Friday, 15 November, 2024

આદર્શ વિદ્યાર્થી નિબંધ

420 Views
Share :
આદર્શ વિદ્યાર્થી નિબંધ

આદર્શ વિદ્યાર્થી નિબંધ

420 Views

વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી. જેનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હોય, તેને ‘વિદ્યાર્થી’ કહેવાય. તો પછી આદર્શ વિદ્યાર્થી કોને કહી શકાય? અભ્યાસ અને ઇતર-પ્રવૃત્તિઓ તેમજ વાણી અને વર્તનની દૃષ્ટિએ વખાણવા લાયક વિદ્યાર્થીને જ આદર્શ વિદ્યાર્થીનું બિરુદ મળી શકે.

આદર્શ વિદ્યાર્થી પોતાના વર્ગમાં નિયમિત હાજરી આપે છે. જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે તે એકચિત્તે ભણતો હોય છે. તે પોતાને ન સમજાયેલો મુદ્દો વિનયપૂર્વક શિક્ષકને પૂછી લે છે. શાળામાંથી આપવામાં આવતું ઘરકામ તે નિયમિતપણે અને ચોકસાઈપૂર્વક કરે છે. આદર્શ વિદ્યાર્થીની એકાગ્રતા પાર્થ અર્જુન જેવી અને જિજ્ઞાસા એક્લવ્ય જેવી હોય તે ફક્ત પુસ્તકના જ્ઞાનથી સંતોષ પામતો નથી. 

આદર્શ વિદ્યાર્થી ઇતર-પ્રવૃત્તિઓમાં પણ રસપૂર્વક ભાગ લે છે. એ રમતગમતમાં ખેલદિલીપૂર્વક ભાગ લે છે. સાથે સાથે તે ચિત્રકામ, સંગીત અને નાટક જેવી પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહથી ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી તેની દરેક પ્રવૃત્તિ રસપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરે છે. કામને વખતે કામ અને રમતને વખતે રમત’ (Work while you work and play while you play) એ જ તેનો જીવનમંત્ર હોય છે. 

આદર્શ વિદ્યાર્થીનું ચરિત્ર પણ આદર્શ હોય છે. તેનાં વાણી અને વર્તનમાં વિવેક અને વિનય ઝલકે છે. આદર્શ વિદ્યાર્થી પોતાની આવડતનું અભિમાન નથી રાખતો. વળી તેનામાં દયા, પ્રેમ, સહનશીલતા અને હિંમત જેવા સદ્ગુણો પણ હોય છે. બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તે હંમેશ તત્પર રહે છે. અપંગ અને અસહાય લોકો પ્રત્યે તેના મનમાં અપાર હમદર્દી હોય છે. તેને પોતાના દેશ પ્રત્યે અશીમ પ્રેમ હોય છે.

તેને ઇતર વાચનનો પણ શોખ હોય છે. તે વખતોવખત દૈનિકો, સામયિકો, વાર્તા–કવિતા–નવલકથાનાં પુસ્તકો તેમજ મહાપુરુષોનાં જીવનચરિત્રોનું વાચન કરે છે. વાચનને લીધે તેને દેશ અને દુનિયાના બનાવોની માહિતી મળતી રહે છે. 

સાદું જીવન, ઉચ્ચ વિચાર (Simple living and high thinking) એ આદર્શ વિદ્યાર્થીના જીવનનો આદર્શ છે. નઠારી સોબત, ગમે તેવું વાચન, વ્યસન અને નિંદાની પ્રવૃત્તિથી તો એ સદા દૂર જ રહે છે. 

આદર્શ વિદ્યાર્થીનું આદર્શ આચરણ જોઈને કોઈ પણ વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયા વિના ન રહે!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *