શ્રીકૃષ્ણ અને કર્ણનો સંવાદ
By-Gujju29-04-2023
શ્રીકૃષ્ણ અને કર્ણનો સંવાદ
By Gujju29-04-2023
કૌરવો તથા પાંડવોના વર્તમાન સંબંધો સુધરે, એમની વચ્ચે કુસંપને બદલે સંપ અને દ્વેષને બદલે સ્નેહ થાય, તેમ જ તેવી રીતે તેના સુખદ સપરિણામ ભાવિ ઘર્ષણ કે સંગ્રામની શક્યતા ના રહે, તેને માટે શ્રીકૃષ્ણે એક બીજો પ્રાણવાન પ્રયત્ન કરી જોયો.
કર્ણને સમજાવવાનો.
કર્ણને સમજાવવાના એ પ્રેમપૂર્ણ પ્રામાણિક પ્રયત્નનું વિહંગાવલોકન કરી લઇએ.
મહાભારતના ઉદ્યોગપર્વના ૧૪0 થી ૧૪૩મા અધ્યાયોમાં કૃષ્ણના એ પ્રયત્નનું અને કર્ણની પ્રતિક્રિયાનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે.
એ વર્ણનનું વિવરણ રસપ્રદ અને જ્ઞાનવર્ધક થઇ પડે તેમ છે.
કૃષ્ણને સારી પેઠે ખબર હતી કે દુર્યોધન તથા કર્ણની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા છે. કર્ણ દુર્યોધનના સલાહકારોમાંનો એક હોવાથી દુર્યોધન એની સલાહ પ્રમાણે ચાલે છે એ વાતની પણ એમને માહિતી હતી. એટલે કર્ણને જો યુદ્ધની નિર્રથકતા સંબંધી સફળતાપૂર્વક સમજાવી શકાય તો, કર્ણ દુર્યોધનને યુદ્ધનો વિચાર ના કરવા અને પાંડવો સાથે ન્યાયોચિત વ્યવહાર કરીને, એમને રાજ્યનો જરૂરી ભાગ પાછો સોંપીને સદા માટે સંપના વાતાવરણને ઊભું કરવા માટે તૈયાર કરી શકે. એવી રીતે કૌરવો તથા પાંડવોની વચ્ચેના સર્વસંહારક સામૂહિક સંગ્રામની સંભાવના ટળી જાય, અને એ બંને પરસ્પર સુખશાંતિપૂર્વક રહીને પોતાનું શ્રેય સાધી શકે.
કૃષ્ણની દૃષ્ટિ, ભાવના કે કલ્પના એવી વિશાળ હતી.
એથી પ્રેરાઇને એમણે કર્ણને પોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.
કર્ણને રથમાં બેસાડીને એક દિવસ એ હસ્તિનાપુરમાંથી બહાર નીકળ્યા.
હસ્તિનાપુરની બહારના શાંત એકાંત પાવન પ્રદેશમાં એમણે કર્ણને સંબોધીને ખૂબ જ સંવેદનસહિત સ્નેહપૂર્વક કહેવા માંડયું કે કર્ણ ! રાધાપુત્ર ! તેં વેદમાં પારંગત બ્રાહ્મણોની ઉપાસના કરી છે, તથા નિયમપરાયણ રહીને, ઇર્ષારહિત થઇને, તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે પંડિતોને પ્રશ્નો પણ પૂછયા છે. તું સનાતન વેદવાદને જાણે છે. તું ધર્મશાસ્ત્રના સૂક્ષ્મ સિદ્ધાંતોથી પણ સુપરિચિત છે. જે કન્યાને લગ્ન પહેલાં પુત્ર થયો હોય, અથવા લગ્ન વખતે જે પુત્ર તેના ઉદરમાં હોય, તે બંને પુત્રોને કાનીન કહે છે. એવી કન્યા સાથે લગ્નસંબંધીથી જોડાનાર પુરુષ તે પુત્રના પિતા તરીકે ઓળખાય છે. શાસ્ત્રને જાણનાર એ પ્રમાણે કહેતા હોય છે. તું પણ એવી રીતે જ ઉત્પન્ન થયો છે માટે ધર્મથી પાંડુનો પુત્ર છે.
ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે પાંડવોમાં સૌથી મોટો હોવાથી તું એવી રીતે સ્વાભાવિક રીતે જ રાજા બની શકીશ.
પાંડવો તારા પિતૃપક્ષમાં અને યાદવો માતૃપક્ષમાં છે.
એ બંને પક્ષો એવી રીતે તારા છે.
તું આજે અહીંથી મારી સાથે આવશે એટલે પાંડવો તને યુધિષ્ઠિર કરતાં આગળ જન્મેલા મોટાભાઇ તરીકે માનીને માન આપશે.
પાંચ પાંડવો, દ્રૌપદીના પાંચ પુત્રો તથા સુભદ્રાનંદન અજિત અભિમન્યુ, એ સઘળા તારા ચરણમાં પરમપૂજ્યભાવે પ્રણામ કરશે. વળી પાંડવોને માટે આવેલા રાજાઓ, રાજપુત્રો અને સર્વ અંધક તથા યાદવો પણ તારા ચરણમાં નમન કરશે. રાજાઓ અને રાજકન્યાઓ સોનાના, રૂપાના તેમજ માટીના ઘડાઓમાં તીર્થજળને ભરી લાવશે. તેમાં ઔષધિઓ, સર્વ બીજો, સર્વ રત્નો તથા લતાઓને નાખશે અને તારો અભિષેક કરશે, વળી દ્રૌપદી પણ વર્ષનો છઠ્ઠો ભાગ એટલે બે માસ તારી સેવામાં રહેશે. સંયમી મનવાળા દ્વિજશ્રેષ્ઠ ધૌમ્ય અગ્નિમાં હોમ કરશે, અને આજે જ ચાર વેદ જાણનારા બ્રાહ્મણો તારો અભિષેક કરે એમ હું ઇચ્છું છું.
ધર્માત્મા તથા ઉત્તમ વ્રતવાળા ધર્મપુત્ર યુધિષ્ઠિરરાજ તારા યુવરાજ બનશે. એ કુંતીપુત્ર યુધિષ્ઠિર હાથમાં શ્વેત ચામરને પકડીને તારી પાછળ રથમાં બેસશે, ત્યારે અભિષેક પામેલા તારા મસ્તક ઉપર મહાબળવાન કુંતીપુત્ર ભીમસેન મોટા શ્વેતછત્રને ધારણ કરશે. વળી ત્યારે સેંકડો ઘૂઘરીઓના શબ્દવાળા, શ્વેત ઘોડાઓ જોડેલા, તારા રથને અર્જુન હાંકશે. અભિમન્યુ નિત્ય તારી પાસે જ રહેશે. નકુલ, સહદેવ, દ્રૌપદીના પાંચ પુત્રો, પાંચાલો, મહારથી શિખંડી, હું, સર્વ અંધકો, યાદવો, સર્વ તારા અનુયાયી થશે.
તું જપ, હોમ તથા અનેક પ્રકારનાં મંગળકાર્યો કરતો પાંડવભાઇઓની સાથે રાજ્યનો ઉપભોગ કર.
તું નક્ષત્રોથી વીંટાયેલા ચંદ્રમાની પેઠે પાંડવોથી વીંટાઇને રાજ્ય કર અને કુંતીને આનંદ આપ. તારા મિત્રો રાજી બનો, શત્રુઓ વ્યથા પામો, અને આજે પાંડવભાઇઓની સાથે તારા બંધુપ્રેમનું અનુસંધાન સધાવ.
શ્રીકૃષ્ણના વચનોને સાંભળીને કર્ણે કહ્યું કે તમે મને જે કહ્યું છે તે પ્રેમથી, મિત્રતાથી અને મારા કલ્યાણની ઇચ્છાથી જ કહ્યું છે. ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે અને તમે માનો છો તેમ ધર્મ વડે હું પાંડુનો પુત્ર છું, એ જાણું છું. કુંતીએ કન્યાવસ્થામાં સૂર્યથી મારો જન્મ થયા પછી સૂર્યનાં વચનથી મને છોડી દીધેલો.
અધિરથ સૂત મને જોતાં જ પોતાને ઘેર લઇ ગયો અને સ્નેહપૂર્વક તેણે મને રાધા દાસીને સોંપ્યો.
અધિરથ સૂત મને પોતાનો જ પુત્ર ગણે છે, અને હું પણ સ્નેહને લીધે તેને પિતા તરીકે જ જાણું છું.
હું યૌવન આવતાં સૂતના કુળમાંની કન્યાને પરણી શક્યો છું.
હું આખી પૃથ્વીના લાભથી, સુવર્ણના ઢગલાઓથી, હર્ષથી અથવા ભયથી, તેમના સ્નેહનો ત્યાગ કરવા માગતો નથી. વળી મેં દુર્યોધનના આશ્રયથી ધૃતરાષ્ટ્રના કુળમાં તેર વરસ સુધી નિષ્કંટક રાજ્યને ભોગવ્યું છે.
દુર્યોધને મને મિત્ર તરીકે મેળવીને શસ્ત્ર ઉઠાવવાનો ઉત્સાહ ધારણ કર્યો છે, અને પાંડવોની સાથે વિરોધ કર્યો છે. સંગ્રામ શરૂ થયા પછી અર્જુનની સાથે દ્વન્દ્વયુદ્ધમાં આગળ કરવા દુર્યોધને મને જ નક્કી કરી રાખ્યો છે. હું વધ, બંધન, ભય અથવા લોભને લીધે પણ બુદ્ધિમાન દુર્યોધનનું અમંગલ થાય એવું વર્તન કરવા નથી ઇચ્છતો.
આપણી વચ્ચે થયેલી ગુપ્તવાતને તમે અહીં જ છોડી દેજો. કારણ કે યુધિષ્ઠિર જો હું કુંતીનો પહેલા ખોળાનો પુત્ર છું એમ જાણશે તો પછી રાજ્ય ગ્રહણ નહીં કરે. વળી મને તે મહાન સમૃદ્ધિયુક્ત રાજ્ય મળે તો પણ હું તો તે દુર્યોધનને જ આપવાનો છું. હું ઇચ્છું કે કૃષ્ણ જેના નેતા છે, અર્જુન જેનો યોદ્ધો છે, તે ધર્માત્મા યુધિષ્ઠિર જ રાજા બને.
મેં દુર્યોધનને સારું લગાડવા માટે પાંડવોને જે કડવાં વચનો કહ્યાં છે તે દુષ્કર્મથી હું સંતાપ પામું છું.
શ્રીકૃષ્ણે કહ્યું કે તું રાજ્યપ્રાપ્તિના ઉપાયને સ્વીકારતો નથી અને મારી આપેલી પૃથ્વીનું રાજ્ય કરવા ઇચ્છતો નથી ત્યારે પાંડવોનો અવશ્ય જય થશે એમાં કોઇ પણ જાતનો સંદેહ નથી.
તું અહીંથી જઇને દ્રોણને, ભીષ્મને તથા કૃપાચાર્યને કહેજે કે આજથી સાતમે દિવસે અમાવાસ્યા આવશે તે તિથિએ સંગ્રામની યોજના કરો.
દુર્યોધનને અધીન થઇને તેને અનુસરનારા રાજાઓ અને રાજપુત્રો શસ્ત્રથી મરણ પામીને ઉત્તમ ગતિ પામશે.