સ્યમંતક મણિ
By-Gujju29-04-2023
સ્યમંતક મણિ
By Gujju29-04-2023
ભગવાન કૃષ્ણની દૃષ્ટિ કેટલી બધી સ્વાર્થરહિત, પવિત્ર, વિશાળ અને પરહિતપરાયણ હતી. એની ઝાંખી કરવા માટે સ્યમંતક મણિની કથાની માહિતી મેળવવી આવશ્યક છે. એ માહિતી ખૂબ જ રસમય થઇ પડે તેવી છે. સ્યમંતક મણિની વિશિષ્ટતા જાણવા જેવી છે. એ મણિ દ્વારા પ્રતિદિન આઠ ભાર સુવર્ણની પ્રાપ્તિ થતી એટલે એથી મનુષ્યની સમૃદ્ધિ તો વધતી જ પરંતુ સાથે એની અન્ય વિશેષતાઓ પણ જાણવા જેવી છે. જ્યાં એને રાખીને એની પૂજા કરવામાં આવતી ત્યા અકાળ, ગ્રહપીડા, સર્પભય, શારીરિક કે માનસિક વ્યથા તથા માયાવી મલિન આત્માઓનો ઉપદ્રવ, એમાંથી કશાનું અસ્તિત્વ ના રહેતું. ત્યાં કશા અશુભની સંભાવના જ ના રહેતી.
એ મણિની પ્રાપ્તિ સૌથી પહેલાં સત્રાજિતને કેવી રીતે થઇ તે પણ જાણવા જેવું છે. સત્રાજિત સૂર્યનારાયણનો ભક્ત હતો. એની એકનિષ્ઠ આરાધનાથી પ્રસન્ન થઇને સૂર્યનારાયણે એને એ મણિ પ્રદાન કરેલો. એ એને ગળામાં લટકાવીને ફર્યા કરતો. એથી એ ખૂબ જ તેજસ્વી દેખાતો. એ દ્વારકામાં આવ્યો ત્યારે એના અલૌકિક પ્રકાશને પેખીને લોકો એને સૂર્યનારાયણ સમજી બેઠા. એણે સ્યમંતક મણિને એક મંદિરમાં સ્થાપિત કરાવ્યો.
ભગવાન કૃષ્ણ તો પ્રજાની વિશાળ હિતભાવનાને વિચારનારા હતા. એમને થયું કે આ મણિ એક માણસની વ્યક્તિગત મિલકત બને ને દેવમંદિરની શોભા થાય એના કરતાં રાજા ઉગ્રસેન પાસે પહોંચે તો એના દ્વારા સમાજની કેટલી મોટી સેવા થાય ? એ દીનતા ને દુઃખને દૂર કરવાના કેટલા બધા કામમાં આવી શકે ? એમણે સત્રાજિતને એ મણિ ઉગ્રસેનને આપી દેવાની સમાજોપયોગી સલાહ આપી પરંતુ એણે એ સલાહને ના સ્વીકારી. એની સંકુચિત સ્વાર્થબુદ્ધિએ એને પ્રજાના વિશાળ હિતમાં ના વિચારવા દીધો.
ત્યારે પરિસ્થિતિ એવી પેદા થઇ કે એ મણિ એની પાસે રહ્યો જ નહિ. એના ભાઇ પ્રસેને એ મણિને ગળામાં પહેરીને એક દિવસ વનમાં મૃગયા માટે પ્રયાણ કર્યું. ત્યાં દૈવયોગે એક સિંહે પ્રસેનને એના અશ્વ સાથે મારી નાખ્યો ને મણિ હસ્તગત કર્યો. મણિને લઇને ગિરિની ગુફામાં પ્રવેશવા જતો હતો ત્યાં જ ઋક્ષરાજ જાંબવાને એનો નાશ કરીને એ મણિને પોતાના નિવાસસ્થાનમાં લઇ જઇને પુત્રને રમવા માટે આપ્યો.
પરંતુ એની પ્રતિક્રિયા જુદી જ પડી. પ્રસેન વનમાંથી પાછો ના આવ્યો એટલે સત્રાજિતે દુઃખી થઇને કહેવા માંડ્યું કે કૃષ્ણની નજર સ્યમંતક મણિ પર હોવાથી સંભવ છે કે એમણે જ મારા ભાઇ પ્રસેનને મારી નાખ્યો હશે. એ વાત કૃષ્ણના સાંભળવામાં આવવાથી પોતાની ઉપર લગાવવામાં આવતા ખોટા કલંકને દૂર કરવા કેટલાક નાગરિકો સાથે એ પ્રસેનને શોધવા માટે વનમાં જઇ પહોંચ્યા. વનમાં એમણે જાણ્યું કે પ્રસેનને એના ઘોડા સાથે સિંહે મારી નાખ્યો છે. સિંહના પદચિહ્નોના આધારે એ આગળ ચાલ્યા તો પર્વત પર સિંહને પણ મરેલો જોયો. ભગવાન કૃષ્ણે સૌને બહાર બેસાડીને ઋક્ષરાજની વિશાળ ગુફામાં પ્રવેશ કર્યો. એ ગુફામાં બાળકો મણિ સાથે રમી રહેલા. એમને જોઇને બાળકોની માતાએ બૂમ પાડી એટલે ઋક્ષરાજ જાંબવાન દોડી આવ્યો ને એમની સાથે લડવા લાગ્યો. એમની વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. અસ્ત્ર, શસ્ત્ર, શિલાઓ અને વૃક્ષોથી લડ્યા પછી તેઓ દ્વંદ્વયુદ્ધ કરવા લાગ્યા. એવી રીતે યુદ્ધ કરતાં અઠ્ઠાવીસ દિવસ થઇ ગયા ત્યારે જાંબવાનનું શરીર ઢીલું પડી ગયું. એનામાં સામનો કરવાની શક્તિ ના રહી એટલે એને સમજાયું કે ભગવાન પોતે જ આ સ્વરૂપમાં આવી પહોંચ્યા છે. પૂર્વે જે રામ હતા એ જ આ કૃષ્ણ થયા છે. એણે એમની સ્તુતિ કરી એમને સ્યમંતક મણિ તો આપ્યો જ પરંતુ પોતાની પુત્રી જાંબવતી પણ અર્પણ કરી.
*
ભગવાન કૃષ્ણની સાથે ગયેલા નાગરિકોએ બાર દિવસ ગુફાની બહાર એમની પ્રતીક્ષા કરીને દુઃખી થઇને દ્વારકા પ્રતિ પ્રયાણ કર્યું. દ્વારકાવાસીઓ ને કૃષ્ણના કુટુંબીજનો કૃષ્ણને પાછા ના આવેલા જોઇને દુઃખી થતા હતા ત્યાં જ કૃષ્ણ આવી પહોંચ્યા. એમણે સત્રાજિતને મહારાજા ઉગ્રસેનની સભામાં બોલાવીને સઘળી કથા કહી બતાવીને સ્યમંતક મણિ સુપ્રત કર્યો.
સત્રાજિતના શોક તથા પશ્ચાતાપનો પાર ના રહ્યો. એને ભય પણ લાગવા માંડ્યો. એ બધામાંથી મુક્તિ મેળવવા એણે એની કન્યા સત્યભામા અને સ્યમંતક મણિ બંને કૃષ્ણને અર્પણ કર્યા. કૃષ્ણે સત્યભામાનો સ્વીકાર તો કરી લીધો પરંતુ મણિને લેવાની ના પાડીને જણાવ્યું કે મારે મણિ નથી જોઇતો. મણિ તમારી પાસે જ ભલે રહે. મારો અધિકાર તો એના ફળ અથવા સુવર્ણ પર રહેશે. તમે મને તે પહોંચાડતા રહેજો. એનો ઉપયોગ પ્રજાના કલ્યાણકાજે કરવામાં આવશે.
સ્યમંતક મણિની એ કથા પરથી ભગવાન કૃષ્ણની દૃષ્ટિની ઉદાત્તા ને વિશાળતાનો ખ્યાલ આવે છે. જે લોકો ઋક્ષરાજ જાંબવાનને રીંછ માને છે તેમને પણ આ કથા પુનર્વિચાર કરવાની તક પૂરી પાડે છે ને સૂચવે છે કે જાંબવાન મનુષ્ય હતો એટલે તો એની પુત્રી જાંબવતીનો ભગવાન કૃષ્ણે પોતાની પત્ની તરીકે સ્વીકાર કર્યો. રીંછ કન્યાની કે રીંછણીની સાથે લગ્ન કરવાનો કોઇ વિચાર પણ ના કરી શકે એ સહેજે સમજી શકાય તેવું છે.
સ્યમંતક મણિની અસાધારણ શક્તિનો વિચાર કરીને આપણને થાય છે કે આપણી કે દેશની પાસે એવો મણિ હોય તો સમાજની દીનતાદિને દૂર કરવા માટે એ કેટલો બધો ઉપયોગી થઇ શકે ? એવા મણિની પ્રાપ્તિ તો લગભગ અશક્ય જેવી છે પરંતુ આપણી પાસે એનાથી જરાય ઉતરતો નહિ પરંતુ ચઢિયાતો એવો માનવશરીરરૂપી સ્યમંતક મણિ છે જ. એના પ્રભાવથી ભગવાનની ભક્તિ, પારસ્પરિક પ્રીતિ, સામૂહિક સદ્દભાવના જગાવીએ ને સદ્દબુદ્ધિના સુવર્ણને મેળવીએ તો પણ ઘણું મહત્વનું મૂલ્યવાન કાર્ય કરી શકીએ. એ મણિ તો સૌની પાસે છે. ફક્ત એનો લાભ લેતાં આવડવું જોઇએ. તો વ્યક્તિ તેમજ સમષ્ટિની કાયાપલટ થઇ જાય.
*
સ્યમંતક મણિના એ પ્રસંગ પછી ભગવાન કૃષ્ણ લાક્ષાગૃહમાં પાંડવોના બળવાના સમાચાર સાંભળીને સર્વ કાંઇ જાણતા હોવા છતાં બલરામ સાથે હસ્તિનાપુર ગયા. એ અવસરનો લાભ ઉઠાવીને અક્રૂર તથા કૃતવર્માએ સત્રાજિતના નાશની યોજના ઘડી ને શતધન્વાને ઉશ્કેરીને એનો નાશ કરાવ્યો. ભગવાન કૃષ્ણે પાછા ફરીને શતધન્વાનો નાશ કર્યો. પરંતુ એની પાસેથી સ્યમંતક મણિ ના મળ્યો. એ મણિ તો અક્રૂર પાસે હતો. ભગવાન કૃષ્ણે અક્રૂરને બોલાવીને યુક્તિપ્રયુક્તિથી એની માહિતી મેળવી. અક્રૂરે એ મણિ પાછો આપ્યો તો પણ કૃષ્ણે એ અક્રૂરને જ પ્રદાન કર્યો -અલબત્ત, એનું ફળ સામાજિક સમુન્નતિની સેવા સારુ સમર્પિત થાય એવી આજ્ઞા સાથે. એમની સામાજિકતાનો એના પરથી ખ્યાલ આવે છે.