Sunday, 22 December, 2024

શાપ સાચો ઠર્યો

358 Views
Share :
શાપ સાચો ઠર્યો

શાપ સાચો ઠર્યો

358 Views

Having sent Kashyap back, Takshak assumed the form of a small worm inside a fruit. Takshak also sent his friends disguised as Sages to Parikshit’s place. They blessed the King and offered flower and fruits as Prasad. Takshak thus reached Parikshit’s protected place.

King Parikshit saw the worm but was too arrognat to recognize it. Takshak did his part and the curse proved to be true. The moral of the story is that death spares nobody and misconduct of any kind with sages brings dreadful consequences.

કાશ્યપ ઋષિને એમની ઇચ્છાનુસાર ધન પ્રદાન કરીને, પાછા વાળીને, તક્ષક પોતાનું ધારેલું કામ કરવાના ઉદ્દેશથી ઉત્સાહિત થઇને હસ્તિનાપુરની દિશામાં ચાલી નીકળ્યો.

એને પોતાના કાર્યમાં સફળતા મેળવવા સંબંધી કોઇ પ્રકારનો સંદેહ ના રહ્યો.

રસ્તામાં એને સમાચાર મળ્યા કે રાજા પરીક્ષિતે એક વિશેષ પ્રકારના ભવનનું નિર્માણ કરાવીને એમાં રહેવાનું શરૂ કર્યું છે અને અનેક જાતના વૈદ્યો, ઔષધિશાસ્ત્રજ્ઞો, અસ્ત્ર-શસ્ત્રધારી અંગરક્ષકો તેમ જ સાપના વિષને ઉતારવામાં કુશળ ઉસ્તાદો આઠે પ્રહાર એમની રક્ષા કરે છે.

એવા સંપૂર્ણપણે સુરક્ષિત રાજાની પાસે પહોંચવાનું કામ દેખીતી રીતે મુશ્કેલ હોવા છતાં તક્ષક હિંમત ના હાર્યો, ન ડર્યો, અથવા ગભરાયો પણ નહિ. એણે શાંતિપૂર્વક વિચાર કરીને પોતાની અદભુત રહસ્યમયી માયાથી રાજાને સાંપડેલો શાપ સફળ કરવાની યોજના ઘડી કાઢી.

એ યોજનાનુસાર એણે એના અનુચર જેવા બીજા નાગને તપસ્વીઓના વેશમાં રાજાની પાસે મોકલ્યા. તક્ષકે એમને આદેશ આપ્યો કે તમે કોઇ પણ પ્રકારના ભય કે સંકોચ વિના મુનિઓનો વેશ ધારણ કરીને રાજાની પાસે જાવ અને એમને આશીર્વાદ રૂપે ફળ, ફુલ, કંદમૂળ અર્પણ કરો. પછી આગળનું કામ હું કરી લઇશ.

તક્ષકના અનુચર નાગ તપસ્વીઓનો વેશ ધારણ કરીને રાજા પરીક્ષિત પાસે જઇ પહોંચ્યા. એમણે રાજાને શુભાશીર્વાદ આપિને ફળફૂલ અર્પણ કર્યા.

એમની વિદાય થયા પછી એમના પ્રસાદરૂપે પ્રાપ્ત થયેલા એ ફળમાંથી થોડાક ફળ ખાવાની ઇચ્છા રાજાએ પોતાના ચતુરમંત્રીઓ પાસે પ્રગટ કરી.

મંત્રીઓની સંમતિથી રાજાએ ખાવા માટે એક ફળ લીધું.

એ ફળનું ભક્ષણ કરતાં એમની દૃષ્ટિ એની અંદરના એક કીડા પર પડી.

એ કીડો એકદમ નાનો હતો. એની આંખ કાળી હતી અને એના શરીરનો રંગ લાલ હતો.

એ કીડાને પકડીને રાજા પરીક્ષિતે પોતાના મંત્રીઓને કહ્યું કે, સૂર્યાસ્ત થઇ રહ્યો હોવાથી મને વિષનો ડર નથી લાગતો. આ કીડો જો તક્ષક બનીને મને કરડે તોપણ શું થયું ? એ મને કરડે તો ઋષિપુત્રે આપેલો શાપ સફળ થાય.

મંત્રીઓના મન પણ એ વખતે જાણે કે મોહિત થઇને  ભાન ભૂલ્યાં હોય તેમ એ કશું જ ના બોલ્યા.

વૈદ્યો તથા ઔષધિશાસ્ત્રજ્ઞો પણ મૂક રહ્યા.

ઘડીના છઠ્ઠાભાગમાં, અરે નિમીષમાત્રમાં, જે નાટક થઇ ગયું તેની કોઇને ખબર જ ના પડી.

કેવું વિચિત્ર નાટક ?

રાજા પરીક્ષિત જાણેકે ભાન જ ના રહ્યું હોય તેમ, એ કીડાને એમણે પોતાની ગરદન ઉપર મૂક્યો. એમને સમજાયું નહિ કે કીડાનું રૂપ તક્ષકે જ ધારણ કરેલું છે.અથવા કીડાના રૂપમાં બીજું કોઇ જ નથી પરન્તુ તક્ષક પોતે જ છે.

મંત્રીઓ અને અંગરક્ષકોને જો એની સહેજ પણ ગંધ આવી હોત તો કીડાને કદાચ ત્યાં જ કચડી નાખત. એ એને ગમે તે ઉપાયે પણ જીવતો ના જવા દેત. પરન્તુ એ પણ રાજાની આજુબાજુ એમનો વિચિત્ર અભિનય જોતાં મંત્રમુગ્ધ બનીને ઉદાસીનની જેમ ઊભા જ રહ્યા.

રાજાએ કીડાને પોતાની ગરદન પર મૂક્યો કે તરત જ કીડાના રૂપમાં રહેલા તક્ષકે પોતાનું મૂળસ્વરૂપ ધારણ કર્યું.  એને જોઇને બધા ચમક્યા.

પરન્તુ એથી વધારે કાંઇ પણ થઇ શકે એ પહેલાં તો તક્ષક વિકરાળ રૂપ ધારણ કરીને રાજાની ગરદનની આજુબાજુ વીંટળાઇ વળ્યો. શાપથી પ્રેરિત થયેલા એ ભયંકર તક્ષકે રાજાને દંશ દઇને પોતાનું કામ પૂરુ કર્યું.

મંત્રીઓ રડવા લાગ્યા. બીજા કેટલાક ભયભીત બનીને છુપાવા અને નાસવા લાગ્યા.

થોડા વખતમાં તો લાલ કમળના રંગવાળા નાગરાજ તક્ષકને સૌએ આકાશમાર્ગથી ચાલ્યો જતો જોયો. એના વિષના પ્રભાવથી સ્તંભના આધારે ટકી રહેલું એ સુંદર ભવન પણ સળગવા લાગ્યું. એટલે રાજાને છોડીને સૌ નાસવા માંડયાં. રાજા નિષ્પ્રાણ બની ગયા.

પહેલાનાં ઋષિઓના આશીર્વાદ અથવા શાપ નિષ્ફળ નહોતા જતા એ તો સાચું જ. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે જે થવાનું છે તે કદી પણ કોટિ ઉપાયે પણ અન્યથા નથી થતું. માણસ ગમે તેટલી કોશિશ કરે કે સુરક્ષાની ગમે તેવી યોજનાઓ ઘડે તોપણ કાળ પોતાનું કામ કરવાનો જ. મૃત્યુ એને મહાત કરવાનું જ. એવું વિચારીને નમ્ર બનવાનું છે. જાગ્રત થવાનું છે. ને જીવનનું શ્રેય સાધવા કટિબદ્ધ બનીને અનેક જાતનાં દુષ્કર્મોમાંથી છૂટવાનું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *