Sunday, 22 December, 2024

શિબિનો સમર્પણભાવ

360 Views
Share :
શિબિનો સમર્પણભાવ

શિબિનો સમર્પણભાવ

360 Views

{slide=Shibi’s dedication}

King Shibi performed yagna on the confluence of river Jala and Upajala. The tale of yagna reached Indra, king of deities. Indra decided to test King Shibi. Indra assumed the form of eagle and asked Agni to assume the form of dove. They reached King Sheba’s place. Dove took refuge in King’s lap from his predator, eagle. Eagle asked the king to hand over dove since it was his hunt. King defended that dove took his refuge so it was his duty to protect him.  King Shibi asked eagle to demand anything else for food but dove. Eagle denied King’s offer and reiterated his hunt, dove. After arguments, eagle consented that he would spare dove if king would give an equivalent amount of meat from his body. King happily agreed to his proposal.
King put a scar in his body and took a piece of meat to put in the balance but it was insufficient. King added another piece of meat. However, it was still insufficient. This was repeated many time. Finally, king put his body in the balance. Indra, who assumed the form of eagle, became happy at King’s offering. He praised King’s sacrifice and left the place together with Agni. Such was Shibi’s dedication.
 

પ્રાચીન કાળમાં યમુના નદીની સમીપે વહેતી જલા તથા ઉપજલા નામની બે નદીઓ.

એ નદીઓના તપઃપૂત તટપ્રદેશ પર રાજા ઉશીનર અથવા શિબિએ સુપ્રસિદ્ધ સુવિશાળ યજ્ઞ કરેલો.

એ યજ્ઞનો યશ ઇન્દ્રલોકપર્યંત પહોંચેલો.

એનાથી પ્રભાવિત થઇને ઇન્દ્ર અને અગ્નિદેવ બંને દેવોએ રાજાની, નિષ્ઠાની કે લોકોત્તર યોગ્યતાની કસોટી કરવાનો નિર્ણય કરીને એની રાજ્યસભામાં પ્રવેશ કર્યો.

ઇન્દ્રે પોતાની વિશેષ શક્તિથી બાજ પક્ષીનું રૂપ લીધું અને અગ્નિએ હોલાનું.

બાજપક્ષીના ભયથી દોડતો અને શરણ શોધતો હોલો અતિશય આર્ત અથવા આકુળવ્યાકુળ બનીને આશ્રય શોધતો હોય તેમ રાજાના ખોળામાં જઇને લપાઇ ગયો.

બાજ પક્ષી હોલાને પકડવાની ઇચ્છા હોવા છતાં, બીજો કોઇ વિકલ્પ ના હોવાથી, નિરુપાય બનીને એ ઘટનાને દૂરથી નિહાળવા લાગ્યું.

બાજ પક્ષીએ રાજાને કહેવા માંડયું કે આ હોલો મારું ભક્ષ્ય થવા માટે નિર્માયલો છે. હું ક્ષુધાર્ત છું. માટે તું ધર્મવિરુદ્ધ કાર્ય કરીને હોલાને રક્ષણ ના આપ.

રાજાએ જણાવ્યું કે આ હોલો તારાથી ગભરાઇ, ડરી, ત્રાસીને પોતાનું સંરક્ષણ કરવાની કામનાથી પ્રેરાઇને મારી પાસે પહોંચ્યો છે. એની કાયા કંપી રહી છે. શરણાગતની સંભાળ રાખવી અને રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. એનો પરિત્યાગ મારાથી કદી પણ નહિ કરી શકાય.

બાજ પક્ષી બોલ્યું કે પ્રાણીઓ આહારથી જ ઉત્પન્ન થાય છે, પોષણ પામે છે, ને જીવે છે. આહાર સિવાય કોઇ વધારે વખત સુધી જીવી ના શકે. મને આહાર નહિ મળે તો મારો પ્રાણ શરીરને છોડીને આજે જ જતો રહેશે. હું મરી જઇશ એટલે મારાં સ્ત્રીપુત્રાદિ પણ નાશ પામશે. એવી રીતે એક હોલાને બચાવવા જતાં તું બીજા કેટલાય જીવોનો નાશ નોતરશે. એ પાપકર્મ કાંઇ જેવું તેવું નહિ હોય. જે ધર્મ બીજા ધર્મને બાધક હોય તે ધર્મ નથી પરંતુ અધર્મ છે. બે ધર્મ વચ્ચે વિરોધ જણાય ત્યારે બંનેમાંથી મુખ્ય અને અમુખ્ય અથવા પ્રધાન અને ગૌણ ધર્મનો નિર્ણય કરવો, અને જેનાથી બાધ આવતો ના હોય એવા ધર્મનું આચરણ કરવું જોઇએ.

રાજએ આશ્ચર્યોદગાર કાઢતાં કહ્યું કે તારી વાણી મધુમયી અને કલ્યાણકારક છે. તું પક્ષીરાજ ગરુડ લાગે છે. તું ધર્મજ્ઞ હોઇને ધર્મસંબંધી વિવિધ વાતો કરે છે. તો પણ શરણાગતના ત્યાગની ભલામણ કરે છે એ જાણીને મને આશ્ચર્ય લાગે છે. તારે આહારની જ અનિવાર્ય આવશ્યકતા હોય તો તારી સમક્ષ બીજા કોઇપણ વૈકલ્પિક આહારને રજૂ કરી દઉં. બાકી આ હોલાનો ત્યાગ તો મારાથી કદાપિ નહિ થઇ શકે.

બાજ પક્ષીએ જણાવ્યું કે મારે બીજા કોઇ વૈકલ્પિક આહારની આવશ્યકતા નથી. દેવોએ મારે માટે આ હોલાનો આહાર નક્કી કર્યો છે તે જ બરાબર છે. બાજ પક્ષી હોલાને ખાય છે એ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. મારાથી એ પરંપરાનો પરિત્યાગ નહિ થઇ શકે.

રાજાએ જણાવ્યું કે હું તને શિબિઓનું સમૃદ્ધ રાજ્ય અથવા તું જે માગે તે બધું આપું, પરંતુ આ દીનહીન શરણાગત હોલાને તો નહિ જ આપું.

બાજ પક્ષીએ રાજાને જણાવ્યું કે તને હોલા પર જો એટલો બધો પ્રેમ હોય તો હોલાના વજન જેટલું માંસ તારા શરીરમાંથી કાપીને ત્રાજવાના એક પલ્લામાં મૂક. તારું માંસ હોલાના વજન બરાબર થશે એટલે એને ગ્રહણ કરીને હું હોલાને છોડી દઇશ. એથી મને સંતોષ થશે.

બાજ પક્ષીનો પ્રસ્તાવ રાજાને ખૂબ જ પસંદ પડ્યો. એણે એ પ્રસ્તાવને અનુસરવાની તૈયારી બતાવી.

રાજાએ ત્રાજવાના એક પલ્લામાં હોલાને રાખીને બીજા પલ્લામાં પોતાના શરીરના માંસને કાપીને મૂકવા માંડયું.

પરંતુ માંસને વારંવાર કાપીને મૂકવા છતાં પણ તે હોલાના વજન બરાબર ના થયું ત્યારે રાજાએ સહેજ પણ સંકોચ વિના પોતાના શરીરને ત્રાજવાના એ પલ્લામાં મૂકી દીધું.

કેવું અદભુત આત્મસમર્પણ ?

એને અવલોકીને બાજપક્ષીએ પોતાના રહસ્યનું ઉદઘાટન કરતાં કહ્યું કે હું ઇન્દ્ર છું અને આ હોલો અગ્નિ છે. અમે તારા ધર્મની કસોટી કરવા માટે આવેલા. તું એ કસોટીમાંથી સંપૂર્ણ સફળતાપૂર્વક પાર ઊતર્યો છે તેને માટે તને અભિનંદન ઘટે છે. તારી કિર્તિ આ લોકને વટાવી જશે અને પરમ ઉજ્જવળ તથા અક્ષય બનશે. મનુષ્યો જ્યાં સુધી તારી કથા કરશે ત્યાં સુધી તારો યશ તથા તારા લોકો અચળ રહેશે.

એમ કહીને ઇન્દ્ર અને અગ્નિ સ્વર્ગલોકમાં ગયા.

રાજા ઉશીનર કે શિબિને પણ છેવટે સ્વર્ગની પ્રાપ્તિ થઇ.

શરણાગતની સંભાળ કે સુરક્ષાનો સંદેશ ભારતીય સંસ્કૃતિનો મહામૂલ્યવાન મહત્વનો સંદેશ છે. એ સર્વશ્રેયસ્કર સનાતન સંદેશને મહાભારતની ઉપર્યુક્ત કથામાં સારી રીતે સમાવવામાં આવ્યો છે. શરણાગતની રક્ષા સર્વકાળે સર્વ રીતે કરવી અને જો આવશ્યકતા પડે તો પોતાના જીવનનું બલિદાન આપીને કે સમર્પણ કરીને પણ કરવી જોઇએ. અતિથિને દેવતુલ્ય માનવાનો અને અસાધારણ આદરભાવથી અવલોકવાનો મહામંત્ર ભારતના મહાપુરુષોએ પૂરો પાડયો છે. દીન, દુઃખી, આર્ત, અનાથને આશ્રય આપીને સર્વ પ્રકારે સહાયતા પહોંચાડવાનો પ્રેરક પદાર્થપાઠ પ્રદાન કર્યો છે. પ્રસ્તુત કથા એની પ્રાણવાન પ્રતીતિ કરાવે છે.

રાજા ઉશીનર કે શિબિની પેઠે બીજાની સુખાકારી, સાંતિ, સમૃદ્ધિ, સમુન્નતિ, સુરક્ષા માટે આપણે બનતું બધું જ કરી છૂટીએ એ આવશ્યક છે. સમસ્ત જીવન એવી રીતે સેવાનો મંગલમય મહાયજ્ઞ બની જાય તો કેટલું સારું ? એવું જીવન વિભુનું વરદાન થાય અને બીજાને માટે અસાધારણ અમોઘ આશીર્વાદરૂપ બની જાય.

રાજા ઉશીનર અથવા શિબિનો કથાપ્રસંગ જેમના હાથમાં શાસન, સત્તા, પદ કે અધિકાર છે તેમની જવાબદારી કેટલી મોટી છે, એમણે કેવી અસાધારણ સમર્પણ ભાવનાથી સંપન્ન બનવું જોઇએ, એના પ્રત્યે અદભુત અંગુલિનિર્દેશ કરે છે. જેમના હૈયામાં પોતાનું ને બીજાનું હિત વસે છે એવા શાસન, સત્તા, પદ અથવા અધિકાર વગરના સામાન્ય માનવોએ પણ પોતપોતાની રીતે અન્યને ઉપયોગી થવા માટે બનતું બધું જ કરી છૂટવું જોઇએ. ઉપર્યુક્ત કથાપ્રસંગથી એવો સેવાસહાયતાસૂર પણ સાંભળવા મળે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *