Sunday, 22 December, 2024

યક્ષ અને યુધિષ્ઠિર

377 Views
Share :
યક્ષ અને યુધિષ્ઠિર

યક્ષ અને યુધિષ્ઠિર

377 Views

{slide=Yudhisthir meet Yaksha}

During the years of Pandavas exile, an interesting incident occurred. It so happened that a Brahmin was performing yagna at his place and he tied his sacrificial offering stick on the branch of a tree. Incidentally, a deer came there and began scratching its head with its horns. Out of sheer misfortune, deer ran away with the stick stuck in its horns. Brahmin was in dilemma. Not knowing what to do, he approached Yudhisthir and asked for help.

Yudhisthir, along with his brothers, followed the deer but could not catch it and lost its sight. They were tired and thirsty. Yudhisthir asked Nakul to look for water from nearby place. Nakul set off and reached a pond nearby. As Nakul was about to drink its water, a voice stopped him. The voice asked him to reply to his questions before drinking its water. Nakul was thirsty, so he ignored the voice and began drinking the water. As a result, Nakul became lifeless.

It took Nakul longer than expected so Yudhisthir sent Sahadev but he also met with similar fate. Arjun and Bhim also became lifeless in similar way. Finally, Yudhisthir looked for his brothers and reached that place. He saw his brothers lying there although he could not know its cause. He was thirsty so he tried to drink water from the pond and there he heard the voice. It was Yaksha’s voice. He asked Yudhisthir to answer his questions. Thus began dialogue between Yaksha and Yudhisthir.

યુધિષ્ઠિરે પોતાના પ્રિય બંધુઓ સાથે કામ્યક વનનો ત્યાગ કરીને પરમ રમણીય દ્વૈતવનમાં પુનઃ પ્રવેશ કર્યો.

એ રમ્ય વનમાં અસંખ્ય વિવિધ વૃક્ષો તથા સ્વાદિષ્ટ ફોરમવંતા ફળફૂલ અને મૂળ હતાં.

એ પરમ રમણીય વિશાળ વનમાં પાંડવો દ્રૌપદી સાથે રહેવા માંડયા ત્યારે તેમને માટે એક આકરી કસોટી કરનારી કલેશકારક ઘટના બની.

એ ઘટના રોચક તથા બોધપ્રદ હોવાથી વર્ણવી લઇએ.

કોઇક ધર્મકર્મપરાયણ તપસ્વી બ્રાહ્મણે એ વિશાળ વનના વૃક્ષ પર અગ્નિને ઉત્પન્ન કરવાનાં અરણીપાત્ર તથા મથનદંડ રાખેલાં તે વૃક્ષની સાથે માથું ઘસતા કોઇ હરણના શિંગડામાં ભરાઇ જવાથી, તે હરણ એ સાધનો સાથે કૂદતું કૂદતું અતિશય વેગપૂર્વક ભયભીત બનીને આશ્રમથી દૂર નીકળી ગયું.

હરણને યજ્ઞસાધનોનું હરણ કરતું જોઇને અગ્નિહોત્રના રક્ષણની ઇચ્છાથી પ્રેરાઇને પેલો બ્રાહ્મણ ત્યાં દોડી આવ્યો.

એણે પોતાના જીવનમાં આવી પડેલી એ અસાધારણ આપત્તિ સમયે શક્ય તેટલી સઘળી સહાયતા પહોંચાડવા માટે ધર્મરાજ યુધિષ્ઠિરને કાકલૂદીભરી પ્રાર્થના કરી.

એ પ્રાર્થનાને લક્ષ્યમાં લઇને યુધિષ્ઠિર અન્ય પાંડવો સાથે ધનુષબાણને લઇને એ હરણ પાછળ પડયા.

એમણે અરણ્યમાં દોડી રહેલા એ હરણને વિવિધ પ્રકારનાં બાણો મારીને પકડવાનો કે બાંધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પ્રયત્ન વ્યર્થ ગયો.

હરણ એકાંત અરણ્યમાં આગળ ને આગળ દોડતું છેવટે અદૃશ્ય થઇ ગયું.

ક્ષુધા તૃષાથી ઘેરાયલા, પરિશ્રમથી પીડાયલા, પાંડવો પોતાનો પરિશ્રમ નિષ્ફળ ગયો છે એવા નિરાશાજનક અનુભવની અસર નીચે આવીને, એ વિશાળ ગહન વનમાં એક વિપુલ વટવૃક્ષની શીળી છાયામાં બેસી ગયા.

યુધિષ્ઠિરે નકુલને વૃક્ષ પર ચઢીને નજીકમાં કયાંય જલાશય દેખાય અથવા જળનો આશ્રય લઇને વિસ્તરેલાં વૃક્ષો દેખાય તો તપાસ કરવાનો આદેશ આપ્યો, એટલે નકુલે વૃક્ષ પર ચઢીને ચારે તરફ અવલોકીને યુધિષ્ઠિરને જણાવ્યું કે મને વિશાળ જલાશયની નજીકમાં અસંખ્ય વૃક્ષો દેખાય છે. ત્યાં સારસ પક્ષીઓના સ્વર પણ છૂટતા સંભળાય છે. એથી ત્યાં પાણી હોવું જ જોઇએ એવું ચોક્કસ અનુમાન કરી શકું છું.

યુધિષ્ઠિરે એને ત્યાં પહોંચીને પાણી પીને સૌને માટે પાણી લાવવાનું કામ સોંપ્યું.

એમના આદેશને અનુસરીને નકુલ જલાશયની દિશામાં દોડયો ને જોતજોતામાં અસાધારણ અનોખા ઉત્સાહપૂર્વક જલાશય પાસે પહોંચી ગયો.

સારસ પક્ષીઓથી સુશોભિત શુદ્ધ સુંદર જલાશયને નિહાળીને પરમ પ્રસન્નતા તથા સંતોષપૂર્વક એણે એની પાસે પહોંચીને એના પાણીને પીવાની ઇચ્છા કરી. એજ વખતે એકાએક આકાશવાણી સંભળાઇ. એ આકાશવાણી એક યક્ષની હતી. એની દ્વારા એને કહેવામાં આવ્યું કે તું સાહસ ના કરીશ. મેં પ્રથમથી જ એક નિયમ કર્યો છે કે મારા પ્રશ્નોના ઉત્તરો આપશે તે જ આ જલાશયના પાણીને પી શકશે.

નકુલે એ વાણીને લક્ષમાં લીધા સિવાય પાણીની તરસ લાગી હોવાથી પાણી પીવાનું પ્રારંભ્યું. પરિણામે તે પાણીને પીતાવેંત જ ધરતી પર ઢળી પડયો.

પાણી પાણીને ઠેકાણે રહ્યું.

નકુલને પાણી લઇને પાછા ફરતાં ધાર્યા કરતાં ઘણો વધારે વિલંબ થયો એટલે યુધિષ્ઠિરને સ્વાભાવિક રીતે જ ચિંતા થઇ.

એમણે સહદેવને નકુલની તપાસ કરવા અને એની સાથે શક્ય હોય તો પાણી લઇને પાછા ફરવા જણાવ્યું.

સહદેવે અરણ્યમાં આગળ વધતાં જળાશય પાસે પહોંચીને નકુલના શરીરને ધરતી પર ઢળી પડેલું જોયું અને અસાધારણ સંવેદન અનુભવ્યું.

એણે પાણી પીવાની તૈયારી કરી ત્યાં જ એકાએક પેલી આકાશવાણી થઇ.

એને નગણ્ય સમજીને એણે પાણી પીધું તો તે જ વખતે એનું શરીર અચેતન બનીને ધરતી પર ઢળી પડયું.

એ પછી આવ્યો અર્જુનનો વારો. યુધિષ્ઠિરની આજ્ઞાને શિરોધાર્ય ગણીને વિદ્રના વિજેતા અર્જુને ધનુષબાણ તથા તલવાર સાથે વનમાં પ્રયાણ કર્યું.

જલાશય પાસે મૃતાવસ્થામાં પડેલા પોતાના બંને બંધુઓને નિહાળીને એને ખૂબ જ દુઃખ થયું.

એને પણ આકાશવાણીનો એવો જ અનુભવ થયો ત્યારે એણે જણાવ્યું કે તું મારી આગળ પ્રત્યક્ષ થા તો મારાં તીક્ષ્ણ બાણોથી તારા ટુકડા કરી નાખું.

એણે અસ્ત્રવિદ્યાથી મંત્રેલા બાણોની ચારે તરફ વર્ષા વરસાવી. તો પણ યક્ષે સહેજ પણ ગભરાયા વિના એને આકાશવાણી દ્વારા કહ્યું કે તારાં બાણોનો મારા પર કશો જ પ્રભાવ નથી પડતો. તારે પાણી પીવું હોય તો આ પ્રકારના કોઇ જ બળ પ્રદર્શનની આવશ્યકતા નથી. મારા પ્રશ્નોના પ્રત્યુત્તર પ્રદાન કર્યા સિવાય જો તું આ પવિત્ર જલાશયનું પાણી પીશે તો તારી દશા પણ તારા બંધુઓ જેવી જ થશે.

પરંતુ એ અકળ અદભુત આકાશવાણીને અગત્ય ના આપીને અર્જુને અહંકારવશ થઇને પાણીને પીવાનો પ્રારંભ કર્યો. એ જ વખતે એનું શરીર આકાશવાણીના નિર્દેશાનુસાર ધરતી પર ઢળી પડયું.

યુધિષ્ઠિરની સૂચનાને અનુસરીને એ ત્રણે ભાઇઓની શોધમાં ગયેલા અને જલાશય પાસે પહોંચેલા ભીમસેનની પણ એવી જ દશા થઇ.

હવે યુધિષ્ઠિરને એમની માહિતી મેળવવા માટે ગયા સિવાય છૂટકો ના થયો.

યુધિષ્ઠિર કનકવર્ણી કુસુમોથી કમનીય, કમળપંક્તિથી વિભૂષિત સરવર પાસે પહોંચી ગયા.

ઇન્દ્રના જેવા ગૌરવવાળા પોતાના ભાઇઓને એના શાંત તટપ્રદેશ પર અચેતાવસ્થામાં પડેલા જોઇને એ અતિશય દુઃખી થયા. અને ચિંતામગ્ન બનીને વિવિધ પ્રકારે વિલાપ કરવા લાગ્યા.

એમણે સહેજ સ્વસ્થ થઇને સરોવરમાં પ્રવેશીને પાણી પીવાનો વિચાર કર્યો ત્યારે પાછી એ જ આકાશવાણી સાંભળવા મળી.

એને સાંભળીને યુધિષ્ઠિરે જણાવ્યું કે તમે પ્રથમથી અધિકારમાં લીધેલા પાણીની હું ઇચ્છા કરતો નથી. હું મારી બુદ્ધિ પ્રમાણે તમારા પ્રશ્નોના પ્રત્યુત્તરો પ્રદાન કરવાનો પ્રયાસ કરીશ. માટે તમે મને જે પૂછવું હોય તે પૂછી શકો છો.

એવી રીતે યક્ષ તથા યુધિષ્ઠિરનો સંવાદ શરૂ થયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *