Sunday, 22 December, 2024

વિદુરનીતિ – 1

422 Views
Share :
વિદુરનીતિ – 1

વિદુરનીતિ – 1

422 Views

{slide=Vidur Niti – I}

Codes of conduct as explained by Vidur to King Dhristrathra is know as Vidur Niti. Vidur Niti elaborates on qualities, character and duties of a learned person as well as codes of conduct that people must follow in their daily life.

મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદુરે ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ વિસ્તારપૂર્વક રજૂ કરાયો છે. તેને વિદુરનીતિનું નામ આપવામાં આવ્યું છે. એ અતિશય વિસ્તૃત ધર્મોપદેશને અક્ષરશ: રજુ કરીએ તો અતિવિસ્તાર થાય. એ અતિવિસ્તાર અસ્થાને પણ લાગે એટલે વધારે પડતા વિસ્તારદોષને ટાળવા અને છતાં પણ એ અગત્યના ઉપદેશથી સુપરિચિત થવા માટે, એ નીતવિષયક સદુપદેશને છેક જ સંક્ષેપમાં રજુ કરવાનું ઉચિત માન્યું છે.

વિદુરનીતિનો એ સર્વોપયોગી સારસંક્ષેપ આ રહ્યો :

યુધિષ્ઠર સર્વ લક્ષણોથી યુક્ત છે. તેથી ત્રણે લોકના અધિપતિ થવાને યોગ્ય છે.

તમારે તેમને રાજ્ય કરવાને પ્રાર્થના કરવી જોઈએ. તેને બદલે તમે તેમને વનમાં કાઢ્યા છે. તમે આંખે અંધ છો. એટલે ધર્માત્મા અને ધર્મનિપુણ છતાં રાજ્યભાગના અધિકારી નથી. આમ છતાં મૃદુતા, દયાળુતા, ધર્મ, સત્ય તથા પરાક્રમ જેવા ગુણોને લીધે અને તમારા વડીલપણા તરફ જોઈને યુધિષ્ઠિર રાજ્યના અધિકારી છતાં પુષ્કળ સંકટોને સહન કરે છે. હે રાજા ! તમે દુર્યોધન, શકુનિ, કર્ણ અને દુઃશાસનને રાજ્યસત્તા સોંપીને કેવી રીતે ઐશ્વર્ય ઈચ્છો છો ?

પંડિત તો એને જ કહેવાય છે કે જેને આત્મજ્ઞાન, ઉત્તમ ઉદ્યોગ, સહનશીલતા અને ધર્મપરાયણતા પુરુષાર્થથી ભ્રષ્ટ કરતાં નથી. જે પ્રશંસાપાત્ર કામો કરે છે અને નિંદાપાત્ર કામો કરતો નથી, જે આસ્તિક, શ્રદ્ધાવાન છે તેને પંડિતનાં લક્ષણવાળો જાણવો. ક્રોધ, હર્ષ, અન્યની અવજ્ઞા, લજ્જા, અકડાઈ અને આત્મશ્લાઘા જેને પુરુષાર્થથી ભ્રષ્ટ કરતા નથી તે જ પંડિત કહેવાય છે.

જેની બુદ્ધિ સંસારમાં રહેલી છતાં ધર્મ તથા અર્થને અનુસરીને ચાલે છે અને જે આ લોકના સુખરૂપ કામ કરતાં અર્થને સ્વીકારે છે, તેને પંડિત કહેવાય છે.

પંડિત બુદ્ધિવાળા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવાની ઇચ્છા રાખે છે. યથાશક્તિ કામ કરે છે, અને તેઓ કોઇનું પણ અપમાન કરતા નથી.

પંડિત બુદ્ધિવાળા પુરુષો અપ્રાપ્ય વસ્તુની અભિલાષા કરતા નથી. નાશ પામેલી વસ્તુનો શોક કરવા ઇચ્છતા નથી. અને આપત્તિમાં મુંઝાતા નથી. જે નિર્ધારપૂર્વક કાર્યને આરંભે છે, કાર્યની વચ્ચે અટકી પડતો નથી, સમયને ફોકટ જવા દેતો નથી અને મનને વશ રાખે છે તે જ પંડિત કહેવાય છે.

જે પોતાના સન્માનથી રાજી થતો નથી, અપમાનથી તપી ઉઠતો નથી પણ ગંગાની ધારાની પેઠે ગંભીર રહે છે, તે પંડિત કહેવાય છે.

જેની વાણી અસ્ખલિત વહેનારી છે, જે લોકકથાનો જાણકાર છે, તર્કશીલ પ્રતિભાશક્તિવાળો છે અને ગ્રંથને બરાબર સમજાવી શકે છે તે પંડિત કહેવાય છે. શાસ્ત્ર જેની બુદ્ધિને અનુસરે છે, અને જે શિષ્ટની મર્યાદાને ઓળંગતો નથી તે પંડિતની સંજ્ઞાને પામે છે.

જે પોતે કરવાનાં કામો સેવક વિગેરે પાસે કરાવે છે, જે જ્યાં ત્યાં શંકા કરે છે તે મુર્ખ છે.

જે વણબોલાવ્યો અંદર આવે છે, વણપૂછ્યે બોલબોલ કરે છે, અવિશ્વાસુ પર વિશ્વાસ રાખે છે તે અધમ મનુષ્ય મૂઢ બુદ્ધિવાળો છે. જે બીજાના દોષોને જોઈને તેની નિંદા કરે છે. છતાં પોતે જ તેવું દોષમય વર્તન રાખે છે, અને જે અસમર્થ છતાં ક્રોધ કરે છે તે પુરુષ મુર્ખ શિરોમણિ છે.

જે મનુષ્ય પોતાના સેવક આદિ પરિવારને બાકાત રાખીને પોતે સારું સારું ભોજન જમે છે અને સારાં સારાં વસ્ત્રો પહેરે છે તેના કરતાં વધારે ઘાતકી બીજો કોણ છે ?

ધનુષધારીએ છોડેલું બાણ કોઈને મારે કે ના મારે પરંતુ બુદ્ધિમાને યોજેલી બુદ્ધિ તો રાજા સાથે રાષ્ટ્રનો પણ નાશ કરી નાખે. એક બુદ્ધિ વડે બે કાર્ય તથા અકાર્યનો નિશ્ચય કરો;  ત્રણ મિત્ર, ઉદાસીન તથા શત્રુને ચાર સામ, દાન, ભેદ તથા દંડથી વશ કરો. પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉપર જય મેળવો. છ સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ તથા આશ્ચર્યને  સમજી લો અને સાત સ્ત્રીસંગ, દ્યુત, મૃગયા, મદ્યપાન, કઠોર વાણી, ક્રુર દંડ, તથા દ્રવ્યનો અપવ્યયનો ત્યાગ કરો. આમ કરીને તમે સુખી થાઓ.

જેમ સમુદ્રને તરવા માટે નૌકા જ એકમાત્ર વાહન છે. તેમ સત્યભાષણ એ જ સ્વર્ગની એક અદ્વિતીય સીડી છે, અને સત્ય-બ્રહ્મ જ મોક્ષનું એક અદ્વિતીય સાધન છે.

ક્ષમા મહાન બળ છે. અશક્તોને માટે ક્ષમા ગુણરૂપ છે તો સમર્થો  માટે ભૂષણરૂપ છે.  ક્ષમા જગતમાં વશીકરણ છે. ક્ષમા વડે શું સાધ્ય થતું નથી ?

કઠોર વાણી ના બોલવી ને દુષ્ટની પૂજા ના કરવી એ બે કર્મોને કરનારો મનુષ્ય આ લોકમાં વિશેષ શોભે છે.

ગૃહસ્થ હોઈને નિરુદ્યોગી રહેનાર અને ભિક્ષુક સંન્યાસી થઈને કાર્ય કરનાર એ બંને વિપરીત કર્મ કરવાથી શોભતા નથી.

ધનવાન હોવા છતાં જે દાતા નથી અને દરિદ્રી હોવા છતાં જે તપસ્વી નથી એ બંનેને ગળે મજબુત શિલા બાંધીને પાણીમાં ડુબાડી દેવા.

પરદ્રવ્યનું હરણ, પરસ્ત્રીની છેડતી અને હિતૈષીનો નાશ એ ત્રણ દોષ નાશકારક છે.

જે ભક્ત છે, જે સેવક છે, ‘હું તમારો છું.’ એ પ્રમાણે  કહે છે એ ત્રણે જો શરણે આવ્યા હોય તો પોતાની વિષમ સ્થિતિમાં પણ તેમનો ત્યાગ કરવો નહીં.

પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુ એ પાંચ અગ્નિની પેઠે ઉપાસના  કરવા યોગ્ય છે. માટે મનુષ્યે તેમની પ્રયત્નપૂર્વક સેવા કરવી.

પાંચ ઈન્દ્રિયવાળા મનુષ્યની જો એક ઇન્દ્રિય પણ છિદ્રવાળી વિષયપરાયણ હોય તો તૂટેલી પખાલમાંથી ટપકી જતાં પાણીની જેમ તેની બુદ્ધિ પણ એ છિદ્ર દ્વારા બહાર ટપકી જાય છે.

જગતમાં ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાવાળા પુરુષે નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રપણું – એ છ દોષોનો ત્યાગ કરવો જોઈએ.

સત્ય, દાન, ઉદ્યોગપણું, ઈર્ષ્યારહિતતા, ક્ષમા અને ધૈર્ય – એ છ ગુણોને પુરુષે કદાપિ છોડવા નહીં.

હે રાજન્ ! આરોગ્ય, કરજ વિનાની સ્થિતિ, સ્વસ્થાનમાં નિવાસ, સારા મનુષ્યોની સંગતિ, પોતાને અનુકૂળ જીવિકા તથા નિર્ભયવાસ – આ છ જીવલોકનાં સુખ છે. ઈર્ષ્યાખોર, દયાળુ, અસંતોષી, ક્રોધી, નિત્ય શંકાશીલ અને પારકાના ભાગ્ય પર જીવનારો – એ છયે નિત્ય દુઃખી છે.

સ્ત્રીસંગ, દ્યુત, મૃગયા, મદ્યપાન, કઠોર વાણી, કઠોર શિક્ષા અને પૈસાની ખુવારી લાવનાર સાત દોષોને ત્યજવા, કારણ કે બરાબર સ્થિર થયેલા પણ એ દોષથી વિનાશ પામે છે.

બુદ્ધિ, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, શાસ્ત્રનું જ્ઞાન, પરાક્રમ, પરિમિત ભાષણ, યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા એ આઠ ગુણો પુરુષને દિપાવે છે.

આ શરીરરૂપી ઘરને નવ દ્વાર, બે નેત્ર, બે નાસિકાપુટ, બે કાન, એક મુખ, એક મુત્રદ્વાર અને એક મળદ્વાર છે. અવિદ્યા, કામ અને કર્મ એ ત્રણ થાંભલા છે. શબ્દાદિ પાંચ વિષયો એના સાક્ષી છે. અને જીવ એમાં ઘરનાં ધણી તરીકે નિવાસ કરે છે. જે વિદ્વાન આ ઘરને યથાર્થ રીતે જાણે છે તે સર્વોતમ બ્રહ્મવેત્તા છે.

જે મનુષ્ય આશ્રિતજનોને વહેંચી આપ્યા પછી પોતે માપસર ભોજન કરે છે, જે અમાપ કામ કરીને માપની ઊંઘ લે છે, અને શત્રુઓ યાચના કરે તો તેમને પણ આપે  છે, તે વશચિત્તવાળા મનુષ્યને અનર્થો છોડી જાય છે. જે મનુષ્યના કરવા ધારેલા કામને તથા અપકારને બીજા લોકો જરા પણ જાણતા નથી અને જે મંત્રણાને ગુપ્ત રાખીને સારી રીતે કાર્યને પાર પાડે છે તેનું કામ જરા-સરખું પણ બગડતું નથી. જે સર્વ પ્રાણીને શાંતિ મળે એ હેતુથી યત્ન કરે છે, સાચો છે, માન આપનારો અને શુદ્ધ ભાવવાળો છે, તે પોતાની જ્ઞાતિમાં ઉત્તમ, ખાણમાં ઉત્પન્ન થયેલા તેજસ્વી મહામણિની જેમ, અત્યંત પ્રસિદ્ધિ પામે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *