વસુદેવ અને નંદ
By-Gujju29-04-2023
વસુદેવ અને નંદ
By Gujju29-04-2023
નંદ અને યશોદા પુત્રજન્મના સુખદ સમાચારથી પ્રસન્નતા પામ્યાં. એ સમાચાર લાગતા વળગતા સૌ કોઇને માટે પ્રસન્નતા પ્રદાયક થઇ પડ્યા.
એ સર્વોત્તમ સમાચારથી ભારે આનંદમગ્ન બનીને ગોકુલમાં ગોપગોપીઓએ ઉત્સવ કર્યો.
ઉત્સવ કરતાં પહેલાં એ સૌન્દર્યમૂર્તિ શિશુને નિહાળવા સૌ નંદને ઘેર એકઠા થયા.
એમના એ દર્શનાનંદનું પૂરેપૂરું વર્ણન કોણ કરી શકે ? પરંતુ એ આનંદ અનંત અથવા અલૌકિક હતો એમાં શંકા નહિ. એમના મુખમંડળ પરથી એની પૂરેપૂરી પ્રતીતિ થતી.
નંદે પ્રસન્નતાથી પ્રેરાઇને દાન દેવામાં બાકી ના રાખ્યું. એના જીવનની એ ધન્ય ઘડી હતી.
યશોદાનું અંતર પણ ઉલ્લાસથી ઊછળી રહ્યું. એવા સર્વાંગસુંદર શિશુને એણે કે બીજા કોઇએ આજ સુધી નહોતું જોયું. એ પુત્ર કેટલો બધો અદ્દભુત હતો ? એનું લાવણ્ય અસીમ હતું.
નંદને અને યશોદાને ખરેખર લાગ્યું કે આટલા વરસે કોઇ પૂર્વપુણ્યના પરિપાકરૂપે દૈવે એમની ઉપર અનહદ કૃપા કરી.
થોડાક દિવસ એવી રીતે ઉલ્લાસપૂર્ણ વિશુદ્ધ વાતાવરણમાં વીતાવ્યા પછી ગોકુળની રક્ષાનું કાર્ય બીજા ગોપોને સોંપીને નંદ મથુરાપુરીમાં પહોંચ્યા. એમના એ પ્રવાસનું પ્રયોજન કંસને નિશ્ચિત કરેલો વાર્ષિક વેરો ચુકવવાનું હતું. એ અવસરનો લાભ ઉઠાવીને વસુદેવ એમને મળવા ગયા. એમને મળીને નંદ ખૂબ જ પ્રસન્ન થયા. એમના શરીરમાં નવીન ચેતના પ્રકટ થઇ. એમણે એમનો સ્નેહસહિત સત્કાર કરીને એમને પોતાની પાસે બેસાડ્યા.
વસુદેવની કરુણાતિકરુણ દશાની કલ્પના એ પ્રસંગ પરથી સહેલાઇથી કરી શકાય છે. પુત્ર પોતાનો હોવા છતાં નંદનો છે અને નંદને ત્યાં છે એવી વિચિત્ર પરિસ્થિતિ ને પ્રસિદ્ધિ વચ્ચે પણ એમણે સ્વસ્થ, બહારથી લાગણીરહિત તેમજ શાંત રહેવાનું હતું. પોતે પ્રામાણિક પિતા હોવા છતાં એ પિતૃપ્રેમને, પિતા તરીકેના અધિકારને અને પિતા તરીકેના જ્ઞાનને બહાર નહોતું પડવા દેવાનું. ના. ભૂલેચૂકે પણ નહિ. એ કસોટી કેટલી બધી આકરી અને અભૂતપૂર્વ હતી ? એને કાંઇ સામાન્ય કસોટી ના કહી શકાય. પોતાના અનુરાગપૂર્ણ સંવેદનશીલ અંતરને જેમ તેમ કરીને સંભાળપૂર્વક શાંત રાખીને, પોતાના સઘળા સ્વાનુભવના મંદિરદ્વારને પોતાના હાથે બંધ કરીને, એમણે જીવવાનું હતું. ન જાણે એવી રીતે ક્યાં સુધી શ્વાસ લેવો પડવાનો છે ? વસુદેવના વ્યક્તિત્વને એવી રીતે વિલાકીએ તો એ ઘણું વેધક અથવા મર્મભેદક લાગે છે. તો પણ હૃદય પર જાણે પથ્થર મૂકીને વસુદેવ તથા દેવકી બને તેટલી શાંતિ સાથે શ્વાસ લેતાં. કારણ કે એ સમજતાં કે એમાં એમનું, એ પુત્રનું ને સમસ્ત સમાજનું હિત સમાયલું છે. એમણે પરમકૃપાળુ પરમાત્માની ઇચ્છાને ને યોજનાને આનંદપૂર્વક શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને અનુસરવાનું હતું. એ કાર્ય એ સંપૂર્ણ સફળતાપૂર્વક કરી રહેલાં.
વસુદેવે કહ્યું કે તમારી ઉપર તો ઇશ્વરની કૃપા છે. તમારી પાછલી અવસ્થામાં સંતાન થવાની કોઇ આશા નહોતી ત્યારે તમને સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ થઇ. આપણને આજે મળી શક્યા એ પણ ઓછા આનંદની વાત નથી લાગતી. સૌનું પ્રારબ્ધ અલગ અલગ હોવાથી સૌ સદાને સારું એક સાથે નથી રહી શકતાં. પ્રારબ્ધનો યોગ અનુકૂળ થતાં સૌ ભેગા મળે છે ને પ્રતિકૂળ થતાં છૂટા પડે છે.
नैकत्र प्रियसंवासः सुहृदां चित्रकर्मणाम ।
ओघेन व्यूहयमानानां प्लावानां स्त्रोतसो यथा ॥ (અધ્યાય પ, શ્લોક રપ)
‘સ્વજનોનો ને સ્નેહીજનોનો સમાગમ સદાયે સારો અને સુખકારક લાગે છે તો પણ સર્વસ્થળને માટે નથી રહી શક્તો. સરિતાના પ્રબળ વેગે વહેતા પ્રવાહમાં વહેનારાં તણખલાં તથા નાવડાં જેવી રીતે સદાને સારું સાથે નથી રહી શક્તાં તેમ.’
પરસ્પર કુશળ સમાચાર પૂછીને અને એવી જ બીજી અનુભવાત્મક વાતો કરીને બંને છૂટા પડ્યા. છૂટા પડવાનો વખત આવ્યો ત્યારે વસુદેવે નંદને જણાવ્યું કે તમારું કાર્ય પૂરું થયું હોવાથી તમારે અહીં વધારે ના રોકાવું જોઇએ. ગોકુળમાં ભયંકર ઉત્પાત થઇ રહ્યા છે માટે વહેલી તકે ત્યાં જઇને સૌની સુરક્ષાના સમ્યક્ ઉપાય કરો એ વિશેષ હિતાવહ છે.