Friday, 17 January, 2025

યયાતિને શુક્રાચાર્યનો શાપ

359 Views
Share :
યયાતિને શુક્રાચાર્યનો શાપ

યયાતિને શુક્રાચાર્યનો શાપ

359 Views

Sukracharya decided to leave the place ruled by King Vrishparva. King tried to convince him not to leave. Sukracharya asked the king to please his daughter. When King asked, Devyani told that Sharmistha along with her friends became maid servant and follow her wherever she go. King agreed.

Later, Devyani got married to King Yayati. Devyani’s father asked Yayati to show reverence towards Sharmistha but to never enter into a relationship with her. Yayati agreed and Sharmistha followed Devyani as her maid. However, it did not take long for Sharmistha to enter into a relationship with King Yayati. She became mother of his three kids. When Sukracharya came to know about it, he cursed Yayati to become old.
Yayati prayed so Sukracharya added that you can become young again if one of your son willingly take your old age. That son would become King and would continue your lineage.

સદગુરુ શુક્રચાર્યે પોતાની પુત્રી દેવયાની સાથે શર્મિષ્ઠા દ્વારા કરાયલા દુર્વ્યવહારને માટે રાજા વૃષપર્વાને ઠપકો આપીને એના રાજ્યને ત્યાગવાની તૈયારી દર્શાવી ત્યારે વ્યથિત વૃષપર્વાએ એમની પોતાની રીતે પ્રશંસા કરીને માફી માગી.

શુક્રાચાર્યે એને દેવયાનીને પ્રસન્ન કરવા જણાવ્યું એટલે એ દેવયાની પાસે પહોંચ્યો.

દેવયાનીએ કહ્યું કે મારા પરમપૂજ્ય પિતા મને જ્યાં પણ આજ્ઞા આપે ત્યાં શર્મિષ્ઠા મને સહસ્ત્ર કન્યાઓ સાથે દાસી થઇને અનુસરે.

વૃષપર્વાના કહેવાથી શર્મિષ્ઠાએ દેવયાનીની એ માગણીને માન્ય રાખી. એ પછી દેવયાનીની ઇચ્છાને અનુસરીને શુક્રાચાર્યે રાજા વૃષપર્વાનો નગરમાં પ્રવેશ કર્યો.

એ ઘટના પછી દેવયાની તથા યયાતિના પુનર્મિલનની પળ આવી પહોંચી.

પુનર્મિલનની પળ ? હા. એમના પુનર્મિલનની પરમપ્રેરક પાવન પળ.

મહાભારતમાં આલેખ્યા પ્રમાણે – “સુદીર્ઘ સમય પછી સુંદરી દેવયાની સહસ્ત્ર દાસીઓ અને શર્મિષ્ઠા સાથે તે જે વનમાં ક્રીડા માટે ગઇ અને યથેચ્છ ફરવા લાગી. ત્યાં તે સર્વસખીઓ સાથે બહુ જ આનંદ પામી. તે સર્વે ક્રીડાઓ કરતી, મધુવૃક્ષનું મધુ પીતી, વિવિધ ભોજનો કરતી, અને ફળોને આરોગતી હતી. એવામાં મૃગયાની ઇચ્છાવાળો અને થાકથી પીડાયેલો નહુષપુત્ર યયાતિ પાણી માટે ફરી વનનાં તે જ વિભાગમાં આવી પહોંચ્યો. તેણે મધુપાન કરતી, ક્રીડા કરતી, અને સુંદર આભૂષણોથી વિભૂષિત થયેલી દેવયાની અને શર્મિષ્ઠાને જોઇ. વળી નિર્મળ હાસ્યવાળી, અજોડ રૂપવાળી, સુંદરીઓમાં શ્રેષ્ઠ, અને શર્મિષ્ઠાથી પગચંપી જેવી સેવા પામતી તે દેવયાનીને બેઠેલી જોઇ.”

યયાતિએ એ બંનેનો પરિચય પૂછયો એટલે દેવયાનીએ પરિચય પ્રદાન કર્યો.

દેવયાનીની જિજ્ઞાસાના જવાબમાં રાજા યયાતિએ પણ પોતાની ઓળખાણ આપી. યયાતિએ આશ્ચર્ય વ્યક્ત કરતાં શર્મિષ્ઠા પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહ્યું કે આ મનોહર ભ્રમરવાળી અને અત્યંત સુંદર આકર્ષક અંગવાળી કન્યા દાનવપતિ વૃષપર્વાની પુત્રી હોવાં છતાં તારી સખી તથા સેવિકા શી રીતે થઇ, તો દેવયાની કેવળ એટલું જ બોલી કે સૌ કોઇ ભાગ્યને જ અનુસરે છે એટલે એ  હકીકતને પણ ભાગ્યાધીન જ સમજો. એણે વધારામાં દાસી શર્મિષ્ઠા તથા સહસ્ત્ર સુકુમારીઓ સાથે પોતાને પત્ની તરીકે સ્વીકારવાની માગણી કરી.

યયાતિએ એ પ્રસ્તાવના અનુસંધાનમાં એના પિતાના અનુમોદનની ઇચ્છા દર્શાવી એટલે દેવયાનીના સંદેશને સાંભળીને શુક્રાચાર્ય સત્વર આવી પહોંચ્યા. તેમણે પોતાની પુત્રી દેવયાનીને પટરાણી તરીકે સ્વીકારવાની પ્રાર્થના કરી.

યયાતિએ દેવયાની સાથે લગ્ન કરવાથી પોતાને વર્ણસંકરતાનો દોષ ના લાગે એવું વરદાન માંગ્યું.

શુક્રાચાર્યે એ વરદાન આપીને બીજા વરદાનને પણ માગવા માટે જણાવ્યું. વધુમાં સવિશેષ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે દેવયાનીને તમે તમારી ધર્મપત્ની તરીકે સ્વીકારો. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને સદા માન આપજો પરંતુ કદી શય્યાભાગિની ના કરશો.

રાજા યયાતિએ શુક્રાચાર્યના શબ્દોને માન્ય રાખીને એમની પૂજ્યભાવે પ્રદક્ષિણા કરીને દેવયાની સાથે શાસ્ત્રોક્ત વિધિવિધાનને અનુસરીને લગ્ન કર્યું.

લગ્ન પછી દેવયાની તથા શર્મિષ્ઠા સરખી સઘળી દાસીઓ સાથે તે પોતાની રાજધાનીમાં પહોંચ્યો.

યયાતિ તથા દેવયાનીનો એ લગ્નપ્રસંગ દર્શાવે છે કે દેવયાનીની લગ્ન માટેની માગણી એના પિતા શુક્રાચાર્યની સંમતિ પછી જ યયાતિએ મંજૂર રાખી. પોતાને વર્ણસંકરતાનો દોષ લાગે નહીં તેનું પણ ધ્યાન રાખ્યું એ લગ્નપ્રસંગ પાછળ લેશ પણ ઉતાવળ નહોતી; સંપૂર્ણ આત્મજાગૃતિ હતી, વિવેક હતો.

પરંતુ લગ્ન પછીનાં વરસોમાં વખતના વીતવાની સાથે એ આત્મજાગૃતિ અને વિવેકશક્તિ મોળી કે મંદ પડી હોય એવું લાગે છે. એટલે તો યયાતિએ શુક્રાચાર્યની આજ્ઞાને અવગણીને, શર્મિષ્ઠાની માગણી તથા લાગણીને લક્ષમાં લઇને, શર્મિષ્ઠા સાથે શરીર સંબંધ કર્યો. એ શરીરસંબંધ વરસો સુધી ચાલુ રહેવાથી શર્મિષ્ઠાને ત્રણ પુત્રો થયા.

દેવયાનીને એની માહિતી મળી ત્યારે એને અસાધારણ દુઃખ થયું. એ ખૂબ જ ક્રોધે ભરાઇને પોતાના પિતાને ત્યાં જવા માટે તૈયાર થઇ.

યયાતિ દેવયાનીની દશા દેખીને સંતાપ પામ્યો અને એને મનાવવા માટે એની પાછળ ચાલ્યો. દેવયાની સાથે શુક્રાચાર્ય પાસે પહોંચીને એણે પ્રણામ કર્યા.

શુક્રાચાર્યે દેવયાની દ્વારા સઘળી કથાને સાંભળ્યા પછી યયાતિને જણાવ્યું કે તમે ધર્મજ્ઞ હોવા છતાં અધર્મનું કાર્ય કર્યું છે એટલે તમને વૃદ્ધાવસ્થા તરત જ ઘેરી વળશે.

શુક્રાચાર્યના શાપથી યયાતિ સત્વર વૃદ્ધાવસ્તાને પામ્યો.

એણે શુક્રાચાર્યને જણાવ્યું કે મને હજુ દેવયાનીના સુખોપભોગથી સંપૂર્ણ તૃપ્તિ નથી થઇ, એટલે મને વૃદ્ધાવસ્થાના શાપના પરિણામમાંથી મુક્તિ આપો.

શુક્રાચાર્યે શાપને હળવો કરતાં કહ્યું કે કોઇ બીજાને વૃદ્ધાવસ્થા આપી શકાશે. મારું ધ્યાન ધરીને તમે તમારી ઇચ્છા પ્રમાણે બીજાને વૃદ્ધાવસ્થા આપી શકશો. તેથી તમને પાપ નહી લાગે. જે પુત્ર તમને તમારા વાર્ધક્યના બદલામાં પોતાનું યૌવન આપશે તે જ રાજા થશે, આયુષ્ય તથા કીર્તિને મેળવશે, અને અનેક સંતાનોવાળો બનશે.

એ શબ્દોને સાંભળીને યયાતિને સહેજ સંતોષ થયો. અલ્પ આશ્વાસન મળ્યું.

શારીરિક સુખોપભોગની વાસનાની નિવૃત્તિ સદસદવિવેકની પ્રાપ્તિ તથા તેના પરિણામે સાંપડનારી વૈરાગ્યની જાગૃતિ વિના નથી થતી. એને યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા સાથે એટલો સમીપનો સંબંધ નથી હોતો જેટલો મનની અવસ્થા સાથે. યયાતિના મનની અવસ્થા પરિપકવતા પર નહોતી પહોંચી તેથી તેને વૃદ્ધાવસ્થાનું દુઃખ થયું આજે પણ કેટલાય માનવો કુદરતી રીતે આવતી વૃદ્ધાવસ્થાને પસંદ કરવાને અથવા અપનાવવાને બદલે તેનો વિરોધ કરીને તેને રાખવા કે કુત્રિમ રીતે બાહ્ય સાધનસામ્રગીની  સહાયથી યુવાન દેખાવાનો, ને શારીરિક સુખોપભોગોને સુદીર્ઘ સમયપર્યંત ભોગવવાનો પ્રયત્ન કરે છે. એ સઘળા યયાતિઓ છે ને યયાતિનું સ્મરણ કરાવે છે. એમની વાસના અબાધિત બને છે, અમર્યાદ કરે છે, અને એમને અસ્વસ્થ અને નિરાશ કરે છે. યયાતિનું કથાનક એવો સેવાપયોગી શાશ્વત સંદેશ ધરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *