Saturday, 27 July, 2024

Adhyay 1, Pada 4, Verse 01-03

107 Views
Share :
Adhyay 1,  							Pada 4, Verse 01-03

Adhyay 1, Pada 4, Verse 01-03

107 Views

१. आनुमानिकमप्येकेषामिति चेन्न शरीररूपकविन्यस्तगृहीतेर्दर्शयति च ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
આનુમાનિકમ્ = અનુમાન કલ્પિત પ્રકૃતિ.
અપિ = પણ.
એકેષામ્ = એક શાખાવાળાના અભિપ્રાયાનુસાર વેદપ્રતિપાદિત છે. 
ઇતિ ન = તો એ બરાબર નથી.
શરીરરૂપકવિન્યસ્તગૃહીતેઃ = કારણ કે શરીર જ અહીં રથના રૂપકમાં આવીને અવ્યક્ત શબ્દથી ગ્રહણ કરાય છે.
દર્શયતિ ચ = શ્રુતિમાં એ વાત જોઈ શકાય છે.

ભાવાર્થ
કઠોપનિષદમાં આવેલો અવ્યક્ત શબ્દ શાનો વાચક છે, પ્રકૃતિનો વાચક છે કે બીજા કશાનો, એના સ્પષ્ટીકરણ માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે. કઠોપનિષદમાં એક સુંદર રૂપક આપવામાં આવ્યું છે. તેમાં આત્મા, શરીર, બુદ્ધિ, મન, ઇન્દ્રિય તથા વિષયાદિની રથ, રથી, સારથિના રૂપમાં કલ્પના કરવામાં આવી છે. એમાં શરીરને રથ સાથે સરખાવવામાં આવ્યું છે. આત્માને રથી, શરીરને રથ, બુદ્ધિને સારથિ, મનને લગામ, ઈન્દ્રિયોને ઘોડા અને વિવિધ વિષયોને એમની ખાદ્ય સામગ્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે. એ સઘળાં સાધનોથી પરમાત્માને કે એમના પરમપદને પામવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

મનથી શ્રેષ્ઠ બુદ્ધિ, બુદ્ધિથી શ્રેષ્ઠ આત્મા છે એવું જણાવ્યું છે. ત્યાં બુદ્ધિથી શ્રેષ્ઠ આત્મા એટલે જીવાત્મા સમજવાનું છે. આત્મા અથવા રથી શબ્દનો પ્રયોગ ત્યાં મહત્તત્વ, પ્રધાન કે પ્રકૃતિને માટે નથી કરવામાં આવ્યો. આત્મા કે જીવાત્માથી પર જે અવ્યક્ત છે તે ભગવાનની શક્તિરૂપ પ્રકૃતિ છે. કારણ શરીર એના જ અંશરૂપ છે. એને જ ઉપનિષદમાં રથ કહેવામાં આવ્યું છે. કારણ શરીર પરમાત્માની પ્રકૃતિનો અંશ હોવાથી અવ્યક્ત નામથી ઓળખવામાં આવ્યું છે.

२. सूक्ष्मं तु तदर्हत्वात् ।

અર્થ
તુ = પરંતુ
સૂક્ષ્મમ્ = સૂક્ષ્મ શરીર ગ્રહણ કરાય છે.
તદર્હત્વાત્ = પરમધામના પ્રવાસમાં એને જ રથ તરીકે માનવાનું ઉચિત છે એટલે.

ભાવાર્થ
શરીર શબ્દનો અર્થ સૂક્ષ્મ શરીર સમજવાનો છે. સ્થૂલ શરીર વ્યક્ત હોવાથી સૂક્ષ્મ શરીરને જ અવ્યક્ત કહી શકાય. પરમાત્માની પરમશક્તિરૂપ પ્રકૃતિ અત્યંત સૂક્ષ્મ હોવાથી જોવામાં નથી આવતી. કારણ શરીર તો એના જ અંશરૂપ હોવાથી એને અવ્યક્ત કહેવાનું ઉચિત છે. સ્થૂળ શરીર તો વિનાશશીલ હોવાથી પરમધામના પુણ્યપ્રવાસમાં સાથે નથી જઈ શકતું. એ તો અહીં જ રહી જાય છે. સાથે તો કેવળ સૂક્ષ્મ શરીર જ જઈ શકે છે. એટલે એને જ રથની ઉપમા આપવાનું વધારે યુક્તિસંગત લાગે છે.

३. तदधीनत्वादर्थवत् ।

અર્થ
તદધીનત્વાત્ = એ પરમાત્માને અધીન હોવાથી.
અર્થવત્ = એ (પરમ શક્તિરૂપા પ્રકૃતિ) સાર્થક છે.

ભાવાર્થ
પ્રકૃતિના અંશને અવ્યક્ત નામથી સ્વીકારીએ તો પછી સાંખ્યશાસ્ત્રમાં કહેવામાં આવેલ પ્રધાનને સ્વીકારવામાં શી હરકત છે ? સાંખ્યશાસ્ત્ર ભૂતોના કારણરૂપ સૂક્ષ્મ તત્વને જ પ્રધાન અથવા પ્રકૃતિ કહે છે. એવી જિજ્ઞાસાના જવાબરૂપે આ સૂત્ર લખવામાં આવ્યું છે. સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિને સ્વતંત્ર માને છે ને જગતનું કારણ કહી બતાવે છે પરંતુ વેદમાં એને પરમાત્માના નિયંત્રણમાં રહેનારી, પરમાત્માને આધીન, એમની શક્તિ કહી છે. શક્તિ શક્તિમાનના આશ્રય વિના નથી રહી શકતી અને શક્તિમાનથી અલગ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતી. પરમાત્માને આધીન હોવાથી જ એ શક્તિની સાર્થકતા છે. પરમાત્માને શક્તિ વગરના સમજવામાં આવે તો એમની દ્વારા જગતની ઉત્પત્તિ જેવાં કાર્યો કેવી રીતે થઈ શકે ? પછી તો એમને સર્વશક્તિમાન પણ કેવી રીતે કહી શકાય ?

શ્વેતાશ્વતર ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘ધ્યાનયોગમાં સ્થિતિ કરીને તપસ્વી મહાપુરૂષોએ પરમાત્માની સ્વરૂપભૂતા, પોતાના ગુણોવાળી, અચિંત્ય શક્તિનો સાક્ષાત્કાર કર્યો.’
ते  ध्यानयोगानुगता  अषश्यन्  देवात्मशक्ति  स्वगुणैर्निगूढाम् ॥
એટલે પ્રકૃતિ પરમાત્માની આશ્રિતા શક્તિ છે. પરમાત્મા સિવાય એનું અલગ અસ્તિત્વ નથી સંભવી શકતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *