Sunday, 22 December, 2024

Adhyay 1, Pada 4, Verse 07-09

156 Views
Share :
Adhyay 1,  							Pada 4, Verse 07-09

Adhyay 1, Pada 4, Verse 07-09

156 Views

७. महद्वञ्च ।

અર્થ
મહદ્વત્ = મહત્ શબ્દની જેમ. 
ચ = એને પણ બીજા અર્થમાં લેવાનું અયોગ્ય નથી.

ભાવાર્થ
કઠોપનિષદના એ પ્રકરણમાં પ્રધાન વાચક અવ્યક્ત શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો હોવા છતાં બીજા અર્થમાં લેવાનું યોગ્ય છે ? એવા સંભવિત પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે અહીં કહેવામાં આવે છે કે એમાં કશુ અનુચિત જેવું નથી થતું. મહત્ શબ્દ સાંખ્ય શાસ્ત્રમાં મહતત્વને માટે વપરાયો હોવા છતાં કઠોપનિષદમાં એનો પ્રયોગ આત્માના અર્થમાં કરવામાં આવ્યો છે, એવી રીતે અવ્યક્ત શબ્દ પણ બીજા અર્થમાં વપરાયો છે એવું કહેવામાં કશું ખોટું નથી. કઠોપનિષદમાં કહ્યું છે કે ‘બુદ્ધિથી મહાન આત્મા પર છે.’ वुद्धेरात्मा  महान् परः। ત્યાં મહત્ શબ્દ જીવાત્માને માટે વપરાયો છે અને એને બુદ્ધિથી પર કહ્યો છે; પરંતુ સાંખ્યશાસ્ત્ર પ્રમાણે મહત્તત્વનો અર્થ બુદ્ધિ થાય છે. મહત્ શબ્દ એવી રીતે સાંખ્ય શાસ્ત્ર કરતાં જુદી રીતે વપરાયો છે તેમ અવ્યક્ત શબ્દ પણ વપરાય તો તેમાં કશી હરકત નથી.


 
८. चमसवदविशेषात् ।

અર્થ
(અજા શબ્દ ત્યાં સાંખ્ય શાસ્ત્રોક્ત પ્રકૃતિનો જ વાચક છે એવું સિદ્ધ નથી થતું કારણ કે )
અવિશેષાત્ = કોઈ જાતની વિશેષતાનો ઉલ્લેખ નહિ હોવાથી.
ચમસવત્ = ‘ચમસ’ની જેમ (એને બીજા અર્થમાં પણ લઈ શકાય છે)

ભાવાર્થ
આ સૂત્ર શ્વેતાશ્વતર ઉપનિષદમાં આવેલા અજા શબ્દને અનુલક્ષીને એના અર્થની સ્પષ્ટતા માટે લખવામાં આવ્યું છે. તે ઉપનિષદ જણાવે છે કે ‘જગતના મૂળ કારણનો વિચાર કરનારા મહાપુરૂષોએ ધ્યાન યોગ દ્વારા પરમાત્માની પોતાના ગુણોથી ઘેરાયેલી અનંત શક્તિને જોઈ, અને નિર્ણય કર્યો કે જે દેવોના દેવ પરમદેવ એકલા જ કાળ, સ્વભાવથી માંડીને આત્મા સુધીનાં સઘળાં તત્વોના અધિષ્ઠાન છે, અને જેમના આશ્રયથી એ સૌ પોતપોતાના સ્થાનમાં કારણ બને છે, તે પરમાત્મા જ જગતના એક માત્ર કારણ બને છે.’

એના પરથી સિદ્ધ થાય છે કે પરમાત્માની એ પરમશક્તિ પરમાત્માથી ભિન્ન નથી. ‘અજા’ નામથી જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રકૃતિ પરમાત્માના આશ્રયે રહેનારી એમની જ અભિન્ન અંતરંગ શક્તિ છે. એ સાંખ્ય શાસ્ત્રમાં કહેલી કોઈ સ્વતંત્ર શક્તિ કે પ્રકૃતિ નથી. આ સૂત્રમાં એના સ્પષ્ટીકરણ માટે પ્રકારાન્તરે કહેવામાં આવ્યું છે કે ચમસ શબ્દ પરંપરાગત રીતે સોમપાન માટે વપરાતા પાત્ર વિશેષનો વાચક હોવા છતાં પણ બૃહદારણ્યક ઉપનિષદમાં अर्वाम्बिलश्चमस ऊर्ध्वबुध्नः જેવા મંત્રોમાં મસ્તકને માટે વપરાયો છે. એના સાંખ્ય શાસ્ત્રમાં કહેલી સ્વતંત્ર પ્રકૃતિના અર્થમાં પ્રયોગ થયો છે એવું માનવાનું કોઈ ખાસ કારણ નથી દેખાતું.

९. ज्योतिरूपक्रमा तु तथा हाधीयत एक ।

અર્થ
તુ = નિસ્સંશય
જ્યોતિરૂપકમાં = અજા શબ્દ અહીં તેજાદિ ત્રિવિધ તત્વોની કારણભૂતા પરમાત્માની પરમશક્તિનો વાચક છે. 
હિ = કારણ કે
એકે = એક શાખવાળા
તથા = એવી રીતે
અધીયતે = અધ્યન કરે છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે પરમાત્માએ વિચાર કર્યો કે હું બહુવિધ બનું. પછી એમણે તેજની રચના કરી, અને તેજમાંથી જળ તથા જળમાંથી અન્નની ઉત્પત્તિ કરી. એ પછી કહ્યું કે અગ્નિમાં જે લાલ રંગ છે તે તેજનો, સફેદ રંગ જળનો ને કાળો રંગ અન્નનો અથવા પૃથ્વીનો છે. એ પ્રમાણે પ્રત્યેક પદાર્થમાં એ ત્રણેની વ્યાપકતા વર્ણવી બતાવી છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં ‘અજા’ના ત્રણ રંગ બતાવ્યા છે તે તેજ વિગેરેમાં દેખાય છે. એટલે અજા શબ્દ પ્રયોગથી ત્યાં પ્રધાન અથવા પ્રકૃતિનું વર્ણન કરાયું છે એવું કહીએ તો પણ એ પ્રકૃતિ પરમાત્માથી તદ્દન સ્વતંત્ર એવી કોઈ શક્તિ તો નથી જ એ ચોક્કસ છે. કારણ કે શ્વેતાશ્વતર ઉપનિષદમાં ક્ષર એટલે પરમાત્માની શક્તિરૂપ અપરા પ્રકૃતિ, અક્ષર એટલે જીવાત્મા અથવા પરમાત્માની પર પ્રકૃતિ, પરમાત્માથી પૃથક્ નથી અને પરમાત્મા એના શાસક છે એવુ જણાવવામાં આવ્યું છે. એટલે એ પરમાત્માના આશ્રયે રહેનારી પરમાત્માની જ એક શક્તિ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *