના ઠૂંઠા બાહુઓમાંથી કમળ સરખા નવા હાથ પ્રગટ થઇ ગયા. તે જોઇને તેને ઘણો જ વિસ્મય થયો.

શંખે એ જોઇને કહ્યું કે મેં મારા તપના પ્રભાવથી આ બધું કર્યું છે. તેમાં શંકા ના કરીશ. દૈવ સર્વ કાંઇ કરી શકે છે.

લિખિત બોલ્યો કે તમારા તપનું આટલું બધું સામર્થ્ય છે તો પછી તમે મને પ્રથમ જ કેમ પવિત્ર ના કર્યો ?

શંખે કહ્યું કે તું કહે છે તે બરાબર હોવાં છતાં મારે તેમ કરવું યોગ્ય ન હતું. મારાથી તને કદી પણ શિક્ષા કરી શકાય નહીં. કારણ કે અપરાધીઓને શિક્ષા કરવાનો ધર્મ રાજાઓને જ છે; બ્રાહ્મણોને નથી. રાજા સુદ્યુમ્ન તને શિક્ષા કરીને સ્વધર્મના પાલનને લીધે પવિત્ર થયો છે. અને તું પણ એ શિક્ષાને સ્વીકારીને પિતૃઓની સાથે પવિત્ર થયો છે.

મહાભારતની એ ઉપકથા સૂચવે છે કે એ કાળ દરમિયાન ચોરીના દંડ તરીકે કઠોર શિક્ષા ફરમાવવામાં આવતી. લિખિતે પોતાના વડીલબંધુ શંખના આશ્રમનાં ફળોને એની અનુપસ્થિતિમાં એને પૂછ્યા વગર આરોગ્યાં એને ચોરીનું કર્મ ગણીને કેટલો કઠોર દંડ કરવામાં આવ્યો ? રાજાની અનિચ્છા છતાં એ દંડને માંગી લેવામાં આવ્યો. અત્યારે તો સમાજમાં જુદી જુદી જાતની ચોરીઓ થાય છે. પોતાના હકનું ના હોય તેવું લેવાય છે ને ભોગવાય છે. એ બધી ચોરી ચોરી માનવા-મનાવવામાં પણ નથી આવતી. માનવ એવી બધી ચોરીઓમાંથી મુક્તિ મેળવે તો સમાજ સ્વસ્થ બની શકે.

શંખે લિખિતના હાથને પાછા લાવી દીધા એ બતાવે છે કે તે વખતે તપ, સત્યસંકલ્પ અને ધર્માચરણનો મહિમા ખૂબ જ હતો. એ સદાને સારું શ્રેયસ્કર હોય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *