Thursday, 14 November, 2024

Vibhuti Pada : Verse 11 – 15

108 Views
Share :
Vibhuti Pada : Verse 11 – 15

Vibhuti Pada : Verse 11 – 15

108 Views

११. सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः ।
11. sarvarathata ekagrata ksaya udaya chittasya samadhi-parinamah

સર્વે પ્રકારના વિષયોનું ચિંતન કરનારી વૃત્તિનો ક્ષય થઇ જાય, ને કોઇ એક જ ધ્યેય પદાર્થનું ચિંતન કરનારી એકાગ્રતાનો ઉદય થઇ જાય, તે ચિત્તનું વિક્ષિપ્ત દશામાંથી એકાગ્ર દશામાં પરિણત થવારૂપ સમાધિ-પરિણામ છે.

*

१२. ततः पुनः शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः ।
12. tatah punah shanta-uditau tulya-pratyayau chittasya ekagrata-parinimah

તે પછી ફરી જ્યારે શાંત થનારી ને ઉદય પામનારી બંને વૃત્તિઓ એક થઇ જાય, ને બંને વચ્ચેનો ભેદ મટી જાય, ત્યારે તે ચિત્તનું એકાગ્રતા પરિણામ છે.

સમાધિની દશા પરિપક્વ થતાં જ્યારે પૂર્ણ એકાગ્રતા સધાય છે, ત્યારે શાંત થનારી ને ઉદય પામનારી વૃત્તિ શમી જાય છે.

*

१३. एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः ।
13. etena bhuta indriyasau dharma laksana avastha parinamah vyakhyatah

પહેલાંના નવમા ને દસમા સૂત્રમાં નિરોધ સમાધિ વખતે થનારા ચિત્તના ધર્મ પરિણામ, લક્ષ પરિણામ ને અવસ્થા પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે, તથા અગિયારમા ને બારમા બે સૂત્રોમાં સંપ્રજ્ઞાત સમાધિ વખતે થનારા ચિત્તના ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ ને અવસ્થા પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ બધાથી પંચમહાભૂત ને બધી ઇન્દ્રિયોમાં થનારાં ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ ને અવસ્થા પરિણામની વ્યાખ્યા થઇ ગઇ.

૧) ધર્મ પરિણામ – કોઇ ધર્મીમાં એક ધર્મનો લય થઇને જ્યારે બીજા ધર્મનો ઉદય થાય, ત્યારે તેને ધર્મ પરિણામ કહેવામાં આવે છે. નવમા સૂત્રમાં ચિત્તરૂપી ધર્મીના વ્યુત્થાન સંસ્કારરૂપી ધર્મનું દબાઇ જવું ને નિરોધ સંસ્કારરૂપી ધર્મનું પ્રકટ થવું કહીને આ જ પરિણામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગિયારમા સૂત્રના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. તેમાં સર્વાર્થતારૂપી ધર્મનો ક્ષય ને એકાગ્રતારૂપી ધર્મનો ઉદય બતાવવામાં આવ્યો છે. તે પ્રમાણે સંસારના બધા જ પદાર્થોનું સમજી લેવાનું છે. માટીમાં પિંડરૂપ ધર્મનો ક્ષય અને ઘડારૂપ ધર્મનો ઉદય થાય છે, પછી ઘડારૂપી ધર્મનો ક્ષય ને ઠીકરીરૂપી ધર્મનો ઉદય થાય છે. તેવી રીતે બીજી વસ્તુનું સમજી લેવાય.

ર) લક્ષણ પરિણામ – લક્ષણ પરિણામ પણ ધર્મ પરિણામની સાથે થઇ જાય છે. વર્તમાન ધર્મનો નાશ થાય તે તેનું અતીત લક્ષણ પરિણામ છે. અનાગત ધર્મનું પ્રકટ થવું તે તેનું વર્તમાન લક્ષણ પરિણામ છે, ને પ્રકટ થતાં પહેલાં તે અનાગત લક્ષણથી યુક્ત હોય છે. તે ત્રણે ધર્મનાં લક્ષણ પરિણામ છે.

અગિયારમા સૂત્રમાં ચિત્તના સર્વાર્થતા ધર્મના ક્ષયની વાત કહી છે, તે તેનું અતીત લક્ષણ પરિણામ છે. વળી એકાગ્રતારૂપ ધર્મના ઉદયની વાત પણ તે સૂત્રમાં કહેવામાં આવી છે. તે તેનું વર્તમાન લક્ષણ પરિણામ છે. ઉદય થયા પહેલા તે અનાગત લક્ષણ પરિણામમાં હતો. બીજી વસ્તુ વિશે પણ એમ જ સમજી લેવાનું છે.

3) અવસ્થા પરિણામ – વર્તમાન લક્ષણયુક્ત ધર્મમાં નવીનતાને બદલે પ્રાચીનતા આવતી જાય છે. તેમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયા કરે છે, ને છેવટે તે વર્તમાન લક્ષણને છોડીને અતીત લક્ષણમાં પ્રવેશ કરે છે. તે લક્ષણનું અવસ્થા પરિણામ છે. અગિયારમા સૂત્ર પ્રમાણે, ચિત્તરૂપી ધર્મીનો વર્તમાન લક્ષણવાળો સર્વાર્થતારૂપી ધર્મ દબાઇ જઇને અતીત લક્ષણને પ્રાપ્ત થાય છે. તે વખતે વર્તમાનકાળમાં તેનો દબાઇ જવાનો જે ક્રમ છે, તે તેનું અવસ્થા પરિણામ છે. તે ઉપરાંત, એકાગ્રતારૂપી ધર્મ અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં આવે છે. તે વખતે તેનો ઉદય થવાનો ક્રમ પણ અવસ્થા પરિણામ કહેવાય છે. એ રીતે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન જ અવસ્થા પરિણામ કહેવાય છે. આ અવસ્થા પરિણામ કાયમ થયા જ કરે છે. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી કોઇયે વસ્તુ એક અવસ્થામાં રહેતી નથી. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા ને છેવટે વૃદ્ધાવસ્થારૂપી અવસ્થા પરિણામ એકસામટું નથી થતું. પ્રતિક્ષણે તેમાં પ્રગતિ થયા જ કરે છે. પણ તેનું ભાન છેવટે થાય છે.

ધર્મપરિણામમાં ધર્મીના ધર્મનું પરિવર્તન થાય છે. લક્ષણ પરિણામમાં પહેલાંનો ધર્મ અદૃશ્ય થઇ જાય છે, ને નવો ધર્મ પ્રકટે છે. એ રીતે ધર્મનું લક્ષણ બદલાય છે ને અવસ્થા પરિણામમાં ધર્મની અવસ્થા બદલાય છે. ત્રણે પરિણામ ઉત્તરોત્તર એકમેકથી સૂક્ષ્મ છે.

*

१४. शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी ।
14. shanta udita avyapadeshya dharma anupati dharmi

ભૂત, વર્તમાન ને ભવિષ્યમાં થનારા ધર્મોમાં જે આધારરૂપે અસ્તિત્વ ધરાવે છે તે ધર્મી છે.

પદાર્થમાં રહેનારી શક્તિઓ ધર્મ કહેવાય છે, ને જેના આધારે તે રહે છે તે પદાર્થનું નામ ધર્મી છે. મતલબ કે કોઇ પદાર્થમાંથી જે કાંઇ બની ગયું હોય, જે બની રહ્યું હોય, ને બનવાને સંભવ હોય, તે તે પદાર્થનો ધર્મ કહેવાય છે. એક પદાર્થમાં તેવા ધર્મ અનેક રહે છે, ને જુદાજુદા કારણથી ઉત્પન્ન તેમ જ શાંત થયા કરે છે. તેના ત્રણ ભેદ આ સૂત્રમાં કહેલા છે.

૧) જે ધર્મ પોતાનું કામ પૂરું કરીને પોતાના ધર્મીમાં મળી જાય છે તે શાંત, ભૂત કે અતીત કહેવાય છે. જેમ કે બરફનું ઓગળીને પાણીમાં એકરસ થઇ જવું, અથવા તો માટીના વાસણનું માટીમય થઇ જવું.

ર) ઘર્મ ધર્મીની અંદર મૂળરૂપે રહેલા જ હોય છે. તે પ્રકટ થાય છે ને કામ કરે છે, ત્યારે વર્તમાન કે ઉદિત કહેવાય છે. બરફ પોતાના વર્તમાન સ્વરૂપમાં પ્રકટ થતાં પહેલાં પાણીમાં શક્તિરૂપે હાજર હોય છે જ.

3) જે ધર્મ હજી પ્રકટ નથી થયા, પરંતુ ધર્મીની અંદર શક્તિરૂપે રહેલા છે તે અવ્યપદેશ્ય અથવા ભવિષ્યમાં પ્રકટ થનારા કહેવાય છે. પાણીની અંદર બરફ રહેલો છે તે પરથી આ વાત સમજી શકાય છે.

*

१५.  क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः ।
15. krama anyatvam parinamah anyatve hetu

એક પદાર્થનું પરિણામ એક ક્રમથી જે આવે છે, તેનાં કરતાં બીજા ક્રમથી જુદું જ આવે છે. ત્રીજા ક્રમથી વળી તેથી પણ જુદું પરિણામ આવે છે. પરિણામની ભિન્નતાનો આધાર એ પ્રમાણે ક્રમની ભિન્નતા પર રહે છે.

રૂમાંથી વસ્ત્ર બનાવવાની વાતનો વિચાર કરો. તે માટે જુદા જ ક્રમમાંથી પસાર થવું પડે છે. પરંતુ રૂમાંથી જો દિવેટ ને દોરી બનાવવી હોય તો તેનો કાર્યક્રમ જુદો જ હોય છે. એ પ્રમાણે ક્રમમાં ફેરફાર કરવાથી એક જ ધર્મી વિવિધ નામરૂપથી સંપન્ન બની જાય છે. ક્રમની ભિન્નતાથી પરિણામ ભિન્ન થાય છે તે વાત એક બીજા કારણથી પણ સમજી શકાય છે – ઠંડીને લીધે પાણીમાં બરફરૂપી ધર્મ ઉત્પન્ન થાય છે, પણ ગરમીના સંબંધથી તેમાં વરાળ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *