Saturday, 23 November, 2024

સ્વયંવર પછી

327 Views
Share :
સ્વયંવર પછી

સ્વયંવર પછી

327 Views

The outcome of swayamvar was not acceptable to invited Kings. The very fact that an ordinary brahmin ended up being Draupadi’s groom was unbearable for them. Instead of lamenting on their own (lack of) skills, they attacked Drupada for letting a brahmin marry his daughter. They argued that brahmins were not supposed to take part in swayamvar, and if at all that was the case, why did Drupada invited Kings of various states. In no time, war was brewing at the place of swayamvar! Arjuna handled Karna while Bhim fought with King Shalya. Lord Krishna knew that fighting brahmins could be none other than Arjuna and Bhima but nobody else could recognize them. With Krishna’s intervention, further trouble was avoided. Arjuna and Bhima left with Druapadi.

When Arjuna and Bhim reached home, Kunti was awake and waiting inside for their return. They told their mother that they bought alms and Kunti replied as usual to share it equally among all brothers. When they realized what that mean, they felt ashamed of their casually spoken words. But who can change the destiny?  It rested upon eldest Yudhisthir to solve this puzzle. He reminded Sage Vyasa’s words that everyone will feel jealous to one, who has Draupadi. Yudhisthir thought that Vyasa’s words had hidden meaning. If Draupadi marry any one of them, there would not be brotherly love between them. Instead, let Drupadi be shared by all the brothers so that they will stay united as Pandavas! 

રાજા દ્રુપદે પોતાની કન્યા દ્રૌપદીને એક બ્રાહ્મણ યુવાનને અર્પણ કરી એ જોઇ સ્વયંવરમાં એકઠા થયેલા કેટલાક રાજાઓ અતિશય રોષે ભરાઇને કહેવા લાગ્યા કે આ દ્રુપદે આપણને સૌને તૃણસમાન સમજી, આપણો અનાદર કરી, દ્રૌપદી એક બ્રાહ્મણને વરે એને માટે અનુમતિ આપી છે. એણે આપણી અવગણના કરી છે. માટે આપણે એના પુત્ર સાથે એનો નાશ કરીએ એ જ બરાબર છે. એણે સઘળા રાજ્યાધીશોને બોલાવી, દિવસો સુધી સરસ સ્વાદિષ્ટ ભોજનાદિથી સત્કારીને એમનું માન ના રાખ્યું. એને કોઇપણ રાજા યોગ્ય ના લાગ્યો ? સ્વયંવર તો ક્ષત્રિયોને માટે જ હોય છે. એમાં બ્રાહ્મણોને ભાગ લેવાનો ને કન્યાને મેળવવાનો અધિકાર નથી હોતો. દ્રૌપદી કોઇ રાજાને વરવા માટે ઇચ્છતી ના હોય તો એને અગ્નિમાં નાખીને વિદાય થઇએ. બ્રાહ્મણે લોભથી કે ખોટી ચપળતાથી આપણું અપ્રિય કરવાનું સાહસ કરી નાખ્યું છે તો પણ તેનો કોઇ રીતે નાશ કરાય નહીં ભવિષ્યના અન્ય સ્વયંવરોમાં આપણી સ્થિતિ આવી કફોડી ના થાય તેને માટે આપણે આજે અસાધારણ પરાક્રમ કરવું જોઇએ.

રાજાઓ એવું કહીને દ્રુપદને વિવિધ આયુધો સાથે દંડ દેવાને તૈયાર થયા.

એમણે આક્રમણ કર્યું એટલે દ્રુપદ ગભરાઇ તથા ભયભીત બનીને સ્વરક્ષા માટે બ્રાહ્મણોનું શરણ લીધું. ભીમ અને અર્જુને મદઝરતા હાથીઓની પેઠે વેગપૂર્વક દોડી આવતા રાજાઓનો સ્વભાવસહજ શૂરવીરતા સહિત સામનો કર્યો. સ્વયંવરના સુંદર સુખમય સ્થાનમાં એવી રીતે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું.

યુદ્ધમાં ભીમ અને અર્જુનનું પ્રખર પરાક્રમ પેખીને ત્યાં ઊભેલા કૃષ્ણે બળરામને જણાવ્યું કે આ બ્રાહ્મણકુમારો ભીમ અને અર્જુન જ હોવા જોઇએ. એમના સિવાય આવું લોકોત્તર પરાક્રમ બીજું કોઇ પણ ના કરી શકે. એમાં મને સહેજ પણ શંકા નથી. પાંડવો કુંતી સાથે લાક્ષાગૃહમાંથી બચી ગયા છે એવી સામાન્ય જનસમાજમાં પ્રચલિત વાત સંપૂર્ણ સાચી લાગે છે.

બળરામે કૃષ્ણના ઉદગારોને અનુમોદન આપ્યું. એ સાંભળીને સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો.

અર્જુન અને કર્ણનું તથા ભીમ અને શલ્યનું એકમેકથી અપરિચિત અવસ્થામાં અતિભયંકર યુદ્ધ થયું. એમણે એકમેકને પોતાના પરાક્રમના પરચા બતાવ્યા.

એમના અદભુત પરાક્રમને પેખીને કૃષ્ણે સઘળા રાજાઓને શાંત કરીને સમજાવ્યા કે દ્રૌપદીને અધર્મ નહિ પરંતુ ધર્મપૂર્વક મેળવવામાં આવી હોવાથી હવે એને માટે યુદ્ધનો આશ્રય લેવાનું નિરર્થક છે. કૃષ્ણની દરમિયાનગીરીથી રાજાઓએ યુદ્ધકર્મમાંથી નિવૃત થઇને વિસ્મિત બનીને પોતપોતાનાં નગરોની દિશામાં પ્રયાણ કર્યું.

જનસમૂહની ભારે ભીડમાંથી બહાર નીકળેલા, યુદ્ધમાં જખમી બનેલા, ભીમ અને અર્જુનની પાછળ દ્રૌપદીએ ચાલવા માંડયું, ત્યારે તે બંને પૂર્ણિમાના દિવસે વાદળથી વિમુક્ત થયેલા સૂર્ય અને ચંદ્રની પેઠે શોભી તથા પ્રક્રાશી રહેલાં.

કલ્યાણકાર્યમાં કેટલીક વાર વિવિધ પ્રકારનાં વિઘ્નો આવતાં હોય છે. સત્ય, ન્યાય, નીતિને વફાદાર રહેનારા મજબૂત મનોબળવાળા માનવો એ વિઘ્નોથી ગભરાયા કે ડર્યા વગર એમાંથી માર્ગ કાઢીને આગળ વધે છે ને સફળ બને છે કે વિજયી ઠરે છે.

પાંડવો વેળાસર આવ્યા નહિ એટલે માતા કુંતીને ચિંતા થવા લાગી કે કૌરવોએ એમને ઓળખી કાઢયા તો નહીં હોય અને કશું અમંગલ તો નહીં થયું હોય ? મહર્ષિ વ્યાસનો આશીર્વાદ પણ એળે ગયો કે શું ?

એ વખતે મોટા ભાગના મનુષ્યો સૂઇ ગયેલા. ત્યારે ભીમ અને અર્જુને દ્રૌપદી સાથે કુંભારની કર્મશાળામાં પ્રવેશ કરીને અમે ભિક્ષા લાવ્યા છીએ એવું પરમ પ્રસન્નતાપૂર્વક જણાવ્યું.

કુંતીએ કહ્યું કે તમે બધા ભેગા મળીને તેનો ઉપયોગ કરજો.

એ પછી એની દૃષ્ટિ અચાનક દ્રૌપદી પર પડી તો એને થયું કે મારાથી કષ્ટકારક વચનો કહેવાઇ ગયાં. દ્રૌપદીનો હાથ પકડીને યુધિષ્ઠિર પાસે પહોંચીને એણે જણાવ્યું કે મેં ભિક્ષા છે એવું સમજીને બધા મળીને ઉપયોગ કરો એવું કહેલું. તો મારું કથન મિથ્યા ના થાય અને પાંચાલરાજની પુત્રીને અધર્મ ના થાય તેવો માર્ગ વિચારીએ.

એ સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે તેં દ્રૌપદીને સ્વયંવરમાં તારા પ્રખર પરાક્રમને પ્રદર્શાવીને પ્રાપ્ત કરી છે માટે તેની શોભા તારી સાથેના પાણિગ્રહણથી જ થઇ શકશે. તું પાવકને પ્રજ્વલિત કરીને એનું વિધિપૂર્વક પાણિગ્રહણ કર. ત્યારે અર્જુને જણાવ્યું કે સૌથી પ્રથમ તમારો, પછી ભીમસેનનો, પછી મારો, અને તે પછી નકુલ-સહદેવનો વિવાહ થાય તે ઉચિત ગણાશે. માટે આ કન્યાનું પાણિગ્રહણ તમારે કરવું જોઇએ. પછી ભીમસેનનો, મારો અને નકુલ-સહદેવનો વિવાહ ભલે થાય. મારો અભિપ્રાય આવો હોવા છતાં જે ધર્માનુરૂપ, યશકર, પાંચાલરાજ દ્રુપદને હિતાવહ લાગતું હોય તે વિચાર કરીને કરો અને અમને યોગ્ય આજ્ઞા આપો, કારણ કે અમે સઘળા તમારી આજ્ઞામાં છીએ.

પાંડવોએ દ્રૌપદી તરફ દૃષ્ટિપાત કરીને એકબીજા સામે જોયું. દ્રૌપદીને નિહાળીને તેમનું મન હાથમાં રહ્યું નહીં. દ્રૌપદીનું સ્વરૂપ કામોદ્દીપક હોવાથી એમનામાં મદનનો પ્રાદુર્ભાવ થયો.

એમની એવી કામાતુર અવસ્થાને અવલોકીને અને એમના મનના ભાવોને જાણીને યુધિષ્ઠિરને વ્યાસના શબ્દોનું સ્મરણ થયું. એથી દ્રૌપદીને પ્રાપ્ત કરનારાના બીજા પાંડવો શત્રુ બનશે એવી આશંકાથી એમણે જણાવ્યું કે દ્રૌપદી આપણા સૌની ભાર્યા થશે.

એ શબ્દોને સાભળીને અન્ય પાંડવો સ્તબ્ધ બની ગયા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *