Monday, 18 November, 2024

સુંદ અને ઉપસુંદની કથા

314 Views
Share :
સુંદ અને ઉપસુંદની કથા

સુંદ અને ઉપસુંદની કથા

314 Views

Once Naradji appeared before Pandavas and told them the story of two brothers – Sund and Upsund, who fought with each other for a beautiful woman named Tilottama. On hearing that story, Pandavas decided that none of the brother should see other brother while he is with Draupadi, and if one see, than he has to take twelve years of self-exile and remain celibate! Why they took such a harsh vow? To understand it, one has to read in detail the story of Sund and Upsund.

In the lineage of Hiranyakashipu (famous demon), Sund and Upsund were born to Nikumbh. The two borhters loved each other so much that they used do everything together. When they grew up, they started penance to amass powers. When Lord appeared before them, they asked the boon of immortality. Lord Brahma told them to ask for anything besides immortality. Then they asked that nobody in the world can kill them. If there be death, let it be at the hands of each other! They were so sure about their brotherly love that they never thought that they could ever fight!

Yet, an extraordinary beauty named Tilottama made them fight with each other as both were fascinated by her beauty and desired her. Tilottama put a condition that she can belong to only one of them. This caused heavy fight among Sund and Upsund, and as a result both died. 

પાંડવો રાજ્યને પામીને દ્રૌપદી સાથે ઇન્દ્રપ્રસ્થમાં આનંદથી સુંપૂર્ણ સુખપૂર્વક માતા કુંતીની સેવા કરતાં રહેવા લાગ્યા. રાજ્યને પામીને, સત્યવ્રત અને મહાતેજસ્વી યુધિષ્ઠિરે ભાઇઓ સાથે પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરવા માંડયું. મહાપ્રજ્ઞાવાળા, સત્યધર્મમાં પરાયણ તે પાંડુનંદનો શત્રુઓને જીતીને પરમ આનંદ પામીને ત્યાં વસતા હતાં. તે પુરુષવરો મહામૂલ્યવાન રાજ્યાસનો ઉપર બેસીને સર્વ નગરનાં કાર્યો કરતાં. એકવાર તે રાજ્યાસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ ત્યાં અચાનક આવી પહોંચ્યાં. યુધિષ્ઠિરે તેમને સુંદર આસન આપ્યું, વિધિપૂર્વક અર્ઘ્ય આપ્યો, અને રાજ્ય વિશે નિવેદન કર્યું. દ્રૌપદી પણ પવિત્ર અને સ્વસ્થચિત્ત થઇને જ્યાં પાંડવો સાથે નારદ બેઠા હતા ત્યાં આવી. તેણે દેવર્ષિના ચરણમાં નમન કર્યા અને બે હાથ જોડીને તેમની સમક્ષ ઊભી રહી. ઋષિશ્રેષ્ઠ ભગવાન નારદે તેને વિવિધ પ્રકારના આશીર્વાદ આપ્યા એટલે એ વિદાય થઇ એટલે નારદે પાંડવોને કહ્યું કે પાંચાંલીને લીધે તમારામાં કોઇ ભેદભાવ ના પડે તેટલા માટે તમારે સારુ કોઇ નીતિનિયમ કરવો જોઇએ.

પૂર્વે સુંદ અને ઉપસુંદ નામે બે ભાઇઓ સાથે રહેતા હતા. તેઓ બીજાઓથી મારી શકાય નહીં એવા અને ત્રણે લોકમાં વિખ્યાત હતાં. તોપણ એક તિલોત્તમાને કારણે તે બન્નેએ એકબીજાનો નાશ કર્યો. આથી પરસ્પર પ્રીતિવાળા તમે બંધુપ્રેમનું રક્ષણ કરજો. એવું કરજો કે આ વિષયમાં તમારામાં ભેદભાવ ના પડે.

એટલું જણાવીને નારદે એમને સુંદ અને ઉપસુંદની કથા કહી.

પાંડવોએ એ કથાને સાંભળીને દેવર્ષિ નારદની સમક્ષ નિયમ કર્યો કે આપણામાંથી જે કોઇ ભાઇ દ્રૌપદી સાથે બેઠેલા બીજા ભાઇને જોઇ જાય તે બાર વર્ષ સુધી બ્રહ્મચારી રહીને વનમાં વાસ કરે. પાંડવોએ તેવા નિયમની વ્યવસ્થા કરી એટલે મહામુનિ નારદે પ્રસન્નતા પામીને ત્યાંથી પ્રયાણ કર્યું.

દેવર્ષિ નારદે પાંડવોને કહેલી અને મહાભારતના આદિપર્વમાં આલેખાયેલી સુંદ અને ઉપસુંદની એ કથા પર દૃષ્ટિપાત કરી લઇએ.

ભારતવર્ષના સાંસ્કૃતિક ધાર્મિક સહિત્યભંડારમાં પુરાણોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. એમની અંદર પણ મહાભારતનું મહત્વ સવિશેષ છે. વેદ, ઉપનિષદ ને દર્શનશાસ્ત્રોના ગહનતમ જ્ઞાન સિદ્ધાંતોને સરળતાથી ને સંપૂર્ણપણે સમજવાનું કાર્ય સામાન્ય બૌદ્ધિક પ્રતિભાવાળા માનવોને માટે અતિશય કપરું હોવાથી, પરમ હિતપરાયણ સ્વાનુભવસંપન્ન મહર્ષિ વ્યાસે મહાભારત જેવા મહાપુરાણની રચના કરી છે. અને એ દ્વારા કથાત્મક ધર્મને તત્વજ્ઞાનવિષયક જુદા જુદા સંદેશને પ્રવાહિત કર્યા છે. મહાભારતને માટે તો એવું પણ કહેવાય છે કે જે એમાં નથી તે બીજે ક્યાંય નથી, અને જે એમાં છે તે બીજે પણ છે ‘ व्यासोच्छिष्टं जगत् सर्वम् ‘  કહીને સૂચવવામાં આવ્યું છે કે જ્ઞાનવિજ્ઞાનની એવી કોઇએ શાખા-પ્રશાખા નથી; જેના વિશે મહર્ષિ વ્યાસે મહાભારતમાં પોતાના વિચારો પ્રકટ ના કર્યા હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-માનવજીવનના એ ચતુર્વિધ પુરુષાર્થોને લક્ષ્ય કરીને એમાં ચિંતન-મનનની રસભરપૂર સામગ્રી પીરસવામાં આવી છે. એ સામગ્રી સનાતન અને પ્રેરણાત્મક હોવાથી આજે પણ સમય બદલાયો હોવા છતાં પણ, એટલી જ રસમય અને ઉપયોગી છે.

મહાભારત ભારતવર્ષનો સાંસ્કૃતિક ગૌરવગ્રંથ છે. એમાં આવતી જુદી જુદી કથાઓ અને ઉપકથાઓ માનવજીવન અને રાષ્ટ્રના અભ્યુત્થાનને માટે અસાધારણ ઉપકારક તત્વોથી ભરપૂર છે. સુંદ અને ઉપસુંદ નામના અસુરોની ઉપકથા એવી જ ચિરંજીવ ને પ્રેરક કથા છે. એ ઉપકથાનો પરિચય કરવા જેવો છે.

હિરણ્યકશિપુના વંશમાં નિકુંભ નામે એક પરમ પરાક્રમી પ્રતાપી દૈત્ય થઇ ગયો. સુંદ અને ઉપસુંદ બંને એના જ પુત્રો હતા. મોટા થતાં એ પરાક્રમી, પ્રતાપી ને ક્રૂર પ્રકૃતિના ભાઇઓ દૈત્યોના સરદાર બન્યા.

એમની વચ્ચે એટલો બધો પ્રેમભાવ તથા મેળ હતો કે વાત નહિ. એ બંને સાથે જ જમતા, ને સાથે જ ફરતા. એમના દેહ જુદા પણ આત્મા જાણે એક હતો.

વખતના વીતવા સાથે એમના અંતરમાં ત્રિલોકનું સ્વામિત્વ પ્રાપ્ત કરવાની મહત્વકાંક્ષા પેદા થઇ. એ મહત્વકાંક્ષાથી પ્રેરાઇને એમણે શાસ્ત્રોક્ત રીતે દીક્ષા લઇને વિંધ્યાચલ પર્વત પર જઇને તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો.

તપશ્ચર્યા પણ કેવી ? એકદમ કઠોર કહી શકાય એવી. અન્ન તથા જલનો ત્યાગ કરીને કેવળ વાયુ પર રહીને બંને હાથ ઉપર ઉઠાવીને સૂર્યની સામે દૃષ્ટિ સ્થિર કરીને એ તપવા માંડ્યા.

એમના પ્રબળ તપથી પ્રસન્ન થઇને એમની આગળ બ્રહ્મા પ્રકટ થયા. એમણે વરદાન માગવા કહ્યું તો એ પ્રણામ કરીને બોલ્યા :

“દેવ ! તમે અમારા પર પ્રસન્ન થઇને અમને વરદાન આપવા માગતા હો તો અમે બંને માયાવી, શાસ્ત્રાર્થમાં કુશળ, ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, બળવાન અને અમર બની જઇએ એવું વરદાન આપીને અમને કૃતાર્થ કરો.”

બ્રહ્માએ કહ્યું, “મનુષ્યો કે દૈત્યોને માટે અમર બનવાનું અશક્ય છે. અમર તો કેવળ દેવો જ બની શકે છે. એટલે અમર બનવા સિવાયનાં તમે માગેલાં બીજા વરદાન તમને આપી શકું.”

“તો પછી એને બદલે એવું વરદાન આપો કે અમે દુનિયાના કોઇ પણ પ્રાણી કે પદાર્થથી ના મરીએ. અમારું મૃત્યુ જ્યારે થાય ત્યારે એકબીજાનાં હાથે જ થાય.” સુંદ અને ઉપસુંદ બોલ્યા.

‘તથાસ્તુ’ કહીને બ્રહ્મા પોતાના દિવ્ય લોકમાં જવા માટે ચાલી નીકળ્યા, અને તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત થયેલા વરદાનથી સંતુષ્ટ બનેલા સુંદ અને ઉપસુંદ ઘેર આવ્યા.

ઘેર આવીને અહંકારથી ઉન્મત્ત બનીને તેમણે મોટો ઉત્સવ કર્યો. એ ઉત્સવમાં એમના બંધુઓ, મિત્રો તથા સ્નેહીઓએ પણ ભાગ લીધો.

એ પછી થોડોક વખત આમોદપ્રમોદમાં પસાર કરીને એ બંને ભાઇઓ દિગ્વિજય કરવા તૈયાર થયા.

એ માયાની શક્તિવાળા ભયંકર અસુરોના ઉત્પાતને લીધે પ્રજા દુઃખી બની ગઇ.

એમની ભયંકર પ્રવૃત્તિને જોઇને જિતેન્દ્રિય મુનિઓ અને મહાત્મા પુરુષોની પીડાનો પાર ના રહ્યો, એમની ચિંતા, વેદના અને અશાંતિનો અતિરેક થતાં એમણે બ્રહ્મલોકમાં જઇને સુંદ અને ઉપસુંદ તથા એમના અનુચરોના અનર્થની વાતો બ્રહ્માને કહી બતાવીને પ્રજાની પીડાના નિવારણ માટે પ્રાર્થના કરી.

બ્રહ્માએ એમને આશ્વાસન આપ્યું અને એ અસુરોનો નાશ કરવા માટે વિશ્વકર્મા પાસે એક સુંદર સ્ત્રી તૈયાર કરાવી. સૃષ્ટિનાં શ્રેષ્ઠ રત્નોના અંશમાંથી એના રચના થઇ હોવાથી એનું નામ તિલોત્તમા પાડયું. બ્રહ્માના આદેશથી એ અસુરોને મોહિત કરવા માટે ચાલી નીકળી.

સુંદ અને ઉપસુંદ તિલોત્તમાને જોઇને ભાન ભૂલી ગયા. અને એનો હાથ પકડીને ઊભા રહ્યા. તિલોત્તમા બોલી કે મારો સંકલ્પ છે કે હું કોઇ એકની જ થઇશ, બેની નહિ થાઉ.

સુંદ અને ઉપસુંદ તિલોત્તમાને મેળવવાના ઉદ્દેશ્યથી ભયંકર ગદાયુદ્ધમાં પ્રવૃત્ત થયા. બંને એકબીજા પર તૂટી પડયા. બંનેના શરીર લોહીથી લથપથ થઇ ગયાં. અને એ આખરે નિર્જીવ બનીને ચિત્કાર કરતા ધરતી પર ઢળી પડયા.

તિલોત્તમા પોતાનું કાર્ય સ્પૂર્ણપણે સફળ થયેલું જોઇને સંતોષ પામી. દેવો મુનિઓ ને બ્રહ્માએ એને અભિનંદન આપ્યાં.

આ કળાત્મક કથા શું સૂચવે છે ? માનવ પ્રખરમાં પ્રખર તપ કરે ને મોટામાં મોટી શક્તિ મેળવે તોપણ પ્રકૃતિના મોહપાશમાંથી નથી છૂટતો ત્યાં સુધી સ્વસ્થતા, પૂર્ણતા કે મુક્તિ નથી મેળવી શકતો. પોતાના જીવનનું શ્રેય પણ નથી સાધી શકતો. સ્વાર્થરૂપી માયા, સત્તારૂપી માયા, શરીરની મોહિનીરૂપી મહામાયા માનવને ચલિત કરી સંમોહિત બનાવીને એને એની નિષ્ઠામાંથી ડગાવીને, જો એ સાવધાન ના હોય તો એનો મૃત્યુઘંટ વગાડી દે છે. માટે માનવે જાગ્રત રહેવાની, જુદી જુદી જાતના મોહમાંથી મુક્તિ મેળવવાની ને શક્તિનો સદુપયોગ કરવાની આવશ્યકતા છે. જે પોતાની બુદ્ધિ તથા શક્તિનો દુરુપયોગ કરે છે તે વિનાશ પામે છે એમાં સંશય નથી. સામાન્ય ને અસામાન્ય સઘળા માનવોએ એ સંદેશને અથવા બોધપાઠને યાદ રાખવાનો છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *