Adhyay 1, Pada 4, Verse 19-21
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 4, Verse 19-21
By Gujju29-04-2023
१९. वाक्यान्वयात् ।
અર્થ
વાક્યાન્વયાત્ = પૂર્વા પર વાક્યોના સમન્વયથી
ભાવાર્થ
કૌષિતકિ બ્રાહ્મણ ઉપનિષદના વાક્યોના પૂર્વા પર સંબંધથી પણ એ જ વાતની પુષ્ટિ થાય છે એવું આચાર્ય જૈમિનિનું કહેવું છે. ત્યાં પ્રકરણના પ્રારંભમાં પરમાત્માને જ જાણવા યોગ્ય કહી બતાવ્યા છે અને પ્રકરણની પરિસમાપ્તિ વખતે પરમાત્માને જાણનારનો મહિમા જણાવ્યો છે. એવી રીતે વિચારવાથી સિદ્ધ થાય છે કે એમા પરમાત્માને જ પ્રાપ્તવ્ય અને જગતના એક માત્ર કારણ કહી બતાવ્યા છે. એમાં પરમાત્માના જ મહિમાનું જયગાન ગાવામાં આવ્યું છે.
—
२०. प्रतिज्ञानसिद्धेर्लिङ्गमित्याश्मरस्यथ्य ।
અર્થ
લિંગમ્ = એ પ્રકરણમાં જીવાત્મા તથા મુખ્ય પ્રાણના લક્ષણોનું વર્ણન પરમાત્માને જ જગતના કારણ બતાવવા કરાયું છે.
પ્રતિજ્ઞા સિદ્ધેઃ = એવું માનવાથી જ પહેલાંની પ્રતિજ્ઞાની સિદ્ધિ થાય છે તેથી
ઈતિ = એવું.
આશ્મરથ્ય = આચાર્ય આશ્મરથ્યનું મંતવ્ય છે.
ભાવાર્થ
એ ઉપનિષદમાં આરંભમાં અજાત શત્રુએ પ્રતિજ્ઞા કરેલી કે બ્રહ્મ વિશે કહીશ.’ ब्रह्म ते ब्रह्माणि । એ પ્રતિજ્ઞાની સિદ્ધિ પરમાત્માને જગતના કારણ તથા સર્વ શ્રેષ્ઠ કહી બતાવવાથી જ થઈ શકે છે. જીવ તથા પ્રાણનું વર્ણન તો પરમાત્માની સર્વશ્રેષ્ઠતાને બતાવવા માટે જ કરાવેલું છે. આચાર્ય આશ્મરથ્યનો એવો સુનિશ્ચિત અભિપ્રાય આ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યો છે.
—
२१. उत्क्रमिष्यत एवं भावादित्यौडुलोमिः ।
અર્થ
ઉત્ક્રમિષ્યતઃ = શરીરને છોડીને પરલોકમાં જનારા જ્ઞાનીનું.
એવં ભાવાત્ = એવી રીતે પરમાત્મામાં વિલીન થવાનું બીજે ઠેકાણે પણ કહ્યું છે તેથી.
ઈતિ = એવું.
ઔડુલોમિઃ = આચાર્ય ઔડુલોમિ માને છે.
ભાવાર્થ
આ સૂત્રમાં આચાર્ય ઔડુલોમિનો અભિપ્રાય દર્શાવવામાં આવે છે. એ અભિપ્રાય પ્રમાણે ઉપનિષદમાં બીજે સ્થળે બ્રહ્મજ્ઞાની પુરૂષ પરમાત્મામાં મળે છે એવું કહેવામાં આવ્યું છે. મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘સમુદ્ર તરફ વહેનારી સરિતાઓ જેવી રીતે પોતાના નામ રૂપને છોડીને સમુદ્રમાં મળી જાય છે તેવી રીતે જ્ઞાની મહાપુરૂષ નામ રૂપથી મુક્તિ મેળવીને સર્વોત્તમ દિવ્ય પરમ પુરૂષ કે પરમાત્માને પ્રીત કરે છે.’
यथा नद्यः स्यन्दमानाः समुद्रेङस्तं गच्छंति नामरूपे विहाय ।
तथा विद्वान् नामरूपाद् विमुत्कः परात्परं पुरूषमुपैति दिव्यम् ॥
એટલે જીવાત્મા તથા મુખ્ય પ્રાણનું વર્ણન જગતના સર્જન તથા વિસર્જનના કારણ પરમાત્માને બતાવવા માટે જ કરાયલું છે એવું એ આચાર્યનું પણ કહેવું છે.