Sunday, 22 December, 2024

યુધિષ્ઠિરનો વિષાદ

415 Views
Share :
યુધિષ્ઠિરનો વિષાદ

યુધિષ્ઠિરનો વિષાદ

415 Views

{slide=Yudhishthir’s sadness}

When the first day of the great war came to an end, Yudhisthir met Krishna and expressed his apprehensions. Yudhisthir was worried as Kauravas army, spearheaded by invincible Bhishma, fought with vengeance and caused substantial damage in the Pandavas camp. Moreover, Yudhisthir could not find a single person on their side who could stop Bhishma in the battlefield. He believed that it was just a matter of time before Kauravas would win over them.

Krishna consoled Yudhisthir and told him that Pandavas camp also contains great warriors like King Drupada, Dhristadhyumna, King of Virat etc. Krishna also reminded that Shikhandi, who was fighting for Pandavas, was born to kill Bhishma. Krishna himself was in Pandavas camp so there was no reason for Yudhisthir to worry. Krishna’s words gave a breather to Yudhisthir.

This incident holds great significance as Arjuna was not the only one who lost heart but Yudhisthir also lost patience during Mahabharat war. It also signifies an important role played by Krishna in steering Pandavas to victory and boosting their morale during the war.

પ્રથમ દિવસે યુદ્ધના પ્રતિસ્પર્ધી કૌરવ-પાંડવ સૈન્યો પાછાં ફર્યા ત્યારે ભીષ્મ પિતામહ યુદ્ધમાં અતિશય આવેશમય બનવાથી દુર્યોધનની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સર્વ ભાઇઓ તથા પક્ષના સઘળા સુપ્રસિદ્ધ રાજાઓની સાથે સત્વર જનાર્દન પાસે ગયા. ભીષ્મના પરાક્રમને પેખીને તેમને પોતાના પરાજયની શંકા થવાથી તે ભારે ચિંતામાં પડયા હતા.

તેમણે વૃષ્ણિભૂષણ શ્રીકૃષ્ણને કહેવા માંડયું કે ભયંકર પરાક્રમવાળા મહાન ધનુર્ધારી ભીષ્મને તો જુઓ ! ઉનાળામાં અગ્નિ જેમ ખેતરના ખડને ખાખ કરી નાખે છે તેમ તે બાણો વડે મારા સૈન્યનો સંહાર કરી રહ્યા છે. એ મહાત્મા પુરુષની સામે અમે આંખ પણ કેવી રીતે માંડી શકીએ ? આહુતિ પામેલા અગ્નિની જેમ એ મારા સૈન્યને ભસ્મીભૂત કરી રહ્યા છે. ધનુર્ધર અને મહાબળવાન એ નરસિંહને નિહાળીને તેમજ તેમનાં બાણોનો સ્વાદ ચાખીને મારું સૈન્ય સમરાંગણમાં નાસભાગ કરી મૂકે છે. સંગ્રામમાં કોપે ચઢેલા યમને, વજ્રપાણિ ઇન્દ્રને, પાશધારી વરુણને, ગદાધર કુબેરને જીતી શકાય, પણ મહાબળવાન તથા મહાતેજસ્વી ભીષ્મને તો જીતી શકાય જ નહીં. આ સ્થિતિમાં હું વગર નાવે ભીષ્મરૂપી અગાધ જળમાં ડૂબ્યો છું. હે કેશવ ! મારી બુદ્ધિની દુર્બળતાને લીધે હું ભીષ્મનો મેળાપ થતાં જ વનમાં ચાલ્યો જઇશ. એમ કરીને જીવતા રહેવામાં મારું શ્રેય સધાશે. હે કૃષ્ણ ! આ પૃથ્વીપાલોને હું ભીષ્મરૂપી કાળના મુખમાં મૂકવા ઇચ્છતો નથી. મહાન અસ્ત્રવેતા ભીષ્મ મારી આખી સેનાને સંહારી નાખશે. જેમ પતંગિયા પરમ પ્રજ્વલિત પાવકમાં ઝંપલાવીને નાશ પામે છે તેમ મારા સૈનિકો પણ સંગ્રામમાં ધસીને વિનાશને વહોરે છે. હે વાષ્ણેય ! હું રાજ્યના લોભથી આજે વિનાશને આરે ઊભો રહ્યો છું, અને આ મારા વીર ભાઇઓ બાણોથી પીડાઇને કષ્ટ પામી રહ્યા છે. ભાઇભાઇના હેતથી તેઓ મારે માટે રાજ્યથી અને સુખોથી વંચિત થયા છે. હું જીવનનું જતન કરું છું. અને એ જીવન જ અત્યારે અશક્ય બન્યું છે. હવે તો હે કેશવ ! શેષ જીવન દરમિયાન હું તીવ્રતમ તપ જ તપીશ. મારા મિત્રોને રણમાં મરાવીશ નહીં. મહાબળવાન ભીષ્મ દિવ્ય અસ્ત્રોને છોડીને મારા અનેક રથીઓને અને અત્યુત્તમ યોદ્ધાઓને નિત્ય સંહારી નાંખે છે. હે માધવ ! મારું હિત કેવી રીતે થાય એમ છે એ કહો. આ સવ્યસાચી અર્જુન તો યુદ્ધમાં જાણે તટસ્થ જેવો થઇ ગયેલો લાગે  છે. એક મહાબાહુ ભીમ જ ક્ષાત્રધર્મને યાદ રાખીને બાહુબળથી પરમ શક્તિપૂર્વક યુદ્ધ કરે છે. વીરપુરુષોના ઘાત કરનારી ગદા વડે એ ઉદારચિત્ત ભીમ રથો, અશ્વો, પુરુષો અને ગજોમાં પોતાના ઉત્સાહ પ્રમાણે અદભુત પરાક્રમ કરે છે. છતાં, એ એકલો સો વરસ સુધી આ પ્રમાણે યુદ્ધ કરે તો પણ શત્રુસેનાનો અંત લાવી શકે તેમ નથી. તમારો મિત્ર અર્જુન એક જ અસ્ત્રવેત્તા છે, પણ તે તો ભીષ્મ અને મહાત્મા દ્રોણ અમને બાળી રહ્યા છે છતાંય અમારી ઉપેક્ષા કરે છે. ભીષ્મ અને મહાત્મા દ્રોણે વારંવાર યોજેલાં એ દિવ્ય અસ્ત્રો સર્વે ક્ષત્રિયોને બાળી નાખશે. સર્વ રાજાઓની સાથે રહીને અત્યંત ક્રોધમાં આવેલા ભીષ્મ અમારો અવશ્ય નાશ કરી નાંખશે. એવું એમનું પરાક્રમ છે.

રણમાં દાવાગ્નિ જેવા ભીષ્મને ઠારે એવો કોઇ મેઘ જેવો મહારથી તો બતાવો. હે ગોવિંદ ! તમારી કૃપા હશે તો જ પાંડવો શત્રુઓનો નાશ કરી શકશે. તો જ તેઓ પોતાના રાજ્યને પામશે. અને તો જ તેઓ પોતાના બંધુઓ સાથે આનંદ ભોગવશે.

એમ કહીને ઉદારચિત્ત પૃથાનંદન યુધિષ્ઠિર શોકથી વ્યાકુળ થઇ ગયા અને શૂન્ય મનથી વિચાર કરવા લાગ્યા.

તેમને શોકાતુર થયેલા તેમજ દુઃખથી ભાન ખોઇ બેઠેલા જાણીને સર્વ પાંડવોને હર્ષ પમાડતાં ગોવિંદે કહ્યું કે તમે શોક ના કરો. આ લોકમાં પ્રસિદ્ધ ધનુર્ધરો તમારા ભાઇઓ શૂરવીર છે. હું તમારું પ્રિય કરનારો છું. મહાયશસ્વી સાત્યકિ છે, વિરાટરાજ છે, દ્રુપદરાજ છે, અને ધૃષ્ટધુમ્ન છે. એ સર્વ રાજાઓ સબળ છે. તે તમારા ભક્ત છે, અને તમારી કૃપાને ઇચ્છે છે. આ દ્રુપદનંદન ધૃષ્ટધુમ્ન સદાય તમારા હિતને ઇચ્છે છે. અને તમારું પ્રિય કરવા માટે તત્પર છે. એ મહાબળવાને તમારું સેનાપતિપદ સ્વીકાર્યું છે. વળી આ શિખંડી તો ભીષ્મના કાળરૂપે જ નિર્માયો છે.

કૃષ્ણનાં એ વચનોને સાંભળીને યુધિષ્ઠિરનો શોક મટી ગયો. અને એમને આશ્વાસન અને માર્ગદર્શન મળ્યું.

મહાભારતના ભીષ્મપર્વના પચાસમા અધ્યાયના આ પ્રસંગનો ઉલ્લેખ આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે એના પરિશીલનથી કેટલોક મહત્વનો નવો પ્રકાશ પડી શકે છે. એ પ્રસંગ પુરવાર કરે છે કે મહાભારતના મહાયુદ્ધમાં પ્રથમ યુદ્ધદિવસની પરિસમાપ્તિ પછી યુધિષ્ઠિરને વિષાદ થયો હતો. યુધિષ્ઠિરને વૈરાગ્યભાવ જાગવાથી એમણે રાજ્યની આકાંક્ષાને તિલાંજલિ આપીને વનમાં જવાની ઇચ્છાની અભિવ્યક્તિ કરેલી. ભગવદગીતાના આરંભમાં પ્રથમ અધ્યાયમાં અર્જુનને વિષાદ થયો એવું વર્ણન કરાયલું છે. ત્યાં વિષાદગ્રસ્ત ચિંતામગ્ન વૈરાગ્યરત યુધિષ્ઠિરનું વર્ણન નથી કરાયું. પરન્તુ મહાભારતમાં યુધિષ્ઠિરના એવા વ્યક્તિત્વની પ્રતિચ્છબીને પ્રસ્તુત કરવામાં આવી છે. વિદ્વાનો કે વિચારકોને એના પરથી અવનવા પ્રકાશની પ્રાપ્તિ થઇ શકે તેમ છે.

એ પ્રસંગ એક અન્ય વસ્તુ પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરે છે. તે વસ્તુ મહાભારત યુદ્ધમાં ભજવાયલા શ્રીકૃષ્ણના ભાગની છે. શ્રીકૃષ્ણ યુદ્ધમાં પક્ષકાર નહોતા બનવાના, તો પણ સત્યના, ન્યાયના, નીતિના, માનવમંડિત મોરચાની મદદે ઊભા રહીને, એ પાંડવોને મંગલ માર્ગદર્શન આપી શક્યા, આશા, શ્રદ્ધા, ધીરજ, હિંમતથી સંપન્ન કરી શક્યા, અને પોતાની અલૌકિક આત્મશક્તિની સહાયતાથી એમને સલાહ સૂચનો આપીને એમની અમુલખ અસાધારણ અનેરી અસ્ક્યામત બની ગયા. દુર્યોધન એમના એવા મૂલ્યને નહોતો સમજી શક્યો. અર્જુન અને પાંડવો સમજી શકેલા.

પાંડવોને આશાન્વિત કરવામાં તેમજ વિજયી બનાવવામાં શ્રીકૃષ્ણનો ફાળો અતિશય મૂલ્યવાન, અમોઘ અને ઐતિહાસિક હતો. યુદ્ધો કેવળ શસ્ત્રોથી, સેનાપતિઓથી અને સેનાથી નથી જિતાતાં, બુદ્ધિબળથી, ચારિત્ર્યથી, સત્યની નિષ્ઠાથી, મહાપુરુષોના અથવા ઇશ્વરના આશીર્વાદથી, અને મંગલ માર્ગદર્શનથી પણ જીતાય છે. એ સંપૂર્ણપણે સાચું છે.

એટલે કે શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ થયા, તથા પાંડવો પ્રત્યે સહાનુભૂતિ અથવા અનુકંપા રાખતા થયા, ત્યારથી જ એમનો વિજય સુનિશ્ચિત બન્યો, એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી.

O

યુધિષ્ઠિરના વિષાદવર્ણનના ઉપર્યુક્ત ઘટનાપ્રસંગ પરથી એવી જિજ્ઞાસા જાગવાનો સંભવ છે કે મહાભારતના મહાભીષણ મહાયુદ્ધમાં સાચેસાચ કોને વિષાદ થયો – અર્જુનને કે યુધિષ્ઠિરને ? કે પછી તે બંનેને ? ભગવદ્ ગીતામાં અર્જુનને વિષાદગ્રસ્ત તરીકે વર્ણવવામાં આવ્યો છે અને યુદ્ધના બીજા દિવસે યુધિષ્ઠિરને વિષાદ થયો એવું મહાભારતમાં આલેખાયું છે. અર્જુન કરતાં યુધિષ્ઠિર એવા પ્રસંગે વહેલા વિષાદગ્રસ્ત બની જાય એ સહેલાઇથી સમજી શકાય તેવું છે. છતાં પણ વિષાદ ના જ થાય એવું માનવા-મનાવવાનું કોઇ કારણ નથી. અર્જુનનો વિષાદ પણ એકદમ અસંભવ નથી લાગતો. અર્જુનના વિષાદના પરિણામે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉત્તમ ઉપદેશની સર્વહિતકર સૃષ્ટિ થઇ. યુધિષ્ઠિરના વિષાદમાંથી એવી કોઇ સુંદર સર્વોપયોગી સર્વોત્તમ સાહિત્યકૃતિ ના સરજી શકાઇ.

મહાભારતના યુદ્ધમેદાનમાં ભગવદ્ ગીતાનો સદુપદેશ સાચેસાચ આપવામાં આવેલો ? એવો પ્રશ્ન પણ ગીતાના વાચકો તથા વિચારકો તરફથી વારંવાર પૂછવામાં આવે છે.

ભગવદ્ ગીતાનો સદુપદેશ કવિતામાં તો નહિ જ અપાયો હોય એવું ચોક્કસપણે લાગે છે. જે પણ ઉપદેશ આપવામાં આવ્યો હશે તેને કવિતામાં પાછળથી મહાભારતકારે વણી લીધો હશે. યુધિષ્ઠિરના વિષાદ પરથી પ્રેરણા પામીને મહાભારતકારે અર્જુનના વિષાદની અને વિષાદના અંત માટેના ઉપર્યુક્ત ઉપદેશની કલ્પના કરી હોય એવું પણ બની શકે. મહાકવિ કાલિદાસના મેઘદૂતમાં મેઘને સંદેશાવાહક બનાવવાની વાત આવે છે. પરન્તુ એની પાછળ પ્રેમ છે, સંવેદન છે, સહાનુભૂતિ છે, આત્મીયતા છે. અર્જુનના વિષાદ પછી અપાયેલા વિસ્તૃત-અતિ વિસ્તૃત, વિવિધ વિષયો પરના વકતવ્યનું પણ એવું હોઇ શકે.

ભગવદ્ ગીતામાં અધ્યાયોની નામાવલિ અને પ્રત્યેક અધ્યાયના અંતે આવતુ ‘ તત્સદિતિ’ જેવું વર્ણન શ્રીકૃષ્ણના મૂળ ઉપદેશમાં ના હોઇ શકે એ તો સહેજે સમજી શકાય તેમ છે.

ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવાની અનિવાર્ય આવશ્યકતા હતી કે કેમ, અને તે ઉપદેશ અપાયો છે કે કેમ, એ પ્રશ્નને બાજુએ રાખીને વાસ્તવદર્શી બનીને વિચારીએ તો એટલું અવશ્ય કહી શકાય કે ભગવદ્ ગીતાનો ઉપદેશ જે પણ સ્વરૂપમાં વરસોથી વહેતો આવ્યો છે તે સ્વરૂપમાં સર્વોપયોગી અથવા સર્વશ્રેયસ્કર છે. એણે માનવમનને પુષ્કળ પ્રેરણા પુરી પાડી છે ને પ્રકાશ ધર્યો છે. પથપ્રદર્શન પહોંચાડયું છે. એની અવજ્ઞા કરવાનું આપણને આજે પણ પોસાય તેમ નથી. એનો જેટલો પણ લાભ લેવાય એટલો ઓછો છે.

મહાભારતકાર મન-વચન-કર્મથી સત્યના આગ્રહી, પ્રેમી, પક્ષપાતી હતાં. એ ભગવદ્ ગીતાના ઉપદેશની કપોલકલ્પના કરે એવું માનવા મનાવવા માટે મન ના પાડે છે. એ ઉપદેશની પાછળ વાસ્તવિકતાનો મૂલાધાર તો હશે જ. લેખકે એ મૂલાધારનો પોતાની આગવી રીતે વિસ્તાર કર્યો હોય એવું સંભવી શકે, તો પણ તેથી એની ઉપકારકતા અને યથાર્થતામાં કોઇ પ્રકારનો ફેર નથી પડતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *