Saturday, 16 November, 2024

વિદુરનીતિ – 2

324 Views
Share :
વિદુરનીતિ – 2

વિદુરનીતિ – 2

324 Views

{slide=Vidur Niti – II}

Codes of conduct as explained by Vidur to King Dhristrathra is know as Vidur Niti. Vidur Niti also elaborate on how one should act in different situations. Vidur’s teachings are aimed at kings, ordinary citizens as well as at ascetics. For example:
– A king should act responsibly; otherwise, the wealth of the kingdom would be exhausted in no time.
– Comparing our body as a chariot, one should calmly control the horses of senses otherwise, uncontrolled senses would lead to destruction – like uncontrolled horses.
– As dry wood would burn wet wood, an innocent man should stay away from sinners, otherwise, he will be punished in the same way as a sinner.

જે કર્મો કપટભરેલા હોય અને અયોગ્ય ઉપાયોથી સિદ્ધ થતાં હોય તેમની અંદર મનને ના રાખવું. તેવાં કર્મો કદી પણ ભૂલેચૂકે ના કરવાં.

પોતાને રાજ્ય મળ્યું છે એટલે કાંઇ ફાવે તેમ ના વર્તાય. કેમ કે વૃદ્ધાવસ્થા જેમ ઉત્તમ રૂપનો નાશ કરે છે તેમ અવિનય લક્ષ્મીનો નાશ કરે છે.

જે રાજા સજ્જનોએ આચરેલા ધર્મ પ્રમાણે ચાલે છે, તેના રાજ્યકાળમાં પૃથ્વી ધનથી ભરપૂર અને ઐશ્વર્યને વધારનારી થઇને વૃદ્ધિ પામે છે. પરન્તુ જો રાજા ધર્મનો ત્યાગ કરે અને અધર્મથી વર્તે તો તે જ પૃથ્વી અગ્નિમાં નાખેલા ચામડાની પેઠે સંકોચાઇ જાય છે.

સારા કુળમાં જન્મેલો મનુષ્ય પણ દુરાચારી હોય, તો તે માનને માટે યોગ્ય નથી. પણ નીચ કુળમાં જન્મેલો મનુષ્ય પણ જો સદાચારી હોય તો શ્રેષ્ઠ છે. જે મનુષ્ય પારકા ધનની, રૂપની, પરાક્રમની, કુળની, વંશની, સુખની, સૌભાગ્યની અને સન્માનની ઇર્ષ્યા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે.

પુરુષનું શરીર રથ છે. આત્મા સારથિ છે. ઇન્દ્રિયો ઘોડા છે. જેમ કેળવેલા સારા ઘોડાઓવાળા રથમાં બેસીને રથી સુખે પ્રયાણ કરે છે, તેમ સાવધાન ધીરપુરુષ, ઇન્દ્રિયરૂપી ઘોડાઓને વશ રાખીને સુખથી આયુષ્ય પસાર કરે છે, પણ સ્વાધીન ના રહેનારા ઉદ્ધત ઘોડાઓ જેમ સારથિનો માર્ગમાં નાશ કરે છે તેમ વશ ના રાખેલી એ ઇન્દ્રિયો આત્માને પણ નાશ પમાડે છે.

સૂકાં લાકડાંની સાથે રહીને જેમ લીલું લાકડું પણ બળી જાય છે તેમ પાપ કરનારાની સંગતિથી નિષ્પાપ મનુષ્યને પણ પાપીના જેટલી શિક્ષા થાય છે. આથી પાપીઓનો સંગ કરવો નહીં.

દેવો ગોવાળોની પેઠે હાથમાં લાકડી લઇને રક્ષણ કરતા નથી; પણ તેઓ જેનું રક્ષણ કરવા ઇચ્છે છે તેની બુદ્ધિમાં વધારો કરે છે. પુરુષ જેમ જેમ કલ્યાણકર્મ કરવામાં મન જોડે છે તેમ તેમ તેના સર્વ અર્થો સિદ્ધ થાય છે.

શૂરાની પરીક્ષા ભયને પ્રસંગે થાય છે. ધીરજની પરીક્ષા આર્થિક આપત્તિમાં થાય છે. મિત્રોની પરીક્ષા સંકટમાં થાય છે. અને શત્રુઓની પરીક્ષા આપત્તિમાં થાય છે. વૃદ્ધાવસ્થા રૂપને હરે છે. આશા ધૈર્યને હરે છે. મૃત્યુ પ્રાણને હરે છે. ઇર્ષ્યા ધર્માચરણને હરે છે. ક્રોધ લક્ષ્મીને હરે છે. નીચની સેવા શીલને હરે છે. કામ લજ્જાને હરે છે અને અભિમાન સર્વ કાંઇને હરી લે છે.

જે કામ કરવાથી રાત્રે સુખે રહેવાય તે કામ દિવસે જ કરી લેવું. જે કામ કરવાથી ચોમાસાના ચાર મહિનામાં સુખે રહેવાય તે કામ આગલા આઠ મહિનામાં જ કરી લેવું. ઊતરતી વય પ્રાપ્ત થતાં જે કાર્ય કરવાથી સુખે રહેવાય તે કાર્ય આગલી વયમાં જ કરી લેવું. પણ જે કામથી મૃત્યુ પછી સુખ સાંપડે તે કામ તો આખા જીવન સુધી કર્યા જ કરવું.

કોઇ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં. આમ જે ગાળને સહન કરે છે તેનો ક્રોધ જ ગાળ દેનારને બાળી મૂકે છે, તેમ તેના પુણ્યને પ્રાપ્ત થાય છે. કોઇને ગાળ આપવી નહીં. કોઇનું અપમાન કરવું નહીં. મિત્રનો દ્રોહ કરવો નહીં. નીચની સેવા કરવી નહીં. અભિમાની થવું નહીં. હીન આચરણ કરવું નહીં અને કઠોર તથા રોષભરી વાણી બોલવી નહીં.

વસ્ત્ર જેવા રંગનો સંગ કરે તેવા રંગવાળું થાય છે. તેમ મનુષ્ય પણ સાધુ, અસાધુ, તપસ્વી તથા ચોર એ પૈકી જેની સંગતિ કરે છે તેના જેવો થાય છે.

જે સર્વનું કલ્યાણ ઇચ્છે છે અને કોઇના અકલ્યાણની કલ્પના સરખી કરતો નથી, જે સત્ય બોલે છે, કોમળભાવ રાખે છે, અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે ઉત્તમ પુરુષ છે.

જેઓનું સદાચરણ ચલિત થતું નથી, જેઓનું આચરણ માતાપિતાને દુઃખી કરતું નથી, જેઓ પ્રસન્નચિત્ત ધર્માચરણ કરે છે, કુળની કીર્તિ વધારવા ઇચ્છે છે અને અસત્યનો ત્યાગ કરે છે, તેઓને મહાકુલીન જાણવા.

સંતાપથી રૂપ નાશ પામે છે. બળ નાશ પામે છે. જ્ઞાન નાશ પામે છે. અને વ્યાધિ આવે છે.

પાચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું મન, એ છ ઇન્દ્રિયો ચંચળ છે. તેમાંથી જે જે ઇન્દ્રિયો વિષયમાં આસક્ત થાય છે, તે તે ઇન્દ્રિય દ્વારા પુરુષની બુદ્ધિ નિત્ય પાણી ભરેલા ઘડામાંથી પાણીની પેઠે ઝરી જાય છે.

હે રાજન ! મીઠું મીઠું બોલનારા પુરુષો તો જ્યાં ત્યાં સદૈવ સહેજે મળી આવે છે. પરંતુ કડવું છતાં હિતકારી કહેનાર અને સાંભળનાર તો દુર્લભ હોય છે.

દ્યુત મનુષ્યોને વેર કરાવનારું છે. એવું પૂર્વકલ્પમાં જોવામાં આવ્યું છે. માટે બુદ્ધિમાન મનુષ્યે ગમ્મત માટે પણ દ્યુત રમવું નહીં.

ગર્વરહિત, સામર્થ્યવાન, શીઘ્ર કામ કરનાર, દયાળુ, મીઠા સ્વભાવનો, બીજાથી ના ફૂટી જનારો, નીરોગી અને યુક્તિભરેલું તથા મહાન અર્થવાળું બોલનારો એ આઠ ગુણોથી જે સંપન્ન હોય તેને દૂત કહે છે.

બુદ્ધિ, કુલીનતા, શાસ્ત્રજ્ઞાન, ઇન્દ્રિયનિગ્રહ, પરાક્રમ, અલ્પ ભાષણ, યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો પુરુષને દીપાવે છે.

મારા મત પ્રમાણે ધૃતરાષ્ટ્રપુત્રો વનરૂપ છે. અને પાંડવો તેમાંના વાઘ છે. માટે તમે વાઘ સાથે વનનો નાશ કરશો નહીં. અને વનમાંથી વાઘનો નાશ થાય નહીં. વાઘ વિના વન રહેતું નથી અને વન વિના વાઘ રહેતા નથી, કારણ કે વાઘોથી વનનું રક્ષણ થાય છે. અને વન વાઘોનું રક્ષણ કરે છે.

દુષ્ટ બુદ્ધિવાળા લોકો બીજાના દોષો જોવાની ઇચ્છા રાખે છે તેવી તેઓના ઉત્તમ ગુણો જાણવાની ઇચ્છા રાખતા નથી.

છેતરપિંડી ના કરવી. દાન આપવું. ઠરાવેલી મર્યાદાનું પાલન કરવું અને મીઠી વાણી બોલવી, એટલાથી સૌને પોતાના પક્ષમાં કરી લેવાય છે.

જીવન પાણીના પરપોટા જેવું છે. એટલે જે કામ કરવાથી મૃત્યુશય્યા પર પડ્યા પડ્યા પશ્ચાતાપ કરવો પડે તે કામ પ્રથમથી જ કરવું નહીં.

જે મનુષ્ય નિત્ય અભિવંદન કરવાના સ્વભાવવાળો હોય છે તથા વૃદ્ધોની સેવા કરે છે તેનાં કીર્તિ, આયુષ્ય તથા બળ એ ચાર સારી રીતે વૃદ્ધિ પામે છે.

આ પૃથ્વીમાં જે કાંઇ સુવર્ણ છે, ડાંગર આદિ ધાન્ય છે, પશુઓ છે, અને સ્ત્રીઓ છે તે બધું કોઇ એકને મળે તોપણ તેને તૃપ્તિ થતી નથી એ જોઇને ડાહ્યો મનુષ્ય મોહ પામતો નથી.

આશા ધૈર્યનો નાશ કરે છે, કાળ સમૃદ્ધિનો નાશ કરે છે. ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે. કૃપણતા યશનો નાશ કરે છે. અરક્ષણ પશુઓનો નાશ કરે છે, અને કોપાયમાન થયેલો બ્રાહ્મણ આખા દેશનો નાશ કરે છે.

કામ, ભય, લોભથી જીવિતને માટે કદી ધર્મનો ત્યાગ કરવો નહીં. ધર્મ નિત્ય છે અને સુખદુઃખ અનિત્ય છે. તેમજ જીવ નિત્ય છે અને તેના કારણરૂપ અવિદ્યા-અજ્ઞાન અનિત્ય છે. માટે તમે અનિત્યનો ત્યાગ કરીને નિત્ય વસ્તુમાં નિષ્ઠા રાખો અને સંતુષ્ટ રહો.

કયું કાર્ય કરવું અને કયું ના કરવું એ સંબંધમાં જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ એવા પોતાના સંબંધીને માન આપીને તથા પ્રસન્ન કરીને પૂછે છે તે કોઇ દિવસ મૂંઝાતો નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *