Sunday, 22 December, 2024

સુભદ્રાહરણ – 1

340 Views
Share :
સુભદ્રાહરણ – 1

સુભદ્રાહરણ – 1

340 Views

Arjuna reached Prabhas Patan on his way back. There, he met Lord Krishna, his best friend. Two friends met after a long time so they exchanged greetings and briefed each other about various happenings during that time. Krishna then led Arjuna to his golden city, Dwarika. There, Arjuna saw Subhadra during a traditional festival. He got attracted to Subhadra. He asked Krishna how to win Subhadra’s love. Krishna hinted that for kshtriya, swayamvar is the best but not always practical. Sometimes taking the bride by force is the only choice! Arjuna understood meaning of Krishna’s sayings so one day he abducted Subhadra when she was offering worship at a remote temple.

When Balram knew about it, his anger knew no bound. He decided to teach Yadavas a lesson. Krishna, however told him that Arjuna has done nothing wrong and he was the right groom for their loving sister. Balram cooled down and then Arjuna and Subhadra were warmly welcomed back.

“શ્રીકૃષ્ણે સાંભળ્યું કે અપરાજિત અર્જુન પ્રભાસના રમણીય અને પાવનકારી તીર્થમાં આવ્યો છે એટલે તે મળવા માટે ત્યાં આવ્યા. શ્રીકૃષ્ણ અને અર્જુન પ્રભાસમાં પરસ્પર મળ્યા અને એકબીજાને ભેટયા. પછી પરસ્પર કુશળ પૂછીને નર તથા નારાયણ ઋષિના અવતારરૂપ તે બંને પ્રિય મિત્રો વનમાં બેઠા. શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રભાસમાં યથેચ્છ વિહાર કર્યો અને રૈવતક પર્વત ઉપર નિવાસ કરવાને ગયા. શ્રીકૃષ્ણના આદેશથી માણસોએ તે પર્વતને આગળથી શણગારી રાખ્યો હતો, તેમજ ત્યાં ભોજનાદિની તૈયારી કરી હતી.”

“ભોજન બાદ શય્યામાં સૂતાં સૂતાં તે મહાબાહુએ શ્રીકૃષ્ણને નદીઓ, જળાશયો, પર્વતો, ઝરણાઓ તેમજ વનો વિશે વાતો કહી. એમ વાતો કહેતાં કહેતાં સ્વર્ગતુલ્ય શય્યામાં નિદ્રા આવી ગઇ. પછી મધુરગીતો, વીણાવાદન તથા મંગલસ્તુતિઓ સાથે તે જાગ્યો. પછી શ્રીકૃષ્ણનાં અભિનંદન પામેલો અર્જુન શ્રીકૃષ્ણ સાથે સુવર્ણની ધ્વજા ઇત્યાદિથી શોભતા રથમાં દ્વારકા તરફ  જવા ઊપડયો. અર્જુનના સત્કાર માટે સમસ્ત દ્વારકાને સારી રીતે સુશોભિત કરવામાં આવી હતી. અર્જુનને જોવાની ઇચ્છાથી પ્રેરાઇને દ્વારકાવાસી સેંકડો અને હજારોની સંખ્યામાં રાજમાર્ગ ઉપર આવ્યા. ત્યાં હજારો ને સેંકડો નારીઓ અર્જુનને જોવાને માટે ટોળે મળી હતી. ભોજ, વૃષ્ણી તથા અંધકવંશોના સ્ત્રીપુરુષોની ભારે ભીડ જામી હતી. ભોજ, વૃષ્ણી અને અંધકવંશના સર્વ વંશજો તરફથી અર્જુન સત્કાર પામ્યો. યદુકુળના સર્વ કુમારોએ તે વીરને સત્કાર્યો. રત્નો, ભોજન તથા ભોગસામગ્રીઓથી ભરપૂર કૃષ્ણના ભવ્ય ભવનમાં તે શ્રીકૃષ્ણ સાથે અનેક રાત્રિઓ સુધી રહ્યો.”

મહાભારતના આદિપર્વના 218મા અધ્યાયનું એ વર્ણન ખૂબ જ રસપ્રદ છે. એ વર્ણન શ્રીકૃષ્ણ અને અર્જુનના પારસ્પરિક પ્રાકૃતિક પ્રેમસંબંધ પર પ્રકાશ પાડે છે. એ પછીના અધ્યાયોમાં એ કથા આગળ વધે છે. એ કથા નોંધપાત્ર હોવાથી એનું અવલોકન કરી લઇએ.

કેટલાક દિવસો પછી રૈવતક પર્વત પર વૃષ્ણીઓ અને અંધકોનો એક ઉત્સવ થયો. એ ઉલ્લાસપ્રધાન ઉત્સવ વખતે ભોજ, વૃષ્ણી અને અંધક વીરોએ પોતાની રીતે દાન કર્યું.

ત્યાં વૃષ્ણીઓના રાજા ઉગ્રસેન પણ એમની સ્ત્રીઓ સાથે આવેલા. બળરામ, કૃષ્ણ તથા અર્જુન પણ પધારેલા.

વાદકો વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગાડતા, નર્તકો નૃત્ય કરતા, ગાયકો ગાન ગાતા. પરમ ઓજસ્વી વૃષ્ણીકુમારો, અનેકવિધ અલંકારોથી અલંકૃત બની, સુવર્ણચિત્રવાળાં વાહનોમાં વિરાજીને, સર્વત્ર વિહાર કરતા. નગરજનો એમની સ્ત્રીઓ તથા સ્વજનો સાથે હજારોની સંખ્યામાં નાનાંમોટાં વાહનોમાં કે પગપાળા ફરી રહેલા.

એ ઉલ્લાસમય ઉત્સવ સ્થળ પર અલંકારોથી અલંકૃત બનેલી, ચિત્તાકર્ષક સ્વરૂપવાળી, કૃષ્ણની બહેન સુભદ્રા પણ પોતાની સખીઓ સાથે આવેલી.

સૌન્દર્યના સર્વશ્રેષ્ઠ સંપુટસમી સુભદ્રાને નિહાળીને અર્જુનનું મન મોહિત થયું. હૈયું હાથમાં ના રહ્યું.

એ જોઇને કૃષ્ણે એને કહ્યું કે વનમાં વિચરનારાનું અંતર પણ કામથી વલોવાઇ જાય છે, એના પરથી કામની વિશ્વવિજયી અસાધારણ શક્તિનો ખ્યાલ આવે છે. કામનો પ્રભાવ કેટલો બધો અલૌકિક હોય છે તેની કલ્પના કરી શકાય છે.

કૃષ્ણે અર્જુનને સુભદ્રાનો પરિચય કરાવ્યો. એ પરિચય અર્જુનને માટે આનંદદાયક થઇ પડયો. એણે એમની આગળ સુભદ્રાને પોતાની પત્ની તરીકે મેળવવાની મહેચ્છા પ્રગટ કરી. એ મહેચ્છાને સફળ કરવાનો માર્ગ પણ પૂછ્યો.

કૃષ્ણે એને જણાવ્યું કે “ક્ષત્રિયો માટે સ્વયંવરવિવાહ ઉત્તમ છે. પણ હે પાર્થ, સ્ત્રીઓનો સ્વભાવ અચોક્કસ હોવાથી એ વિવાહ શંકાયુક્ત છે. વળી વિવાહને નિમિત્તે બળપૂર્વક કન્યાનું હરણ કરવું એ પણ શૂરવીર ક્ષત્રિયો માટે પ્રશંસાપાત્ર છે એમ ધર્મજ્ઞો જાણે છે. તું મારી બહેનનું બળપૂર્વક હરણ કરી જા.”

પછી અર્જુન તથા શ્રીકૃષ્ણે પોતાના કર્તવ્યનો નિશ્ચય કર્યો અને ઇન્દ્રપ્રસ્થમાં રહેતા ધર્મરાજ યુધિષ્ઠિર પાસે શીઘ્રગતિવાળા દૂતોને મોકલ્યા. યુધિષ્ઠિરે એ સર્વે વાતને સાંભળીને પોતાની સંમતિ આપી.

સુભદ્રા રૈવતક પર્વત ઉપર ગઇ છે એમ જાણીને અર્જુન શ્રીકૃષ્ણ પાસે ગયો અને પોતે કરવા ધારેલા કાર્યની યોજના તેમને સમજાવીને તેમની અનુજ્ઞા મેળવી. તેણે મૃગયાના બહાના હેઠળ રથમાં બેસીને પ્રસ્થાન કર્યું. તે વખતે સુભદ્રા પર્વતરાજ રૈવતની પૂજા કરીને, સર્વદેવોને પૂજન અર્પીને તેમજ બ્રાહ્મણો પાસે સ્વસ્તિવચન બોલાવીને, પર્વતની પ્રદક્ષિણા કરીને, દ્વારકા તરફ આવવા નીકળી હતી.

કામબાણથી પીડાઇ રહેલા અર્જુને સર્વાંગસુંદર સુભદ્રાને દોડીને બળપૂર્વક પકડીને રથમાં બેસાડી દીધી. પવિત્ર સુમધુર સ્મિતવાળી સુભદ્રાને લઇને સુવર્ણના અંગવાળા રથમાં બેસીને એણે પોતાના નગર તરફ જવા માંડયું.

અર્જુને સુભદ્રાનું હરણ કર્યુ છે એવું જાણીને સૈનિકોએ દ્વારકાનગરની સુધર્માસભામાં પહોંચીને એ સમાચાર કહી સંભળાવ્યા.

સભાપાલે સત્વર સેનાથી મઢેલી મહાઘોષવાળી રણભેરી બજાવી. તેને સાંભળીને ભોજો, વૃષ્ણીઓ અને અંધકો સઘળાં કાર્યોને છોડીને ભેગા થયા.

અર્જુનના પરાક્રમ સમાચારને સાંભળીને વૃષ્ણીવીરોનાં લોચનો લાલ બની ગયાં. એ સૌએ પોતાના પરાક્રમનો પરચો બતાવવાની તૈયારી કરી.

ચારે તરફ અસામાન્ય કોલાહલ થઇ રહ્યો.

બળરામે સૌને સમજાવીને શાંત પાડયા અને અર્જુનને અનુમોદન આપવા માટે કૃષ્ણને ઠપકો આપ્યો ને કહ્યું કે તમે આ બધું જોઇને મૂંગા થઇને બેસી રહ્યા છો એ આશ્ચર્યકારક છે અમે સૌએ તમારે લીધે અર્જુનનો સત્કાર કરેલો. એણે આપણી અવગણના કરીને પોતાના કાળ જેવી સુભદ્રાનું બળપૂર્વક હરણ કરીને મારા માથા પર પગ મૂક્યો છે. નાગ પગની ઠેસને સાંખતો નથી તેમ હું પણ એને નહિ સાંખી લઉં. એની  ઉદ્ધતતાને હું નહિ સહું. આજે પૃથ્વીને કૌરવો વિનાની કરી નાખીશ.

સૌએ બળરામને અનુમોદન આપ્યું; પરંતુ કૃષ્ણે એમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. એમણે જણાવ્યું કે અર્જુને આપણું અપમાન નથી કર્યું. પરંતુ સન્માન કર્યું છે. આ સંબંધ સર્વ પ્રકારે ઉચિત છે સુભદ્રા યશસ્વિની છે અને એવા જ પરમ યશસ્વી પૃથાપુત્રે એનું હરણ કર્યું છે મારી સલાહ પ્રમાણે એની પાછળ દોડીને એને આશ્વાસન આપીને પાછા લાવવાનું જ બરાબર છે.

કૃષ્ણની સલાહ માનીને સૌએ અર્જુનને સન્માનપૂર્વક પાછો બોલાવ્યો. અર્જુન અને સુભદ્રાનો વિવાહ થયો. એ પછી ત્યાં વરસ સુધી રહીને અર્જુને શેષ સમય પુષ્કરરાજમાં પસાર કર્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *