Sunday, 8 September, 2024

યમલાર્જુનનો ઉદ્ધાર

316 Views
Share :
યમલાર્જુનનો ઉદ્ધાર

યમલાર્જુનનો ઉદ્ધાર

316 Views

ભગવાન કૃષ્ણની બાળલીલાના પ્રસંગોમાં યમલાર્જુનના ઉદ્ધારનો પ્રસંગ પણ આવી જાય છે.

યશોદાએ એકવાર વલોણું કરવાનું શરૂ કર્યું. વલોણું કરતી વખતે એણે કૃષ્ણની જીવનલીલાઓનું ચિંતનમનન અને જયગાન કરવા માંડ્યું. એ વખતે કૃષ્ણ એની પાસે પયપાનની આકાંક્ષાથી આવી પહોંચ્યા અને એને વળગી પડ્યા. યશોદા એમને પયપાન કરાવતાં એમના સુંદર મુખમંડળને જોવા લાગી. એટલામાં તો પાસેની સગડી પર રાખેલા દૂધમાં ઊભરો આવવાથી યશોદા એ દૂધને જોવા માટે કૃષ્ણને અતૃપ્ત રાખીને જ ત્યાં ચાલી ગઇ. એની એ પ્રવૃત્તિ એમને સારી ના લાગી. એમણે રોષે ભરાઇને બાજુમાં પડેલી દહીંની મટકીને ફોડી નાખી, આંખમાં કુત્રિમ આંસુ પેદા કર્યાં, અને બીજા ખંડમાં જઇને વાસી માખણ ખાવાનો આરંભ કર્યો.

એ પોતે તો એક ઊંધા પાડેલા ખાણિયા પર ચઢીને માખણ ખાઇ રહેલા પરંતુ સાથે સાથે છીંકા પરનું માખણ લઇને વાંદરાને ખવડાવતા હતાં. વાંદરા ઉજાણી કરી રહેલાં. એ જોઇને યશોદા લાકડી લઇને આવી પહોંચી એટલે એમણે એના હાથમાં ના આવવા માટે દોટ મૂકી.

યશોદાએ એમની પાછળ દોડીને એમને પકડી પાડ્યા. કૃષ્ણને ભયભીત બનેલા જોઇને એણે લાકડીને ફેંકી દીધી પરંતુ એમને દંડ દેવાનો વિચાર ના છોડ્યો. એણે એમને દોરીથી બાંધવાનો નિર્ણય કર્યો. એણે દોરીથી બાંધવાનો પ્રયાસ કર્યો પણ દોરી બે આંગળ ટુંકી પડી. એ એમને એની મદદથી ખાણીયા સાથે બાંધવા માંગતી હતી. પરંતુ જેમણે જગતના જુદા જુદા બધા જ જીવોને વિવિધ કર્મબંધનોથી બાંધ્યા છે તેમને તેમની તૈયારી ના હોય તો સામાન્ય દોરીથી કોણ બાંધી શકે ? એવી અસાધારણ શક્તિ કોનામાં છે ?

યશોદાએ વારાફરતી ઘરની બધી જ દોરીઓ ભેગી કરીને જોડી જોઇ પરંતુ તે છતાં પણ દોરી બે આંગળ ટૂંકી પડતી ગઇ. કૃષ્ણને બાંધવાનું કામ અશક્ય થઇ પડ્યું. એ જોઇને ત્યાં ઊભેલી ગોપીઓ હસવા લાગી ને યશોદા પોતે પણ આશ્ચર્યચકિત બની ગઇ. એને પરસેવાથી લથપથ થયેલી, હારેલી ને થોકેલી જોઇને ભગવાન કૃષ્ણ પોતાની મેળે જ બંધનમાં બંધાઇ ગયા. શુકદેવજી એ પ્રસંગનું વર્ણન કરતાં કહે છે કે ભગવાન કૃષ્ણ સર્વોપરી ને સ્વતંત્ર છે. બ્રહ્મા તથા ઇન્દ્રાદિ દેવોની સાથે સંપૂર્ણ જગત પર એમનો અધિકાર છે. એમને પ્રેમી ભક્તો પોતાની પ્રેમદોરીથી બાંધી શકે છે. કહો કે એ પોતે જ એમની અલૌકિક પ્રેમદોરીથી સદાને માટે બંધાઇ જાય છે. એ બતાવવા માટે જ એ યશોદાની સ્થૂળ દોરીથી બંધાઇ ગયા.

*

યશોદા ઘરકામમાં પ્રવૃત્ત થઇ એટલે ખાણીયા સાથે બંધાયેલા કૃષ્ણે એમને છાજે એવું એક અદ્દભુત પરાક્રમ કરી બતાવ્યું. ખાણીયા સાથે ધીરે ધીરે ઘરની બહારનાં યમલાર્જુન વૃક્ષોની પાસે પહોંચી ગયા. વૃક્ષોની વચ્ચેથી ચાલીને એ તો બહાર નીકળી ગયા પરંતુ ખાણીયો ના નીકળી શક્યો. પોતાની કમરે બાંધેલી દોરીની મદદથી એમણે એને ખેંચતાવેંત જ એના આઘાતથી એ બંને વૃક્ષો પૃથ્વી પર પડી ગયાં. પરંતુ વિશેષ આશ્ચર્યકારક દૃશ્ય તો એ જોવા મળ્યું કે એ બંને વૃક્ષોમાંથી અગ્નિપુંજ જેવા પરમપ્રકાશ સંપન્ન બે સિદ્ધ પુરુષો બહાર આવ્યા. એમના અસાધારણ સૌન્દર્યથી દિશાપ્રદિશાઓ શોભી ઊઠી. એમણે ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી.

એ પરમ તેજસ્વી સિદ્ધપુરુષો કોણ હતા ને વૃક્ષોમાંથી કેવી રીતે પ્રકટ્યા ? એ નલકૂબર તથા મણિગ્રીવ નામના કુબેર પુત્રો હતા. કુબેરના ધની પુત્રો હોવાથી ને શંકર ભગવાનના સેવક બનવાથી એ ખૂબ જ ઘમંડી બની ગયેલા. એકવાર એ બંને મંદાકિનીના તટપ્રદેશ પરના કૈલાસના ઉપવનમાં મદિરાપાનથી મદોન્મત્ત બનીને વિહરી રહેલા. સ્ત્રીઓ સાથે કામક્રીડા કરતાં એ સરિતામાં પ્રવેશીને જાતજાતની કામક્રીડાઓ કરવા લાગ્યા.

કામ માણસને મોહિત કરે છે અને અંધ બનાવે છે. એ પણ વિવેકાંધ બની ગયા. એટલામાં ત્યાંથી દેવર્ષિ નારદ નીકળ્યા. એમને જોઇને અપ્સરાઓ શરમાઇ ગઇ ને કપડાં પહેરવા લાગી પણ એ યક્ષોએ કપડાં ના પહેર્યા એટલે એમની બુદ્ધિને ઠેકાણે લાવવા માટે દેવર્ષિ નારદે એમને શાપ આપ્યો કે તમને બંનેને વૃક્ષયોનિની પ્રાપ્તિ થાવ. વૃક્ષયોનિની પ્રાપ્તિ થયા પછી પણ તમને ભગવાનની સ્મૃતિ ચાલુ રહેશે ને છેવટે ભગવાન કૃષ્ણનું સાનિધ્ય સાંપડશે. ભગવાનનાં ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરીને અંતે તમે તમારા લોકમાં આવી જશો.

એવું કહીને નારદજી ભગવાન નરનારાયણના આશ્રમ તરફ ચાલી નીકળ્યા.

એ શાપને લીધે એ બંને યક્ષપુત્રો યમલાર્જુન નામનાં વૃક્ષો બની ગયાં.

નંદે એ નષ્ટમૂલ વૃક્ષો પાસે ખાણિયા સાથે દોરીથી બાંધવામાં આવેલા અને સ્વેચ્છાથી બંધાયલા કૃષ્ણને જોયા. એમણે પુત્ર પ્રત્યેના સ્વાભાવિક પ્રેમથી પ્રેરાઇને એમને વહેલી તકે બંધનમુક્ત કરી દીધા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *