ઉત્તરાની શંકાનું સમાધાન
By-Gujju24-05-2023
ઉત્તરાની શંકાનું સમાધાન
By Gujju24-05-2023
{slide=Uttar verifies Arjuna’s identity}
Arjuna (Bruhannala) took his chariot close to the tree where Pandavas had hide their weapons during incognito. He asked Uttar to bring down weapons. Uttar was surprised to find Pandavas weapons on that tree. Uttar insisted Brihannala upon revealing his identity. The time of incognito was over so Brihannala identified himself as great archer, Arjuna. He also revealed identity of other Pandavas; Kanka as Yudhisthir, Ballav as Bhim, head of cowherd as Sahadev and overseer of King’s horses as Nakul.
For Uttar, the revelation was startling. He wanted to verify Bruhannala’s claims so he questioned about other names by which Arjuna was known. Brihannala narrated his ten names: Arjuna, Falgun, Jishnu, Kirit, Shwetavahan, Bibhatsu, Vijay, Krishna, Savyasachi and Dhananjay. Uttar then requested Arjuna to reveal how he became impotent Brihannala. Arjuna narrated his story. Uttar was satisfied with Arjun’s reply. He apologized Arjuna for his misconduct due to his ignorance.
Arjuna headed towards the battlefield with Uttar as his charioteer. Arjun’s outer appearance was totally changed as he removed his old dress and wore protective gears befitting a warrior. For Kauravas, appearance of Arjuna in the battlefield was a big surprise.
ઉત્તરને રથમાં બેસાડીને નપુંસક વેશમાં રહેલો ધનંજય રથમાં બેઠો અને શમીવૃક્ષ તરફ જવા લાગ્યો. તેને જોઇને ભીષ્મ અને દ્રૌણ આદિ સર્વશ્રેષ્ઠ કૌરવ મહારથીઓ, આ અર્જુન છે એવી બીકથી મનમાં થરથરી ઊઠ્યા.
દુર્યોધને વિચાર્યું કે જો આ પૃથાપુત્ર જ હશે તો તો મારો બેડો પાર જ થયો, કેમ કે પાંડવો ઓળખાઇ જશે એટલે ફરી વાર બાર વરસ વનવાસે વિચરશે. જો આ સ્ત્રીરૂપધારી કોઇ બીજો જ મનુષ્ય હશે તોપણ હું એને સુતીક્ષ્ણ બાણો વડે પૃથ્વી ઉપર પાડી દઇશ.
દુર્યોધને એવાં વચનો કહ્યાં એટલે ભીષ્મ, દ્રૌણ, કૃપાચાર્ય અને અશ્વત્થામાએ તેના પૌરુષની પ્રસંશા કરી.
પછી પૃથાપુત્ર અર્જુને શમીવૃક્ષ પાસે જઇને વિરાટપુત્ર ઉત્તરને સુકુમાર તથા સંગ્રામના સંબંધમાં અલ્પજ્ઞાનવાળો જાણીને તેને કહ્યું કે આ વૃક્ષ ઉપરથી તત્કાળ ધનુષ્યોને ઉતાર કેમ કે તારાં આ બાણો મારા સામર્થ્યને ઝીલી શકશે નહિ. મારા મોટા ભારને વહી શકશે નહિં અને હાથીઓનો નાશ કરી શકશે નહીં. વળી હું અહીં શત્રુઓ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરીશ ત્યારે તે મારા બળને જીરવી શકશે નહીં. આથી તું આ પુષ્કળ પાંદડાવાળા શમીવૃક્ષ ઉપર ચઢ. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ એ પાંડુપુત્રોનાં ધનુષ્યો એ વૃક્ષમાં જ મૂકી રાખ્યાં છે. ત્યાં જ તેમની ધ્વજાઓ અને તેમનાં દિવ્ય કવચો છે. અર્જુનનું મહાપરાક્રમી ગાંડીવ ધનુષ્ય પણ ત્યાં જ રાખેલું છે. એ એકલું એક લાખ ધનુષ્યની બરાબરી કરનારું, રાષ્ટ્રની વૃદ્ધિ કરનારું છે. તે સુવર્ણથી મઢેલું દિવ્ય, સુવાળું, વિશાળ, છિદ્રરહિત, મોટા ભારને સહન કરવાને સમર્થ, દારુણ, સુંદર છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવનાં ધનુષ્યો પણ દૃઢ અને બળવાન છે.
ઉત્તર બોલ્યો કે મેં સાંભળ્યું છે કે આ વૃક્ષ ઉપર કોઇ મનુષ્યનું મડદું બાંધ્યું છે.
બૃહન્નલાએ કહ્યું કે તું ભય રાખીશ નહીં. એ તો ધનુષ્યો છે. એમાં મડદું નથી.
અર્જુને એ પ્રમાણે કહ્યું એટલે કુંડળધારી વિરાટપુત્ર ઉત્તર રથમાંથી કૂદી શમીવૃક્ષ ઉપર ચઢી ગયો. પછી શત્રુઘ્ન ધનંજયે રણમાં જ ઊભા રહીને એને આજ્ઞા આપી કે તું ઝાડની ટોચ ઉપરથી એ ધનુષ્યોને ઉતાર, વિલંબ કરીશ નહીં. એ ધનુષ્યોને જે ઝાડપાન વીંટળાયેલા હોય, તેમને પણ તું ઝટપટ હટાવી દે. એટલે ઉત્તરે વિશાળ વક્ષસ્થળવાળા પાંડુપુત્રોનાં મહામૂલ્યવાન ધનુષ્યોને ઉતાર્યા અને તેમને વળગેલાં પાંદડાઓ દૂર કરીને અર્જુન પાસે રજૂ કર્યા.
ઉત્તરના આગ્રહથી અર્જુને એ શસ્ત્રોની ઓળખાણ આપીને એની જિજ્ઞાસાના જવાબમાં જણાવ્યું કે હું પૃથાપુત્ર અર્જુન છું. તારા પિતાના સભાસદ છે તે યુધિષ્ઠિર છે. જે બલ્લવ તારા પિતાની રસોઇ રાંધે છે તે ભીમસેન છે, અશ્વરક્ષક નકુલ છે, ગોરક્ષક સહદેવ છે, અને જેને લીધે કીચકો માર્યા ગયા તે સૈરન્ધ્રી દ્રૌપદી છે.
ઉત્તર એ આકસ્મિક રીતે કરેલા રહસ્યોદઘાટનથી વિચારમાં પડ્યો ને વિશેષ પ્રતીતિ કરવા માટે બોલ્યો કે મેં પૃથાપુત્ર અર્જુનનાં દસ નામ સાંભળ્યા છે. એ બધાં નામોને તું કહી બતાવે તો મને તારી વાતમાં વિશ્વાસ થાય.
અર્જુને પોતાનાં દસ નામો કહી બતાવ્યા.
અર્જુન, ફાલ્ગુન, જિષ્ણુ, કિરીટી, શ્વેતવાહન, બીભત્સુ, વિજય, કૃષ્ણ, સવ્યસાચી અને ધનંજય.
ઉત્તરના પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે અર્જુને એ સઘળાં નામોનું અર્થઘટન કરી બતાવ્યું.
હું સર્વ દેશોને જીતીને ધન લાવીને ધનની વચ્ચે ઊભો રહું છું માટે ધનંજય કહેવાઉં છું.
સંગ્રામમાં જઇને શૂરવીર રિપુઓને જીત્યા વિના પાછો ફરતો નથી માટે વિજય.
સંગ્રામમાં યુદ્ધ માટે જતી વખતે મારા રથને સુવર્ણના કવચવાળા શ્વેત અશ્વો જોડવામાં આવે છે એથી શ્વેતવાહન.
હિમાલયપ્રદેશની પાસે, દિવસ દરમિયાન, ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં જન્મ્યો હોવાથી ફાલ્ગુન. પૂર્વે હું દાનવશ્રેષ્ઠો સાથે યુદ્ધ કરતો હતો ત્યારે ઇન્દ્રે મારા મસ્તક પર સૂર્યસરખો તેજસ્વી મનહર મૂકેલો તેથી કિરીટી.
યુદ્ધ કરતી વખતે હું કદી પણ બીભત્સ કે નિંદ્ય કર્મ કરતો નથી તેથી દેવો અને મનુષ્યોમાં હું બીભત્સુ.
મારા બંને હાથો ગાંડીવને ખેંચવામાં કુશળ હોવાથી સવ્યસાચી.
સમુદ્રપર્યંતની સમસ્ત સૃષ્ટિમાં મારા જેવો બીજો કોઇ નથી. હું સમભાવવાળો છું અને શુદ્ધ કર્યા કરું છું એથી અર્જુન.
હું દુર્લભ દુર્ધર્ષ, શત્રુદમન, ઇન્દ્રપુત્ર હોવાથી દેવો અને મનુષ્યોમાં જિષ્ણુ.
બાલ્યાવસ્થમાં હું ઉજ્જવળ કૃષ્ણ વર્ણનો અને સૌનો પ્રિય હોવાથી પિતાએ પ્રીતિને લીધે મારું નામ કૃષ્ણ પાડેલું તેથી કૃષ્ણ.
ઉત્તરને એ સ્પષ્ટીકરણથી સંપૂર્ણ સંતોષ થયો. એને કોઇ પ્રકારની શંકા ના રહી.
એણે અર્જુનને પ્રણામ કરીને પોતાની દ્વારા અજ્ઞાનવસ્થામાં થયેલા અપરાધ અથવા દુર્વ્યવહાર માટે સાચા દિલથી ક્ષમા માગી, અને જણાવ્યું કે હવે મારો ભય સંપૂર્ણપણે દૂર થયો છે; મને તમારા પ્રત્યોની વિશેષ પ્રીતિની પ્રાપ્તિ થઇ છે. તમે જે પ્રમાણે આદેશ આપશો તે પ્રમાણે હું તમારા શ્રદ્ધાભક્તિસંપન્ન આજ્ઞાંકિત શિષ્ય તરીકે રથને લઇ જઇશ.
પાંડવોના અજ્ઞાતવાસનો શકવર્તી સમય ત્યારે પૂરો થયેલો.
અર્જુનની આટલી મોડી પણ ઓળખાણ થઇ એને ભૂમિંજય અથવા ઉત્તરે પોતાનું સર્વશ્રેષ્ઠ સદભાગ્ય માન્યું.
ઉત્તરે અર્જુનની ઓળખાણથી આનંદ પામીને એના મનને મૂંઝવનારી એક બીજી શંકાને રજૂ કરી.
તમારું શરીર આવા સુયોગ્ય રૂપવાળું છે અને તમે સર્વ સુલક્ષણોથી સંપન્ન છો તોપણ કયા કર્મના ફળ વડે તમને નપુંસકપણું આવ્યું છે ? હું તો નપુંસકવેશે વિચરતા ગંધર્વરાજ જેવા તમને શૂલપાણિ શંકર અથવા ઇન્દ્રદેવ માનું છું.
અર્જુને જણાવ્યું કે મોટાભાઇની આજ્ઞાથી એક વર્ષ માટે હું નપુંસકવ્રતને પાળી રહ્યો છું. હું નપુંસક નથી, પણ ધર્મનિષ્ઠ અને પરતંત્ર હોવાથી આ દશામાં રહું છું. પરંતુ હવે મારું એ વ્રત પૂરું થઇ ગયું છે, અને એ આપત્તિમાંથી હું પાર ઊતર્યો છું.
ઉત્તરને એ સ્પષ્ટીકરણથી સંતોષ થયો.
પછી વીર્યવાન અર્જુને પોતાના બંને હાથ ઉપરથી ચૂડીઓને ઉતારી નાખી અને તેને ઠેકાણે પણછના આઘાતને રોકનારા સુવર્ણના ચિત્રવાળા પટાઓને બાંધી દીધા. વળી પોતાના કાળા વાંકડિયા કેશને સફેદ રૂમાલથી બાંધી દીધા. એવી રીતે પવિત્ર તથા સ્વસ્થમન બનીને એ શ્રેષ્ઠ રથમાં પૂર્વાભિમુખ બેસીને સર્વ અસ્ત્રોનું સ્મરણ કરવા લાગ્યો, એટલે તે સર્વ અસ્ત્રો એની આગળ હાજર થયા.
પૃથાપુત્રે તે સર્વને પ્રણામ કર્યા, અને તેમને પોતાના હાથથી સ્પર્શ કરીને કહ્યું કે તમે સૌ મારા મનમાં નિવાસ કરો.
અસ્ત્રોનો સ્વીકાર કરવાથી તેનું વદન આનંદથી હસી રહ્યું. તેણે વેગપૂર્વક પણછ ચઢાવીને ગાંડીવ ધનુષ્યનો ટંકાર કર્યો. તેણે જ્યારે ધનુષ્યને ખેંચ્યું ત્યારે મહાપર્વત સાથે બીજો પર્વત અથડાય અને જેવો મહાધ્વનિ થાય તેવો મહાધ્વનિ એ ધનુષ્યમાથી પેદા થયો. તે મહાશબ્દ થતાં જ ભૂમિ ફાટવા લાગી, પુષ્કળ પવન ફૂંકાવા લાગ્યો, મોટી ઉલ્કાઓ પડવા લાગી, અને દિશાઓમાં અંધારું થવા લાગ્યું. અર્જુને પોતાના બાહુઓ વડે જે શ્રેષ્ઠ ધનુષ્યટંકાર કર્યો તેને કુરુઓએ વજ્રપાતનો કડાકો થયેલો જાણ્યો.
અર્જુને ઉત્તરને સારથિ કર્યો, શમીવૃક્ષની પ્રદક્ષિણા કરી, અને સર્વ આયુધોને લઇને ત્યાંથી પ્રયાણ કર્યું. તેણે રથમાંથી સિંહધ્વજને ઉતારી લીધો, અને તેને શમીવૃક્ષના મૂળ આગળ મૂક્યો. પછી તેણે વિશ્વકર્માએ નિર્મેલી, દૈવી માયાવાળી અને શત્રુઓનો સંહાર કરે એવા પુચ્છવાળા વાનરના ચિહ્નવાળી સોનેરી ધ્વજાનું તથા અગ્નિદેવના પ્રસાદથી મળેલા રથનું મનમાં ચિંતન કર્યું. એટલે તરત જ સુંદર ધ્વજાવાળો, વિચિત્ર દેખાવવાળો, ભાથાઓ ભરેલો, મહાબળવાન, દિવ્ય રૂપવાળો, મનોરમ રથ આકાશમાંથી નીચે આવ્યો. અગ્નિદેવે પણ પોતાનું સ્મરણ થયેલું જાણીને સર્વભૂત મંડળીને તે રથના ધ્વજ ઉપર રહેવાનો આદેશ આપ્યો. અર્જુને રથની પ્રદક્ષિણા કરીને શંખનાદ કર્યો.