Friday, 26 July, 2024

આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ નિબંધ

143 Views
Share :
આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ નિબંધ

આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ નિબંધ

143 Views

આ સૃષ્ટિનો ક્રમ એવો વિચિત્ર છે કે જે વસ્તુ આપણા જીવનને પોષે છે, ટકાવે છે, વિકસાવે છે એ જ વસ્તુ આપણા જીવનને નષ્ટ કરે છે. મૃત્યુનું કારણ બને છે. પતનનું પગથિયું બને છે. આ બાબત જગતના અન્ય વસ્તુ કે પદાર્થની જેમ વિજ્ઞાનને અક્ષરસઃ લાગુ પડે છે. વિજ્ઞાન આપણને રોજિંદા જીવનમાં કેટલું બધું સહાયક બની ગયું છે તે આપણે સૌ જાણીએ છીએ. આ જ વિજ્ઞાનનો વિવેકહીને ઉપયોગ માનવજીનવ માટે વિનાશ નોંતરે છે એ પણ કઠોર સત્ય છે.

કુદરતી કે પ્રાકૃત સ્થિતિમાં જીવતા માણસને સભ્ય અને સંસ્કૃત બનાવવાનું કામ વિજ્ઞાને કર્યું છે. ખોરાક, પોશાક, રહેઠાણ અને હવાપાણી જેવી આપણી પ્રાથમિક જરૂરિયાતોને વિજ્ઞાને વ્યવસ્થિત અને પરિમાર્જિત કરી આપીને આપણા જીવનને સુવિધાપૂર્ણ બનાવ્યું છે. આ બધી વૈજ્ઞાનિક સગવડોના સમુચિત ઉપયોગથી માનવનું રોજિંદું જીવન વધુ સુખદાયક અને આનંદપ્રદ બન્યું છે. માર્ગ અને વાહનની પ્રગતિએ આપણો પ્રવાસ સરળ બનાવ્યો છે. સમય અને શક્તિના બચાવ સાથે યાત્રા ઝડપી બની શકે છે. 

પ્રવાસના આડે આવતા પર્વતો, દરિયો અને ખાઈ જેવા અવરોધો આસાનીથી પાર કરવા વિજ્ઞાને અવનવી તરકીબો શોધી કાઢી છે. ખાડા-ખાઈ ઉપર પુલ બાંધ્યા એમ નદીને પુલથી પાર કરવાની સગવડ કરી. રામેશ્વરમ્ પાસે દરિયા ઉપર પુલ બાંધીને ચમત્કારક વાત એ કરી કે મોટાં વહાણ કે સ્ટીમર દરિયામાંથી પસાર થાય ત્યારે પુલ વચ્ચેથી બે બાજુ ખૂલી શકે તેવી સગવડ રાખી. પર્વતો પાર કરવા વિમાન અને હેલિકોપ્ટર શોધ્યાં. એટલું જ નહીં, દરિયામાં સ્ટીમર પરથી સીધું વિમાન હવામાં ઉડાડી શકાય તેવી સગવડ પણ કરી છે.

રાષ્ટ્રના સંરક્ષણ માટે સૈન્યને આધુનિક શસ્ત્રોથી સુસજ્જ કરવામાં વિજ્ઞાનનો વિશેષ ફાળો છે. દુશ્મનને પરાસ્ત કરવા જાતજાતનાં શસ્ત્રો શોધી વિજ્ઞાને કમાલ કરી નાખી છે. આપણું સૈન્ય જલ, થલ અને હવાઈ માર્ગે લડી શકે તેવી સુવિધા થઈ છે. 

રહેઠાણના પ્રશ્નો ઉકેલવા બહુમાળી મકાનો બાંધ્યાં, અંધારિયા ઓરડા પ્રકાશિત કરવા તથા રોજિંદા કામો ઝડપથી અને ઓછી શક્તિથી કરી શકાય એ માટે વિદ્યુતની શોધ થઈ. જીવનના દરેક ક્ષેત્રમાં આજે વિજ્ઞાન એટલું તો ઓતપ્રોત થઈ ગયું છે કે માણસ જાયે અજાણ્યે વૈજ્ઞાનિક ઉપકરણોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતો થઈ ગયો છે. વિજ્ઞાનની શોધોથી આજના માનવનું જીવન સગવડભર્યું અને આનંદપ્રદ બન્યું છે. તો જ ઔષધો વડે જીવન તંદુરસ્ત અને દીર્ધાયુ પણ થયું છે. પહેલાં સરેરાશ આયુષ્ય ઓછું હતું, આજે ઘણું વધ્યું છે. આમ વિજ્ઞાને માનવના જીવનવિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે.

પરંતુ વિજ્ઞાનનો ઉપયોગ માનવના હાથમાં આવે છે તે ક્ષણે એક બાબત અનિવાર્ય બને છે. એ છે વિજ્ઞાનના વિવેકભર્યા અને કલ્યાણકારી ઉપયોગની. જે ચપ્પ વડે શાક સમારી શકાય છે તેના વડે કોઈનું ખૂન પણ થઈ શકે છે. જે અણુશક્તિ હજારો માણસના જીવનને સુખમય બનાવવા વાપરી શકાય છે, તે જ લાખો માનવોના સંહારનું નિમિત્ત પણ બની શકે છે. યુદ્ધનાં અદ્યતન શસ્ત્રોથી જાપાનમાં હજારો માનવો મોતને ભેટ્યાં હતાં, એ સમયે વિશ્વને વિજ્ઞાનની આ સંહારક શક્તિનો પ્રથમ પરિચય થયો. 

વિજ્ઞાન એક શક્તિ છે, સાધન છે, સહાયક પરિબળ છે. એનું નિયંત્રણ જેના હાથમાં છે તે માનવે વિવેકપૂર્વક, શુદ્ધ હેતુથી માનવજાતના કલ્યાણમાં એનો વિનિયોગ કરવાનો છે. સ્વાર્થી, સત્તાભૂખ્યા કે ક્રોધી માણસના હાથમાં આવતાં વિજ્ઞાનનાં સાધનો એને સંહારક અથવા વિનાશક માર્ગે લઈ જાય છે એમાં વિજ્ઞાનનો દોષ નથી, માનવબુદ્ધિનો દોષ છે. વિજ્ઞાનનો વિવેકથી ઉપયોગ કરીને તેના સંહારકને બદલે સર્જનાત્મક પાસાને ધ્યાનમાં લઈશું તો વિજ્ઞાન શાપને બદલે વરદાન બની શકશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *