Sunday, 22 December, 2024

તક્ષકની યોજના

319 Views
Share :
તક્ષકની યોજના

તક્ષકની યોજના

319 Views

When parikshit came to know about the curse, he realised his mistake. He decided to try his best to stay away from the impact of the curse. He build an isolated place with stock of medicine for snake bite and expert doctors. But who can avoid a certain death ?

Kashyap was blessed with the knowledge so that he can remove poison of snake bite and keep alive the person. When he came to know about King Parikshit’s impending curse, he decided to cash it on. He at once left for King’s place. However, Takshak was also smart. He made a plan so that Kashyap would return back. He met Kashyap mid-way and offered enormous wealth. Kashyap was greedy so he accepted Takshak’s offer. What follows was inevitable.

શાપની વાતને સાંભળીને મહારાજા પરીક્ષિતને ખૂબ જ સંતાપ થયો. પરીક્ષિતના પશ્ચાતાપનો પાર રહ્યો નહીં. એમાંય જ્યારે એને શમીકમુનિના મૌનવ્રત વિશે માહિતી મળી ત્યારે તો પોતાના દુર્વ્યવહાર બદલ ખૂબ જ દુઃખ થયું.

પોતાના મંત્રીઓ સાથે ચર્ચાવિચારણા કરીને એણે એક સુરક્ષિત એકદંડિયા મહેલનું નિર્માણ કરાવ્યું. એમાં વૈદો, મંત્રસિદ્ધ બ્રાહ્મણો અને ઔષધોની સંપૂર્ણ વ્યવસ્થા કરીને એના સંરક્ષણની યોજના બનાવી.

એવી રીતે સર્વ તરફથી સંપૂર્ણપણે સુરક્ષિત બનીને એ રમણીય રાજપ્રાસાદમાં રહીને મંત્રીઓની મદદથી રાજ્યકાર્ય કરવા માંડયો. રાજપ્રાસાદમાં રહેતા એને કોઇ જોઇ શકતું નહોતું. બહાર નીકળનારી હવા પણ તેમાં પુનઃ પ્રવેશી નહોતી શકતી.

મૃત્યુ અવશ્યંભાવિ છે એવું જાણવા છતાં પણ મોટા ભાગના માનવોને મરવાનું ગમે છે ? મૃત્યુ આત્માનું નથી હોતું, શરીરનું હોય છે, એ જાણ્યા છતાં પણ શરીરને છોડવા કોણ તૈયાર થાય છે ? માનવ વધારે ને વધારે જીવવા માગે છે. અને એ છતાં પણ કાળ ક્યાંથી ક્યારે આવે છે તેની ખબર નથી પડતી. એકાદ અપવાદ સિવાય કાળ માનવ ઇચ્છે કે ના ઇચ્છે તોપણ પોતાનું કાર્ય ચોક્કસ રીતે કર્યે જ જાય છે.

પરીક્ષિતના સંબંધમાં પણ એવું જ બન્યું.

મરવાનું કોને ગમે છે ? કોઇકને જ ! જગતના મોટા ભાગના મનુષ્યો તો જીવનને વધારે દીર્ઘ, અને સુખી જીવનને જ ઇચ્છે છે. અમર જીવનની અભિલાષા પણ કેટલાક રાખતા હોય છે.

રાજા પરીક્ષિત પણ એમાં અપવાદરૂપ ન હતા. પોતાને તક્ષક નાગના કરડવાથી સાત દિવસમાં મૃત્યુ થવાનો શાપ મળ્યો છે, એ જાણીને તેઓ ચિંતામાં ડૂબી ગયાં. પોતાના મંત્રીઓની સલાહ પ્રમાણે એક સ્તંભની ઉપર એક સુરક્ષિત ભવન બનાવડાવ્યું. એ ભવનમાં એમણે રહેવા માંડયું. અને એમાં પોતાની સાથે અનેક અનુભવી વૈદ્યો, ઔષધિઓ તથા મંત્રની મદદથી સાપના વિષને દૂર કરવાની વિદ્યા જાણનારા બ્રાહ્મણોને રાખવામાં આવ્યા.

મંત્રીઓ અને અંગરક્ષકો પ્રતિપળ એમની પાસે રહીને એમની રક્ષા કરતા. રાજાની અનુજ્ઞા વિના એમની પાસે કોઇ પણ ના જઇ શકતું.

એવી પૂર્ણ તૈયારીમાં છ દિવસ પસાર થઇ ગયા પછી સાતમે દિવસે કાશ્યપ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રાજા પરીક્ષિત પાસે જવા તૈયાર થયો. રાજાને મળેલા શાપની ખબર હોવાથી એણે નક્કી કર્યું કે રાજાને આજે તક્ષક નાગ કરડશે, તે પછી મારા મંત્રબળથી હું એમને જીવતા કરી દઇશ. કાશ્યપ મહાન મંત્રવેત્તા હતો.

બીજી બાજુથી તક્ષક પણ પોતાનું કામ પૂરું કરવા માટે ચાલી નીકળ્યો. એણે ઇચ્છાનુસાર રૂપ ધારણ કરવાની પોતાની શક્તિથી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું ને કાશ્યપની આગળ આવીને પૂછયું :

‘આજે તમે કોઇ અગત્યના કામે જઇ રહ્યા હો એવું લાગે છે. તમારી ચાલ ઝડપી છે. એવું કયું કામ આવી પડયું છે ?’

કાશ્યપે કહ્યું,

‘રાજા પરીક્ષિતને આજે તક્ષક નાગ કરડવાનો છે. એમને જીવતા કરવાની અભિલાષાથી હું એમની પાસે જઇ રહ્યો છું.’

‘તો તમે એમને જીવતા કરી શકો એમ છો ?’

‘જરૂર.’

‘કેવી રીતે ?’

‘મારી પાસે મૃતસંજીવની વિદ્યા છે. સાપના વિષને દૂર કરવાની વિદ્યાનું પણ મને જ્ઞાન છે.’

તક્ષકે થોડોક વિચાર કરીને કહ્યું, ‘ મારા દંશથી નિષ્પ્રાણ બનેલાને જો તમે જીવાડી શકતા હો, તો મને તમારી એ શક્તિનો પરચો બતાવો. આ પાસેના વૃક્ષને મારા ઝેરથી જલાવી દઉં છું. તમે તેને પુનર્જીવિત કરો.’

કાશ્યપે કહ્યું, ‘તમે વૃક્ષને ખાખ કરશો તોપણ મારી શક્તિથી હું તેને લીલુંછમ કરી દઇશ.’

તક્ષકે એ વિશાળ વૃક્ષને દંશ દીધો કે તરત જ એ એના વિષના પ્રભાવથી સળગી ઊઠયું.

પરન્તુ કાશ્યપે તરત પોતાની જ વિદ્યાનો પ્રયોગ કરી બતાવ્યો. એણે એ વૃક્ષની રાખને ભેગી કરી અને પોતાના મંત્રપ્રયોગથી જોતજોતામાં એ વૃક્ષને પહેલાંની જેમ લીલુંછમ કરી દીધું.

તક્ષકને ભારે આશ્ચર્ય થયું . એને વિશ્વાસ થઇ ગયો કે કાશ્યપ પોતાનું કર્યું કરાવ્યું ધૂળમાં મેળવશે.

એણે એક બીજી યુક્તિ અજમાવી.

‘તમે રાજાને જીવતા કરવા જાવ છો તે કોઇક વસ્તુપ્રાપ્તિની કામનાથી જ જતા હશોને ? તમારી કામના દુર્લભ હશે તોપણ હું એની પૂર્તિ કરી દઇશ. એને માટે તમારે રાજા પાસે નહિ જવું પડે. બ્રહ્મશાપથી રાજાના આયુષ્યનો નાશ થયો હોવાથી એમને પુનર્જીવિત કરવાના કામમાં તમને સફળતા ના પણ મળે. તો એ પરિસ્થિતિમાં તમારો આજ સુધીનો ઉજ્જવળ યશ ફીકો પણ પડી જાય’

તક્ષકની એ યુક્તિ સફળ નીવડી. કાશ્યપે જણાવ્યું.

‘રાજાને પુનર્જીવિત કરવા પાછળનું મારું પ્રયોજન ધનની પ્રાપ્તિ કરવાનું છે.

‘તો પછી હું તમને જેટલું જોઇએ તેટલું ધન આપું.’

કાશ્યપે ધ્યાન ધરીને જોયું તો રાજાનું આયુષ્ય ક્ષીણ થયેલું લાગ્યું. એટલે એમને જીવાડવાનો પુરુષાર્થ કરવાને બદલે એ તક્ષક પાસેથી ઇચ્છાનુસાર ધન લઇને વિદાય થયો.

તક્ષકે પોતાના અનુચરોને એ બધું જણાવ્યું એટલે એ પણ રાજી થયા. રાજા પરીક્ષિતના મૃત્યુની ભૂમિકા તૈયાર થઇ ગઇ.

કાશ્યપને તક્ષકના મેળાપનો મહાભરતનો આ પ્રસંગ આપણને સૂચવે છે કે ધનની લિપ્સાથી પ્રેરિત થઇને માણસ શું નથી કરતો ? એ લિપ્સા આગળ એની વિદ્યા, સમજ, શક્તિ, ધીરજ, નિષ્ઠા, વીરતા તથા પવિત્રતા બધું જ ગૌણ બની જાય છે, ઝાંખુ પડી જાય છે. ધનની લાલસામાં અટવાયેલો માણસ પોતાના સાચા સ્વાર્થને ભૂલી જાય છે. બીજાના હિતને ભૂલી જાય છે ને કેટલીક વાર ના કરવાનાં કામ પણ કરી બેસે છે. સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં આવાં ઉદાહરણો અનેક બને છે. એ બધાં ભયસ્થાનોમાંથી માણસે બચવું જોઇએ, વ્યક્તિ, સમષ્ટિ કે રાષ્ટ્રના જીવનનો નાશ કરવા માગનારા અને એને માટેની પોતાની અનર્થકારક યોજનાઓની આગળ કોઇએ કાશ્યપની કર્તવ્યપરાયણતાને ફાવવા ના દેનારા તક્ષકોથી સૌએ ચેતતા રહેવાનું છે.

કાશ્યપે કર્તવ્યપરાયણ થઇને રાજાની પાસે જઇને ધારેલું કર્યું હોત તો ઇતિહાસ જુદો જ હોત. ધન તો એને રાજા પાસેથી પણ મળી રહેત, એનો યશ પણ અક્ષય રહેત, અને સમાજને લાભ થાત. તક્ષકના કરડવાથી શાપ તો સફળ થાત જ, પરન્તુ કાશ્યપ રાજાને ભલે થોડો વખતને માટે પણ પુનર્જીવિત કરત. તેથી એનું ને એની વિદ્યાનું ગૌરવ વધત. પરંતુ એની લાલસાને લીધે એવું ના થઇ શક્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *