Monday, 17 June, 2024

નવરાત્રિ કેમ ઊજવાય છે?:આઠમ અને નોમનું શું મહત્ત્વ છે? 

149 Views
Share :
નવરાત્રિ

નવરાત્રિ કેમ ઊજવાય છે?:આઠમ અને નોમનું શું મહત્ત્વ છે? 

149 Views

નવરાત્રિ અંગે મનમાં ઘણા પ્રશ્નો હોય છે, જેમ કે આ કેમ મનાવવામાં આવે છે? એને શક્તિ સાથે કેમ જોડવામાં આવે છે? નારીશક્તિ સાથે એનો શું સંબંધ છે? નવરાત્રિના પહેલા દિવસે આવા જ પ્રશ્નોના જવાબ જાણીતા વિદ્વાનો પાસેથી જાણો…

1. નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે?

મહિષાસુરનો વધ થયો, રામે રાવણવધ પહેલાં ઉપાસના કરી
મહિષાસુર નામના રાક્ષસે શિવની આરાધના કરીને અદ્વિતીય શક્તિ હાંસલ કરી હતી. દેવતા તેને હરાવવામાં અક્ષમ હતા, એટલે દેવતાઓએ આદિશક્તિની આરાધના કરી. દેવતાઓની ઉપાસનાથી પ્રસન્ન આદિશક્તિએ મા દુર્ગાનો અવતાર લીધો. મા દુર્ગા-મહિષાસુર વચ્ચે નવ દિવસ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ થયો. યુદ્ધના આ નવ દિવસ શક્તિ પર્વ ગણાય છે.

શ્રીરામે શક્તિ પ્રાપ્ત કરી હતી
કૃતિવાસની રામાયણના એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રીરામે લક્ષ્મણ, હનુમાન અને સમસ્ત વાનર સેના સાથે અશ્વિન શુકલ પ્રતિપદાથી નવ દિવસ સુધી મા શક્તિની ઉપાસના કરી હતી, એટલે એ શક્તિ પર્વ છે. કહેવાય છે કે આ નવ દિવસમાં મા દુર્ગાની ઉપાસના કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. દેવી પૂજાના આ નવ દિવસ એટલે નવરાત્રિના રૂપમાં મનાવાય છે.

2. નવરાત્રિમાં ઉપવાસનું મહત્ત્વ શું છે?

ઋતુ પરિવર્તનનો સમય, એટલે ઉપવાસ જરૂરી, વિજ્ઞાન પણ સંમત
શ્રીશ્રી રવિશંકર પ્રમાણે, આપણે આખું વર્ષ જે કામ કરીને થાકી જઈએ છીએ, તો એનાથી મુક્તિ મેળવવા નવ દિવસ ઉપવાસ કરાય છે, જેથી શરીર, મન અને બુદ્ધિની શુદ્ધિ થઈ શકે. ભગવાન શ્રી રામ દ્વારા શક્તિની ઉપાસનાથી જ નવ દિવસ ઉપવાસ કરવાની પરંપરા શરૂ થઈ છે. દારૂ અને માંસના ત્યાગનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ નવ દિવસ સાત્ત્વક રીતે જીવવાનો સમય છે. ચરકસંહિતા પ્રમાણે, અશ્વિન નવરાત્રિ શિયાળાની શરૂઆતમાં આવે છે. ઋતુ પરિવર્તનના આ સમયે આપણી રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય છે, એટલે દારૂ અને માંસનો ત્યાગ કરાય છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રો. અનૂપ ઠાકર કહે છે, શરદ નવરાત્રિમાં દારૂ અને માંસનું સેવન ના કરવું, એનો વૈજ્ઞાનિક આધાર છે. આ સમય વરસાદ અને ગ્રીષ્મ ઋતુનો સંધિકાળ હોય છે. આ સમયે દારૂ અને માંસનું સેવન કરવાથી પિત્ત વધે છે, જેનાથી ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. આ કારણસર નવરાત્રિમાં દારૂ અને માંસ છોડવાનો મહિમા કરાયો છે.

3. નવરાત્રિમાં ત્રણ દેવીની પૂજા કેમ?

દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીના નવરાત્રિમાં ત્રણ-ત્રણ દિવસ. ત્રણેય શક્તિની પૂજાનું અલગ મહત્ત્વ છે, જેથી આપણે માતાનાં ત્રણ રૂપમાં ત્રણ દેવીની પૂજા કરીએ છીએ.

નવ દિવસ ચાલનારી શારદીય નવરાત્રિમાં મુખ્યત: ત્રણ દેવી દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની આરાધના કરાય છે. ત્રણેય શક્તિની પૂજાનું અલગ મહત્ત્વ છે, જેથી આપણે માતાના ત્રણ રૂપમાં ત્રણ દેવીની પૂજા કરીએ છીએ. દેવીઓ આકાશમાં ક્યાંક સ્થિત નથી. એવું કહેવાય છે કે ‘યા દેવી સર્વભુતેષુ ચેતનેત્યભિધીયતે’ એટલે કે તમામ જીવજંતુઓમાં ચેતનાના રૂપમાં જ દેવી-મા તમે સ્થિત છો.

આ મુદ્દે આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે, આ માટે પ્રકૃતિના ત્રણ ગુણ સમજવા જરૂરી છે, જેનું પ્રતિનિધિત્વ ત્રણેય દેવી કરે છે. આ ગુણ તમસ, રજસ અને સત્ત્વ છે. તમસનો અર્થ થાય છે, જડતા. રજસ એટલે કે આપણી ગતિવિધિઓ અને ક્રિયાકલાપ. સત્વનો અર્થ થાય છે, સીમાઓને તોડવી પૃથ્વીને તમસ, સૂર્યને રજસ અને ચંદ્રને સત્ત્વ મનાય છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે, ‘ત્રૈગુણ્ય વિષયો વેદો નિસ્ત્રૈય ગુણ્યો ભવાર્જુન.’ એનો અર્થ એ છે કે વેદ ત્રણ ગુણથી બહાર નથી. એ આ ત્રણેય ગુણને યોગ્ય રીતે પ્રકાશિત કરે છે. આ ગુણો સાધવા માટે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની જુદી જુદી આરાધના કરાય છે, જ્યારે ધન અને જીવન ગુજરાનના અન્ય સંસાધનો માટે લક્ષ્મીની પૂજા કરાય છે.

સરસ્વતીની આરાધના જ્ઞાન માટે થાય છે. આપણા જીવનના જુદા જુદા તબક્કા પણ આ ગુણો પર આધારિત છે. વ્યક્તિનો જન્મ તમસ અંતર્ગત થાય છે. જ્યારે તમે જીવન ગુજારવા સંસાધનો ભેગાં કરવા લાગો છો ત્યારે રજસની શરૂઆત થાય છે. એ પછી સત્ત્વનો વારો આવે છે. આ રીતે નવ દિવસમાં પૂજાનારી દેવીઓના રૂપમાં આપણા જીવનના દરેક પહેલુ જોડાયેલા છે. નવરાત્રિમાં પ્રતીકાત્મક રૂપથી આપણા જીવનનો દરેક તબક્કો ઉત્સવના રૂપમાં મનાવાય છે. એમાં મહત્ત્વની વાત એ છે કે કાલી અને લક્ષ્મીની સવારી ધરતી પર છે, પરંતુ સરસ્વતીની સવારી સપાટી પર તરતા હંસ પર છે. એ દર્શાવે છે કે શક્તિ અને ધન મેળવવું સરળ છે, પરંતુ જ્ઞાન મેળવવું સરળ નથી. જ્ઞાન આપણને ત્યારે મળે છે, જ્યારે આપણે જીવન પ્રત્યે સંપૂર્ણ જાગ્રત હોઈએ.

4. નવરાત્રિ સ્ત્રીશક્તિનું પર્વ કેમ?

આ સ્ત્રૈણ પક્ષ, એટલે નારી શક્તિનો નવરાત્રિ સાથે સંબંધ. નવરાત્રિનો શાબ્દિક અર્થ છે- નવ રાત. આ નવ રાત્રિની ગણતરી અમાસના બીજા દિવસથી શરૂ થાય છે. ચંદ્ર કેલેન્ડરના પ્રથમ નવ દિવસ સ્ત્રૈણ પ્રકૃતિના મનાય છે. નવમો દિવસ નવમી તરીકે મનાવાય છે. પૂનમ સમયનો દોઢ દિવસ નિષ્પક્ષ ગણાય છે. બાકી બચેલા 18 દિવસ પ્રકૃતિગત રીતે પુરુષ પ્રકૃતિના મનાય છે. મહિનાનો આ સ્ત્રૈણ પક્ષ દેવી સાથે જોડાયેલો હોય છે, તેથી પરંપરાગત રીતે નવમી સુધીની તમામ પૂજા-અર્ચના દેવીને સમર્પિત હોય છે.

5. નવરાત્રિ સાથે દાંડિયા અને ગરબાનો શું સંબંધ છે?

નવરાત્રિમાં ગરબા કરવા અને દાંડિયા રમવાનું ધાર્મિક મહત્ત્વ છે. આ બંને નૃત્યનો માતા દુર્ગા સાથે સંબંધ છે. ગરબાને માતા દુર્ગાની પ્રતિમાની આસપાસ અથવા જ્યાં માતાની જ્યોત પ્રગટાવવામાં આવી છે, ત્યાં રમવામાં આવે છે. ગરબા ગર્ભ શબ્દથી લેવામાં આવ્યો છે, જે માતાના ગર્ભમાં શિશુના જીવનને દર્શાવે છે. ગરબા કરતી સમયે નૃત્ય કરનારા લોકો વર્તુળમાં નૃત્ય કરે છે, જે જીવનના ગોળ ચક્રનું પ્રતીક છે. ત્યાં જ દાંડિયા નૃત્ય માતા દુર્ગા અને મહિષાસુરની વચ્ચે થયેલા યુદ્ધને પ્રદર્શિત કરે છે. રંગબેરંગી દાંડિયા માતા દુર્ગાની તલવાર માનવામાં આવે છે.

નવરાક્ષિ નવ દિવસનું પર્વ છે. આ નવ દિવસોમાં માતાનાં નવ સ્વરૂપોની પૂજા થાય છે. નવ દિવસ જ્યોત પ્રગટાવવામાં આવે છે. દાંડિયા પણ નવરાત્રિના નવ દિવસ રમવામાં આવે છે. દરરોજ સાંજે ભક્તો માતાની પૂજા માટે એકઠા થાય છે અને દાંડિયા રમે છે. ગુજરાતમાં લગભગ દરેક ઘર અને ગલીમાં માતા દુર્ગાની પ્રતિમા સામે દાંડિયા રમવામાં આવે છે અને માતાને પ્રસન્ન કરવામાં આવે છે.

6. અષ્ટમી અને નવમીનું શું મહત્ત્વ છે?

અષ્ટમીનું મહત્ત્વ: નવરાત્રિના 8મા દિવસે દેવી મા મહાગૌરી છે. મહાગૌરીની પૂજા તમામ ફળોને આપનારી હોય છે. જીવનને સુખ-સમૃદ્ધિ અને આરોગ્યતાથી પૂર્ણ કરે છે. મહાગૌરીનો અર્થ – એ રૂપ જે સૌંદર્યથી ભરપૂર છે, પ્રકાશમાન છે. ગૌર વર્ણને કારણે જ દેવીને મહાગૌરી કહેવાય છે. પ્રકૃતિના બે છેડા કે કાંઠા છે. એક મ કાલરાત્રિ જે બહુ ભયાવહ, પ્રલય સમાન છે અને બીજાં મા મહાગૌરી જે બહુ સૌંદર્યવાન, દેદીપ્યમાન, શાંત છે. પૂર્ણત: કરુણામયી, સૌને આશીર્વાદ આપતા રહે છે. તેઓ એ રૂપ છે, જે સૌ મનોકામનાને પૂર્ણ કરે છે.

નવમીનું મહત્ત્વ: દેવીના નવમા રૂપને સિદ્વિદાત્રી કહેવાય છે. મા સિદ્વિદાત્રી તમને જીવનમાં અદભુત સિદ્ધિ, ક્ષમતા પ્રદાન કરે છે, જેથી તમે બધું પૂર્ણતાની સાથે કરી શકો. સિદ્વિનો અર્થ – તમારા વિચારમાત્રથી જ કોઈ કાર્ય કર્યા વિના જ તમારી ઇચ્છા પૂર્ણ થવી. તેથી અષ્ટમી અને નવમી આ બંને દિવસ નવરાત્રિમાં વિશેષ માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને યુદ્ધિષ્ઠિર વચ્ચે એક સંવાદ છે, જ્યાં કૃષ્ણએ અષ્ટમી અને નવમી પર શક્તિની આરાધના અંગે જણાવ્યું છે.

7. શું રામ-રાવણ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું હતું?

યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું, પરંતુ રાવણનો વધ દશમીએ થયો હતો. વાલ્મીકિ રામાયણ મુજબ રામ-રાવણ યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું. યુદ્ધ અશ્વિન શુક્લ પક્ષની તૃતિયા તિથિએ શરૂ થયું અને દશમીએ રાવણવધ સાથે સમાપ્ત થયું હતું. યુદ્ધકાળની આ તારીખો મુજબ સમયની ગણના કરવામાં આવી છે.

પદ્મ પુરાણના પાતાળખંડ મુજબ
રામ-રાવણ યુદ્ધ પૌષ શુક્લ દ્વિતીયાથી ચૈત્ર શુક્લ ચૌદસ (એટલે 87 દિવસ) સુધી ચાલ્યું. આ યુદ્ધગાળામાં કુલ 15 દિવસ યુદ્ધ થયું નહતું. પુરાણ મુજબ પ્રભુ રામના 14 વર્ષોના વનવાસ કાળમાં 12 વર્ષ પંચવટીમાં વીત્યાં, જ્યારે બે વર્ષ રાક્ષસો સાથે સંગ્રામમાં વીત્યાં. કાર્તિક કૃષ્ણના 10મા દિવસથી શૂર્પણ્ખાને કુરૂપ કરવાની શરૂઆત થઇ. બીજા વર્ષમાં વૈશાખ શુક્લના 12મા દિવસે રાવણવધ સાથે સમાપ્ત થયું.

8. રાવણવધના કેટલા દિવસ પછી રામ અયોધ્યા પહોંચ્યા?

વિભીષણને લંકાનો રાજા બનાવવાના 20 દિવસ પછી રામ અયોધ્યા પહોંચ્યા
વાલ્મીકિએ જણાવ્યું હતું કે રામાયણમાં રામ-રાવણ યુદ્ધનો સમયગાળો અને તારીખ સુધી ઉપલબ્ધ છે. એમાં તિથિ અને નક્ષત્રનું વર્ણન છે. દશેરાના દિવસે રાવણવધ પછી પણ રામના વનવાસમાં 20 દિવસ બાકી હતા. વિભીષણને લંકાનો રાજા બનાવ્યા પછી રામ બરાબર 20મા દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારની માન્યતાપ્રાપ્ત સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્ટિફિક રિસર્ચ ઓન વેદાઝ મુજબ 4 ડિસેમ્બર 5076 ઇસવી પૂર્વે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. 29મા દિવસ એટલે કે 2 જાન્યુઆરી 5075 ઇસવી પૂર્વે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. આ રિસર્ચ એ સમયના ગ્રહો, નક્ષત્રો અને તારામંડળની સ્થિતિ પર આધારિત છે.

9. શું નવરાત્રિ અને નવગ્રહ વચ્ચે કોઈ સંબંધ છે?

નવરાત્રિના દરેક દિવસની દરેક દેવીનો નવગ્રહ પૂજા સાથે સંબંધ. દેવી દુર્ગામાં નવ ગ્રહનો વાસ હોવાનું કહેવાય છે. આદિશક્તિના નવ સ્વરૂપ આ ગ્રહોની શુભ-અશુભ અસરોને નિયંત્રિત કરે છે. પ્રત્યેક સ્વરૂપ એક ગ્રહનો પ્રતિનિધિ છે. પુરાણો અનુસાર દરેક ગ્રહની અસરોને શાંત કરવા માટે એ દિવસના દેવી સ્વરૂપની આરાધનાનું મહત્ત્વ છે, જેમ કે સૂર્યની અસરોને શાંત કરવા પહેલા નોરતાની દેવી શૈલપુત્રીની પૂજાનું મહત્ત્વ દર્શાવાયું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *