વૃત્રાસુરની પ્રાર્થના
By-Gujju29-04-2023
વૃત્રાસુરની પ્રાર્થના
By Gujju29-04-2023
માણસનો અંતકાળ એકદમ સંનિકટ હોય અને એને એનું એક અથવા બીજી રીતે જ્ઞાન થયું હોય ત્યારે એણે શું કરવું જોઇએ ? એનું મુખ્ય કર્તવ્ય શું હોવું જોઇએ ? ઇશ્વરના સુખમય સ્મરણમનનનું અને ઇશ્વરમાં મન પરોવવાનું. બીજા બધા જ વિષયોમાંથી મનને પાછું વાળીને એણે ઇશ્વરમાં જ જોડી દેવું જોઇએ. વૃત્રાસુર એ વાતને સારી પેઠે સમજતો હતો એટલે એણે ઇશ્વરની પ્રાર્થનાનો આધાર લીધો. એ પ્રાર્થનાનો ભાગવતની અમર પ્રાર્થનાઓમાં સમાવેશ કરી શકાય તેમ છે. ભાગવતની જ નહિ પરંતુ સંસારની સુંદર પ્રાર્થનાઓમાં એની ગણના સહેલાઇથી થઇ શકે તેમ છે. ભાષા, ભાવ, પદલાલિત્ય, માધુર્ય, અર્થગૌરવ તથા સરસતા અને સરળતાની દૃષ્ટિએ એનું સ્થાન આગળ પડતું અથવા અજોડ છે. ચાર શ્લોકની એ સુંદર, અદ્દભુત, પ્રેમરસ ભરપુર પ્રાર્થનામાં ભક્તિભાવનું સરસ, પરિપૂર્ણ પ્રતિબિંબ પડે છે. એ પ્રાર્થના આ રહી :
अहं हरे तव पादैकमूलदासानुदासो भवितास्मि भूयः ।
मनः स्मरेतासुपतेर्गुणांस्तेगृणीत वाक् कर्म करोतु कायः ॥
न नाकपृष्ठं न च पारमेष्ठयं न सार्वभौमं न रसाधिपत्यम् ।
न योगसुद्धिरपु नर्भव वा समग्जस त्वा विरहय्य कांक्षे ॥
अजातपक्षा इव मातरं खगा स्तन्यं यथा वत्सराः क्षुधार्ताः ।
प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोङरविन्दाक्ष दिदृक्षते त्वाम् ।
ममोत्तमश्लोकजनेषु सरव्यं संसारचक्रे भ्रमतः स्वकर्मभिः ।
त्वन्माययाङङत्मात्मजदारगेहेष्वासक्तचित्तस्य न नाथ भूयात् ॥
(સ્કંધ ૬ અધ્યાય ૧૧ શ્લોક ર૪થી ર૭)
‘હે પ્રભુ ! તમારા ચરણકમળનો આશ્રય લેનારા એકનિષ્ઠ અનન્ય ભાવભક્તિવાળા ભક્તોના દાસ બનવાનું અને એમની સેવા કરવાનું સદ્દભાગ્ય મને મારા બીજા જન્મમાં સાંપડે એવી કૃપા કરો. મારું મન તમારા મંગલમય મધુર ગુણોનું સ્મરણ કરે, મારી વાણી એમનું સંકીર્તન કરે, ને હે પ્રાણાધાર ! મારું શરીર સદા તમારી સેવામાં જ સંલગ્ન રહે એવો અમૂલખ આશીર્વાદ આપી દો.’
‘હે સર્વસૌભાગ્ય ભંડાર પ્રભુ ! તમને છોડીને હું સ્વર્ગ, બ્રહ્મપદ, અખિલ બ્રહ્માંડનું સામ્રાજ્ય, રસાતલનું એકછત્ર રાજ્ય, યોગની અણિમાદિ સિદ્ધિ અને મોક્ષ પણ નથી માગતો. ’
‘પક્ષીઓનાં પાંખ ફુટ્યા વિનાનાં બચ્ચાં વનમાં ગયેલી પોતાની માતાની રાહ જુએ છે. એમના પ્રાણમાં જેવો પ્રેમ હોય છે; માતાનું દૂધ પીવા માટે ક્ષુધાર્ત વાછરડાંના અંતરમાં જેવી આતુરતા હોય છે; અને વિયોગિની પ્રેમાળ પત્ની પોતાના પરદેશ ગયેલા પ્રીતમને મળવા માટે વ્યાકુળ હોય છે; એવી જ, અરે એથી યે વધારે વ્યાકુળતા, આતુરતા તથા પ્રીતિને લઇને હે કમળનયન ! મારું મન તમારા દેવદુર્લભ દર્શન માટે તૈયાર રહે એવું ઇચ્છું છું.’
‘પ્રભુ ! મારી આરાધના એવી અસાધારણ નથી કે મને મુક્તિ મળી શકે. હું મુક્તિની ઇચ્છા પણ નથી રાખતો. મારે જન્મ ભલે લેવો પડે. પરંતુ એ જન્મ દરમિયાન ભગવાનના-તમારા-પ્રેમી પવિત્ર ભક્તજનોનો કે સંતોનો પ્રેમ મને પ્રાપ્ત થાય, અને આ સંસારચક્રમાં વિહાર કરતાં તમારી અઘટિત ઘટનાપટીયસી મહામહિમામયી માયાના પ્રભાવથી જુદા જુદા જીવો દેહ, ગેહ, સ્ત્રી, પુત્ર, પરિવારાદિમાં જે ઘોર આસક્તિ કરે છે એ આસક્તિ મને કદાપિ ના થાય એવું માગી લઉં છું. એ આસક્તિને લીધે જીવ તમને ભૂલી જાય છે ને દુઃખી, બદ્ધ અને અશાંત થાય છે. એ આસક્તિનો મારામાં લવલેશ પણ ના હો.’
આત્મિક વિકાસના સાધકોને માટે આ પ્રાર્થના પરમકલ્યાણકારક છે. એ કોઇ એકાંતવાસી, સર્વસંબંધ પરિત્યાગી, સરિતાતટ કે ગિરિગહવર નિવાસી ભક્તના મુખમાંથી નથી નીકળી પરંતુ યુદ્ધના કોલાહલયુક્ત વિષમ વાતાવરણની વચ્ચે વસીને પણ મનને સ્વસ્થ ને પરમાત્મપરાયણ રાખવાનો પ્રયત્ન કરનારા એક પ્રવૃત્તિરત ભક્તના અંતઃકરણમાંથી પ્રાદુર્ભાવ પામી છે. એ દૃષ્ટિએ એની મહત્તા સવિશેષ છે. એ પ્રવૃત્તિરત પુરુષોને પણ પ્રેરણા પુરી પાડે છે ને પ્રવૃત્તિમાં નિવૃત્ત રહીને ઇશ્વરાનુસંધાન સાધવાની કળા શીખવે છે. ભાગવતમાં વર્ણવાયલા ભક્તોમાં વૃત્રાસુરનું વ્યક્તિત્વ એ એક પ્રખર પ્રવૃત્તિપરાયણ પાત્ર હોવાથી જુદું જ તરી આવે છે. માણસ બાહ્ય દૃષ્ટિએ ગમે તેવું કર્મ કરતો હોય તો પણ એનો અંતરાત્મા કેટલો બધો ઇશ્વરપરાયણ ને ઊંચો રહી શકે છે એનું આદર્શ ઉદાહરણ એના પરથી મળી રહે છે.
પોતાની પ્રાર્થનાને પૂરી કરીને વૃત્રાસુર યુદ્ધ કરવા પ્રવૃત્ત થયો. એણે ઇન્દ્રની ઉપર ભયંકર સુતીક્ષ્ણ ત્રિશૂળ ફેંક્યું.
પરંતુ ઇન્દ્રે લેશ પણ વિચલિત થયા વિના એ ત્રિશૂળને તથા વૃત્રાસુરની વિશાળ ભુજાને વજ્રની મદદથી કાપી નાખીને સંતોષ માન્યો.
તો પણ વૃત્રાસુર નાસીપાસ થવાને બદલે ક્રોધે ભરાઇને ફરી લડવા લાગ્યો. એણે પરિધના પ્રહારથી ઇન્દ્રના વજ્રને નીચે પાડી નાખ્યું.
એ પછી એ ઇન્દ્રને ઐરાવત હાથી સાથે એની માયાથી ગળી ગયો. એ જોઇને લાગતાવળગતા સૌ દુઃખી થયા. પરંતુ ઇન્દ્ર યોગમાયાથી સંપન્ન તથા નારાયણ કવચમાં નિષ્ણાત હોવાથી એના પેટમાં પહોંચીને પણ મર્યો નહિ. એણે પોતાના વજ્રથી એના પેટને ચીરી નાખ્યું ને બહાર આવીને એના મસ્તકને ધડથી અલગ કર્યું. એ વખતે એના શરીરમાંથી બહાર નીકળેલી આત્મજ્યોતિ ભગવાનના સુધામય સ્વરૂપમાં ભળી ગઇ. વૃત્રાસુરના જીવન પર પડદો પડી ગયો.