Sunday, 22 December, 2024

Adhyay 2, Pada 1, Verse 22-23

146 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 22-23

Adhyay 2, Pada 1, Verse 22-23

146 Views

२२. अधिकं तु भेदनिर्देशात् ।

અર્થ
તુ = પરંતુ. 
અધિકમ્ = પરમાત્મા જીવ કરતાં અધિક છે.
ભેદનિર્દેશાત્ = પરમાત્મા તથા જીવાત્માનો ભેદ બતાવવામાં આવ્યો છે તેથી

ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ જીવ સુષુપ્તિ દશામાં બાહ્યાભ્યંતર જ્ઞાનથી શૂન્ય બનીને પરમાત્મા સાથે એક બને છે.’ એ પછી મૃત્યુ સમયની સ્થિતિનું વર્ણન કરતાં કહ્યું છે કે ‘પરમાત્માની સાથે જોડાયેલો આ જીવાત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રયાણ કરે છે.’

મુંડક તથા શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ જીવાત્મા તથા પરમાત્માના ભેદને સ્પષ્ટ રીતે સૂચવતાં એ બંનેને એક જ વૃક્ષની શાખા પર વિરાજેલાં બે વિહંગોની ઉપમા આપવામાં આવી છે. પરમાત્માને સર્વજ્ઞ, સ્વાત્મારામ અને જીવાત્માને અલ્પજ્ઞ અને અહંકારાદિથી પ્રેરાઈને પ્રકૃતિના વિવિધ વિષયોમાં આસક્તિ કરીને કર્મફળોનો ઉપભોગ કરનારો કહ્યો છે. ઉપનિષદમાં પરમાત્માને જાણવા, મનન કરવા અને ધ્યાન ધરવા યોગ્ય પણ કહી બતાવ્યા છે.

જો પરમાત્મા પોતે જ જીવાત્મા હોત, અને એમની વચ્ચે તલમાત્ર પણ તફાવત ના હોત, તો એવું વિભિન્ન પ્રકારનું ભેદભાવયુક્ત વર્ણન શા માટે કરવામાં આવત ? એ વર્ણન પરથી સુચારુ રૂપે, સ્પષ્ટતયા પ્રતીત થાય છે કે પરમાત્મા તથા જીવાત્મામાં ભેદ છે. જગતના સર્જક, પાલક અને સંહારક પરમાત્મા જીવાત્મા નથી પરંતુ જીવાત્મા કરતાં અધિક છે. એ જીવાત્માના અને સમસ્ત જગતના સૂત્રધાર, સર્વેશ્વર તથા સ્વામી છે. પરમાત્મા કારણ છે અને જીવાત્મા તથા જગત કારણ કારણથી કાર્ય અભિન્ન હોય છે. તેથી પરમાત્માને  ને જીવાત્માને અભિન્ન કહ્યા છે.

એનો અર્થ એવો નથી કે એ બંનેમાં મૌલિક રીતે કશો ભેદ જ નથી. પરમાત્મા જીવાત્મા કરતાં અનેક રીતે મહાન છે. જગત જેવી રીતે પરમાત્માનું કાર્ય હોવા છતાં પરમાત્મા કરતાં જુદું છે તેવી રીતે જીવાત્મા પણ પરમાત્માથી ભિન્ન છે. પરમાત્મા પૂર્ણ ને નિત્યમુક્ત છે ને જીવાત્મા અપૂર્ણ અને બધ્ધ વસ્તુતઃ પરિસ્થિતિ એવી હોવાથી પરમાત્માને માટે પોતાનું હિતકાર્ય ના કરવાનો, જન્મમરણના ચક્રમાં ના ફરવાનો ને વિષયોમાં આસક્ત બનવાનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો.


  
२३. अश्मादिवञ्च तदनुपपत्तिः ।

અર્થ
ચ = તથા
અશ્માદિવત્ = જડ પથ્થરાદી પેઠે (જીવાત્મા પણ પરમાત્મા કરતાં જુદા છે માટે.)
તદનુપપત્તીઃ = જીવાત્મા તથા પરમાત્માનો એકદમ એ ભેદ સિદ્ધ નથી થતો.
 
ભાવાર્થ
પરમાત્માની પ્રકૃતિને બે પ્રકારની કહી છેઃ અપરા અને પરા. અપરા પ્રકૃતિમાં પંચ મહાભૂત, મન તથા બુદ્ધિ અને અહંકારનો સમાવેશ થાય છે. પથ્થરાદિ પૃથ્વીતત્વના વિકારો અને અપરા પ્રકૃતિનાં પરિણામો છે અને પરમાત્મા સાથે મૂળભૂત રીતે સંકળાયેલા હોવા છતાં પરમાત્મા નથી પરંતુ બાહ્ય રીતે પરમાત્માથી પૃથક્ છે, તેવી જ રીતે પરમાત્માની પરા પ્રકૃતિ જીવના સંબંધમાં પણ સમજી લેવાનું છે.

પથ્થર, પૃથ્વી, સમસ્ત પ્રકૃતિ ને જગત મૂળભૂત રીતે પરમાત્મામાંથી પ્રકટેલ, પરમાત્મા સાથે સંબંધ રાખનાર અને પરમાત્મામય હોવા છતાં પૂર્ણપણે પરમાત્મા નથી. પરમાત્મામાં અને એમનામાં વ્યવહારિક ભેદ છે. પથ્થરને પરમાત્મામય કહી શકાય પરંતુ પરમાત્મા ના કહેવાય. તેમાં પરમાત્માના વિલક્ષણ ગુણધર્મો નથી દેખાતા. જીવ પણ તેવી રીતે પરમાત્માના ગુણધર્મોથી રહિત હોવાથી પરમાત્મા છે એવું ના કહી શકાય. પરમાત્મા એના કરતાં અતિશય વિલક્ષણ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *