Tuesday, 3 December, 2024

શુકદેવજીનું શુભાગમન

364 Views
Share :
શુકદેવજીનું શુભાગમન

શુકદેવજીનું શુભાગમન

364 Views

પરીક્ષિતના જીવનના પ્રાકૃત પ્રવાહે આકસ્મિક રીતે કેવો પલટો લીધો ! એ પલટો શ્રેયસ્કર હતો એમાં શંકા નહિ એટલે તો પ્રવાહ પરમાત્માભિમુખ બની ગયો. શાપ સાંભળીને બીજો કોઇક સામાન્ય મનુષ્ય હોત તો એને ઊંડું દુઃખ થાત અથવા આઘાત લાગત. પરંતુ પરીક્ષિતનું વ્યક્તિત્વ અને ઘડતર જુદું હોવાથી એમણે પોતાની જાતને સંભાળી લીધી અને પોતાના ઉત્કર્ષની સુયોજિત યોજના બનાવી. પરીક્ષિતના પ્રેરક પાત્ર દ્વારા ભાગવત આપણને કહી બતાવે છે કે અંતકાળ જ્યારે સમીપ હોય ત્યારે મનુષ્યે શું કરવું જોઇએ.

ભાગવત કહેવા માગે છે કે અંતકાળે ભગવાનની ભક્તિ સિવાય બીજું કશું જ કામ નથી લાગતું. માટે બીજા બધા જ લૌકિક અને પારલૌકિક પદાર્થો કે વિષયોમાંથી મનને પાછું વાળી દેવું જોઇએ. એને પરમાત્માના પ્રેમરંગથી રંગીને તૈયાર કરવું જોઇએ. એમાં જ એની ને સમસ્ત જીવનની સાર્થકતા છે.

શમીક મુનિ અને સમ્રાટ પરીક્ષિતના પાત્રો દ્વારા ભાગવતે આરંભમાં જ એક બીજી અગત્યની હકીકત તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. પરમાત્માના ધ્યાનમાં રત, સ્થિતપ્રજ્ઞ, દૈવી સંપત્તિથી સંપન્ન, મુક્ત પુરુષ કેવા સંયમી, શાંત, વીતરાગ, ઉદાર તથા નિર્વેર હોય છે. તે તેણે શમીક મુનિના મહાન પાત્ર દ્વારા બતાવ્યું છે. શમ એટલે મનનો સંયમ. જે મનના સંપૂર્ણ સંયમથી સંપન્ન છે તે શમીક. એમનું નામ પણ રહસ્યમય છે.

પરીક્ષિત અપૂર્ણ માનવના પ્રતિનિધિ છે. અપૂર્ણ માનવ સદા સંજોગોથી દોરવાઇ જાય છે, પરિસ્થિતિથી સાચી કે ખોટી રીતે પ્રભાવિત બને છે, પોતાની પ્રકૃતિથી પરવશ હોય છે, અને વિચારો, ભાવો કે સંસ્કારો પર શાસન કરવાને બદલે એમના શાસન નીચે શ્વાસ લે છે. એની પ્રજ્ઞા, વૃત્તિ તેમજ નિષ્ઠા સ્થિર નથી હોતી. એ ભૂલ કરે છે ને કોઇ વાર એને સુધારે છે પણ ખરો. સ્થિતપ્રજ્ઞ પુરુષ તો ભૂલ કરતો જ નથી પછી એને સુધારવા કે ના સુધારવાનો સવાલ જ ક્યાં રહે છે ?

શ્રૃંગીને આપણે અહંકાર કહી શકીએ. એ અહંકાર મનુષ્યને પશુની શ્રેણીમાં મૂકી દે છે અને કદી કદી આંતકરૂપ બનાવે છે.

આરંભમાં એ પાત્રો આપણને એવો સૂક્ષ્મ સંદેશ આપી જાય છે.

પરીક્ષિત જીવનના શ્રેયને માટે જાગ્રત બનીને જે ગંગાના પ્રશાંત પવિત્ર તટપ્રદેશ પર બેઠા તે ગંગા કાંઇ સામાન્ય ન હતી. એ ઋષિમુનિમંડિત અથવા સાધકોથી ને સિદ્ધોથી સેવિત હતી. એણે પ્રજાને વરસોથી પ્રેરણા પાયેલી કે પથપ્રદર્શન પહોંચાડેલું. એ કોઇ સ્થૂળ સરિતા જ ન હતી પરંતુ સાધના બનીને વહ્યા કરતી. એને પરમારાધ્ય માનીને એના તપઃપૂત તટપ્રદેશ પર જીવનનું આત્યંતિક કલ્યાણ કરવાની કામનાવાળા પ્રાતઃસ્મરણીય સંતપુરુષો નિવાસ કરતા.

એ સંતપુરુષો પરીક્ષિતની માહિતી મેળવીને એમની આગળ આવી પહોંચ્યા. ભાગવત એમના નામોનો નિર્દેશ કરતાં જણાવે છે કે અત્રિ, વસિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, અરિષ્ટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમદ, ઇધ્મવાહ, મેઘાતિથિ, દેવલ, આર્ષ્ટિષેણ, ભારદ્વાજ, ગૌતમ, પિપ્પલાદ, મૈત્રેય, ઔર્વ, કવષ, અગસ્ત્ય, વ્યાસ, નારદ અને એ ઉપરાંત અન્ય અનેક મહર્ષિ દેવર્ષિ અને રાજર્ષિ ત્યાં આવી પહોંચ્યા.

એમના મુખમંડળ સુદીર્ઘકાલીન સાધના દ્વારા સાંપડેલી શાંતિ તથા શક્તિથી સુશોભિત હતાં.

પરીક્ષિતને એમનો દર્શનલાભ અનાયાસે જ મળી ગયો.

પરીક્ષિત એ સૌના દર્શનથી આનંદ પામ્યા, ને બોલ્યા કે તમારા જેવા મહાપુરુષોએ મારી ઉપર કરેલા અનુગ્રહ માટે મારી જાતને ભાગ્યશાળી સમજું છું. તમારા સરખા પરમાત્મપરાયણ સત્પુરુષોના સમાગમનું સુખ જેને તેને નથી સાંપડતું. તેને માટે ઇશ્વરની થોડીઘણી પણ કૃપા જોઇએ. શાપ મારે માટે આશીર્વાદરૂપ બન્યો છે.

પરીક્ષિતનું કથન સાચું છે. પ્રાતઃસ્મરણીય સંતપુરુષોના દર્શનનો લાભ કાંઇ જેને તેને નથી મળતો અને જેને મળે છે એ એને મેળવીને કૃતાર્થ થાય છે. એમનો સંસર્ગ સર્વકાળે સુખદ થઇ પડે છે. એ સંસર્ગ પછી ભય ટકી શકે છે ખરો ? ના. પરીક્ષિતે કહ્યું કે મારા મનને મેં ઇશ્વરના ચરણોમાં સમર્પિત કર્યું છે. મને હવે તક્ષકના કરડવાનો ભય નથી લાગતો. તમે મારી આગળ ઇશ્વરની લીલાઓનું જયગાન કરો જેથી મારા રહ્યાસહ્યા શેષ જીવનને સફળ બનાવી શકું. તમારા શ્રીચરણોમાં પુનઃપુનઃ પ્રણામ કરીને એ જ પ્રાર્થના કરું છું કે મારાં કર્મોને અનુસરીને હું જે પણ યોનિમાં જન્મું તે યોનિમાં મારો ભગવાન કૃષ્ણને માટેનો અનુરાગ દિનપ્રતિદિન વધતો જાય, એમના અનન્ય ભક્ત જેવા મહાપુરુષોનો મને સત્સંગ થયા કરે, અને જગતના સર્વે જીવો પ્રત્યે મારો એકસરખો મૈત્રીભાવ રહે, એવો શુભાશીર્વાદ મને પ્રદાન કરો.

એ મહાપુરુષોને એવી પ્રાર્થના કરીને ગંગાના દક્ષિણ તટ પર ઉત્તરાભિમુખ બનીને બેસી ગયા.

રાજ્યની ધુરા એમણે પ્રથમથી જ પોતાના સુપુત્ર જનમેજયને સોંપી હોવાથી એની કશી ચિંતા ન હતી.

મહાપુરુષોએ એમની સદ્દવૃત્તિની પ્રશંસા કરી. પરંતુ અંતકાળ સમીપ હોય અને એની સમીપતાનું સંપૂર્ણપણે ભાન હોય ત્યારે પ્રશંસામાં મન ભાગ્યે જ લાગે. પ્રશંસાનું શ્રવણ ગમે પણ નહિ. અંતકાળ છેક જ સંનિકટ હોય ત્યારે તો જીવનની ક્ષણેક્ષણ સુધારી લેવાની અથવા એ ક્ષણનો જેટલો શક્ય હોય તેટલો સદુપયોગ કરવાની જ ભાવના થાય. વધારે સારા શબ્દોમાં કહીએ તો એને માટેની લગન લાગી જાય. પરીક્ષિતની અવસ્થા એવી જ હતી. એટલે તો એમણે દૂર દૂરથી પધારેલા જ્ઞાનની મૂર્તિમંત સ્વરૂપ સરખા સંતોને કહ્યું કે તમારા પ્રત્યેના પ્રેમ અને શ્રદ્ધાભાવથી પ્રેરાઇને હું તમને મારા કર્તવ્ય વિશે પૂછવા માગું છું. તમે બધા પરસ્પર વિચારવિનિમય દ્વારા મને સુનિશ્ચિત રીતે કહી બતાવો કે સૌ કોઇને માટે સઘળા સંજોગોમાં અને ખાસ કરીને થોડા જ વખતમાં મરવા માટે તૈયાર થયેલા પુરુષોને માટે તન, મન તેમજ અંતરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કયું છે ? તમારા સૌનો એ સંબંધમાં શો અભિપ્રાય છે ?

મહાપુરુષો પરીક્ષિતના એ પ્રશ્નનો વિચાર કરવા લાગ્યા. એ પરીક્ષિતના મુખમંડળ તરફ ખૂબ જ પ્રેમપૂર્વક જોઇ રહ્યા. ત્યાં તો……પરીક્ષિતના સૌભાગ્યનો સૂર્યોદય થવાનો હોય અથવા એમની ઉપરની ઇશ્વરની અદ્દભુત અનુગ્રહની વર્ષાનો સમય છેક જ સમીપ આવ્યો હોય તેમ ત્યાં એક બીજું અનોખું અદૃષ્ટપૂર્વ દૃશ્ય ઊભું થયું. જ્ઞાન, પ્રેમ, પવિત્રતા તથા પૂર્ણતાના પરિપૂર્ણ પ્રતીક સરખા, દિશા-પ્રદિશામાં અદ્દભુત જીવનરસ રેલાવતા, જીવનમુક્તિના મૂર્તિમંત સ્વરૂપ જેવા સ્વનામધન્ય સંતશિરોમણિ મહર્ષિ વ્યાસના સુપુત્ર સત્પુરુષશ્રેષ્ઠ શુકદેવ સર્વત્ર શાંતિ તથા સદ્દભાવનાની સૌરભ પ્રસારતા આવી પહોંચ્યા. એમનાં ચરણ ચાલતાં હોવા છતાં એ દેહભાવથી પર હતાં. એમના નેત્રો જાણે પરમાત્મા વિના કશું નિહાળતાં જ નહિ. એમના શ્રવણ ઇશ્વરનું સુધામય સંગીત સાંભળતા. એમના અણુઅણુમાં અનંત આનંદનો અર્ણવ ઊછળતો. હૃદયમાં અને રોમેરોમમાં પરમરસનો રાસ રચાતો. એમને નિહાળીને થતું કે આટલી બધી પવિત્રતા, સરળતા કે ઇશ્વરમયતા બીજા કોઇની અંદર હોઇ શકે ? એમના શરીર પર વર્ણ અથવા આશ્રમનાં કોઇ પરંપરાગત ચિન્હો નહોતા દેખાતાં. એ ચિન્હો આરંભમાં કેટલાકને માટે આવશ્યક હોય છે પરંતુ આત્મવિકાસની ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી એમની આવશ્યકતા નથી રહેતી. એ આપોઆપ છૂટી જાય છે. હું સંન્યાસી, ત્યાગી, ભક્ત, યોગી કે જ્ઞાની છું એવો સાત્વિક સૂક્ષ્મ અહંકાર પણ એ અવસ્થામાં નથી રહેતો-નથી રહી શકતો.

સોળેક વરસના, અવધૂત વૃત્તિવાળા, સ્ત્રીઓ અને બાળકોથી ઘેરાયલા શુકદેવ પરમાત્માની નિષ્ઠામાં નિમગ્ન હતા. એ કોઇ દેવતા જેવા દિવ્ય દેખાતા. ત્યાં સંમિલિત થયેલા  સંતપુરુષોએ તેમને ઓળખી લીધા. એમણે ઊભા થઇને એમનો સત્કાર કર્યો. પરમાત્માનિષ્ઠ પુરુષનો પ્રકાશ કદી છૂપો નથી રહેતો. ઓળખનારા એને ઓળખે છે અને સન્માને છે.

પરીક્ષિતે પણ એમને પ્રણામ કરીને એમની પૂજા કરી.

શુકદેવજી સૌએ સમર્પેલા સર્વોચ્ચ આસન પર વિરાજમાન થયા. એટલે પરીક્ષિતને પ્રસન્નતા થઇ. એવા આત્માનંદનિમગ્ન આત્મારામ મહાપુરુષના દેવદુર્લભ દર્શનનો લાભ કાંઇ જેને તેને ને જ્યારે ત્યારે થોડો મળી શકે છે ? મનુષ્ય એમને માટે પર્વતો, મેદાનો અને સરિતાના સુપ્રસિદ્ધ તટપ્રદેશોને ખૂંદી વળે તો પણ એમનું દર્શન ભાગ્યે જ મળી શકે. એવા મહાત્મા પુરુષો કોઇ પણ પ્રકારની આકાંક્ષા કે યોજના વગર જ્યારે સામેથી ચાલીને આવી પહોંચે અને પોતાના દર્શન, સ્પર્શન અને સંભાષણથી કૃતાર્થ કરે ત્યારે તો કહેવું જ શું ? અનંત સમયનાં સત્કર્મોનો સમુદય થયો કે થવાનો હોય ત્યારે જ એવો અનેરો અવસર સાંપડી શકે. એમને ઓળખવાનું અઘરું હોય છે અને એની શ્રદ્ધાભક્તિ સહિત સેવા કરવાનું અને એમનો લાભ લઇને અથવા અનુગ્રહ પામીને ધન્ય થવાનું અને એમના સરખા બનવાનું તો એથી પણ અધિક અઘરું.

શુકદેવજીનો સમાગમ પરીક્ષિતને માટે સુખદ થઇ પડ્યો. એમના દર્શનથી એમને પરમ સંતોષ થયો. શુકદેવજીને એમણે પૂછયું કે જે મૃત્યુગ્રસ્ત હોય, સર્વથા મરણાસન્ન હોય, એણે શું કરવું જોઇએ ? વળી મનુષ્યે કોનું સ્મરણ, ભજન, શ્રવણ, અનુષ્ટાન કરવું તથા કોના જપ કરવા અને કોનો ત્યાગ કરવો જોઇએ ? તમે યોગીઓના પરમગુરુ છો, તેથી તમને જીવનની સર્વોત્તમ સંસિદ્ધિના સ્વરૂપ તથા સાધન વિશે પૂછું છું. તમારું દર્શન ખૂબ જ દુર્લભ હોઇને જેને તેને, જ્યાં ત્યાં, અને જ્યારે ત્યારે નથી થતું.

अतः पृच्छामि संसिद्धि योगिनां परमं गुरुम् ।
पुरुषस्येह यत्कार्यं म्रियमाणस्य सर्वथा ॥
यच्छ्रोत्तव्यमथो जाप्यं यत्कर्तव्यं नृभिः प्रभो ।
स्मर्तव्य भजनीयं वा ब्रूहि यद्धा विपर्ययम् ॥ (અધ્યાય ૧૯, શ્લોક 3૭-3૮)

પરીક્ષિતે પરમ પ્રેમભક્તિથી પ્રેરાઇને એ પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નોની પાછળ શુદ્ધતર જિજ્ઞાસાવૃત્તિ હતી. શુકદેવજીની દૈવી દૃષ્ટિથી એ વૃત્તિ તથા શ્રદ્ધાભક્તિ છૂપી ના રહી શકી. શુકદેવજી એકદમ અનાસક્ત અને નિર્મળ હતા. ગૃહસ્થીઓના ઘર પર એ ગાયને દોવાય એટલા વખત સુધી પણ ભાગ્યે જ ઊભા રહેતા. પરીક્ષિતના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળીને એમના પ્રત્યુત્તરો આપવા તૈયાર થયા એની પાછળ એમના અનુગ્રહ સિવાય બીજું કાંઇ જ ન હતું. એ અનુગ્રહ પરીક્ષિતની સાથે સાથે સમસ્ત સંસારને માટે કલ્યાણકારક થઇ પડ્યો. મહાત્મા પુરુષોનો અનુગ્રહ સદા કલ્યાણકારક જ હોય છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *