Sunday, 22 December, 2024

યુધિષ્ઠિરને યક્ષનાં વરદાન

376 Views
Share :
યુધિષ્ઠિરને યક્ષનાં વરદાન

યુધિષ્ઠિરને યક્ષનાં વરદાન

376 Views

{slide=Yaksha grant boon to Yudhisthir}

When Yudhisthir answered all of Yaksha’s questions to his satisfaction, Yaksha became happy and asked him to pick one of his brother to revive. Yudhisthir suggested Nakul’s name. Yaksha was surprised at Yudhisthir’s choice, as he expected that Yudhisthir would choose either Arjuna or Bhim.

Pandu, Yudhisthir’s father, had two wives – Madri and Kunti. Yudhisthir explained that Nakul was son of Madri, and if he would be alive than both the mothers, Nakul’s mother Madri as well as his mother Kunti would have a son. Yudhisthir said that for him equality is above all. He also clarified that one who protects and follows dharma, dharma protects that individual. Yaksha was happy with his answer and granted life to all his brothers.

Yudhisthir, then requested Yaksha to reveal his true identity. Yaksha said that he was dharma, Yudhisthir’s father. He assumed the form of a deer and ran away with sacrificial stick. He told Yudhisthir to ask for boons. Yudhisthir asked that Brahmin, whose sacrificial stick was lost, his yagna should continue without any interruption. Next, Yudhisthir mentioned that their exile was about to come to an end so he wanted protection of their identity during incognito. Yudhisthir also asked that his mind stay away from lust, anger and infatuations and would remain established in truth and equality. Dharma left after granting boons to Yudhisthir.
 

યુધિષ્ઠિરે યક્ષના પ્રશ્નોના જે સંપૂર્ણ સંતોષકારક પ્રત્યુત્તરો પૂરા પાડ્યા તેમને સાંભળીને યક્ષને સંતોષ અને આનંદ થયો. યુધિષ્ઠિરની લોકોત્તર વિદ્વતાથી એ ખૂબ જ પ્રભાવિત થયો ને બોલ્યો કે તેં આદર્શ પુરુષની અથવા સર્વસંપત્તિશાળી પુરુષની જે વ્યાખ્યા આપી છે તેથી મારું મન ખૂબ જ પ્રસન્ન થયું છે. હું તને તારા કોઇ પણ એક ભાઇના જીવનદાનનું વરદાન આપું છું. માટે એને અનુસરીને કોઇ પણ એક ભાઇને જીવંત કરવાની માગણી કરી લે.

યુધિષ્ઠિરને માટે એ પ્રસ્તાવ નવો હતો; તોપણ એમની સદબુદ્ધિની વિવેકવતી જ્યોતિ સદા જાગ્રત હોવાથી એમણે તરત જ જણાવ્યું કે તમે મારા મૃત ભાઇઓમાંથી કોઇ એક જ ભાઇને તમારા કથનાનુસાર જીવતો કરવા માગતા હો તો, આ શ્યામ, રક્ત નેત્રવાળા, વિશાળ શાલવૃક્ષના જેવા ઊંચા, વિશાળ ખભા તથા મહાન બાહુવાળા, નકુલને જીવતો કરી દો.

યુધિષ્ઠિરની વાત યક્ષને માટે ખૂબ જ વિસ્મયજનક થઇ પડી.

એણે એના વિસ્મયને વ્યક્ત કરતાં કહ્યું કે તારી આ માગણી મને વિચિત્ર લાગે છે. તારે એના પર પુનર્વિચાર કરવો જોઇએ. તને ભીમસેન પર પ્રેમ છે. વળી ભીમસેન મહાબળવાન છે. અર્જુન અસ્ત્રવિદ્યામાં કુશળ હોઇને તમારા સૌને આધારરૂપ છે. તે છતાં પણ તેમને ગૌણ ગણીને તું તારી સાવકી માતા માદ્રીના પુત્ર નકુલને જીવંત કરવા ઇચ્છે છે એ મને ખરેખર આશ્ચર્યકારક લાગે છે.

યુધિષ્ઠિરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે એમાં આશ્ચર્યકારક કશું જ નથી. માનવે હણેલો ધર્મ એને પોતાને હણે છે. એ જો ધર્મને રક્ષે છે ને પાળે છે તો ધર્મ પણ એનું સંરક્ષણ તથા પરિપાલન કરે છે. માટે અનુકૂળ કે પ્રતિકૂળ કોઇપણ સંજોગોમાં મારાથી ધર્મનો પરિત્યાગ નહિ થઇ શકે. પરમાર્થની દૃષ્ટિએ વિચારતાં સર્વ સમાનતા પરમધર્મ છે. હું સર્વસમાનતાને ઇચ્છુ છું. માનવો મને સદા ધર્મશીલ સમજે છે. માટે હું સ્વધર્મમાંથી ચલાયમાન નહિ બનું. મારા પિતાની કુંતી તથા માદ્રી બે પત્ની. એ બંને પુત્રવતી રહે એવી મારી ઇચ્છા છે. હું જીવતો રહીશ એટલે મારી માતા કુંતી પુત્રવતી કહેવાશે, પરંતુ માદ્રીનું શું ? માદ્રીના સહદેવ અને નકુલ બે પુત્રો છે તેમાં સૌથી નાનો નકુલ છે. તે જીવતો થાય તો માદ્રી પુત્રવતી રહી શકે. મારે માટે કુંતી તથા માદ્રી બંને પ્રિય છે. જેવી કુંતી છે તેવી જ માદ્રી છે. એ બંનેમાંથી મારે મને કોઇ ઓછું કે વધારે નથી. માટે તમે નકુલને જીવતો કરો તે બરાબર છે.

યક્ષની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.

યુધિષ્ઠિરની સમતા, તટસ્થતા તથા ઉદાત્તતાથી એ અતિશય પ્રભાવિત થયો.

એમના વિના એવી વિવેકપૂર્ણ વિશાળતા બીજું કોણ રાખી શકે ?

એમની એ ઉદારતા, વિશાળતા તથા ઉદાત્ત ધર્મભાવના સત્વર શુભ પરિણામ પ્રદાન કરનારી થઇ પડી.

એથી સંતોષ પામીને યક્ષે જણાવ્યું કે તું સર્વસામાન્યતાને અર્થ તથા કામ કરતાં પણ ઉત્તમ અથવા મહત્વની માને છે તેથી હું તારા સઘળા ભાઇઓ જીવતા થાય એવું વરદાન આપું છું.

ધર્મભાવનાનું અને એની દ્વારા પ્રેરાયલા ધર્માચરણનું પરિણામ સદા સારું જ આવે છે. એને માટે ધીરજ, તપ, તિતિક્ષા તથા શ્રદ્ધા જોઇએ. જેનામાં એની સાથે સમુદાર સમુજ્જવળ સદબુદ્ધિ હોય છે તેનો જીવનમાર્ગ મોકળો, મધુમય અને મંગલ બને છે.

યક્ષનાં વચનથી પાંડવો સજીવન થઇને બેઠા થયા અને એક ક્ષણમાં જ ક્ષુધાતૃષાથી મુક્ત બન્યા. ત્યારે યુધિષ્ઠિરે પૂછયું કે સરોવરમાં એક પગે ઊભા રહેલા તમે અપરાજિત કયા દેવ છો ? મારા મતથી તમે યક્ષ નથી. તમે વસુઓ, રુદ્રો, મરુતોમાંથી કોઇ શ્રેષ્ઠ છો ? અથવા વજ્રને ધારણ કરનારા સ્વર્ગાધિપતિ ઇન્દ્ર છો ? મારા ભાઇઓ લાખ લાખ યોદ્ધાઓ સાથે બાથ ભીડે એવા છે. એમને ઢાળી દે તેવા કોઇ યોદ્ધાને હું જોતો નથી. મારા ભાઇઓ સુખભરી નિદ્રામાંથી જાગ્યા હોય તેવા સ્વસ્થ છે. તો તમે અમારા મિત્ર છો કે પિતા છો ?

યક્ષે જણાવ્યું કે હું તારો પિતા ધર્મ છું. તને મળવાની ઇચ્છાથી આવ્યો છું. યશ, સત્ય, દમ, શૌર્ય, આર્જવ, લજ્જા, અચપલતા, દાન, તપ અને બ્રહ્મચર્ય મારાં અંગો છે. અહિંસા, સમતા, શાંતિ, તપ, પવિત્રતા અને મત્સરરહિતતા મારી પ્રાપ્તિનાં દ્વારો છે. તું મને સદૈવ પ્રિય છે. આત્મદર્શનમાં સાધનભૂત એવી પાંચ વસ્તુઓ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા અને સમાધિમાં તું પ્રીતિવાળો છે. તે એ ષટપદી ભૂખ, તરસ, શોક, મોહ, જરા અને મૃત્યુને જીતી છે. એમાંથી પહેલાં બે પદો ભૂખ તરસ મનુષ્યને જન્મની સાથે જ વળગે છે. વચલાં બે પદો શોક અને મોહ મધ્યવયમાં મળે છે, અને છેલ્લાં બે પદો જરા અને મૃત્યુ તેનામાં છેલ્લી ઉંમરમાં પ્રવેશે છે. તારી સર્વસમાનતાથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગ. તને તે આપીશ. જે પુરુષો મારા ભક્તો છે તેમની દુર્ગતિ થતી જ નથી.

યુધિષ્ઠિરે કહ્યું કે મૃગ જે બ્રાહ્મણના અરણીપાત્રને લઇને ચાલ્યો ગયો છે તેના અગ્નિઓનો લોપ ના થાય એ પ્રથમ વરદાન આપો.

યક્ષ બોલ્યો કે મૃગના વેશથી મેં જ તારી પરીક્ષા કરવા માટે એ બ્રાહ્મણના અરણીપાત્ર સાથેના સાધનને હરી લીધેલું. તારું કલ્યાણ હો, તું બીજું વરદાન માગ.

યુધિષ્ઠિર બોલ્યા કે અરણ્યમાં વસતાં એમને બાર વરસ થઇ ગયા છે. હવે ગુપ્તવાસ માટેનું તેરમું વરસ આવી રહ્યું છે. તો અજ્ઞાતવાસમાં રહેલા અમને મનુષ્યો કયારેય ઓળખી શકે નહિ એવું કરો.

ભગવાન ધર્મે એ માટે આશીર્વાદ આપ્યો. એમણે એને આશ્વાસન આપતાં કહ્યું કે તમે આ તેરમા વર્ષે વિરાટનગરમાં ગુપ્ત રહેજો. મારી કૃપાથી તમને કોઇ ઓળખી શકશે નહિ. તમે મનમાં જે જે રૂપને ધારણ કરવાનો સંકલ્પ કરશો તે તે રૂપને સૌ ઇચ્છા પ્રમાણે ધારણ કરી શકશો. તને વરદાનો આપતાં મને તૃપ્તિ જ થતી નથી. માટે તું મહાન અને અજોડ એવું ત્રીજું વરદાન માગી લે.

યુધિષ્ઠિર બોલ્યા કે હું લોભ, મોહ અને ક્રોધ ઉપર વિજય મેળવું અને મારું મન દાન, તપ તથા સત્યમાં સતત તત્પર રહે.

ધર્મે જણાવ્યું કે એ ગુણોથી તો તું સ્વભાવથી યુક્ત છે. તું સાક્ષાત્ ધર્મ છે. છતાં તેં જેમ કહ્યું તેમ જ થશે.

ભગવાન ધર્મ એ પછી અંતરધાન થયા અને સુખે સૂઇને ઊઠેલા હોય તેમ પાંડવો એકમેકને મળ્યા.

યક્ષ અને યુધિષ્ઠિરના એ આખ્યાનના અંતે જણાવ્યું કે આ મહાન આખ્યાનનો જે મનુષ્યો જિતેન્દ્રિય અને સંયમી રહીને પાઠ કરશે તે પુત્રવાન અને પૌત્રવાન થઇને સો વરસનું આવરદા ભોગવશે. જે મનુષ્યો આ પવિત્ર આખ્યાનને સારી પેઠે સમજશે તેમના મન કદી પણ અધર્મમાં, મિત્રભેદમાં, પરધનને હરવામાં, પરસ્ત્રીના સમાગમમાં કે કૃપણતામાં રમશે નહિ.

યક્ષ અને યુધિષ્ઠિરના આખ્યાનની એ ફળશ્રુતિ સુસ્પષ્ટ રીતે સૂચવે છે કે મહાભારતકારનો મહાભારતમાં આલેખાયેલાં  એવાં આખ્યાનોનો ઉદ્દેશ કેવળ મનોરંજનનો કે અદભૂત ચમત્કૃતિજન્ય રસને પૂરો પાડવાનો નથી, કેવળ પઠન પાઠન કે ચિંતનમનનનો પણ નથી, પરંતુ એમના હાર્દને સુચારુરૂપે સમજીને જીવનને દોષરહિત તથા ઉજ્જવળ બનાવવાની પ્રેરણાથી માનવ પોતાના જીવનમાં મનુષ્યોચિત પવિત્ર પરિવર્તન લાવે. એક સમર્થ સફળ સંત સાહિત્યકાર એથી અધિક બીજું શું ઇચ્છે ?

ઉપર્યુક્ત ઉપાખ્યાનમાં નિરૂપાયલી યુધિષ્ઠિરની સદભાવના કેટલી બધી આદર્શ ઉદાત્ત અથવા અદભુત છે ? એ સદભાવનાથી પ્રેરાઇને એમણે ભીમ, અથવા અર્જુનને બદલે નકુલને પુનર્જીવન પ્રદાન કરવા માટે યક્ષની સમક્ષ માગણી કરી. પોતાની સાવકી માતા જીવતી હોય કે ના જીવતી હોય ત્યારે પણ તેના સંતાનો પ્રત્યે એવી રીતે સૌ કોઇ સદભાવ રાખે અને ભેદભાવરહિત આદર્શ વ્યવહાર કરે તો વ્યક્તિગત તથા સમષ્ટિગત જીવન વધારે સુસંવાદી, સુખમય, શાંત, સુમધુર બને એ નિઃશંક છે.

યક્ષ અને યુધિષ્ઠિરના એ આખ્યાનનો સમાવેશ મહાભારતના વનપર્વના અધ્યાય 311 થી 314 સુધીમાં કરવામાં આવ્યો છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *