Adhyay 2, Pada 2, Verse 11-12
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 11-12
By Gujju29-04-2023
११. महद्दीर्धवद्वा हृस्वषरिमण्डलाभ्याम् ।
અર્થ
હૃસ્વ પરિમંડલાભ્યામ્ = હૃસ્વ (હ્યબ્રુક) અને પરિમંડલ (પરમાણુ) માંથી.
મહદ્દીર્ઘવત્ = મહત્ અને દીર્ઘ (ત્ર્યણુક)ની ઉત્પત્તિ બતાવવાની જેમ.
વા = જ. (વૈશેષિકોની સઘળી વાતો અસંગત છે.)
ભાવાર્થ
આ સૂત્રમાં પરમાણુવાદમાં વિશ્વાસ રાખનારા વૈશેષિકોની વિચારસરણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ વિચારસરણી પ્રમાણે એક પદાર્થ બીજા સજાતીય પદાર્થને અને એક ગુણ બીજા સજાતીય પદાર્થને અને એક ગુણ બીજા સજાતીય ગુણને ઉત્પન્ન કરે છે કાર્યની ઉત્પત્તિ સમવાયી, અસમવાયી, તથા નિમિત્ત ત્રણ કરવાથી થતી હોય છે. વસ્ત્રની ઉત્પત્તિમાં સૂતર સમવાયી કારણ છે, સૂતરનો પારસ્પરિક સંયોગ અસમવાયી કારણ છે, અને વસ્ત્રને તૈયાર કરનાર કારીગરાદિ નિમિત્ત કારણ છે.
પરમાણુ ચાર પ્રકારના છે: પાર્થિવ પરમાણુ, જલીય પરમાણુ, તૈજસ પરમાણુ, અને વાયવીય પરમાણુ. એ પરમાણુ નિત્ય, નિરવયવ તેમ જ રૂપાદિથી સંપન્ન છે. એમના પરિમાણ કરેલ માપને પારિમાંડલ્ય કહેવામાં આવે છે. પ્રલયકાળમાં પરમાણુઓ નિષ્ક્રિય રહે છે. સૃષ્ટિની રચના વખતે કાર્ય સિદ્ધિને માટે પરમાણુ સમવાયી કારણ થાય છે, એમનો એકમેક સાથેનો સંયોગ અસમવાયી કારણ બને છે, અને અદ્દષ્ટ, ઈશ્વરની ઈચ્છા વિગેરે નિમિત્ત કારણ. પ્રથમ કાર્ય વાયવીય પરમાણુઓમાં પ્રકટે છે, પછી એમનો સંયોગ થાય છે. બે પરમાણુ ભેગાં થઈને હ્યણુક રૂપ કાર્યને પેદા કરે. ત્રણ હ્યણુક ત્ર્યણુકની ને ચાર ત્ર્યણુક ચતુરણુકની સૃષ્ટિ કરે છે.
એવી રીતે તૈજસ પરમાણુમાંથી અગ્નિ પેદા થાય છે ને પ્રજવલિત બને છે. જલીય પરમાણુમાંથી જળનો મહાસાગર પ્રકટે છે ને પાર્થિવ પરમાણુમાંથી પૃથ્વી પેદા થઈને સ્થિર બને છે. કાર્યના ગુણો કારણના ગુણોથી જ પેદા થાય છે. એવી રીતે પ્રલયકાળમાં પણ પરમાત્માની પ્રેરણાથી પરમાણુઓમાં કર્મનો આરંભ થાય છે, એને લીધે એમનો સંયોગ તૂટી જાય છે. અને ક્ષણુકાદિનો નાશ થવાથી પૃથ્વી આદિ પણ નાશ પામે છે.
એ બધી વિચારસરણીનું વિહંગાવલોકન કરતાં સૂત્રકાર જણાવે છે કે જો કારણના ગુણો કાર્યમાં પ્રકટ થતા હોય તો અતિશય સૂક્ષ્મતા અથવા પારિમાંડલ્યરૂપી પરમાણુનો ગુણક્ષ્યણુકમાં પણ પ્રકટ થવો જોઈએ. પરંતુ ખરેખર એવું નથી દેખાતુ. કારણ કે એ સિદ્ધાંતમાં માનનારાના કહ્યા પ્રમાણે બે પરમાણુઓમાંથી હૃસ્વગુણ વિશિષ્ટ ક્ષ્યણુકની ઉત્પત્તિ થાય છે અને હૃસ્વ ક્ષ્યણુકોમાંથી મહત્ દીર્ઘ પરિમાણવાળાં ત્ર્યણુકની ઉત્પત્તિ થાય છે વૈશેષિકાનો એ સિદ્ધાંત એવી રીતે અસંગત છે. એવી જ રીતે એમની અન્ય વાતોનું કે માન્યતાનું પણ સમજી લેવાનું છે.
—
१२. उभयथापि न कर्मातस्तदभावः ।
અર્થ
ઉભયથા = બંને પ્રકારે.
અપિ = પણ
કર્મ = પરમાણુઓમાં કર્મ.
ન = સિદ્ધ નથી થતું.
અતઃ = એટલા માટે.
તદ્દભાવઃ = પરમાણુઓના સંયોગથી હ્યણુક આદિની ઉત્પત્તિના ક્રમથી જગતની રચનાદિનો સંભવ નથી દેખાતો.
ભાવાર્થ
પરમાણુવાદમાં વિશ્વાસ રાખનારા વિચારકો જણાવે છે કે જગતની રચના પહેલાં પરમાણુ અચળ હોય છે, પછી એમની અંદર પ્રવૃત્તિ પેદા થઈને એમનો સંયોગ થવાથી જગતની રચના થાય છે. એ પરમાણુઓ જગતની રચના પહેલાં જો અચળ હોય છે એવું માની લઈએ તો એમની અંદર પ્રવૃત્તિ કેવી રીતે પેદા થાય છે એ પ્રશ્ન તો રહે છે જ. એમની અંદર કોઈ પણ પ્રકારના નિમિત્ત વિના પ્રવૃત્તિ આપોઆપ પેદા થાય છે એવું માનવાનું એકદમ અશક્ય લાગે છે. જો એ વિચારકોની માન્યતા એવી હોય કે જીવોના અદૃષ્ટ કર્મ સંસ્કારોને લીધે પરમાણુઓમાં પ્રવૃત્તિ પેદા થાય છે તો એ માન્યતા પણ ભૂલભરેલી લાગે છે કારણ કે જીવોના કર્મસંસ્કારો તો જીવોમાં રહેતા હોવાથી એમની ઓછીવત્તી જે પણ અસર પેદા થાય તે જીવો પર થવી જોઈએ, પરમાણુઓ પર કદાપિ ના થઈ શકે. એટલે પરમાણુવાદની માન્યતા ભૂલભરેલી લાગે છે.