Sunday, 8 September, 2024

વૃત્રાસુરનું પૂર્વચરિત્ર – 2

271 Views
Share :
વૃત્રાસુરનું પૂર્વચરિત્ર – 2

વૃત્રાસુરનું પૂર્વચરિત્ર – 2

271 Views

દેવર્ષિ નારદ ચિત્રકેતુના ને સૌના મનનું સંપૂર્ણ સમાધાન કરવાની ઇચ્છા રાખતા હોવાથી એમણે એમની સવિશેષ શક્તિના ઉપયોગથી એક અદ્દભુત ચમત્કાર કર્યો. એ ચમત્કાર એમને સારું સહજ હતો. એમણે ચિત્રકેતુના મૃત પુત્રના જીવાત્માને શોકાકુલ સ્વજનોની આગળ પ્રત્યક્ષ બોલાવ્યો. ભાગવતની એ ઘટના આપણને અત્યંત સુસ્પષ્ટ રીતે સૂચવી જાય છે કે પ્રાચીન ભારતમાં મૃતાવાહનવિદ્યાનું પ્રચલન હતું, એ વિદ્યાના ઇચ્છા પ્રમાણે આવશ્યકતાનુસાર સફળ પ્રયોગો થતા, અને દેવર્ષિ નારદ એ વિદ્યામાં પણ પારંગત હતા. ઉપનિષદમાં સનત્કુમાર અને નારદના વાર્તાલાપનો જે નોંધપાત્ર પ્રસંગ આવે છે એમાં નારદજીએ સનત્કુમારને પોતે જેમાં નિષ્ણાત હતા એવી કેટલીય વિદ્યાઓનું વર્ણન કરી બતાવ્યું છે. એટલે અધ્યાત્મવિદ્યા સિવાયની બીજી વિદ્યાઓમાં પણ એમનો અધિકારપૂર્ણ પ્રવેશ હતો જ. આપણે ત્યાં ને પશ્ચિમમાં પણ મૃતવાહનવિદ્યાના સફળ પ્રયોગો થવા માંડ્યા છે. લોકો એમાં રસ પણ લે છે. છતાં પણ એમાં ગળાબૂડ ડૂબીને, એને જ સર્વ કાંઇ સમજીને, ઇશ્વરના સાક્ષાત્કારની મહત્વની સાધનાથી દૂર રહેવાથી જીવનનું શ્રેય નહિ સાધી શકાય ને શાશ્વતી શાંતિ પણ નહિ મેળવી શકાય. જીવનના મૂળભૂત અને આત્યંતિક કાયમી કલ્યાણને માટે ઇશ્વરાભિમુખ થવું જ પડશે.

દેવર્ષિ નારદે પેલા મૃત રાજપુત્રના આત્માને બોલાવીને એની સાથે વાર્તાલાપ કરતાં કહ્યું કે તારાં માતાપિતા ને સગાસંબંધી તારા વિયોગથી વ્યાકુળ થયા છે માટે તું ફરીથી શરીરમાં પ્રવેશ કરીને એમને આનંદ આપ અને રાજ્યસુખનો ઉપભોગ કર. પરંતુ જીવાત્માએ પાછા આવવાની ને શરીરને ધારણ કરવાની ના પાડી. એણે કહ્યું કે મને હવે આ શરીરની અને સ્વજનોની મમતા નથી રહી. જે વસ્તુનો જ્યાં સુધી સંબંધ હોય છે તે વસ્તુની ત્યાં સુધી મમતા રહેતી હોય છે. મેં મારા કર્મોને અનુસરીને અત્યાર સુધી આવાં અસંખ્ય શરીરોને બદલી નાખ્યાં. એ શરીરોમાં મને કોઇ પ્રકારની આસક્તિ નથી થઇ તો આ શરીરમાં આસક્તિ શા માટે થાય ? જીવાત્મા તો અવિનાશી, નિત્ય, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સૌના આશ્રયરૂપ અને સ્વયંપ્રકાશ છે. એમાં જન્મ ને મરણ જેવું કશું જ નથી. એને કોઇ પ્રિય-અપ્રિય, પોતાનું-પારકું નથી.

એવું કહીને એ જીવાત્મા ત્યાંથી જતો રહ્યો. એનાં સ્વજનોને અને રાજા ચિત્રકેતુને એની વાત સાંભળીને અતિશય આશ્ચર્ય થયું. એમને નવી દૃષ્ટિ મળી અને એને લીધે એમનો શોક તથા મોહ દૂર થયો. એના શરીરનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્ત્રીઓએ રાજકુમારને ઝેર આપીને એનું મૃત્યુ નીપજાવેલું તેમણે તેને માટે પશ્ચાતાપ કર્યો.

ચિત્રકેતુને વિવેક તેમ જ વૈરાગ્યભાવની પ્રાપ્તિ થઇ. એણે દેવર્ષિ નારદનાં ને મહર્ષિ અંગિરાના ચરણોમાં પ્રણામ કર્યા. દેવર્ષિ નારદે એની અસાધારણ શ્રદ્ધાભક્તિથી પ્રસન્ન થઇને એને અલૌકિક વિદ્યાનો ઉપદેશ આપ્યો. બંને મહાપુરુષો એ પછી ત્યાંથી ચાલી નીકળ્યા.

એ વિદ્યાના પ્રભાવથી ચિત્રકેતુને વિદ્યાધરોનું અખંડ આધિપત્ય મળ્યું. થોડાક વખત પછી મનની શુદ્ધિની પણ પ્રાપ્તિ થઇ. અને છેવટે એને ભગવાન શેષની સુખદ સંનિધિનો લાભ મળ્યો. ભગવાન શેષના દર્શનાનંદને પ્રકટ કરવા માટે એણે અતિશય ભાવવિભોર બનીને એમની સ્તુતિ કરી.

શેષ ભગવાન એની આગળથી અદૃશ્ય થયા પછી વિદ્યાધર ચિત્રકેતુ એમને પૂજ્યભાવે પ્રણામ કરીને આકાશમાર્ગે વિવિધ દિશાપ્રદિશામાં સ્વૈરવિહાર કરવા લાગ્યો.

એકવાર ચિત્રકેતુ ભગવાનના આપેલા અલૌકિક વિમાનમાં વિરાજીને વિહાર કરતો હતો. એ વખતે એણે એકાએક એક અદૃષ્ટપૂર્વ દૃશ્ય જોયું. મુનિઓની સભામાં સિદ્ધો અને ચારણોની વચ્ચે ભગવાન શંકર પાર્વતીને ગળે હાથ વીંટીને એને આલિંગન આપતાં બેઠેલા. એ દૃશ્ય જોઇને એને કાંઇનું કાંઇ થઇ ગયું. એ વિમાનની સાથે જ એમની પાસે પહોંચી ગયો ને પાર્વતીના સાંભળતાં જ હસવા ને મનમાં આવે તેમ બોલવા લાગ્યો. એણે કહ્યું કે આ સમસ્ત સંસારના ગુરુ અને ધર્માચાર્યની દશા તો જુઓ. એ સંસારમાં સર્વશ્રેષ્ઠ મનાતા ને પરમપૂજ્ય તરીકે પૂજાતા હોવા છતાં ભરી સભામાં સ્ત્રીને સાધારણ પુરુષની પેઠે નિર્લજ્જતાપૂર્વક આલિંગન આપીને બેસી રહ્યા છે. પામર વિષયી પુરુષો પણ મોટે ભાગે એકાંતમાં જ આવો વ્યવહાર કરતા હોય છે એટલે આમને તો એવા પુરુષોની સાથે પણ નથી સરખાવી શકાય તેમ.

ભગવાન શંકર તો એના એ અવિનયયુક્ત અપમાનજનક શબ્દો સાંભળીને શાંતિથી બેસી રહ્યા, પરંતુ પાર્વતીથી એવી રીતે શાંતિપૂર્વક ના બેસી રહેવાયું. એમણે ચિત્રકેતુની આસુરી વૃત્તિ જોઇને સત્વર શાપ આપ્યો કે તને પાપમય અસુરોની યોનિની પ્રાપ્તિ થાવ. એજ દંડ તારે માટે ઉચિત છે. એવા દંડને લીધે તું ફરીવાર કોઇ બીજા મહાપુરુષનું અપમાન કરવા નહિ પ્રેરાય.

પાર્વતીના શાપને સાંભળીને ચિત્રકેતુ વિમાનમાંથી ઉતરીને એમને પ્રણિપાત કરીને કહેવા લાગ્યો કે બે હાથ જોડીને તમારા શાપમાંથી મુક્ત થવાની કે એ શાપને હળવો કરવાની ઇચ્છા હું નથી રાખતો. ના, સ્વપ્ને પણ નહિ. હું તો મારી જે વાત તમને અનુચિત લાગી હોય તેને માટે મને સાચા દિલથી ક્ષમા કરો એટલી જ પ્રાર્થના કરું છું.

ચિત્રકેતુ એટલું બોલીને વિમાનમાં બેસીને વિદાય થયો. એને શાપ મળવા છતાં એણે સાચવેલી શાંતિ અજબ હતી. શંકર ભગવાને એને માટે એની પ્રશંસા કરી.

આદર્શ ભગવદ્દભક્તનું એ એક મોટું લક્ષણ છે. જીવનમાં સુખ આવે કે દુઃખ, સંપત્તિની વચ્ચે શ્વાસ લેવો પડે કે વિપત્તિની વચમાં, જય મળે કે પરાજય, અનુકૂળતામાં વસવું પડે કે પ્રતિકૂળતામાં, અને આશીર્વાદ મળે કે અભિશાપ, તો પણ સર્વે સ્થળે ને કાળે એ સ્વસ્થ ને શાંત રહેતો હોય છે. પ્રત્યેક પરિસ્થિતિને એ પરમાત્માના પ્રસાદરૂપે સ્વીકારીને એમાં આનંદાનુભવ કરતો હોય છે.

ચિત્રકેતુ ધારત તો પાર્વતીને સામો શાપ આપી શક્ત પરંતુ એણે એવું કરવાને બદલે શાંતિ રાખીને એની ઉદાત્તતાને બતાવી આપી. જો કે ભરી સભામાં એણે શંકર ભગવાનને માટે જે શબ્દો કહ્યા એ એની ઉદાત્તતાના પરિચાયક ન હતા, તો પણ પાછળથી એણે એમને માટે ક્ષમાયાચના કરી એટલું સારું હતું. જે ભૂલ નથી કરતો તે તો મહાન છે જ પરંતુ ભૂલ કરીને જે ભૂલને પકડી પાડે છે, સુધારે છે, ને ભૂલનું પુનરાવર્તન નથી કરતો તે પણ ઓછો મહાન નથી જ.

ચિત્રકેતુ જ એવી રીતે એના બીજા જન્મમાં વૃત્રાસુર થયો. દૈત્ય યોનિમાં જન્મ થવા છતાં પણ એને ઇશ્વરવિષયક જ્ઞાન તથા ભક્તિ વારસામાં મળ્યાં. એને લીધે જ અંતકાળ વખતે એ પોતાના મનને ઇશ્વરમાં જોડી શક્યો.

સમાજમાં વૃત્રાસુરની કમી નથી. દીનતા, કંગાલિયત, અનર્થ અને આતંક બધે જ ફેલાયલાં છે. એનો અંત આણીને સમાજને સ્વસ્થ, સમૃદ્ધ, સમુન્નત, સુખી અને શાંત કરવા માટે સૌએ દધીચિ બનવાની અથવા સમર્પણ કરવાની આવશ્યકતા છે. આવશ્યકતાનુસાર સર્વસમર્પણ કરવા પણ તૈયાર રહેવાનું છે. સમાજને પોતાની સાર્વત્રિક સુખાકારીને માટે એવા દધીચિઓની આવશ્યકતા છે જે એને માટે જરૂર પડ્યે પોતાના પ્રિયમાં પ્રિય પદાર્થનો ત્યાગ કરતાં પણ ના અચકાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *