Monday, 9 December, 2024

1904માં બન્યો હતો પહેલો ધ્વજ : જાણો ભારતના રાષ્ટ્રધ્વજોનો ઈતિહાસ

323 Views
Share :
1904 ma baniyo hato pahelo dhvaj

1904માં બન્યો હતો પહેલો ધ્વજ : જાણો ભારતના રાષ્ટ્રધ્વજોનો ઈતિહાસ

323 Views

સિસ્ટર નિવેદિતા ધ્વજ

20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી હતી તે સમયે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂરિયાત વર્તાય હતી. જે તમામ દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરી શકે. આ માટે 1904 માં સિસ્ટર નિવેદિતા જે સ્વામી વિવેકાનંદનાં શિષ્યા હતા તેમને સૌપ્રથમ ધ્વજ રજૂ કર્યો, આ ધ્વજ સિસ્ટર નિવેદિતા ધ્વજ (Sister Nivedita’s Flag) તરીકે તે સમયે ઓળખાયો હતો. જે લાલ ચોરસ આકાર અને વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્રનું ચિહ્ન ધરાવતો હતો. આ ધ્વજ ઉપર બંગાળી ભાષામાં વંદે માતરમ્ (“বন্দে মাতরম”) લખાણ લખવામાં આવ્યું હતું. ધ્વજમાં લાલ રંગ આઝાદીની લડાઇ, પીળો રંગ વિજય અને સફેદ કમળ શુદ્ધતાનાં પ્રતીક હતા.

પ્રથમ ધ્વજ

પ્રથમ ત્રિરંગો ધ્વજ 7 ઓગસ્ટ 1906 નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન બનાવવામાં આવ્યો હતો, જે સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા કોલકાતામાં “પારસી બાગાન ચોક” લહેરાવવામાં આવ્યો. તે અગાઉ કલકત્તા અને હાલ કોલકાતા ધ્વજ તરીકે જાણીતો થયો હતો. આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા, ઉપર નારંગી, વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નીચલા પટ્ટામાં સૂર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતું. જ્યારે વચ્ચેના પટ્ટામાં વંદે માતરમ્ દેવનાગરી ભાષામાં લખેલું હતું.

બીજો ધ્વજ

22 ઓગસ્ટ,1907ના રોજ ભિખાયજી કામાએ સ્ટુટગાર્ટ, જર્મનીમાં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજમાં ઉપર લીલો, વચ્ચે કેસરી અને નીચે લાલ રંગના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ, કેસરી હિન્દુ અને બૌદ્ધ ધર્મના પ્રતીક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલા આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતના આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં “વંદે માતરમ્” લખેલું હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સૂર્યનું ચિહ્ન હતું. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો હતો.

ત્રીજો ધ્વજ

બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલી હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતુર્થ ભાગમાં ” યુનિયન જેક ” (બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપરની સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલા હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રિય બન્યો નહોતો.

ચોથો ધ્વજ

૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશના “પિંગાલી વૈંકયા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, પિંગાલી વૈંકય્યા દ્વારા “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ. બી. બોમનજીનું ધ્યાન દોરાયું, જ્યારે વૈંકયાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સૂચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મૂકવું જોઈએ. ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતીક બની ગયો હતો. “પિંગાલી વૈંકય્યા” લાલ-લીલી પાર્શ્વભુમીમાં ચરખાનાં ચિત્રવાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ ન હતું.

પાંચમો ધ્વજ

મહાત્મા ગાંધી સમક્ષ વધુ એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો, જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લિમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ” નાં ધ્વજનાં આધારે બનાવવામાં આવી હતી, કારણકે “આયરલેન્ડ” પણ તે સમયે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદમાં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવવામાં આવ્યો હતો, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજનો આઝાદીની ચળવળમાં પણ બહોળો ઉપયોગ કરવામાં આવ્યો નહીં.

છઠ્ઠો ધ્વજ

ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજૂ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. 1924માં કોલકાતામાં મળેલી “અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે” માં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતીક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સૂચવવામાં આવ્યો હતો. પછીનાં સમયમાં “ગેરૂ” રંગનું સૂચન પણ થયું, જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકીર અને દૂર્વેશોનાં પ્રતીકરૂપ ગણાવવામાં આવ્યો હતો. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સૂચવાયું.

2 એપ્રિલ 1931 ના રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતિ” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતિ” ની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ એક જ રંગનો,સોનેરી પીળો (કે જે “ગેરૂ” પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખૂણામાં ચરખાનું ચિત્ર ધરાવતા ધ્વજની ભલામણ કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી એકતાનાં કારણોસર નામંજૂર કર્યો હતો.

છેલ્લે, જ્યારે 1931 માં કોંગ્રેસ સમિતિ કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર અંતિમ ઠરાવ પસાર થયો હતો, અને “પિંગાલી વૈંકયા” ના ધ્વજના આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેસરી,સફેદ અને લીલો એવા ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર રાખવામાં આવે તેવું મંજૂર થયું હતું.

આઝાદ હિંદનો ધ્વજ

આ જ સમયે “ભારતીય રાષ્ટ્રીય સેના” (Indian National Army) દ્વારા આ જ પ્રકારનો પરંતુ ઉપર નીચે “આઝાદ-હિંદ” લખેલો અને વચ્ચેના પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્રવાળો ધ્વજ વપરાતો હતો, જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશસ્ત્ર સંઘર્ષનું પ્રતીક હતો. આ ધ્વજ ભારતની ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણિપુરમાં ફરકાવાયો હતો.

સાતમો ધ્વજ

ભારતની આઝાદીના ચોવીસ દિવસ પહેલાં એટલે કે તા. 22 જુલાઈ 1947ના રોજ મળેલી ‘બંધારણ સભા’ ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો હતો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો હતો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વૈંકયા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો હતો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ 24 આરા ધરાવતું ચક્ર મૂકવામાં આવ્યું હતું. જે અશોક ચક્ર તરીકે પણ ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિવાળા અશોક સ્થંભમાંથી લેવામાં આવ્યું હતું. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ¾ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ 2:3 ના ગુણોત્તરમાં હોય છે. ધ્વજ ભારતીય સૈન્યનો યુદ્ધ ધ્વજ પણ ગણાય છે.

ધ્વજનાં માપદંડ

1950માં ભારત ગણતંત્ર બન્યા પછી 1951 માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણિત માપદંડ નક્કી કર્યા હતા. ત્યાર બાદ 1964 માં ભારતમાં મેટ્રિક પદ્ધતિ દાખલ થઇ ત્યારે તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ માપદંડ 17 ઓગસ્ટ 1967 થી લાગુ કરવામાં આવ્યા હતા. આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવા કે, માપ, રંગ, ચમક, દોરાઓ, કાપડનો વણાટ વગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજિયાત હોય છે, તેમાં ચૂક કરનારને ગંભીર ગુનો માનવામાં આવે છે અને તેના બદલામાં દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

કાપડ કેવું હોય છે?

ખાદી અથવા હાથવણાટનું કાપડ જ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે. ખાદી બનાવવા માટે કાચા માલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલું હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે, જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણ તારનાં વણાટવાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં 150 દોરા, સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર 205 ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરું ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. ત્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોકચક્રની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે. ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ. ત્યાર બાદ ફરી એક વખત ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થઇને વેચાણ માટે મુકાય છે.

ધ્વજ પ્રત્યેની ભાવના

ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે “ત્રિરંગો” તરીકે ઓળખાતો, ‘કેસરી’, ‘સફેદ’ અને ‘લીલા’ કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવ્યો હતો, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે પછીથી ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલી ભાવના વર્ણવતા જણાવ્યું હતું કે ” ભગવો અથવા કેસરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ કરી દેશ તથા પ્રજાની સેવા કરવી જોઈએ, સાથે જ પોતાની ફરજ પ્રત્યે સમર્પણની ભાવના રાખવી જોઈએ. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. જયારે લીલો કલર આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ, છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારિત છે. મધ્યમાં રહેલું અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિદ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતીક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બનીને આગળ ધપવું જ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતિનિધિ બનશે. તે દિવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે.”

રાષ્ટ્રધ્વજ આચારસંહિતા

વર્ષ 2002 પહેલા ભારત દેશના સામાન્ય નાગરિકો માટે નક્કી કરાયેલા રાષ્ટ્રીય તહેવારો સિવાયના દિવસોમાં, જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધિત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટે જ છૂટછાટ હતી. જોકે હાલ કોંગ્રેસના નેતા અને ઉધોગપતિ નવીન જિંદાલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જનહિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં લાંબી દલીલ અને ચર્ચાઓ બાદ પ્રતિબંધનો અંત આવ્યો હતો. મહત્વનું છે કે જિંદાલ તેમની કચેરી પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનૂનની વિરુદ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનૂની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરી કે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરિક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબતને ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી 26મી જાન્યુઆરી 2002 થી સામાન્ય જનતાને રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માન જળવાય તે રીતે તમામ દિવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *