Sunday, 22 December, 2024

યોગીઓની ગતિ વિશે

348 Views
Share :
યોગીઓની ગતિ વિશે

યોગીઓની ગતિ વિશે

348 Views

ભાગવતના દ્વિતીય સ્કંધના દ્વિતીય અધ્યાયમાં યોગીઓની ગતિ તથા શક્તિ વિશે વર્ણવવામાં આવ્યું છે. એ વર્ણન પ્રમાણે યોગી પુરુષ પોતાના પાર્થિવ તનુનો પરિત્યાગ કરવાનો નિર્ણય કરે ત્યારે મનમાં દેશનો કે કાળનો વિચાર ના આવવા દે. પ્રકૃતિના બધા જ પદાર્થો અને વિષયોમાંથી મનને પાછું વાળીને કેવળ આત્મામાં જ સ્થિર કરવાનો પ્રયત્ન કરે. એ સઘળા લૌકિક સંકલ્પવિકલ્પોને શાંત કરીને આસન પર વિરાજમાન થાય તથા પ્રાણનો સંયમ સાધે. એની સાથે સાથે મન તથા બુદ્ધિને અંતરાત્મામાં લીન કરી દે. એ પછી અંતરાત્માને પરમાત્મામાં જોડી દે, અને પ્રશાંતિની પરમ પવિત્ર અવસ્થામાં સ્થિતિ કરે. યોગીની ધન્યતા એમાં જ રહેલી છે. એ અલૌકિક અવસ્થામાં તમોગુણ, રજોગુણ કે સત્વગુણ કશાનું અસ્તિત્વ નથી રહેતું. કેવળ પરમાત્મા જ શેષ રહે છે.

ચિત્તને વાસનારહિત તથા વિશુદ્ધ બનાવી ચૂકેલા, જિતેન્દ્રિય અને પરમાત્માપરાયણ યોગીએ એવી રીતે શરીરનો ત્યાગ કરવો. સૌથા પહેલાં પગની એડીથી ગુદાને દબાવીને સ્થિર થવું ને પ્રાણવાયુને ષટ્ચક્રભેદનની પદ્ધતિનો આધાર લઇને ઉપર લઇ જવો. નાભિપ્રદેશમાં આવેલા મણિપૂરકમાં રહેલા વાયુને હૃદયના અનાહતચક્રમાં, ત્યાંથી વિશુદ્ધચક્રમાં, પછી આજ્ઞાચક્રમાં ને છેવટે બ્રહ્મરંધ્રમાં સ્થાપિત કરવો. એ પછી બ્રહ્મરંધ્રનો ત્યાગ કરીને સ્થૂળ શરીરને છોડી દેવું. યોગીની ઇચ્છા બ્રહ્મલોકમાં જવાની, અષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરીને સિદ્ધોની સાથે વિહરવાની, કે બ્રહ્માંડના કોઇયે પ્રદેશમાં પરિભ્રમણ કરવાની હોય તો એણે મન તથા ઇન્દ્રિયોને લઇને જ શરીરની બહાર નીકળવું. પરંતુ એવા પરિભ્રમણથી શો હેતું સરી શકે ? આદર્શ યોગી એની આકાંક્ષા નથી રાખતા.

એ ગતિ અથવા સાધના તો યોગીઓની થઇ, પરંતુ જે ચરણાનુરાગી ભક્ત છે તે જીવનના અંતકાળ વખતે શું કરે ? એમની સાધના કેવી હોય ? એમનો યોગ પવિત્ર પ્રેમભક્તિનો યોગ હોય છે. એટલે એ બીજા યોગની ચિંતા નથી કરતા. એમને ભક્તિયોગની શ્રેયસ્કર સાધના દ્વારા જરૂરી બધા જ ફળની પ્રાપ્તિ થાય છે. એ ઇશ્વરના સ્મરણ, મનન અને ધ્યાનમાં મનને એકાગ્ર કરે છે અને એ અવસ્થામાં જ શરીરને પરિત્યાગે છે. એમનું મન પહેલેથી જ ઇશ્વરપરાયણ હોવાથી એમની સદ્દગતિનો કોઇ સંશય નથી રહેતો. એમને તો પહેલેથી જ – અંતકાળ પહેલાંથી જ સદ્દગતિની પ્રાપ્તિ થઇ હોય છે. જીવનની છેલ્લી પળે એ મનને ઇશ્વરમાં જોડેલું રાખીને ઇશ્વરમાં મળી જાય છે. એવાં નિર્મળ મનના નિર્વાસનિક એકનિષ્ઠ ભક્તોને ઇશ્વર સિવાય બીજી કોઇયે વસ્તુની કામના નથી હોતી. એ ઇશ્વરને જ પોતાની એક માત્ર પરમગતિ માને છે.

શુકદેવજી પરીક્ષિતને સુંદર, સરળ, સારગર્ભિત શબ્દોમાં કહે છે કે જીવનનો મુખ્ય હેતું ભગવાન કૃષ્ણની અનન્ય પ્રેમમયી ભક્તિની પ્રાપ્તિનો છે. એના કરતાં શ્રેષ્ઠ કલ્યાણકારક સાધના બીજી કોઇ જ નથી. ધર્મનો સાર એ જ છે કે ભગવાન કૃષ્ણના ચારુ ચરણોમાં પ્રેમ થાય. જડચેતનાત્મક સમસ્ત જગતના રૂપમાં, એ જગતની અંદર અને બહાર વિરાજમાન છે. એટલા માટે મનુષ્યોએ એમનું જ સ્મરણ, મનન, સંકીર્તન તથા નિદિધ્યાસન કરવું જોઇએ.

ભગવાનની ભક્તિની પ્રાપ્તિ માટે કથાશ્રવણ તથા સંકીર્તન જેવું સુયોગ્ય સાધન બીજું કોઇ જ નથી. એ સાધનોની લ્હાણી શુકદેવજી જેવા પ્રાતઃસ્મરણીય સંતપુરુષો સદાય કરતા હોય છે. એમના અનુગ્રહથી જીવનમાં ભક્તિનો ઉદય થઇ શકે છે. કથાશ્રવણ, સંકીર્તન, સ્વાધ્યાય તથા સત્સંગથી વિષયોનો વિષમય પ્રભાવ દૂર થાય છે ને ભગવાનની સંનિધિનો સ્વાનુભવ સહજ બને છે.

ભાગવતના દ્વિતીય સ્કંધના ત્રીજા અધ્યાયની પરિસમાપ્તિ પહેલાં ભગવાનની કલ્યાણકારક કથાના શ્રવણમાં સ્વર્ગસુખથી પણ સવિશેષ સુખનો અનુભવ કરનારા સત્સંગપ્રેમી શૌનકના શબ્દો ખાસ નોંધવા જેવા છે. એ ભાગવતના સુંદર સાહિત્યભંડારના શાશ્વત શબ્દો છે. શૌનક કહે છે :

‘જેનો સમય ભગવાન કૃષ્ણના ગુણગાનમાં, ગુણસંકીર્તન અને ગુણશ્રવણમાં વ્યતીત થાય છે એના સિવાય બીજા બધાનું જીવન વ્યર્થ છે. સૂર્યના ઉદય અને અસ્ત સાથે એમનું આયુષ્ય ઓછું થતું જાય છે. વૃક્ષો પણ જીવવાને ખાતર જીવે છે, લુહારની ધમણ શ્વાસ લે છે, અને જનાવરો પણ માનવની પેઠે ખાય છે, પીએ છે, ને મળમૂત્રનો ત્યાગ કરે છે. તો પછી માનવોમાં ને એમનામાં શો ફેર છે ? જેણે ભગવાન કૃષ્ણની સરસ કથાઓ કદી પણ નથી સાંભળી તેનું જીવન તદ્દન નિરર્થક છે.’

‘મનુષ્યના જે કાન ભગવાન કૃષ્ણની કથાનું શ્રવણ કદી પણ નથી કરતા તે કાન દરના જેવા છે. જીભ જો ભગવાનની લીલાઓનું જયગાન ના કરતી હોય તો દેડકાની જીભ જેવી જાણી લેવી. તેવી જીભ તો ના હોય તો જ સારું. જે મસ્તક કદી ભગવાન કૃષ્ણના ચારુ ચરણોમાં નમતું કે ઢળતું નથી તે રેશમી વસ્ત્રોથી સુશોભિત અને મુકુટથી મંડિત હોય તો પણ બોજારૂપ છે એમ જ સમજી લેવું. જે હાથ ભગવાનની સેવાપૂજા નથી કરતા તે સોનાના કડાંથી શણગારેલા હોય તો પણ મડદાના હાથ બરાબર છે. જે આંખ ભગવાનની સંસ્મૃતિ કરાવનારી મૂર્તિ કે તીર્થસ્થાનનું દર્શન નથી કરતી તે આંખને મોરપંખમાં અંકિત આંખ જેવી નિરર્થક માની લેવી. જે પગ ચાલવાની શક્તિથી સંપન્ન હોવા છતાં પણ ભગવાનના લીલાસ્થોળોની કે તીર્થોની યાત્રા નથી કરતા તે સ્થાવર વૃક્ષોથી પણ નપાવટ છે,’

‘ભગવાનના પરમપ્રેમી ભક્તોની કે સંતોની ચરણધુલિને જેણે પોતાના મસ્તક પર નથી ચઢાવી તે મનુષ્ય જીવંત હોવા છતાં મૃત જેવો છે. સૂતજી ! ભગવાનનાં મંગલમય નામોનું સ્મરણ, સંકીર્તન અથવા શ્રવણ કરવાથી જે પ્રેમથી પરિપ્લાવિત થઇને ભગવાન તરફ વહેવા ના માંડે તે હૃદયને શું હૃદયનું સુંદર અથવા સાર્થક નામ આપી શકાય ? કદી પણ નહિ. તેને હૃદય કરતાં વજ્રના નામથી ઓળખીએ એ જ ઉચિત છે. ભગવાનના અદ્દભુત ગુણાનુવાદને લીધે હૃદય પ્રેમથી પુલકિત તથા પરિપ્લાવિત થઇને પીગળી જાય છે. ત્યારે આંખમાંથી અશ્રુપાત થાય છે અને રોમેરોમમાં રોમાંચ. અંગ પ્રત્યંગમાં અસાધારણ આનંદનો અર્ણવ ઊછળવા લાગે છે.’

એક વાત અવશ્ય યાદ રાખવા જેવી અને સાચી છે કે સમસ્ત સંસારમાં ઇશ્વરનું દર્શન કરીને કે ઇશ્વરના મંગલ મહિમાને ભિન્નભિન્ન રીતે અનુભવીને જે પોતાના જીવનની સમગ્ર સામગ્રી તથા શક્તિ દ્વારા બીજાની સેવાનાં કે સમુન્નતિનાં સત્કર્મો કરે છે તેના પર ઇશ્વરના આશીર્વાદ ઉતરે છે. એમનું જીવન પણ સુખશાંતિથી સંપન્ન ને ધન્ય બને છે. એમના જીવનનાં એ સત્કર્મો સાધનારૂપ જ બની જાય છે. એવી સાધના એમને અને અવરને માટે આશીર્વાદરૂપ ઠરે છે. એવી સાધનાની ઉપેક્ષા ના કરી શકાય અને એને નિરર્થક પણ ના કહેવાય.

સ્વનામધન્ય, પરમાત્મપરાયણ, પ્રાતઃસ્મરણીય, સંતશિરોમણિ શુકદેવજી સંસારનું પરમ મંગલ કરવામાં પ્રવૃત્ત હોવાથી પરીક્ષિતને નિમિત્ત બનાવીને પોતાનો સર્વહિતકર શાંતિદાયક સદુપદેશ સંભળાવી રહ્યા હતા ત્યારે ઉપદેશકનું જીવન ઉપદેશ સાથે ઓતપ્રોત હોય તો અધિક અસરકારક થઇ પડે છે. શુકદેવજી કેવળ ઉપદેશક નહોતા પરંતુ જીવન જીવનારા દૈવી જ્યોતિર્ધર હતા. ઉપદેશ તો ઇચ્છા કે અનિચ્છાએ આપવો પડે એવી અસાધારણ પરિસ્થિતિ એમને માટે આપોઆપ પેદા થયેલી. એ એને અનુકુળ થઇ રહેલા અને અનુભૂતિના આધાર પર બોલી રહેલા એટલું જ. એમના ઉદ્દગોશમાં એથી જ અસાધારણ શક્તિ પેદા થયેલી. જે કેવળ યાંત્રિક રીતે બોલવા ટેવાયેલાં હોય એમની અંદર એવી શક્તિ ના હોય. એ દૃષ્ટિએ શુકદેવજીનું સ્થાન ઘણું મહત્વનું છે. જીવનની આધ્યાત્મિક સમસ્યાઓનો સંતોષકારક ઉકેલ લાવીને એ મુક્તિ તથા પૂર્ણતાની અસાધારણ અવસ્થા પર પહોંચી ચૂક્યા હોવાથી એમની વાણી કેવળ વિદ્વાન કે પંડિતની વાણી નહોતી, જિજ્ઞાસુ કે સાધકની વાણી પણ નહોતી, પરંતુ પરમાત્માદર્શી, પરમાત્માનિષ્ઠ. સિદ્ધપુરુષની સ્વાનુભવાત્મક વાણી હતી. એ વાણી પરીક્ષિતનું કલ્યાણ કરવાની સાથે સાથે સમસ્ત માનવજાતિનું મંગલ કરવા માટે નિર્માયલી.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *