શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ
By-Gujju29-04-2023
શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ
By Gujju29-04-2023
{slide=Lord Krishna’s personality}
Lord Krishna briefed King Virat and other well-wishers about hardship faced by Pandavas’ during their exile, about the rift among Kauravas and Pandavas; and in particular about the sick mind of Duryodhan. Krishna mentioned that Shakuni cheated Yudhisthir in the game of dice and robbed of his kingdom. Although Pandavas were very capable of winning back all their losses by a fight, they bare the consequences, went through thirteen year’s exile and even worked as servants. Now they should regain what was rightfully theirs.
Lord Krishna praised Pandavas kind deeds and character, and denounced Kauravas bad tactics and motives. Kauravas were unwilling to part anything with Pandavas and wanted to keep everything for themselves. Krishna gauged the situation and explained grave consequences of a battle, if there was one between both parties over the issue of division of kingdom and properties. Everyone present supported Lord Krishna’s views and an emissary was dispatched to Hastinapur to convey the message.
This episode suggest that Lord Krishna believed in reconciliatory approach to establish peace and justice, and removal of animosity through love and avoid battles to settle disputes.
પાંડવોના અજ્ઞાતવાસના વખતની સુખદ પરિસમાપ્તિ પછી ભગવાન કૃષ્ણે રાજા વિરાટ, દ્રુપદ અને અન્ય મમતાળુ મહાનુભવોની આગળ પાંડવોની વરસોની પ્રતિકૂળ પરિસ્થિતિનો ઈતિહાસ રજુ કર્યો. એની પાછળનો મુખ્ય આશય કૌરવો તથા પાંડવોના કથળેલા સંબંધોને અને ખાસ કરીને દુર્યોધનના દ્વેષપૂર્ણ માનસનો પરિપૂર્ણપણે પરિચય કરાવવાનો અને પાંડવોના ભાવિ કાર્યક્રમ વિશે આવશ્યક માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
ભગવાન કૃષ્ણના ઉદગારોનો સારાંશ આ પ્રમાણે હતો.
દ્યુતમાં શકુનિએ છળકપટ કરીને યુધિષ્ઠિરને જીતી લીધેલા, એમનું રાજ્ય હરી લીધેલું અને વનવાસની શરત કરેલી, તેની તમને માહિતી છે. પૃથ્વી જેવાં પાંચ તત્વોમાં જેમના રથોની ગતિ અસ્ખલિત રીતે થયા કરે છે ને જે સત્યમાં સ્થિર મનવાળા છે તે પાંડુપુત્રો તે જ વખતે વિપળનાય વિલંબ વિના પૃથ્વીને જીતી લઈ શકે તેમ હોવા છતાં, તેમણે તેર વરસ સુધી વનવાસ વેઠ્યો છે. મહાકષ્ટે પાર પડે એવું તેરમું વરસ પણ તમારે ત્યાં ગુપ્ત રૂપમાં રહીને પસાર કર્યું છે. એવી રીતે પાંડવો પારકાના સેવક થઈને એની આણમાં રહ્યા છે. પરંતુ હવે તેઓ પોતાનું રાજ્ય મેળવવા ઈચ્છે છે. તો હવે તમે ધર્મપુત્ર યુધિષ્ઠરનું તેમજ દુર્યોધનનું જેમાં હિત હોય અને કુરુશ્રેષ્ઠોને માટે જે ધર્મયુક્ત, ન્યાયયુક્ત તથા યશસ્કર હોય તે વિચારી કાઢો. અધર્મથી તો ધર્મરાજ દેવોનું રાજ્ય પણ નથી ઈચ્છતા. તે તો ધર્મ અને અર્થથી યુક્ત એવું એકાદ ગામનું જ રાજાપણું મળે તો તે પણ સ્વીકારી લેવા ઈચ્છે એમ છે.
ધૃતરાષ્ટ્રના પુત્રોએ રણભૂમિમાં પોતાના તેજ વડે યુધિષ્ઠરને હરાવ્યા નથી. પણ કપટકળા કરીને હરાવ્યા છે અને તેને લીધે યુધિષ્ઠરને અતિ અસહ્ય કષ્ટ પડ્યું છે. છતાં પણ યુધિષ્ઠિર પોતાના સ્નેહીઓ સાથે ધૃતરાષ્ટ્રના પુત્રોનું કલ્યાણ જ ઈચ્છે છે. પુરુષોમાં વીરશ્રેષ્ઠ પાંડુપુત્રો પોતે રાજાઓને પીડીને તથા પરાજય આપીને જે ધન આણ્યું છે તે જ ધનને મેળવવા ઈચ્છે છે. પાંડવો જ્યારે બાળક હતા ત્યારે ઉગ્ર પ્રકૃતિવાળા દુરાત્મા કૌરવોએ રાજ્ય હરણ કરવાની ઈચ્છાથી તેમને મારવા માટે કેવા ઉપાયો કર્યા હતા તે તમે જાણો છો. કૌરવોના એ વધેલા લોભને જોઈને, યુધિષ્ઠિરની ધર્મજ્ઞતાને જાણીને, તેમજ તેઓ પરસ્પરના સંબધીઓ છે તેનો વિચાર દૃષ્ટિ સમક્ષ રાખીને તમે સાથે મળીને યોગ્ય નિશ્ચય કરો. પાંડવોએ પોતાની પ્રતિજ્ઞાનું યથાર્થ પાલન કર્યુ છે અને સર્વદા સત્યપરાયણ રહ્યા છે. હવે જો ધૃતરાષ્ટ્રના પુત્રો એમની સાથે પ્રતિજ્ઞા વિરુદ્ધ વર્તન કરે તો તેઓ એકઠા મળેલા ધૃતરાષ્ટ્રના પુત્રોનો નાશ કરે, ત્યારે પાંડવોના સંબંધીઓ પણ કૌરવોએ કરેલા અપકારને જાણીને પાંડવોને વીંટાઈ વળી તેમને સહાય કરે. કૌરવો જો યુદ્ધ કરી પાંડવોને પીડામાં નાંખે તો પાંડવો યુદ્ધમાં તેઓનો નાશ કરે. તમે કદાચ એમ માનો કે પાંડવો અલ્પ સંખ્યામાં છે, તેથી તેઓ જીતી શકે એમ નથી. પણ અમારા જેવા સર્વ સ્નેહીઓ-સંબધીઓ તેમને સાથે થઈને કૌરવોના વિનાશ માટે પ્રયત્ન કરશે. હજી દુર્યોધનનો શો મત છે ? તે શું કરવા ધારે છે તે યથાર્થ રીતે આપણે જાણ્યું નથી. એટલે એના વિચારને જાણ્યા વિના તમારે કયો વિચાર આરંભ કરવા યોગ્ય ગણાય ? માટે કૌરવોની સાથે સમાધાન કરાવવા તથા યુધિષ્ઠિરને અર્ધું રાજ્ય અપાવવા અહીંથી ધર્મશીલ, પવિત્ર, કુલીન, પ્રમાદરહિત અને સમર્થ એવા કોઈ પુરુષને દૂત તરીકે કૌરવો પાસે મોકલો.
શ્રીકૃષ્ણનું એવું ધર્મથી યુક્ત, મધુર તથા સમતાભર્યું ભાષણ સાંભળીને એમના મોટાભાઈ બલરામે તેને સત્કાર્યું.
સાત્યકિએ તથા દ્રુપદે પણ એને અનુમોદન આપ્યું.
શ્રીકૃષ્ણે પોતાનો વિચારોને વ્યક્ત કરીને દ્વારકાપુરી તરફ પ્રયાણ કર્યું ત્યારે વિરાટરાજાની અનુમતિથી દ્રુપદે પુરોહિતને દૂત તરીકે હસ્તિનાપુર મોકલ્યો. પુરોહિતને છેવટની સૂચના આપતાં દ્રુપદે જણાવ્યું કે ધૃતરાષ્ટ્ર તમારી સંગતિને પામીને તમારાં ધર્મનીતિસંગત વચનોને માન્ય રાખશે. તમારા સર્વહિતકર સદુપદેશને સાંભળીને કૌરવોનાં મન ફરી જશે. તમને તો તેમનો લેશ પણ ભય નથી, કારણ કે તમે વેદવેત્તા બ્રાહ્મણ છો, દૂત કર્મમાં જોડાયા છો ને વૃદ્ધ છો. માટે તમે યુધિષ્ઠિરની કાર્યસિદ્ધિ માટે પ્રયાણ કરો. પુષ્ય નક્ષત્રમાં વિજય-મુહૂર્તમાં પ્રસ્થાન કરો.
દ્રુપદના એ ઉદગારો સૂચવે છે ને સ્પષ્ટ કરે છે કે મહાભારત કાળમાં અથવા મહાભારતની રચનાના કાળમાં નક્ષત્ર કે મુહૂર્તને લક્ષમાં લઈને શુભ પ્રવૃત્તિ કરવાની પ્રથા પ્રવર્તમાન હતી.
ઉપર્યુક્ત પ્રસંગમાં વ્યક્ત થયેલા શ્રીકૃષ્ણના વિચારો એમના વિશાળ વિશદ વિતરાગ દૃષ્ટિકોણને અને સમાધાનપ્રિય સ્વભાવને રજૂ કરે છે. કૌરવોએ પાંડવો સાથે દારુણ દુર્વ્યવહાર કર્યો હોવા છતાં પણ એ એમની વચ્ચે શાંતિમય, સ્વમાનયુક્ત, સુખદ સમાધાન થઈ શકે તો સારુ એવું ઈચ્છતા હતા. એ પ્રસંગ એમના વ્યક્તિત્વના મહત્વના મહામૂલ્યવાન પાસાને પ્રસ્તુત કરે છે. વેર વેરથી ના શમે પરંતુ પ્રેમથી જ ઘટે તથા મટે કે શાંત બની શકે, એવી એમની માન્યતા હતી.
એમના વિચારોમાં એનો પ્રતિઘોષ પડે છે.