Thursday, 14 November, 2024

ઉત્તરાનું લગ્ન

293 Views
Share :
ઉત્તરાનું લગ્ન

ઉત્તરાનું લગ્ન

293 Views

{slide=Uttara marry Abhimanyu}

King Virata came to know about Arjun’s heroism in the battlefield and great works of his other Pandavas. He apologized Yudhisthir for his misconduct, if any. King Virata declared that his kingdom and all his wealth was at their disposal. King also proposed his daughter Uttara’s marriage with Arjuna.

Arjuna accepted Uttara as his daughter-in-law. When King asked why Arjuna did not accept his daughter as his wife, Arjuna replied that she was his student and it was inappropriate and immoral for him to even think of such relationship. King Virata was happy with Arjun’s reply. Messengers were sent to invite relative and friends to attend to Uttara’s marriage with Abhimanyu, Arjun’s son. Krishna, Dhristadhyumna, Shikhandi, King of Shalya and many distinguished guest attended Abhimanyu’s marriage with Uttara. Enormous amount of wealth was given to the newly wedded couple. Pandavas exile thus come to an exciting and rewarding end. 
 

વિરાટપુત્રે એ પછી અર્જુનના પરાક્રમ વિશે જણાવ્યું કે કેસરીસિંહ જેમ મૃગોનો સંહારક છે, તેમ આ અર્જુન શત્રુઓનો સંહારક છે. એ વીર મોટા મોટા રથીઓનો સામનો કરતાં રથસમૂહોમાં ઘૂમ્યો હતો. એણે જ ગાયોને જીતી છે અને કૌરવોને યુદ્ધમાં હરાવ્યા છે. એના શંખનાદથી મારા કાન બહેર મારી ગયા હતા.

ઉત્તરના ઉદગારોને સાંભળીને મત્સ્યરાજે ઉત્તર આપ્યો કે આપણે પ્રથમ તો પાંડુપુત્ર યુધિષ્ઠિરની પ્રસન્નતા મેળવવી ઘટે છે. આથી જો તું માન્ય રાખતો હોય તો હું ઉત્તરાનો અર્જુનની સાથે વિવાહ કરું. હું પણ શત્રુઓના હાથમાં સપડાઇ ગયો હતો પણ ભીમસેને મને છોડાવ્યો અને આપણી ગાયોને પાછી આણી. એમને લીધે જ આપણો વિજય થયો છે. તો આપણે સૌ મંત્રીઓની સાથે પાંડવોત્તમ કુંતીપુત્ર યુધિષ્ઠિરને તેમના નાના ભાઇઓને પ્રસન્ન કરીએ. આપણાથી અજ્ઞાત રીતે પણ એ નરપતિને કંઇ કહેવાઇ ગયું હોય તો એ ધર્માત્મા પાંડુનંદન તેની ક્ષમા આપે.

પરમ સંતોષ પામેલા વિરાટરાજે પુત્રની સાથે વિચાર વિનિમય કરીને નિશ્ચય કર્યો અને રાજદંડ, રાજભંડાર તથા રાજનગર સાથે પોતાનું આખું રાજ્ય યુધિષ્ઠિરને અર્પણ કર્યું. પછી પાંડવોને અને ખાસ કરીને ધનંજયને ઉદ્દેશીને કહ્યું કે આજે હું ધન્ય છું. મારું પરમ ભાગ્ય છે.

વિરાટરાજને તેમનાં દર્શન કરતાં તૃપ્તિ જ ના થઇ. તેણે યુધિષ્ઠિરને કહ્યું કે તમે દુષ્ટાત્મા કૌરવો દ્વારા પકડાયા વિના અજ્ઞાતવાસનું કષ્ટ પાર કર્યું. તેને માટે તમને ધન્યવાદ ઘટે છે. આ રાજ્ય અને બીજું જે કાંઇ છે. તે બધું તમને અર્પણ કરું છું તેને તમે સ્વીકારો. અર્જુન મારી પુત્રી ઉત્તરાનો સ્વીકાર કરો. એ પુરુષશ્રેષ્ઠ તે રાજકન્યાનો ભર્તા થવાને યોગ્ય છે.

વિરાટરાજે એ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મરાજે ધનંજય તરફ દૃષ્ટિપાત કર્યો. એટલે અર્જુને મત્સ્યરાજને કહ્યું કે હું તમારી પુત્રીને મારા પુત્રની ભાર્યા તરીકે સ્વીકારું છું. આપણા મત્સ્યવંશીઓ અને ભરતવંશીઓ વચ્ચે આવો સંબંધ બંધાય તે સર્વ પ્રકારે યોગ્ય જ છે.

વિરાટરાજે અર્જુનને પૂછયું કે તમે એને ભાર્યા તરીકે શા માટે નથી ઇચ્છતા ?

અર્જુને જણાવ્યું કે મારામાં પિતા જેવો ભાવ તથા વિશ્વાસ રાખનારી તમારી પુત્રી સાથે જાહેરમાં ને એકાંતમાં હું રહ્યો છું. હું નર્તક અને ગીતકુશળ હોવાથી તમારી પુત્રીને અતિશય પ્રિય હતો. તે મને આચાર્યની પેઠે આદર આપતી. તમારી નવયૌવના પુત્રી સાથે એવી રીતે હું એક વર્ષ સુધી રહ્યો છું. એથી હું તેની સાથે લગ્ન કરું તો તેથી તમને અથવા જનસમાજને ભારે શંકાનું કારણ મળે. એટલા માટે તમારી પુત્રીને મારી પુત્રવધૂ કરવાની માંગણી કરું છું. હું શુદ્ધ છું, જિતેન્દ્રિય છું અને મનોનિગ્રહી છું. એટલે મેં તમારી પુત્રીની પણ શુદ્ધિ કરી છે. જેમ પોતામાં અને પુત્રમાં ભેદ ગણાતો નથી તેમ પુત્રીમાં અને પુત્રવધૂમાં પણ ભેદ ગણાતો નથી. એવો સંબંધ કરવામાં મને લોકભયની શંકા નહીં રહે. અમારા બંનેની પવિત્રતા પણ પ્રગટ થશે. હું જનસમાજના અભિશાપથી અને મિથ્યા અપવાદથી ડરું છું. મારો પુત્ર અભિમન્યુ તમારી પુત્રીનો પતિ થવાને યોગ્ય જ છે.

વિરાટરાજને અર્જુનનો એ અભિનવ પ્રસ્તાવ પસંદ પડ્યો.

યુધિષ્ઠિરે તે વિવાહસંબંધને યોગ્ય સમયે ઊજવવાની આજ્ઞા કરી. એટલે કુન્તીનંદન યુધિષ્ઠિરે અને વિરાટે સર્વ મિત્રજનોને તથા વાસુદેવ શ્રીકૃષ્ણને નિમંત્રણ આપવા માટે દૂતોને રવાના કર્યા.

અજ્ઞાતવાસનું તેરમું વરસ પૂરું થઇ ગયું હોવાથી પાંડવો વિરાટનગર પાસેના ઉપપ્લવ્ય નામના નગરમાં રહેવા ગયા. અર્જુને વિશ્વાસુ દૂતોને મોકલીને અભિમન્યુને, જનાર્દનને અને બીજા યદુવંશીઓને આનર્ત દેશમાંથી બોલાવ્યા. યુધિષ્ઠિર ઉપર પ્રીતિ રાખનાર કાશીરાજ તથા શૈલ્ય બબ્બે અક્ષૌહિણી સેનાઓ સાથે ત્યાં પહોંચી ગયા. મહાબલવાન યજ્ઞસેન રાજા પણ અક્ષૌહિણી સેનાઓ સાથે આવી પહોંચ્યો. દ્રૌપદીના વીરપુત્રો, અપરાજિત શિખંડી, અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ ધૃષ્ટધુમ્ન પણ આવ્યા. તે સર્વ અક્ષૌહિણી સેનાના પાલક, યજ્ઞયાગાદિ કરનારા, પ્રચુર દક્ષિણાઓ આપનારા, વેદાધ્યયનથી સંપન્ન, શૂરવીર અને રણમાં પ્રાણને ઓવારી નાખે એવા હતા. મત્સ્યરાજે તેમનો વિધિપૂર્વક સત્કાર કર્યો. અભિમન્યુ સાથે ઉત્તરાનો સંબંધ થવાથી તે પ્રસન્ન થયો.

અર્જુને પોતાના પુત્ર સુભદ્રાનંદન અભિમન્યુ માટે તે નિર્દોષ અંગવાળી વિરાટનંદિનીનો સ્વીકાર કર્યો. પછી ઇન્દ્રનું સ્વરૂપ ધારણ કરીને ઊભા રહેલા કુન્તીનંદન યુધિષ્ઠિર મહારાજે ઉત્તરાને પુત્રવધૂ તરીકે સ્વીકારી. આમ પૃથાનંદને ઉત્તરાનો પુત્રવધૂ તરીકે સ્વીકાર કર્યો. અને જનાર્દનને આગળ રાખીને સુભદ્રાનંદન અભિમન્યુના ઉત્તરા સાથે વિધિપૂર્વક લગ્ન કરાવ્યા. તે સમયે વિરાટરાજે અભિમન્યુને સાત હજાર પવનવેગી ઘોડાઓ, બસો મુખ્ય હાથીઓ તેમજ પુષ્કળ ધન આપ્યું.

વિવાહવિધિ પૂરો થયો પછી શ્રીકૃષ્ણ મોસાળામાં જે ધન લાવ્યા હતા તે બધું બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. એ ધનમાં હજાર ગાયો હતી. રત્નો અને વિવિધ વસ્ત્રો, ઉત્તમોત્તમ આભૂષણો, વાહનો અને શયનો, મનગમતાં ભોજનો, જાતજાતનાં પીણાઓ હતાં.

એ વિવાહ પ્રસંગે સમસ્ત વિરાટનગર એક મહોત્સવરૂપ થઇ ગયું અને અતિશય શોભા ધારણ કરી રહ્યું.

મહાભારતનું વિરાટપર્વ એવી રીતે પરિસમાપ્તિ પામે છે. એની અંતિમ કથા સૂચવે છે કે સત્યનિષ્ઠ સદાચારી માનવને આરંભમાં આપત્તિ આવે તોપણ સુખસંપત્તિ તથા શાંતિ સાંપડે છે. એ આપત્તિ અલ્પકાલીન ઠરે છે; સનાતન નથી હોતી.

અર્જુને ઉત્તરા સાથે લગ્ન કરવાની અનિચ્છા દર્શાવી અને ઉત્તરાનું લગ્ન અભિમન્યુ સાથે કરવા માટે અનુમતિ આપી એ પ્રસંગ પણ ઓછો પ્રેરક નથી લાગતો. અર્જુને ઉત્તરાના ગુરુ તરીકે કાર્ય કરેલું. ગુરુપદ કેટલું બધું. પ્રશસ્ય, આદરપાત્ર અને શિષ્યા પ્રત્યે કેવી વૃત્તિ, દૃષ્ટિ કે પ્રવૃત્તિ રાખવી જોઇએ, એની ઉત્તમતા શેમાં છે, એનો ગર્ભિત સંદેશ કે પદાર્થપાઠ એ પ્રસંગમાંથી, સવિશેષ તો અર્જુનના ઉદગારોમાંથી, અનાયાસે મળી રહે છે. વર્તમાન સમયમાં પણ એ સંદેશ ઓછો અગત્યનો, આવશ્યક, આશીર્વાદરૂપ નથી લાગતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *